Opinion Magazine
Number of visits: 9447245
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જીન શાર્પ

આશા બૂચ|Opinion - Opinion|7 March 2019

ગાંધી – એક વિશ્વ માનવ શ્રેણી : મણકો – 6

ભારતની પુણ્ય ભૂમિ પર ધર્મ અને સંસ્કૃતિના પાયા નંખાયા અને એ વારસો હજારો વર્ષથી સંચિત થયેલો છે. ગાંધીજીએ પોતાના જીવન કાર્ય દ્વારા એ જ સનાતન મૂલ્યોની પુન: ઉદ્દઘોષણા કરી. એ મહા પુરુષના જીવન અને કાર્યથી સીધી અથવા આડકતરી રીતે પ્રભાવિત થઈને તેમના જીવન કાળ દરમ્યાન અને ત્યાર બાદ પણ ભારત અને દુનિયાના કલ્પી ન શકાય તેવા પ્રદેશોમાં અન્યાય, અસમાનતા, શોષણયુક્ત સમાજરચના વગેરે જેવી સમસ્યાઓને હલ કરવા માટે અનેક કર્મશીલોએ ગાંધી માર્ગને જાણ્યે અજાણ્યે પોતપોતાના દેશ-કાળના સંદર્ભે અમલમાં મૂક્યાની પારાવાર કહાણીઓ મળી આવે. તેવા જ એક કર્મવીરની આ કહાણી માંડવી  છે.

જીન શાર્પ [Gene Sharp], એક વિદ્વાન અને અહિંસાના હિમાયતીનું 90 વર્ષની જૈફ ઉંમરે બોસ્ટન માસેચ્યુસેટ્સમાં 28 જાન્યુઆરી 2018માં અવસાન થયું. આ વિરલ વ્યક્તિની જીવન સફર કઇંક નિરાળી હતી. ઓહાયો યુનિવર્સટીમાંથી ‘અહિંસા-એક સામાજિક અભ્યાસ’ વિષય સાથે એમ.એ.ની ઉપાધિ મેળવી ત્યારથી જ એમના જીવન અને કાર્યની દિશા કઈ હશે તે નિશ્ચિત થઇ ચૂકેલું.

અભ્યાસ પૂરો કર્યા બાદ, જીન શાર્પે મજૂર અને માળી તરીકે કામ કર્યુ. અમેરિકાના જાણીતા શાંતિપ્રેમી A. J. Musteના સેક્રેટરી તરીકે કામ કર્યું, તે દરમ્યાન તેમણે ગાંધીજીના ત્રણ મુખ્ય સત્યાગ્રહો વિષે અભ્યાસ કર્યો. ગાંધીજીનો ભારતમાં કરેલ પ્રથમ સત્યાગ્રહ ચંપારણના ગળીના ખેડૂતોનો સત્યાગ્રહ, 1930નો મીઠાનો સત્યાગ્રહ અને 1948માં કોમી હિંસા સામે કરેલ અંતિમ અનશન એ ત્રણેય ઘટનાઓને ઝીણવટથી તેમણે તપાસ્યા જે ‘Gandhi Wields the Weapon of Moral Power’  શીર્ષક હેઠળ પ્રકાશિત થયા. શીર્ષકમાં ઉપયોગમાં લીધેલ શબ્દ ‘પાવર’ શાર્પ માટે મહત્ત્વનો હતો, કેમ કે તેમણે આગળ જતાં ઉલ્લેખ કરેલો તેમ ખરી સત્તા પ્રજા પાસે હોય છે અને તેથી જ સત્તાની દમનકારી શક્તિને રોકવા માટે લોકશક્તિનો વિવેકપૂર્વકનો વિનિયોગ એ અહિંસક લડાઈ માટે અંત્યત મહત્ત્વનું પાસું છે.

શાર્પ માસેચ્યુસેટ્સ ડાર્ટમથ યુનિવર્સટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર રહી ચૂક્યા છે. તે ઉપરાંત તેમની કારકિર્દીનો વ્યાપ બ્રિટનના પીસ ન્યૂઝના તંત્રી, ઓસ્લોના ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ રિસર્ચ સાથે સાજેદારી, હાર્વર્ડ યુનિવર્સીટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ અફેર્સના એસોસિએટ રિસર્ચર (જ્યાં તેમણે ત્રણ દાયકાઓ સુધી સેવાઓ આપી) સુધી ફેલાયેલો રહ્યો. તેમના સંશોધનોમાંથી લાધેલા મોતીમાંનું એક તે 1973માં પ્રકાશિત થયેલ The Politics of Nonviolent Action. તેના ત્રણ ગ્રંથો : 1. પાવર એન્ડ સ્ટ્રગલ, 2 ધ મેથડ ઓફ નોનવાયોલન્ટ એક્શન અને 3. ધ ડાયનેમિક્સ ઓફ નોનવાયોલન્ટ એક્શન, આપણને અહિંસક પદ્ધતિના 198 પ્રકારો વિષે સમજ આપી જાય છે. આ તબક્કામાંથી પસાર થયા બાદ શાર્પ ભારતીય સંસ્કૃતિ અને હિન્દી ભાષા પ્રયોગથી થોડા હઠીને વાત કરવા લાગ્યા. તેઓ વધુ વિશ્વવ્યાપી અને વ્યવહારલક્ષી અહિંસાનો સંદેશ આપવા માંગતા હતા. અહિંસામાં શાર્પની શ્રદ્ધા ગજબની હતી. 1953-54 દરમ્યાન કોરિયન લડાઈમાં ભરતી થવાના વિરોધ બદલ શાર્પને નવ મહિનાની જેલની સજા થયેલી. તેમણે આલ્બર્ટ આઈન્સ્ટાઈન પરના પત્રમાં પોતાના આ નિર્ણય વિષે ચર્ચા કરેલી.

વર્ષો જતાં શાર્પના વિચારોનો પ્રસાર માત્ર તેમના લખાણો દ્વારા જ નહીં, પરંતુ આ વિષયમાં રસ ધરાવતી વ્યક્તિઓ અને સમૂહોને મળીને અને જાહેર પ્રવચનો આપીને વધુ થયો. અહિંસાની વાત તેઓએ લશ્કરી અધિકારીઓ અને રાજકારણીઓ સુધી પણ પહોંચાડી, જેઓ સામાન્ય રીતે એ વિચારને પોતાનું પદ અને સત્તા ટકાવી રાખવા ઢુકડો પણ ન આવવા દે. એ જાણવું પણ રસપ્રદ થશે કે શાર્પના વિચારો લોકશાહીની તરફેણમાં માનનારાઓ અને હિંસાને ખાળવાની કોશિશ કરનારા બાલ્ટીક રાજ્યો, સર્બિયા, બર્મા, ઇજિપ્ત, પેલેસ્ટાઇન, હોંગ કોંગ (કે જ્યાં સશસ્ત્ર સંઘર્ષો વ્યાપક પ્રમાણમાં થયેલા) અને અન્ય સ્થળોએ રચાયેલ સંગઠનોને આકર્ષી શક્યા. વાચકો પૂછી શકે કે આમ છતાં એ તમામ સ્થળોએ આટલી હિંસા કેમ થઇ? તો એમ વિચારવું રહ્યું કે જીન શાર્પ જેવા અહિંસક વિચારના પ્રણેતાઓના વિચારો એટલા જૂજ લોકો સુધી પણ પહોંચ્યા તો કમ સે કમ એટલા લોકો તો હિંસક પ્રવૃત્તિથી દૂર રહ્યા. 2011માં ટ્યુનિસિયામાં શરૂ થયેલ આરબ સ્પ્રિંગમાં પણ શાર્પના વિચારોનો થોડો ઘણો ફાળો રહ્યો છે. ટ્યુનિસિયા અને તેને અનુસરીને થયેલ બીજી ચળવળો હિંસક બનાવોમાં પરિણમી  તેની પાછળ જે તે દેશની પ્રજાએ અહિંસક લડતના તમામ નિયમોનું પાલન ન કર્યું એ કારણ જવાબદાર છે, નહીં કે શાર્પના અહિંસાના વિચારોની નિરર્થકતા.

જીન શાર્પે 1983માં નહીં નફા નહીં નુકસાન પર આધારિત આલ્બર્ટ આઈન્સ્ટાઈન ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી જેનો હેતુ અહિંસક ચળવળોનો વિશદ અભ્યાસ આગળ વધારવાનો અને દુનિયામાં જ્યાં પણ સંઘર્ષો ઊભા થાય ત્યાં તે શસ્ત્રના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાથે જીન શાર્પને વૈચારિક આપ-લે પણ થતી હતી. આઈન્સ્ટાઈને ગાંધી વિષે શાર્પે લખેલ પ્રથમ પુસ્તકની પ્રસ્તાવના લખી આપી હતી.

જીન શાર્પના પુસ્તક The Politics of Nonviolent Action કે જે તેમના પીએચ.ડી.ના મહા નિબંધ પર આધારિત લખાયેલ; તેની પાદપૂર્તિમાં શાર્પ પોતાના વિચારોનો સ્ત્રોત એમ.કે. ગાંધી, એ.જે. મસ્ટ અને હેન્રી ડેવિડ થૉરોના વિચારોમાં થોડે ઘણે અંશે છે તેમ આલેખે છે.

જીન શાર્પની માન્યતા હતી કે સત્તાધારીનો પ્રજા પર સત્તા ભોગવવાનો અધિકાર જન્મદત્ત નથી હોતો. તેમના મતે ખરી સત્તા અને શક્તિ જેમાં રાજકીય સત્તા કોઈ પણ રાજ્યની હોય – પછી ભલે તેનો ઢાંચો કોઈ પણ પ્રકારનો હોય – તે આખર તો તેની પ્રજા પાસે જ હોય છે. આથી જ તો દરેક સત્તાનું માળખું તેની પ્રજાની તેના શાસક પ્રત્યેની આજ્ઞાંકિતતા ઉપર જ ટકતું હોય છે. જો પ્રજા રાજાની આજ્ઞાનું પાલન ન કરે, તો શાસક પાસે કોઈ સત્તા ન ટકે.  ગુલામી પ્રથા હો કે શ્વેત-અશ્વેત વચ્ચે ભેદભાવ હો; વિદેશી શાસનનું શોષણ યુક્ત શાસન હો કે પોતાના જ દેશના અન્યાયી કાયદાઓ હો, ક્યારે ય પણ કોઈ સરકારે પ્રજાના હિતમાં પરિવર્તન કર્યાના કિસ્સા જાણમાં નહીં આવે. હંમેશ કોઈ એકલ વીર કર્મશીલની પ્રેરણા અને માર્ગદર્શનથી પીડિત, દમિત અને અન્યાયનો ભોગ બનેલ સમૂહ મોટી સંખ્યામાં એકજૂટ બની જે તે કાયદા, નિયમો કે માન્યતાનો સામૂહિક અસ્વીકાર કરે ત્યારે જ પ્રજાની તરફેણમાં ચુકાદો આવતો હોય છે. આપણે જાણીએ છીએ કે રાજ્ય પાસે પોતાની પ્રજા-નાગરિકોને પોતાની આજ્ઞાઓના અંકુશમાં રાખવાની એક ક્લિષ્ટ માયાજાળ હોય છે જેમ કે પોલીસ, ન્યાયાલયો, નિયમન રાખનારાં સંગઠનો વગેરે. પણ સાથે સાથે તેમાં સાંસ્કૃતિક અભિગમ પણ ઉમેરવામાં આવે છે, જેનાથી લોકો માનતા થાય કે સત્તા ઈશ્વરદત્ત છે; ઉદાહરણ તરીકે ઇજિપ્તના ફેરો, પ્રેસિડન્ટની સત્તા, નૈતિક મૂલ્યો અને ધાર્મિક આજ્ઞાઓ તેમ જ નિષેધો. આ વ્યવસ્થાઓ મારફત જ પ્રજાને કારાવાસ, દંડ, બહિષ્કાર વગેરે જેવી પ્રતિબંધિત સજાઓ કરવામાં આવે છે. તો સામે પક્ષે ઇલ્કાબો, જાયદાદો અને સંપત્તિના અધિકારો રૂપી માન-અકરામ પણ આપવામાં આવે છે; જે પ્રજાને પોતાના તાબામાં રાખવાની એક પ્રકારની તરકીબ જ છે.

શાર્પના પુસ્તક (2005) Waging Nonviolent Struggle: 20th Century Practice and 21st Century Potentialમાં તેમણે અહિંસક માર્ગ અપનાવાયા હોય તેવા કિસ્સાઓની છણાવટ કરી છે તેમ જ એ ચળવળોમાંથી શીખવા મળતા પાઠો આપણી સામે ધરે છે. તે ઉપરાંત અહિંસક ચળવળોને વધુ અસરકારક અને સફળ બનાવવા માટે કેવા પ્રકારનું આયોજન જરૂરી છે તેનું ય માર્ગદર્શન આપેલું છે. અહિંસક માર્ગનું આટલું વિશદ વિશ્લેષણ અને પદ્ધતિસરની છણાવટ બહુ જૂજ કર્મશીલો પાસેથી મળી આવે છે. આથી જ તો શાર્પને કદાચ અહિંસાના મૅકિયાવેલી તરીકે બિરદાવવામાં આવ્યા. એક એવો દાવો પણ કરવામાં આવે છે કે જીન શાર્પના આ વિશેષ જ્ઞાનની અસરો દુનિયાના અન્યાય અને શોષણ સામે પ્રતિકાર કરનારા ઘણા સંગઠનો પર પડી છે. તેમના કાર્યોએ સર્બિયા સ્થિત અહિંસક સંઘર્ષ તાલીમ કેન્દ્ર Centre for Applied Nonviolent Action and Strategiesને – કે જેણે ઇજિપ્તના પ્રેસિડેન્ટ મુબારકને પદભ્રષ્ટ કર્યા – આદર્શ પૂરો પડ્યો છે. આ સમયગાળા પહેલાં કેટલાક પૂર્વ યુરોપના દેશોમાં અને IRAના  કેટલાક સભ્યોએ પણ શાર્પના વિચારો અને કાર્યો વિષે અભ્યાસ કર્યાનું નોંધાયું છે.

જે દેશની ગાંધીજીએ કદી મુલાકાત નહોતી લીધી તેવા અમેરિકામાં જન્મીને ઉછરેલ જીન શાર્પમાં અહિંસા અને સત્યાગ્રહના બીજ કોઈ વાયરા દ્વારા વવાઈ ગયાં અને જીવન પર્યન્ત દેશ-વિદેશમાં અનેકાનેક લોકોને હિંસાનો વિકલ્પ પૂરો પાડ્યો.

જીન શાર્પને વંદન.

(મુખ્ય સ્ત્રોત ગાંધી ફાઉન્ડેશન યુનાઇટેડ કિંગ્ડમ દ્વારા પ્રકાશિત સામયિક ‘ધ ગાંધી વે’)

23/02/2019

e.mail : 71abuch@gmail.com

Loading

7 March 2019 admin
← નહીં કશું ગુમાવવું ફકત શૃંખલાબેડીઓ
દુનિયાની સૌથી મોટી રોજગાર યોજના મનરેગા નો મૃત્યુઘંટ વાગશે ? →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved