વડીલ નેટ મિત્ર ઉત્તમ ગજ્જરે વોટ્સ એપ પર એક અંગ્રેજી વાર્તા મોકલી અને ગમી ગઈ. સંચાયનના અતિરેકના આ જમાનામાં – જ્યારે ભીડની વચ્ચે પણ માણસ એકલતા અનુભવી રહ્યો છે – માણસ જ ખોવાઈ ગયો છે – એ કાળમાં આ વાર્તા હૃદયના એક ખૂણાને ઢંઢોળીને જગાડી જાય છે. કદાચ ગુજરાતી વાચકની અંદર સૂતેલા એ જણને જગાડી જાય, એવા ભાવ સાથે એ કથાનો ગુજરાતીમાં આ ભાવાનુવાદ, આ ઘંટડી પ્રસ્તુત છે –
*******
છાપું નાંખી જનાર એ ફેરિયાએ કમને એ ઘરની ઘંટડી વગાડી.
છાપાં નાંખવાનું કામ કરતા વેપારીને ત્યાં એ નોકરી કરતો હતો, અને આ ઘેર એ પહેલું છાપું નાંખવા આવ્યો હતો. તેને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે, ‘ઘરની ઘંટડી વગાડી, મકાન માલિકને હાથોહાથ છાપું આપવાનું છે.’
ઘરના બારણાંની બાજુમાં આવેલી પત્ર-પેટીમાં (Mail box) કાગળ નાંખવાની પટ્ટી જડબેસલાક રીતે બંધ કરેલી હતી.
થોડીક વારે ઘરડા ખખ મકાન માલિકે બારણું ખોલ્યું. ફેરિયાના ચહેરા ઉપર અકળામણ અને ચીઢ સ્પષ્ટ રીતે જણાઈ આવતી હતી. એ ભાવની સૂચક આંખો જોઈ કાકાએ પૂછ્યું, ” કેમ, ભાઈ, તમારે કાંઈક તકલીફ છે?”
અને એણે આમ ઘંટડી વગાડી છાપું આપવા વિશે આક્રોષ વ્યક્ત કરી જ દીધો.
“આમ ઘંટડી વગાડવાનું કહો છો, એના કરતાં આ મેલ બોક્સ ખુલ્લું રાખતા હો, તો તમારો અને મારો બન્નેનો સમય બચી જાય ને? “
કાકા – “મેં જાણી જોઈને એ સૂચના આપી છે. એ માટે વધારાનો ચાર્જ પણ તમને હું આપવાનો છું.”
“પણ શા માટે આટલી બધી કારણ વગરની જફા?”
કાકા – “એક દિવસ આવશે કે, તમે ઘંટડી વગાડશો અને હું ખોલી શકીશ નહીં. આથી તમે પોલિસને બારણું ખોલવા બોલાવશો.”
“કેમ એમ?”
કાકાએ સજળ આંખો સાથે કહ્યું, “મારી આંખે મોતિયો છે, અને હું છાપું વાંચવાનો પણ નથી. પણ દરરોજ આ ઘંટડીનો અવાજ સાંભળવો મને ગમે છે.”
ફેરિયાએ આશ્ચર્ય મિશ્રિત ગુસ્સા સાથે કહ્યું ,”ખરા છો તમે!”
કાકા – “તમે આમ ઘરની અંદર આવો અને મારી સાથે ચપટીક વાત કરો, એ માટેની આ વ્યવસ્થા મેં જાણી જોઈને કરી છે. મારી પત્ની અવસાન પામી છે અને અમારો એકનો એક દીકરો પરદેશ રહે છે. જો હું બારણું ન ખોલું, તો એનો આ ફોન નંબર પોલિસને જરૂર આપશો.”
અને ફેરિયાની આંખોમાંથી પણ અણમોલ મોતી સરી પડ્યાં.
******
અલબત્ત આ કાલ્પનિક કે, સાચી કથા આપણી આંખોને સજળ કરી દે છે. પણ એકલતા વિશેનો આ જણનો એક અનુભવ કદાચ વાચકને થોડીક સાંત્વના આપી જાય –
આજે સવારે પાર્કમાં ગયો; અને બાંકડા પર બેઠો. એક વૃદ્ધજન એના કૂતરાને ફેરવી રહ્યો હતો. થોડીવારે એ બન્ને વિદાય થઈ ગયા.
હું પાર્કમાં સાવ એકલો બેસી રહ્યો.
શું ખરેખર હું એકલો હતો?
ચારે બાજુ ઊંચા ઝાડ હવામાં ઝૂલી રહ્યાં હતાં. બાજુમાં મનને હરી લે તેવી, લીલી કુંજાર વિલસી રહી હતી. દૂર નાનકડા તળાવમાં બતકો અને હંસ તરી રહ્યાં હતાં.
એક ખિસકોલી સરકી, અને ભોય પડી રહેલા બ્રેડના સૂકા ટૂકડાને બે હાથે પકડી, ખાવા લાગી. ત્યાં એક પક્ષીએ ઘાસમાં ઊતરાણ કર્યું; અને એના ખોરાક – જીવડાંને ગોતવા લાગ્યું. થોડી થોડી વારે, એની ચાંચ હલતી દેખાઈ. જરૂર એને ભક્ષ્ય મળી જતું હતું.
કેટકેટલાં જીવન વિલસી રહ્યાં હતાં? કેટકેટલાં હોવાપણાં ધબકી રહ્યાં હતાં; શ્વસી રહ્યાં હતાં?
અને હું માનતો હતો કે, હું એકલો છું!
હો ભીડમાં જ સારું બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય.
સામે મળી જવાય તો બીજું તો કંઇ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.
– આદિલ મન્સુરી
e.mail : surpad2017@gmail.com