ગઈ કાલે કહ્યું એમ રાહુલ ગાંધી મંદિરે મંદિરે ફરશે અને પૂજા-આરતી કરશે તો પણ કોમવાદી માનસ ધરાવતા હિન્દુઓ પાછા ફરવાના નથી. તેઓ દ્વેષ અને ભયથી પીડિત છે અને વાડે બંધાઈ ગયા છે. તેમનો છૂટકારો ત્યારે થશે જ્યારે નકલી રાષ્ટ્રવાદનું અસલી સ્વરૂપ જોવા મળશે જે રીતે ઇટાલિયનો અને જર્મનોને ગઈ સદીમાં જોવા મળ્યું હતું.
રાહુલ ગાંધી માટે વિચારવા માટેનો સવાલ એ છે કે આવા હિન્દુઓ કેટલા? જો ભારતના બહુમતી હિન્દુઓ કોમવાદી હોત તો ભારતના વિભાજન પછી પહેલી સરકાર ભારતીય જન સંઘની બની હોત. ૧૯૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં જન સંઘને ત્રણ ટકા મત માંડ મળ્યા હતા અને કૉન્ગ્રેસને ૪૫ ટકા મત મળ્યા હતા. એ પછી ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭, ૧૯૭૧, ૧૯૮૦, ૧૯૮૪ એમ એક પછી એક ચૂંટણીનાં પરિણામો જોઈ લો; ભારતીય જન સંઘ કે ભારતીય જનતા પાર્ટીને ક્યારે ય ગણનાપાત્ર મત અને બેઠકો મળી નહોતી. ૧૯૮૯ પછી બાબરી મસ્જિદનો કાંડ સળગાવ્યા પછી પણ બી.જે.પી.ને બહુમતી મળી નહોતી, બલકે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની વિધાનસભાઓની ચૂંટણીમાં પરાજય થયો હતો. યાદ રહે, કૉન્ગ્રેસના પાપ છાપરે ચડીને પોકારતાં હોવાં છતાં. ૨૦૦૯માં કૉન્ગ્રેસને બીજી તક મળી હતી જે ૧૯૮૪ પછીની પહેલી ઘટના છે. ૧૯૯૯માં યુ.પી.એ.ની સરકાર બીજી વાર આવી હતી, પરંતુ એનું મહત્ત્વ એટલા માટે નથી કે આગલી સરકાર ૧૩ મહિનામાં તૂટી ગઈ હતી એટલે ફરીવારની ચૂંટણીમાં લગભગ એક સરખાં પરિણામ આવ્યાં હતાં.
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ કોમવાદને કાર્પેટ તળે ધકેલી દીધો હતો અને તેની જગ્યાએ ‘સબ કા સાથ; સબ કા વિકાસ’ તેમ જ ‘અચ્છે દિન આયેગા’ના વાયદા કર્યા હતા. વિકાસ અને વીરતાના બહુ મોટાં સપનાં ગૂંથ્યા હોવા છતાં બી.જે.પી.ને ૩૧ ટકા કરતાં વધુ મત નહોતા મળ્યા. એક જમાનામાં બદનામ કૉન્ગ્રેસને મળતા હતા એના કરતાં ધોળા બાસ્તા જેવી ઉજળી હોવાનો દાવો કરનાર બી.જે.પી.ને ઓછા મત મળ્યા હતા. આમ કેમ હતું? રાહુલ ગાંધીએ ક્યારે ય વિચાર્યું છે?
આવું એટલા માટે બન્યું કે ભારતમાં કોમવાદી હિન્દુઓ કરતાં ઉદારમતવાદી હિન્દુઓની સંખ્યા હંમેશાં વધારે રહી છે. ભારતના વિભાજનના કારમાં દિવસોમાં પણ હિન્દુઓએ વિવેક નહોતો ગુમાવ્યો. વિભાજન વખતે થતી હિંસાની વચ્ચે ભારતે આધુનિક બંધારણ ઘડીને આધુનિક રાજ્યની રચના કરી હતી અને ૧૯૫૨ની પહેલી સામાન્ય ચૂંટણીમાં ભારતનાં અભણ બહુમતી હિન્દુ મતદાતાઓએ આધુનિક બંધારણ અને આધુનિક રાજ્યને માન્યતા આપી હતી. આખા જગતમાં આવી પ્રજા બીજે ક્યાં ય નહીં મળે. ભારત એક અનોખો દેશ છે અને એ મુખ્યત્વે હિન્દુઓના કારણે. આ હિન્દુઓની કાયરતા નથી, હિન્દુઓનો વિવેક છે. ભારતની સંસદ પર હુમલો થાય કે મુંબઈ શહેર પર ત્રાસવાદીઓ હુમલો કરે, ભારતનાં બહુમતી હિન્દુઓએ વિવેક નથી ગુમાવ્યો. ગાંધીજીની હત્યા પછી હિન્દુઓએ એટલી શરમ અનુભવી હતી કે વિભાજનની હિંસા તો થંભી ગઈ, પણ બીજાં વીસ વરસ – આગ ચાંપવાના ભરપૂર પ્રયત્નો કરવામાં આવ્યા હોવા છતાં – ભારતમાં મોટાં કહી શકાય એવાં કોમી હુલ્લડો નહોતાં થયાં.
તો રાહુલ ગાંધીએ પહેલી વાત એ સમજી લેવાની જરૂર છે કે ભારતનાં બહુમતી હિન્દુઓ ઉદારમતવાદી છે. એટલે તો ૨૦૧૪માં કોમવાદને કાર્પેટ તળે ધકેલી દેવામાં આવ્યો હોવા છતાં અને દરેક પ્રકારનાં સપનાં બતાવવામાં આવ્યાં હોવાં છતાં બી.જે.પી.ને ૬૯ ટકા ભારતીય મતદાતાઓના મત નહોતા મળ્યા. એ ૬૯ ટકા ભારતીય નાગરિકોમાં ૮૦ ટકા હિન્દુ હશે. શા માટે? કારણ કે તેમને વિકાસનાં સપનાંઓ ભર ભરોસો નહોતો. તેમને ખાતરી હતી કે આ દેખાવ છે અને અસલી એજન્ડા હિન્દુત્વ છે. આ ઉપરાંત જે તે રાજ્યોમાં જ્ઞાતિનાં, ભાષાનાં અને બીજાં કારણો હતાં. બી.જે.પી.ની ભારતનાં દક્ષિણનાં રાજ્યોમાં અને પશ્ચિમ બંગાળમાં કોઈ અસ્તિત્વ જ નથી. આ રાજ્યોની કુલ મળીને સો કરતાં વધુ બેઠકો થાય છે.
૨૦૧૪માં બી.જે.પી.ને જે ૩૧ ટકા મત મળ્યા હતા, એમાંથી ઘણી મોટી સંખ્યામાં મતદાતાઓ એવા હતા જેમણે વિકાસની વાતોથી ભોળવાઈને મત આપ્યા હતા. હિન્દુઓની ક્યાં વાત કરો છો, મુસલમાનોએ ભોળવાઈને મત આપ્યા હતા. ભોળવાયેલાઓનું પ્રમાણ કેટલું હતું એ કહેવું મુશ્કેલ છે, પણ ખાસું મોટું હોવું જોઈએ. આ મતદાતાઓ ૨૦૧૯માં બી.જે.પી.ને મત આપીને ફરી વાર છેતરાય એ શક્ય નથી. બી.જે.પી. પણ આ જાણે છે એટલે એ પણ ભયભીત છે. હિન્દુ વિરુદ્ધ બીજાની સમાજમાં તિરાડો પાડવાની રમત શરૂ થઈ છે એ આ ભયનું પરિણામ છે. તેમને ખબર છે કે હવે કેટલાક મતદાતાઓ છેતરવાના નથી.
ઘટ લાવવી ક્યાંથી એ બી.જે.પી. સામેનો સવાલ છે અને ઉમેરણ લાવવું ક્યાંથી એ કૉન્ગ્રેસ સામેનો સવાલ છે. હવે વિકાસની વાતો કરવાથી ઘટ પુરાય એવી કોઈ શક્યતા નથી એ બી.જે.પી.ને સમજાઈ ગયું છે. નથી સમજાતું રાહુલ ગાંધીને અને કૉન્ગ્રેસને. તેઓ એમ માને છે કે મંદિરોમાં આંટા મારવાથી ઉમેરણ થશે.
આ ખોટી ગણતરી છે. તેમણે સમજી લેવું જોઈએ કે બી.જે.પી.ના વાડામાં અથવા કૉન્ગ્રેસની વિરુદ્ધમાં ત્રણ પ્રકારના મતદાતાઓ છે :
૧. એવા હિન્દુ મતદાતાઓ જે કોમવાદી માનસ ધરાવે છે અને તેઓ રાહુલ ગાંધી ગમે એટલા મંદિરોના આંટા-ફેરા મારે એનાથી પ્રભાવિત થવાના નથી. દેખીતી વાત છે; રાહુલ ગાંધી ગમે એટલા હિન્દુ બને, તેઓ ઠેકેદાર બની શકે એમ નથી.
૨. એવા મતદાતાઓ જે તાજેતરનાં વર્ષોની ઘટનાઓને કારણે મુસ્લિમ વિરોધી માનસ ધરાવે છે. તેઓ હિન્દુ કોમવાદી નથી. હિન્દુ રાષ્ટ્રવાદી તો જરા ય નથી. તેઓ બહુમતી કોમવાદનો ભય ઓળખે પણ છે; પરંતુ તેમને ઉદારમતવાદી મુસલમાનોની ત્રાસવાદ સામેની ચુપકીદી સામે ચીડ છે. તેઓ એમ માને છે કે ઘરની બહાર સેક્યુલર તરીકે જીવવાની ફરજ શું એકલા હિન્દુઓની છે?
૩. એવા હિન્દુ (અને અન્ય ધર્મી સુદ્ધાં) જેઓ કૉન્ગ્રેસ માટે ચીડ ધરાવે છે. ચીડનાં ત્રણ કારણો મુખ્ય છે; ભ્રષ્ટાચાર, સગાંવાદ અને પક્ષપાતી સેક્યુલરિઝમ. લઘુમતી કોમના મત મેળવવા માટે કૉન્ગ્રેસ લઘુમતી કોમના થાબડભાણા કરે છે એવો તેમનો આરોપ છે. આ ત્રણેય કારણો રોકડી હકીકત છે.
હવે સ્થિતિ કાંઈક આવી છે : બી.જે.પી.ને તેના સાફલ્યટાણે જે ૩૧ ટકા મત મળ્યા હતા એમાં અંદાજે દસથી ૧૨ ટકા મત ભોળવાયેલાઓના હશે. આ આંકડો બી.જે.પી.ના ૨૦૧૪ પહેલાંની ચૂંટણીઓમાં મળેલા મતોના આધારે અડસઠે કાઢી શકાય. એ પછી જે વીસ ટકા મતદાતા બચે છે એમાં અડધો અડધ અને કદાચ તેનાથી પણ વધુ મતદાતાઓ મુસ્લિમ વિરોધી અને કૉન્ગ્રેસ વિરોધી હશે. આ દેશમાં હાર્ડકોર હિન્દુત્વવાદી બે આંકડામાં પણ નથી એ શું ઓછી હરખાવાની વાત છે? આ બધા આંકડા મતપેટીમાં પડેલા મતોના છે. દેશના ત્રીજા ભાગના મતદાતાઓએ તો મતદાન કર્યું પણ નહોતું. રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસને આ વાત નથી સમજાતી? એમ લાગે છે કે નથી સમજાતી.
બી.જે.પી. ઘટ ક્યાંથી લાવવી એની તજવીજમાં છે એટલે રામલલ્લાને ફરી યાદ કરવામાં આવી રહ્યા છે અને દેશમાં ઊભી તિરાડો પાડવામાં આવી રહી છે. બી.જે.પી.ની રણનીતિ બહુ સ્પષ્ટ છે. કૉન્ગ્રેસને જો ઉમેરણ કરવું હોય તો એ બી.જે.પી.ની ટોપલીમાં પડેલા મુસ્લિમ વિરોધીઓના અને કૉન્ગ્રેસ વિરોધીઓના મત છે. એ મત પાછા મેળવી શકાય એમ છે; પણ એ મંદિરોમાં જવાથી કે ટીલાં-ટપકાં કરવાથી મળવાના નથી. એને માટે જુદી જહેમત કરવી પડે એમ છે જેની વાત આવતી કાલે.
સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 25 નવેમ્બર 2018