Opinion Magazine
Number of visits: 9447847
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગરજ ગરજ વરસો જલધર

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|21 June 2018

હૈયાને દરબાર

ગરજ ગરજ વરસો જલધર
દીપકથી દાઝેલા તનને
શીતળ જળથી પરસો
ગરજ ગરજ વરસો જલધર

તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે
આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?
ગરજ ગરજ વરસો જલધર

પરદુ:ખમાં થઈને દુખિયારા
લઈએ ખોળામાં અંગારા
જલતાને ઠારો તો જુગ જુગ
ઠાર્યાં એવાં ઠરશો
ગરજ ગરજ વરસો જલધર

ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો
થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો… આવો
ગરજ ગરજ વરસો જલધર

કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો
ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો … આવો
ગરજ ગરજ વરસો જલધર

• ગીતકાર : કાંતિ અશોક • સંગીતકાર : મહેશ-નરેશ • ગાયિકા : આશા ભોસલે, ઉષા મંગેશકર

https://www.youtube.com/watch?v=jVYzqzXnsto

——————————–

મેઘરાજાની પધરામણી બાઅદબ, બામુલાહિજા થઈ ગઈ છે. મન ગાતું અને તન થિરકતું થઈ જાય એવા માહોલમાં ક્યાંક ’જિયરા રે ઝૂમે ઐસે જૈસે બનમા નાચે મોર’નો કેકારવ સંભળાય છે તો ક્યાંક ભીગી રાતોમાં, ભીંજાયેલા બદનની મદહોશી અંગડાઈ લઈ રહી છે. કોઈ વિરહિણી ‘મેઘા છાયે આધી રાત બૈરન બન ગઈ નિંદિયા’… ગીતમાં પટદીપના સ્વરો ગૂંથીને પ્રિયતમના આગમનના ઈન્તજારમાં છે તો કોઈ નસીબનો પાધરો આવી ગયેલી પ્રિયતમા પાછી જ જઈ ન શકે એટલે વર્ષારાણીને પુકારી રહ્યો છે કે, ‘બરખા રાની જરા જમ કે બરસો, મેરા દિલબર જા ન પાયે ઝૂમ કર બરસો’…!

પરંતુ, અમે તો આજે જુદા જ મૂડમાં છીએ. વરસાદી વાતાવરણ અને સંગીત. આ બન્નેનું કાતિલ કોમ્બિનેશન હોય પછી અમે ઝાલ્યાં રહીએ? એમાં વળી આજે ‘વર્લ્ડ મ્યુિઝક ડે’ છે. ફ્રાન્સની કલાનગરી પેરિસમાં ૧૯૮૨માં આ દિનની ઉજવણી શરૂ થઈ હતી. આ દિવસે સંગીતમય થઈને બધાં દુ:ખ, સર્વ પીડાભૂલી જવાનો મુખ્ય હેતુ હતો. તેથી જ વિશ્વના લગભગ ૧૨૦ દેશના સંગીતકારો-કલાકારો ૨૧ જૂને શેરીઓ, ચોક, ચૌરાહા, બાગ-બગીચા જેવાં જાહેર સ્થળોએ ઊતરી આવીને નિ:શુલ્ક સંગીત પિરસે છે ને સંગીતરસિયાઓ આખો દિવસ ફ્રી મ્યુિઝકનો આનંદ માણે. આપણે ત્યાં હજુ ‘વિશ્વ સંગીત દિન’નો મહિમા બહુ નથી, પરંતુ સંગીતપ્રેમીઓ માટે તો બારે માસ ‘મ્યુિઝક ડે’ જ છે. અમારા ઘરની નજીક એક અદ્દભુત વિશાળ બગીચો છે- નામ એનું નેશનલ પાર્ક.

વિશ્વસંગીત દિનને સાર્થક કરવા અમે પણ મ્યુિઝકલ મિત્રો સાથે મળીને ઝાડ-પાન, ઝરણાં અને બારિશની બૂંદોનાં સંગીત સાથે ત્યાં જઈને ગુનગુનાવાનાં છીએ. અમારી આ ફ્રી કોન્સર્ટમાં કોયલરાણીને પંચમ, મોરલાને મધ્યમ, હરણાંને રિષભ, નમેલી વનરાઈઓને નિષાદ, ધસમસતા ધોધને ધૈવત અને વનરાજને સ્થિર-ધીરગંભીર ષડ્જ સંભળાવીશું એટલું જ નહીં, ગરજ ગરજ વરસો જલધર ગાઈને મેઘરાજાને ય પ્રસન્ન કરીશું. મ્યુિઝક ડે, મલ્હાર અને મન મોર બની થનગાટ કરતું હોય એવા આજના દિવસે આનાથી ઉત્તમ કયું ગીત હોઈ શકે? મેઘ મલ્હારના ગગન ઘન ગરજતા સૂરોની વર્ષામાં ભીંજવવા આજે તમને ય સામેલ કરવા છે. યુ ટ્યુબ પર ગરજ ગરજ … ગીત સાંભળશો એટલે ઘેર બેઠા ગંગા અને તમારોય ‘મ્યુિઝક ડે’ સાર્થક. તાના-રીરીએ આ ગીત ગાયું ત્યારે શ્રાવણની ઋતુ નહોતી કે ના વાદળનાં એંધાણ હતાં, આવા કસમયે મેઘરાજને ઇજન આપીને સૂરની તાકાતથી આ બહેનોએ વરસાદ વરસાવ્યો હતો. સંગીતની આ જ તો છે કમાલ!

આજથી ૪૩ વર્ષ પૂર્વે, એટલે કે ૧૯૭૫માં આ ગીત રચાયું અને ઇતિહાસ સર્જી ગયું. રાગ મેઘ મલ્હારની આ ઉત્કૃષ્ટ રચના ક્લાસિક ફિલ્મ તાના-રીરીની છે. આમ તો લગભગ બધાને તાના-રીરીની કથા ખબર છે. એમાં વળી, હવે એ વોટ્સ ઍપ પર વાઇરલ થવા લાગી છે છતાં, સંક્ષિપ્તમાં એ રસપ્રદ વાત કહીને આ મસ્તમજાના ગીતની રચના કઈ રીતે થઈ એ જાણીશું. ગુજરાતનું પ્રાચીન નગર વડનગર. ઐતિહાસિક પુરાવાઓ કહે છે કે, આ સ્થળે ૪,૫૦૦ વર્ષ પૂર્વે પણ માનવ વસાહત હતી. આખા જગતમાં સાડાચાર હજાર વર્ષોથી જીવંત રહેલા નગરો આંગળીના વેઢે ગણી શકાય તેટલા છે. ગુજરાતનું વડનગર તેમાંનું એક. વિદ્યા, કલા, સાહિત્ય, સંગીત, નૃત્ય, શિલ્પ, સ્થાપત્ય, વાણિજ્ય અને ઉદ્યોગો માટે આ નગર પ્રખ્યાત હતું. આ નગરની સાથે ઘણી લોકવાયકાઓ જોડાયેલી છે જેમાં શર્મિષ્ઠા તળાવ, નરસિંહ મહેતા અને તાના-રીરીની લોકવાયકાઓ સૌથી વધારે જાણીતી છે.

સોળમી સદીમાં ભકત કવિ નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઇએ પોતાની પુત્રી શર્મિષ્ઠાને વડનગર પરણાવી હતી. શર્મિષ્ઠાને બે દીકરી હતી જેમનાં નામ તાના અને રીરી હતાં. તાના-રીરીએ સંગીતની સઘન સાધના કરીને રાગ-રાગિણીઓને આત્મસાત્‌ કર્યાં હતાં. સોળમી સદીના એ સમયમાં દિલ્હીના બાદશાહ અકબરના દરબારમાં નવ રત્નો હતા. એ નવ રત્નોમાં એક હતા તાનસેન. તાનસેન સંગીતના પ્રખર જ્ઞાની. તાનસેન બાદશાહના માનીતા કલાકાર હતા. તેમને વિશેષ માન-સન્માન મળતાં. આવી ખિદમતથી અમુક દરબારીઓ ઈર્ષાથી જલી ઊઠેલા. એ જલનનો ઉકેલ પણ એમણે શોધ્યો. બાદશાહને તાનસેન વિરુદ્ધ ચડાવ્યા અને તન-મન જલાવી દેનાર રાગ દીપક ગાવાનું જણાવ્યું.

અકબર બાદશાહે તાનસેનને દીપક રાગ ગાઇને દીવડાઓ પ્રગટાવવાનું કહ્યું. તાનસેન જાણતા હતા કે દીપક રાગ ગાવાથી દીપ તો પ્રજવલી ઊઠે પણ એ સાથે એ રાગ ગાનારના શરીરમાં તીવ્ર દાહ ઉપડે. શરીરમાં લાગેલો એ દાહ શાંત કરવાનો એક જ ઉપાય કે મલ્હાર રાગ ગાઇને વરસાદ વરસાવવો! પહેલાં તો એમણે અકબર બાદશાહને દીપક રાગ ગાવાની સવિનય ના પાડી, પણ અકબર બાદશાહે જિદ કરી એટલે એમણે દીપક રાગ છેડ્યો અને દીપ પ્રગટી ઊઠ્યા. એ સાથે જ તાનસેનના શરીરમાં પણ અગનઝાળ લાગી. દીપક રાગની પ્રકૃતિ ગંભીર ગણાય. ગાવાનો સમય સાંજનો. હાથમાં દીવો, હાથીની સવારી એવું એનું સ્વરૂપ. હવે તો રાગ દીપકના માત્ર સ્વર મળે છે પણ એ ગાવાની પદ્ધતિ વિશે મતમતાંતર છે. કહેવાય છે કે સમર્થ ગાયક દીપકની હળવી તાન છેડે તો ય જ્યોત પ્રગટે, જ્યારે આ તો તાનસેન હતા.

તાનસેન પોતાના શરીરમાં વ્યાપેલી એ અગનઝાળને શાંત કરવા મલ્હાર રાગ ગાઇ શકતી વ્યક્તિની શોધમાં નીકળ્યા. યોગ્ય વ્યક્તિની શોધ કરતાં-કરતાં તાનસેન વડનગર પહોંચ્યા અને રાત થઇ હોવાથી શર્મિષ્ઠા તળાવે મુકામ કર્યો. દેહ તો ધગધગી રહ્યો હતો. વહેલી સવારે તાના-રીરી પાણી ભરવાં આવ્યાં. રીરીએ પાણીનો એક ઘડો ભર્યો જ્યારે તાના પાણીનો ઘડો ભરતી હતી અને ફરી પાછી ઘડાનું પાણી તળાવમાં પાછું ઠાલવતી હતી. "તાના બહેન આ તું શું કરે છે?" કુતૂહલવશ રીરીએ તાનાને પૂછયું. "રીરી, હું ઘડામાં પાણી ભરું છું ત્યારે પાણી ભરવાનો અવાજ આવે છે, એ અવાજ મલ્હાર રાગ જેવો નીકળશે ત્યારે જ હું ઘડો પાણીથી ભરીને ઘરે લઇ જઇશ." તાનાએ પોતાની બહેનને જવાબ આપ્યો. તાનાએ અલગ-અલગ રીતે ઘડામાં પાણી ભર્યું અને જ્યારે મલ્હાર રાગ જેવો પાણી ભરવાનો અવાજ આવ્યો, ત્યારે તે ખુશ થઇ અને ઘડો માથા ઉપર મૂકયો. શર્મિષ્ઠા તળાવના કિનારે તાનસેન એ બન્ને બહેનોને નિહાળી રહ્યા હતા.

"હું જે વ્યક્તિની શોધમાં છું એ તો આ બે બહેનો જ છે. જે વ્યક્તિ પાણી ભરવાના અવાજને મલ્હાર રાગની સાથે સરખામણી કરી શકે તે મલ્હાર રાગ તો પરફેક્ટ ગાઇ શકે જ. તાનસેન આમ વિચારતા એ બન્ને બહેનો પાસે ગયા અને પોતે એક બ્રાહ્મણ છે એવી ઓળખાણ આપી પોતાના શરીરમાં વ્યાપેલી દાહ વિશે વાત કરી. એ અગનદાહને શાંત કરવા એ બન્ને બહેનોને મલ્હાર રાગ ગાવાની તાનસેને વિનંતી કરી. તાના-રીરીએ પોતાના પિતાની સંમતિ લઇને તળાવ પાસે આવેલા હાટકેશ્વર મહાદેવના મંદિરમાં મલ્હાર રાગ છેડ્યો. તાનપુરાના તાર ઉપર નાજુક કોમળ આંગળીઓ રમવા લાગી. તાના-રીરીએ મેઘ મલ્હાર છેડ્યો અને થોડી જ વારમાં મેઘ અનરાધાર વરસી પડયો. તાનસેનના તન અને મનનો અગનદાહ શાંત પડ્યો.

તાના-રીરીએ આ બાબતની વાત કોઇને ન કરવાનું તાનસેન પાસેથી વચન લીધું. થોડા સમય બાદ તાનસેન અકબરના દરબારમાં ફરી હાજર થયા, ત્યારે તેના અગનદાહને શાંત પડેલો જોઇને અકબરે પૂછયું, “તાનસેન, તમે તો કહેતા હતા ને કે તમારા શરીરનો અગનદાહ શાંત પડી શકે તેમ નથી તો આ ચમત્કાર કેમ થયો? વચનથી બંધાયેલા તાનસેને અકબર બાદશાહને ખોટી વાત કરી. બાદશાહને સંતોષ થયો નહીં એટલે એમણે તાનસેનને મૃત્યુદંડની સજાની બીક બતાવી ત્યારે તાનસેને સાચી વાત જણાવી દીધી. તાનસેનની વાત સાંભળીને અકબરે તાના-રીરીને માનભેર પોતાના દરબારમાં લાવવાનો હુકમ કર્યો. સેનાપતિઓ તાના-રીરીને દિલ્હી લાવવા માટે વડનગર આવ્યા. સેનાપતિઓએ બાદશાહની ઇચ્છા જણાવી, પણ તાના-રીરીને કશું અઘટિત લાગતાં દિલ્હી આવવાની ના પાડી. આથી સેનાપતિઓ તાના-રીરીને બળજબરથી દિલ્હી લઇ જવા દબાણ કરવા લાગ્યા. બન્ને બહેનોએ મનોમંથન કરી આત્મબલિદાનનો માર્ગ અપનાવ્યો. ઇષ્ટદેવની પૂજા કરી બન્ને બહેનોએ અગ્નિસ્નાન કર્યું. તાના-રીરી વિશે તાનસેનને વાત જાણવા મળી ત્યારે તેને ખૂબ જ આઘાત લાગ્યો. તાનસેને એ બન્ને મહાન બહેનોના માનમાં નોમ …. તોમ …. ઘરાનામાં … તાના-રીરી …આલાપ જગતભરમાં પ્રસિદ્ધ કર્યો. આજે પણ સંગીતજ્ઞો કોઇ પણ આલાપ શરૂ કરે એ પહેલાં નોમ …. તોમ .. તાના … રીરી … આલાપ ગાઇને તાના-રીરીને શ્રદ્ધાંજલિ આપે છે.

વડનગરમાં તાના-રીરીની દેરીઓ આજે પણ હયાત છે. શર્મિષ્ઠા તળાવ પાસે હવે તો દર વર્ષે તાના-રીરી બગીચામાં તાના-રીરી શાસ્ત્રીય સંગીતનું આયોજન કરવામાં આવે છે જેને હજારો શ્રોતાઓ માણે છે. આવી આ બે નાગર કન્યાઓના કંઠે ગવાયેલું સર્વાંગસુંદર ગીત એટલે ગરજ ગરજ વરસો જલધર.

આ બે કન્યાઓ ઉપર તાલ, રાગ, બંદિશો, આલાપ, રાગિણીઓનું નિરંતર હેત વરસતું હતું. તરજો ને સ્વરાલાપ જાણે એમની આસપાસ ઘૂમતાં રહેતાં. બંનેનાં નામ પણ કેવાં મ્યુિઝકલ, તાના અને રીરી. વાદળને સંબોધીને આ કન્યાઓ કહે છે કે હે મેઘ, પરદુ:ખમાં જલતાને ઠારશો તો ઠાર્યાં એવા ઠરશો. બીજાના દુ:ખમાં મદદ કરે એના દુ:ખને ય ભગવાન ઠારે છે. આશા ભોંસલે અને ઉષા મંગેશકરને કંઠે ગવાયેલું આ બેહદ ખૂબસૂરત ગીત સ્વરબદ્ધ કર્યું છે સંગીતકાર મહેશ-નરેશે. ગુજરાતી સિનેમાને ૫૦ વર્ષ થયાં ત્યારે અડધી સદીના સર્વશ્રેષ્ઠ ગીત તરીકે જનમત દ્વારા આ ગીતની વરણી થઇ હતી. એટલે આજે તો આજ ગીત વિશે વાત કરવી પડે ને!

એક સમયે જે ગામની કોઇ ઓળખ ન હતી, તે કનોડા ગામને આજે લોકો મહેશ – નરેશ કનોડિયાના ગામથી ઓળખે છે. બહુચરાજી તાલુકાના અંતરિયાળ આ ગામે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા અને ગીત-સંગીતની દુનિયાના સરતાજ મહેશ કનોડિયા નામે બબ્બે હોનહાર કલાકારો આપ્યા છે. અત્યંત સંઘર્ષમય જિંદગીમાં સફળતાના શિખરે પહોંચેલી આ બંધુ બેલડીએ ગુજરાતને નાચતું કર્યું. અવિનાશ વ્યાસે ગુજરાતને ગાતું કર્યું એ રીતે મહેશ-નરેશે ગુજરાતને નાચતું કર્યું એમ કહેવાય છે. દેશ-વિદેશની નવરાત્રિમાં જેમનાં સૌથી વધુ ગીતો ગવાય છે એ મહેશ-નરેશ એન્ડ પાર્ટી પર પ્રશંસાનાં પુષ્પ વેરાયાં છે અને એમની આલોચના પણ થઈ છે છતાં, ગુજરાતી ફિલ્મ જગતમાં એમના નક્કર પ્રદાનને કોઈ અવગણી શકે નહીં. ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી ઊડી જાય થી લઈને સજન મારી પ્રીતડી અને પ્યોર ક્લાસિકલ ગરજ ગરજ વરસો જેવાં ગીતો સુધીની જેમની રેન્જ હોય એ મહેશ-નરેશ આ ગીત વિશે શું કહે છે એ હવે પછી.

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=412714

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 21 જૂન 2018

Loading

21 June 2018 admin
← શરણાર્થીઓની સિતમયાત્રા
મેહબૂબા મુફ્તી જમ્મુ અને કાશ્મીરની અત્યારની સ્થિતિ માટે જવાબદાર ઓછાં છે, નવી દિલ્હીની નીતિનાં શિકાર વધુ છે →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved