Opinion Magazine
Number of visits: 9446992
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીના આધ્યાત્મિક વારસદાર

રમેશ ઓઝા

, રમેશ ઓઝા|Gandhiana|2 February 2016

તમારો પ્રેમ અને ચરિત્ર મને મોહમાં ડુબાડી દે છે … તમારી ભક્તિ અને શ્રદ્ધા આંખમાં ખુશીનાં આંસુ આણે છે. હું એને લાયક હોઉં કે ન હોઉં, પણ તમને તે ફળશે જ. તમે મોટી સેવાનું નિમિત્ત બનશો … તમને ઈશ્વર દીર્ઘાયુષી બનાવો અને તમારો ઉપયોગ હિંદની ઉન્નતિને સારુ થાઓ.

(ગાંધીજીના વિનોબા ભાવે પરના પત્રમાંથી.)

કેટલાક કોયડાઓ એવા હોય છે જે આસાનીથી ઉકેલાતા નથી અને એમાંયે મહામાનવોના કોયડાઓ ઉકેલવા વધારે અઘરા હોય છે. મહાત્મા ગાંધીએ જવાહરલાલ નેહરુને પોતાના રાજકીય વારસદાર અને વિનોબા ભાવેને આધ્યાત્મિક વારસદાર ગણાવ્યા એની પાછળ ગાંધીનો કયો દ્રષ્ટિકોણ હતો એ સમજાતું નહોતું. આ એ સમયની મૂંઝવણ છે જ્યારે આ લખનારની ઉંમર ૨૦ વર્ષની હતી અને હજુ જરાજરા સમાજકારણ સમજાવા લાગ્યું હતું, ૧૯૭૪માં દેશ ગાંધીજીના સ્વપ્નના ભારતથી ઘણો દૂર નીકળી ગયો હતો અને એને માટે મુખ્ય જવાબદાર માણસ જવાહરલાલ નેહરુ ગણાતા હતા. ગાંધીની કલ્પનાથી દૂર જઈ રહેલા દેશની અનેક સમસ્યાઓ હતી જેમાં ગરી-નિર્મૂલનમાં સફળતા મળી નહોતી. શોષણ કરનારી જૂની સંસ્થાનવાદી અર્થવ્યવસ્થા અને સામંતશાહી સમાજવ્યવસ્થા કોઈ ખાસ ફરક વિના અકબંધ હતી. આર્થિક અસમાનતા વધતી જતી હતી. આ ઉપરાંત અસંવેદનશીલ શાસન, બિનલોકતાંત્રિક અને નિંભર શાસકો, તેમ જ ભ્રષ્ટાચાર ઉમેરાયાં હતાં. આઝાદીનાં ૨૫ વર્ષ પછી સ્થિતિ એકંદરે નિરાશાજનક હતી. આની સામે જયપ્રકાશ નારાયણે બિહારમાં વ્યવસ્થા-પરિવર્તન માટે સંપૂર્ણક્રાંતિ આંદોલન શરૂ કર્યું હતું, જેનો વિનોબા ભાવે વિરોધ કરતા હતા. ગામડું, કુટીરઉદ્યોગ, બુનિયાદી તાલીમ, માતૃભાષા, સાદગી જે શાસક માટે પ્રાથમિકતા ધરાવતી ન હોય અને જેણે વિકાસના પાશ્ચાત્ય ઢાંચાનું અનુકરણ કર્યું હોય એવા જવાહરલાલ નેહરુ ગાંધીજીના રાજકીય વારસદાર કઈ રીતે હોઈ શકે? અને જ્યારે નિંભર શાસકોને ચીમટો ખણવામાં આવે અને સમૂળગા વ્યવસ્થા-પરિવર્તન માટે આંદોલન કરવામાં આવે ત્યારે તેનો વિરોધ કરે, એટલું જ નહીં, ગાંધીની સંઘર્ષની ધારને બુઠ્ઠી કરી નાખે એ વિનોબા ભાવે ગાંધીજીના આધ્યાત્મિક વારસ કઈ રીતે હોઈ શકે? ૧૯૭૪માં આ બે વાત સમજાતી નહોતી અને બીજાં ઘણાં વર્ષ સુધી આ કોયડાનો ઉકેલ નહોતો જડતો. નેહરુ અને વિનોબાનો અભિગમ સમજાવવાની જે લોકો કોશિશ કરતા હતા એ ચોક્કસ વલણ ધરાવનારા બચાવકારો (એપોલોજીસ્ટ) લાગતા હતા. એક વાત નક્કી હતી કે આખરે આ બે મહાનુભાવોની પસંદગી ગાંધીજીએ કરી હતી અને માણસને પારખવામાં ગાંધીજીએ ભાગ્યે જ ભૂલ કરી હશે. ગાંધીજીએ નેહરુ અને વિનોબાને પોતાના વારસદાર કહ્યા હતા તો એમાં જરૂર કોઈ રહસ્ય હોવું જોઈએ જે એ સમયે સમજાતું નહોતું.

ઉપર ગાંધીજીનું વિનોબા વિશેનું જે અવતરણ ટાંક્યું છે એ પ્રારંભના વર્ષનું છે, જ્યારે વિનોબાની ઉંમર ૨૫ વર્ષ પણ નહોતી. ૧૯૧૭માં દીનબંધુ એન્ડ્રુઝ સાથેની વાતચીતમાં ગાંધીજીએ ૨૨ વર્ષના વિનોબા વિષે કહ્યું હતું કે ‘આશ્રમનાં દુર્લભ રત્નોમાંના આ એક છે. તેઓ આશ્રમને જ પોતાનાં પુણ્યથી સીંચવા આવ્યા છે; પામવા નથી આવ્યા, આપવા આવ્યા છે’. ગાંધીજીએ અનેક વાર વિનોબા સમક્ષ પોતાની મૂંઝવણો વ્યક્ત કરી છે અને માર્ગદર્શન માગ્યું છે. વિનોબા એક લોકવિલક્ષણ માણસ હતા. વિલક્ષણ એવા કે પોતાની વિલક્ષણતા પોતાથી પણ છાની રાખી શકે. માટે જ ૧૯૪૮માં ગાંધીજીની હત્યા થઈ ત્યાં સુધી દેશમાં વિનોબા લગભગ અજાણ્યા હતા. આ અજાણ્યા રહેતા માણસની છાની રાખેલી શક્તિઓ એક દિવસ પ્રગટ થશે અને મોટી સેવાનું નિમિત્ત બનશે, એની ગાંધીજીને શરૂઆતનાં વર્ષોમાં જ ખાતરી થઈ ગઈ હતી. આગળ કહ્યું એમ માણસને માપવામાં થાપ ખાય એ ગાંધી નહીં.

વિનાયક નરહરિ ભાવેનો જન્મ ૧૮૯૫માં મહારાષ્ટ્રમાં કોંકણમાં પેણ નજીક આવેલા ગાગોદા નામના ગામમાં થયો હતો. તેમના પિતા વડોદરા રાજ્યમાં નોકરી કરતા હતા એટલે ૧૯૦૩માં ભાવે પરિવાર વડોદરા સ્થિર થયો હતો.૧૯૦૫માં માત્ર દસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય અને રાષ્ટ્ર્‌સેવાનું વ્રત લીધું હતું. ૧૯૧૩માં મેટૃિકની પરીક્ષામાં બેઠા હતા અને ૧૯૧૬માં કોલેજ શિક્ષણ છોડીને વિનોબાએ ૨૧ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કર્યો હતો. ૧૯૦૫માં બ્રહ્મચર્ય અને દેશસેવાનું વ્રત લીધું અને ૧૯૧૬માં ગૃહત્યાગ કર્યો એ વચ્ચેનાં વર્ષો ભારતીય રાજકારણ માટે અનેક રીતે નિર્ણાયક હતાં અને વિનોબા તરુણાવસ્થામાંથી યુવાનીમાં પ્રવેશી રહ્યા હતા. જે માણસ કેવળ દસ વર્ષની વયે જીવનની દિશા નક્કી કરી શકે અને આજીવન પાછું વળીને જુએ નહીં એ માણસ કેટલો પ્રતિભાવાન હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આટલી નાની વયે જાતને પારખનારા અને નક્કી કરેલા ધ્યેય માટે જાતને જોતરનારા વિરલ હોય છે. ગાંધીજીએ પણ દસ વર્ષની ઉંમરે પોતાને ક્યાં ઓળખ્યા હતા!

એ વર્ષોમાં સુરતના કોંગ્રેસ અધિવેશનમાં મવાળ અને જહાલ કોંગ્રેસીઓ ઝઘડ્યા હતા અને કોંગ્રેસમાં વિભાજન થયું હતું. એ વર્ષોમાં સામાજિક સુધારાઓને અગ્રતાક્રમ આપવો કે રાજકીય અધિકારોને, એનો વિવાદ ચાલતો હતો. એ વર્ષોમાં રાજકારણમાં નૈતિકતા અને ‘જેવા સાથે તેવા’ની નીતિ વિષે અનુક્રમે ગોપાલકૃષ્ણ ગોખલે અને લોકમાન્ય ટીળક વચ્ચે વિવાદ ચાલતો હતો. એ વર્ષોમાં (૧૯૦૯માં) રાજકીય સુધારાઓ અંતર્ગત ભારતીયોને કેટલાક અધિકારો મળ્યા હતા અને એમાં બહુજન સમાજને પણ અધિકારો મળવા જોઈએ એની ચર્ચા ચાલતી હતી. એ વર્ષોમાં મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણેતર રાજકારણની તિરાડ પડી હતી અને તેમની વચ્ચે પ્રચંડ યુદ્ધ ચાલતું હતું અને વિનોબા લોકમાન્ય ટીળકના ‘કેસરી’ના નિયમિત વાચક હતા. એ વર્ષોમાં મહર્ષિ અરવિંદ વડોદરામાં હતા જે તરુણોના ધબકાર હતા. એ વર્ષોમાં વિનોબાને લોકમાન્ય ટીળકને એક પરિચિત દ્વારા અંગત રીતે મળવાનું બન્યું હતું અને એક સભામાં અરવિંદના દૂરથી દર્શન કર્યા હતાં. એ વર્ષોમાં વિનોબાએ વડોદરામાં વિદ્યાર્થીમિત્રો સાથે મળીને વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી હતી અને વિનોબા એમાં જે તે વિષયો પર ભાષણ આપતા રહેતા હતા. એ વર્ષોમાં વિનાયક દામોદર સાવરકરે અભિનવ ભારત દ્વારા સશસ્ત્ર ક્રાંતિની મશાલ પ્રગટાવી હતી. એ વર્ષોમાં, ૧૯૦૬માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ ‘સત્યાગ્રહ’ નામના સંઘર્ષના દિવ્ય સાધનની શોધ કરી હતી અને ૧૯૦૯માં ગાંધીજીના દર્શનનો મેનીફેસ્ટો કહેવાય એવું ‘હિન્દ સ્વરાજ’ પ્રકાશિત થઈ ગયું હતું. હિન્દ સ્વરાજે ખાસ્સો વિવાદ પેદા કર્યો હતો અને ગોપાલ કૃષ્ણ ગોખલેએ તો એને એક મૂર્ખ માણસની કૃતિ તરીકે ઓળખાવ્યું હતું. ટૂંકમાં, ગાંધીજી ભારત આવ્યા અને તેમણે તેમના અનોખા દર્શન તેમ જ અભિગમ દ્વારા જે પ્રશ્નો હાથ ધરવાના હતા એ બધા જ પ્રશ્નો ત્યારે ગાંધી પહેલાંના ભારતમાં ચર્ચામાં હતા. કાચી વયે પરિપક્વ વિનોબા આ બધાં પરિબળોથી અજાણ હોય એ શક્ય નથી, પણ પોતાના વિષે વાત કરવાનું ટાળતા વેદાંતી વિનોબાએ એ વિષે ખાસ કોઈ વાત કરી નથી. ૧૯૧૫માં ગાંધીજી ભારત આવ્યા એ પહેલાં વિનોબા ગાંધીજીનાં નામ અને કામથી અજાણ હોય એ શક્ય નથી. ૧૯૧૦ સુધીમાં ગાંધીજીની કીર્તિ ભારતમાં ચોમેર ફેલાઈ ગઈ હતી. ૧૯૦૯ના કોંગ્રેસના લાહોર અધિવેશનમાં ગોપાલકૃષ્ણ ગોખલેએ ગાંધીજીની જે શબ્દોમાં પ્રસંશા કરી હતી એ ૩૯ વર્ષ પછી આલ્બર્ટ આઇન્સ્ટાઇનના શબ્દોની યાદ અપાવે એવી છે. ગોખલેએ ગાંધીજી વિશે ત્યારે કહ્યું હતું કે મને મિ. ગાંધીના નજીકના પરિચયમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને તેમના વિશે હું એટલું જ કહીશ કે તેમના જેવો પવિત્ર, તેમના જેટલો ઉદાત્ત, તેમના જેટલો હિંમતવાન અને તેમના જેટલો વિશાળ હૃદયી માણસ આ ધરતી પર ક્યારે ય થયો નથી.

૧૯૧૧ના કોંગ્રેસના કોલકત્તા અધિવેશનના અધ્યક્ષપદ માટે ગાંધીજીનું નામ પણ વિચારવામાં આવ્યું હતું. પરંતુ વિનોબાએ ગાંધીજીના સત્યાગ્રહ વિશે કંઈ સાંભળ્યું હતું કે કેમ એ આપણે જાણતા નથી. તેમણે હિન્દ સ્વરાજ વાંચ્યું હતું કે કેમ એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. ગાંધીજી ભારત આવ્યા એના ૧૫ મહિના પછી વિનોબાએ ગૃહત્યાગ કર્યો હતો અને આ ૧૫ મહિના દરમ્યાન ગાંધીજીએ ભારતમાં બહોળો પ્રવાસ કર્યો હતો અને ખૂબ ચર્ચામાં હતા. તેમના અનોખા જીવનદર્શને તેમ જ કાર્યશૈલીએ લોકોમાં કુતૂહલ પેદા કર્યું હતું. વિનોબા હજુ વડોદરા હતા ત્યારે ચોથી ફેબ્રુઆરી ૧૯૧૫ના રોજ ગાંધીજીનું વડોદરાના રેલવે સ્ટેશને સ્વાગત કરવામાં આવ્યું હતું એ ઘટનાથી પણ વિનોબા અજાણ હોય એ શક્ય નથી.

વિનોબાએ પોતાની આત્મકથા લખી નથી કે તેમની હયાતીમાં તેમનું સત્તાવાર એટલે કે વિનોબામાન્ય જીવનચરિત્ર લખાયું નથી કે તેમણે લખવા દીધું નથી. વિનોબા અતીતને ભૂલીને પાછળ છોડતા જતા હતા એટલે ઇતિહાસ પરત્વે ઉદાસીન હતા. નેહરુ મેમોરિયલ મ્યુિઝયમ એન્ડ લાયબ્રેરીએ એના ઓરલ હિસ્ટરી પ્રોજેક્ટ અંતર્ગત વિનોબાની દીર્ઘ મુલાકાત માગી હતી, પરંતુ પ્રસિદ્ધિ પરત્વે ઉદાસીન વિનોબાએ મુલાકાત આપી નહોતી. વિનોબાએ ગાંધીજી સાથેનો પત્રવ્યવહાર અને બીજા તેમની પ્રસંશા કરનારા પત્રો અને અન્ય દસ્તાવેજો પણ અગ્નિને સમર્પિત કરી દીધા હતા. કાળના સાગરમાં બિંદુની માફક ઓગળી જવા માગતા વેદાંતી વિનોબાના જીવનના એ કાલખંડ વિષે જે માહિતી મળે છે એ પ્રસંગોપાત્ત વિનોબાએ અહીં તહીં કહેલી વાતો છે. આશ્ચર્ય, આશ્ચર્ય નહીં દુઃખ એ વાતનું છે કે નારાયણભાઈ દેસાઈ, કાંતિભાઈ શાહ કે પ્રબોધ ચોકસી જેવા વિદ્યાવ્યાસંગી સાથીઓએ પણ વિનોબા સાથે વાતચીત કરીને છેડા જોડી આપ્યા નથી. આ મિસિંગ લીંક વિનોબાને અને ખાસ કરીને ગાંધીજીના વારસ કે ઉત્તરાધિકારી વિનોબાને મૂલવવામાં ઉપયોગી નીવડી શકી હોત એમ મને લાગે છે.

વિનોબા કહે છે કે તેમણે દસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય અને દેશસેવાનું વ્રત લીધું હતું. આ બન્ને વ્રત પરસ્પર વિરોધી લાગશે. ભારતીય સંન્યાસપરંપરા એમ કહે છે કે મુક્ત થવા ઇચ્છનાર બ્રહ્મજિજ્ઞાસુએ સૌ પહેલાં સાંસારિક બંધનોથી મુક્ત થવું જોઈએ અને બ્રહ્મચર્યામાં લીન રહેવું જોઈએ. બીજી બાજુ દેશસેવા સેવા હોવા છતાં કર્મો બાંધનારી અને જિજ્ઞાસુને કર્મ અને ફળમાં લિપ્ત કરનારી પ્રવૃત્તિ છે. દેશસેવા પણ એક પ્રકારની આસક્તિ છે. બ્રહ્મજિજ્ઞાસુ પાસે ઉદાસીનતાની અપેક્ષા છે જ્યારે દેશસેવક પાસે દેશ તેમ જ પ્રજા પરત્વે આસક્તિની અપેક્ષા છે. વિનોબા કહે છે કે તેમની અંદર એક બાજુ તીવ્ર બ્રહ્મજિજ્ઞાસા હતી તો બીજી બાજુ દેશને આઝાદ કરાવવા ક્રાંતિ કરવાની તાલાવેલી હતી. તેમણે તેમના બાળપણ વિશે અને વિદ્યાર્થી અવસ્થા વિશે જે છૂટીછવાઈ વાતો કરી છે એ પરથી લાગે છે કે તેમની અંદર એક તીવ્ર મનોમંથન ચાલતું હોવું જોઈએ કે વેદાંત અને લોકસંગ્રહ(સમાજકલ્યાણ)નો સમન્વય કઈ રીતે થઈ શકે? અને જો ન થઈ શકે તો કયા માર્ગે જવું? ૧૯૧૬ના માર્ચ મહિનામાં વિનોબા ૨૧ વર્ષની વયે ગૃહત્યાગ કરે છે ત્યારે પણ તેઓ નક્કી નથી કરી શકતા કે બ્રહ્મસાધના કરવા હિમાલય જવું કે પછી ક્રાંતિ કરવા બંગાળ જવું. એ જમાનામાં બંગાળ ક્રાંતિકારીઓની ભૂમિ હતી. વિનોબા આ બે સ્થાનોની વચ્ચે પડતા બનારસ જાય છે. બનારસમાં થોડો સમય શાસ્ત્રાધ્યયન કર્યા પછી વિનોબા હિમાલયની શાંતિ અથવા બંગાળની ક્રાંતિ વચ્ચે કોઈ એકની પસંદગી કરવાના હતા. મુદ્દો એ છે કે વડોદરામાં વિનોબા આવા તીવ્ર મનોમંથનમાંથી પસાર થતા હતા ત્યારે તેમને દક્ષિણ આફ્રિકામાં કર્મ અને ફળમાં લિપ્ત થયા વિના અનાસક્ત દેશસેવા કરવાના ગાંધીજીના પ્રયોગની જાણ ન હોય એ માની શકાય એવી વાત નથી, પરંતુ વિનોબાએ એ વિશે કોઈ સ્પષ્ટતા નથી કરી.

અહીં, બનારસમાં તેમનો ગાંધીજી સાથે અપ્રત્યક્ષ ભેટો થાય છે. વિનોબા બનારસ પહોંચ્યા એના બે મહિના પહેલાં છઠ્ઠી ફેબ્રુઆરી ૧૯૧૬ના રોજ ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીના ઉદ્‌ઘાટન સમારંભમાં કરેલું ભાષણ બોમ્બવિસ્ફોટ જેવું હતું. તેમણે વાઈસરોયને કહ્યું હતું કે આટલી સુરક્ષા વચ્ચે જીવવા કરતાં મરવું સારું અને જો મરવાનો ડર લાગતો હોય તો તેમણે ઇંગ્લેન્ડ પાછા જતા રહેવું જોઈએ. તેમણે ભારતની પ્રજાને ઉદ્દેશીને કહ્યું હતું કે જો આપણા કારણે વાઈસરોયને ડરીને રહેવું પડતું હોય તો એ આપણા માટે શરમની વાત છે. તેમણે સભામાં અને મંચ પર ઉપસ્થિત રાજા-મહારાજાઓને પૂછ્‌યું હતું કે ભારત જેવા ગરીબ દેશમાં આટલાં આભૂષણો પહેરીને આવતા તમને સંકોચ કેમ નથી થતો? ગાંધીજીના એ ભાષણે ખળભળાટ પેદા કર્યો હતો. એની બેસન્ટ મંચ છોડીને જતાં રહ્યાં હતાં અને એ પછી રાજા-મહારાજાઓ પણ જતા રહ્યા હતા. ગાંધીજીએ અત્યંત સ્વસ્થતાથી, પૂરી નમ્રતા સાથે અને એટલી જ નિર્ભયતાથી કોઈએ ક્યારે ય નહીં કહી હોય એવી ક્રાંતિકારી વાત જાહેરમાં અને એ પણ મોઢામોઢ કહી હતી. ક્રાંતિકારીઓનાં નનામાં ચોપાનિયાઓ અને છુપાઈને કરવામાં આવતી છુટમુટ હિંસાની ઘટનાઓની સામે મોઢામોઢ પણ પૂરી નમ્રતા સાથે સાચું કહેવાની એ ઘટનાને સરખાવશો તો ખ્યાલ આવશે કે અંદરની નિર્ભયતામાંથી પ્રગટ થતું અહિંસક શૌર્ય કેવું હોય! ગાંધીજી ક્રાંતિકારીઓમાં પણ સવાયા ક્રાંતિકારી સિદ્ધ થતા હતા.

વિનોબા બે મહિના પછી બનારસ પહોંચે છે ત્યારે બનારસમાં હજુ એ ભાષણની ચર્ચા ચાલતી હતી.

લોકો ગાંધીજીનાં ત્યાગ, પ્રામાણિકતા, નમ્રતા અને હિંમત જોઈને આભા થઈ ગયા હતા. આ એક એવો માણસ છે જે વિચારે છે એ જ કહે છે અને જે કહે છે એ કરે છે. આ એક એવો માણસ છે જે નિર્ભય પણ છે અને નિર્વૈરવૃત્તિ પણ ધરાવે છે. વિનોબા કહે છે કે બનારસમાં તેમણે ગાંધીજીની કીર્તિ સાંભળી અને ખાતરી થઈ ગઈ કે આ માણસમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બન્ને મળી શકે એમ છે. વિનોબા કહે છે કે બનારસમાં ગાંધીજીના ભાષણની ચર્ચા સાંભળ્યા પછી તેમને ખબર પડી કે ગાંધીજી ક્રાંતિ અને શાંતિના સમન્વયરૂપ છે. ગાંધીજીમાં નિવૃત્તિ અને પ્રવૃત્તિનો સમન્વય જોવા મળે છે. ગાંધીજી સંન્યાસી પણ છે અને લોકસંગ્રાહક પણ છે.

ગાંધીજી ઉદાસીન વિરક્ત પણ છે અને કરુણાથી છલકાય પણ છે. ગાંધીજીની પ્રત્યેક ક્ષણ પરમાત્માને સમર્પિત હોય છે અને એ સાથે જ પ્રત્યેક ક્ષણ લોકો માટે ખર્ચે છે. સમાજની વચ્ચે રહીને અને સમાજના પ્રશ્નોમાં રસ લઈને પણ લિપ્ત થયા વિના સંન્યાસી જીવન જીવી શકાય છે એનું ઉત્તમ ઉદાહરણ ગાંધીજી હતા. મુમુક્ષુની સાધના અંગત અને એકાંતમાં હોય એ જરૂરી નથી, એ સામૂહિક પણ હોઈ શકે છે. આ એક એવો માણસ છે જે સવાયો સંન્યાસી છે અને એ સાથે જ સવાયો કર્મયોગી છે. વિનોબા કહે છે કે તેમનો ગાંધીજીનો થયેલો પહેલો પરિચય અપ્રત્યક્ષ હતો. કોયડો એ છે કે બનારસ જતા પહેલાં વિનોબા ગાંધીજીના કામથી અને અભિગમથી અપરિચિત હોય એવું બને? ખાસ કરીને એવો યુવક જે વિચક્ષણ છે, અલૌકિક પ્રતિભા ધરાવે છે, બ્રહ્મચર્ય અને દેશસેવાનું દસ વર્ષની ઉંમરે વ્રત લે છે એણે ગાંધીજી વિશે કંઈ ન સાંભળ્યું હોય એવું તો ન જ બને. શાંતિ અને ક્રાંતિ વચ્ચે તેમના મનમાં જે યુદ્ધ ચાલતું હતું એનો ઉકેલ ગાંધીજીએ ૧૯૦૬માં સત્યાગ્રહ કરીને અને ૧૯૦૯માં હિન્દ સ્વરાજ લખીને આપી દીધો હતો. તીવ્ર મનોમંથન ધરાવતો અલૌકિક માણસ ગાંધી નામના અલૌકિક માણસ અને તેમના અલૌકિક પ્રયોગ વિશે સાવ અજાણ હોય એમ બને નહીં.

મારી એવી સમજ છે કે જો આ પ્રશ્નનો ઉત્તર મળ્યો હોત તો આગળ જતાં વિનોબાના જીવન અને કવનને સમજવામાં ઉપયોગી થાત. વિનોબા વિશે જે ગેરસમજો અને પૂર્વગ્રહો છે એ સમજવામાં પણ એ ઉપયોગી થાત. વિનોબાના ઘડતરનાં વર્ષોમાં ગાંધીજી કેમ નહોતા અને હતા તો કયા સ્વરુપમાં હતા એનો જો ખુલાસો મળ્યો હોત તો એ પાછળથી ગાંધીજીના ઉત્તરાધિકારી બનેલા વિનોબાને સમજવામાં ઉપયોગી થાત. શાંતિ અને ક્રાંતિ અથવા નિવૃત્તિ અને પ્રવૃત્તિ એવાં બે ધ્રુવો વચ્ચે તીવ્ર મનોમંથન ધરાવતા વિનોબાના મનમાં ઝુકાવ કયા ધ્રુવ તરફ વધુ હતો એનો જો ઉત્તર મળ્યો હોત તો ગાંધીજીના ઉત્તરાધિકારી વિનોબાને સમજવામાં ઉપયોગી થાત.

ખેર, બનારસથી વિનોબા ગાંધીજી સાથે પત્રવ્યવહાર કરે છે અને છેવટે ગાંધીજી વિનોબાને આશ્રમમાં આવીને રહેવા માટે આમંત્રણ આપે છે. સાથે આશ્રમનિયમાવલીનું એક ચોપાનિયું મોકલે છે, જે જોઈને વિનોબા છક્‌ થઈ જાય છે. ચોવીસ કલાક દેશસેવાની પ્રવૃત્તિમાં ડૂબેલો માણસ આસક્ત હોવા છતાં પણ અનાસક્ત છે. ૭મી જૂન ૧૯૧૬ના રોજ વિનોબા અમદાવાદમાં કોચરબ આશ્રમમાં આવે છે અને ગુરુ-શિષ્યનો તો નહીં, પરંતુ પૂર્વાધિકારી-ઉત્તરાધિકારીનો સંબંધ શરૂ થાય છે.

બનારસથી લખેલો વિનોબાનો પત્ર વાંચીને ગાંધીજી વિનોબાની ક્ષમતા પામી ગયા હતા, પણ ગાંધીજીને પામવામાં વિનોબાને વખત લાગ્યો હતો એમ વિનોબાએ પોતે કહ્યું છે. આખરે નિવૃત્તિ અને પ્રવૃત્તિના બે અસંભવ લાગતા ધ્રુવો વચ્ચે સમન્વય કરવાનો એક અનોખો પ્રયોગ ગાંધીજી કરતા હતા, જેને વિજ્ઞાની મિજાજ ધરાવતા વિનોબા ભક્તિભાવથી સ્વીકારવા તૈયાર નહોતા. વિનોબા પણ આખરે એ સમન્વયથી આકર્ષાઈને આશ્રમમાં આવ્યા હતા એટલે પ્રયોગકર્તા ગાંધી પ્રયોગ માટે કેટલા સજ્જ છે એ વિનોબા ચકાસવા માગતા હતા.

વિનોબાએ પોતે કહ્યું છે કે જોડાવું એ રીતે કે ક્ષણવારમાં મુક્ત થઈ શકાય. વિનોબા જે રીતે ઘર છોડીને બનારસ ગયા હતા અને બનારસ છોડીને ગાંધીજી પાસે ગયા હતા એમ જો ગાંધીજી ઊણા ઊતરે તો ગમે તે ક્ષણે ગાંધીજીને છોડવા પણ તૈયાર હતા. વિનોબા એ રીતે જ જીવન જીવ્યા છે. સ્થળ, કાળ અને વ્યક્તિ(પછી ખુદ ગાંધીજી કેમ ન હોય)નાં બંધનોમાં તેઓ બંધાયા નથી. તેઓ કાર્યકર્તાઓને પણ આ રીતે મુક્ત રહીને કામમાં લાગવાની સલાહ આપતા. કામ પણ બંધન ન બનવું જોઈએ અને એ બંધન ત્યારે બને છે જ્યારે કામમાં કાર્યકર્તા આસક્ત થવા લાગે છે. તેઓ સાધકોને પણ ચેતવતા કે જો જો, સાધનાનું સ્થૂળ અભિમાન અને એનો આનંદ ક્યાંક બંધન ન બની જાય.

પ્રયોગ હતો; અનાસક્ત આસક્તિનો. अंतस्त्यामी बहि: सडग़ी लोके विचर राघव: એવું યોગવાસિષ્ઠનું વચન વિનોબા વારંવાર ટાંકતા. અંદરથી ત્યાગ અને બહારથી સમાજ માટે આસક્તિ. લિપ્ત થયા વિના સમાજની વચ્ચે રહેવાનું હતું અને પોતાને અને સકલ સમાજને ઉપર ઉઠાવવાનો હતો. ગાંધીજીને એક એવા માણસની જરૂર હતી, જે દૃઢ સંકલ્પવાળો હોય ને આધ્યાત્મિક ઊંડાણ ધરાવતો હોય. એક એવા માણસની જરૂર હતી જે અહિંસક સમાજની રચનાના પ્રયોગને નવી ઊંચાઈ આપે. ૨૧ વર્ષના વિનોબામાં ગાંધીજીને ઉત્તરાધિકારી મળી ગયા હતા.

આગળ જતાં વિનોબા ગાંધીજીની અહિંસક ક્રાંતિને હજુ વધુ સૂક્ષ્મ, મુલાયમ, નિર્વિરોધી, ઝાકળ જેવું પ્રાંજળ સ્વરૂપ આપવાના હતા જેને દાદા ધર્માધિકારીએ લલિત ક્રાંતિ તરીકે ઓળખાવી છે. અહિંસા વિષે કિશોરલાલ મશરૂવાળાએ પણ ગહન ચિંતન કર્યું છે, પણ એને પ્રત્યક્ષ કૃતિ દ્વારા લલિત સ્વરૂપ આપવાનું કામ વિનોબાએ કર્યું છે. મશરૂવાળા મોટાભાગનાં વર્ષો ગાંધીજી સાથે ગાંધીજીના આશ્રમમાં રહ્યા છે અને ગાંધીજીના ભાષ્યકાર તરીકેની ખ્યાતિ ધરાવતા હતા જ્યારે વિનોબા મોટાભાગનો સમય ગાંધીજીથી દૂર રહ્યા છે અને બને ત્યાં સુધી ઓઝલ રહ્યા છે. ગાંધીજી અને વિનોબા બન્ને વર્ધામાં હોય તો પણ વિનોબા ગાંધીજીને ત્યારે જ મળવા જાય જ્યારે તેમને ગાંધીજીનું તેડું આવે. બીજી બાજુ ગાંધીજી દરેક મુલાકાતીને વિનોબા પાસે મોકલતા. આમ છતાં ગાંધીજીની હત્યા સુધી બહુ ઓછા લોકો વિનોબાના નામથી પરિચિત હતા.

દેશમાં આઝાદીની લડત ચાલતી હતી એ દરમ્યાન વિનોબા વર્ધા નજીક નાલવાડી અને પવનારમાં અહિંસક સમાજની રચનાની દિશામાં સૂક્ષ્મ ચિંતન અને પ્રયોગો કરતા હતા. વિનોબાએ એક વર્ષ વાઈ જઈને પ્રસિદ્ધ વિદ્વાન નારાયણ શાસ્ત્રી મરાઠે પાસે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. માત્ર એક વર્ષમાં ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર, શાંકરભાષ્ય, મનુસ્મૃિત અને પાતંજલ યોગસૂત્ર ભણી લીધાં હતાં અને ન્યાયસૂત્ર, વૈશેષિક સૂત્ર અને યાજ્ઞવલ્કયસ્મૃિત વાંચી ગયા હતા. તેમણે વેદોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો હતો. મરાઠી જ્ઞાનેશ્વરી અને સંતસાહિત્યનો અભ્યાસ કર્યો હતો. જગતના તમામ મહત્ત્વના ધર્મોના મૂળ ગ્રંથોનો બને ત્યાં સુધી તેમણે મૂળમાં અભ્યાસ કર્યો હતો. કુરાનનો અભ્યાસ અરબી ભાષામાં કર્યો હતો અને તેઓ સસ્વર શુદ્ધ ઉચ્ચારણ સાથે કુરાનની આયાતો બોલી શકતા. તેમણે આ બધા ગ્રંથોના સાર લખ્યા છે જે મૂળ ગ્રંથો કરતાં પણ વધુ પ્રાસાદિક છે.

વિશ્વના આધ્યાત્મિક સાહિત્યનો આટલો બહોળો અભ્યાસ કરવા પાછળનો તેમનો હેતુ બહુશ્રુત વિદ્વાન બનવાનો નહોતો, પરંતુ માનવ-માનવ વચ્ચે એકતા સાધવાનો હતો. તેમની એવી શ્રદ્ધા હતી કે વિજ્ઞાન અને અધ્યાત્મ જોડનારાં પરિબળો છે અને રાજકારણ અને ધર્મ માનવ-સમાજને તોડનારાં પરિબળો છે. આ યુગમાં વિજ્ઞાન અને અધ્યાત્મની પ્રતિષ્ઠા થવી જોઈએ. ગાંધીજીથી દૂર રહીને વિનોબા સમન્વયની ભૂમિકા શોધતા હતા.

વિનોબાએ કહ્યું છે કે તેમના જીવનનું ચાલકબળ દિલોને જોડવાનું રહ્યું છે. દિલોને જોડવા માટે જે બની શકે એ કરી છૂટવું અને એવું તો કંઈ જ ન કરવું કે જેથી માનવદિલોમાં તિરાડ પડે. આગળ જતાં વિનોબા જ્યારે આંદોલનનું નેતૃત્વ લેશે ત્યારે આ વાત વધુ સ્પષ્ટ થશે.

સમન્વય માટે વિનોબાએ ભારતીય ભાષાઓનો અભ્યાસ કર્યો હતો. તેમને દક્ષિણી સહિત અનેક ભાષાઓ આવડતી હતી અને તેઓ એમ માનતા હતા કે સંતસાહિત્ય જોડનારું પરિબળ છે. કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને સિંધથી લઈને મણિપુર સુધીના ભારતના દરેક પ્રાંતના સંતોના સાહિત્યનો તેમણે અભ્યાસ કર્યો હતો.

વિનોબા કહેતા કે લોકો અકબર કરતાં તુલસીદાસ વિશે વધુ જાણે છે અને અકબર સારો શાસક હોવા છતાં લોકોને તુલસી વધારે પોતાના લાગે છે એનું કારણ સંતવચનોની દિલોને જોડનારી શીતળતા છે. ભારતની વિવિધ ભાષાઓનો આ સંચિત વારસો એકસરખો દરેક પ્રજા સુધી પહોંચે એ માટે વિનોબાએ લિપિના પ્રયોગ કર્યા હતા. અરેબિક, પર્શિયન અને દ્રવિડ કુળની ભાષાઓ સહિત ભારતમાં બોલાતી દરેક ભાષા એક જ લિપિમાં લખાય તો પ્રજાને નજીક લાવવામાં ઉપયોગી થાય. ભાષાઓ અઘરી નથી હોતી, લિપિના કારણે એ અઘરી લાગે છે.

વિનોબાએ દરેક ભાષા માટે દેવનાગરી લિપિને અપનાવવાનો આગ્રહ રાખ્યો હતો. શરૂમાં જોઈએ તો આંશિકરૂપે દેવનાગરી સ્વીકારવામાં આવે. આખું છાપું ભલે ગુજરાતી લિપિમાં નીકળતું હોય પણ તંત્રીનું પાનું નાગરીમાં હોવું જોઈએ કે જેથી બિનગુજરાતી વાચક જાણી શકે કે ગુજરાતીઓ શું વિચારે છે.

વિનોબાએ તો ઇતિહાસના પુનઃલેખનની પણ હિમાયત કરી છે. શાસકોની વંશાવલિ મુજબ રાજકીય-સામાજિક ઇતિહાસ લખવાની જગ્યાએ મહામાનવોના જન્મના ક્રમમાં સામાજિક-રાજકીય ઇતિહાસ લખવામાં આવે તો માનવવિકાસનો એક ગ્રાફ મળે અને માનવ વચ્ચે વિભાજન પેદા કરનારી ઘણી દીવાલો તૂટી શકે છે. અકબર પણ ઇતિહાસનું એક મહત્ત્વનું પાત્ર છે, પણ કબીર ઇતિહાસનું વધારે મહત્ત્વનું પાત્ર છે. ઇતિહાસનો અભ્યાસ કરતી વખતે ફોક્સ બદલવાની જરૂર છે. અકબરે સત્તા દ્વારા કેટલો ન્યાય-અન્યાય કર્યો એના કરતાં કબીરે અધ્યાત્મવચનો દ્વારા કેટલો પ્રેમ કર્યો એની વાત કરવામાં આવે તો દુનિયા બદલાઈ શકે એમ છે.

આ વર્ષો દરમ્યાન વિનોબાએ અનેક પ્રયોગ કર્યા છે. વિનોબાએ એને વ્રતસંગ્રહ તરીકે ઓળખાવ્યો છે. અહિંસાની દિશામાં આગળ લઈ જનારા સમન્વયાત્મક જ્ઞાનસંગ્રહ પછી સજ્જ સાધક થવા માટે વ્રતસંગ્રહ. તેમણે પૈસા વિના જીવવાનો કાંચનમુક્તિનો પ્રયોગ કર્યો હતો, કારણ કે બજારમાં શોષણ છે અને શોષણ એક હિંસા છે. તેમણે બે આનામાં જીવનનિર્વાહનો પ્રયોગ કરીને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અર્થશાસ્ત્રનો અભ્યાસ પુસ્તકો દ્વારા થઈ શકે છે જે રીતે જગત આખાના મોટા મોટા અર્થશાસ્ત્રીઓ કરે છે. આ તો વિનોબા છે ! પ્રયોગ શરૂ કરતાં પહેલાં તેમણે એક અર્થશાસ્ત્રીને પૂછ્‌યું હતું કે ભારતમાં છેવાડાના માણસની ઓછામાં ઓછી આવક કેટલી છે ? તેમને કહેવામાં આવ્યું હતું કે ગરીબ માણસ બે આનામાં જીવન ગુજારે છે ત્યારે તેમણે બે આનામાં જીવન ગુજારીને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. અધ્યયનને જ્યાં સુધી જીવન સાથે જોડવામાં ન આવે ત્યાં સુધી એ પામી શકાતું નથી. માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવી હોય તો એને જીવન સાથે જોડવી જોઈએ.

આમ ૧૯૧૬માં ઘર છોડીને હિમાલય જવું કે બંગાળ એની દુવિધા સાથે વિનોબા કાશી જાય છે, ત્યાંથી ગાંધીજી પાસે જાય છે અને ગાંધીજી દ્વારા દીક્ષિત થઈને વિનોબા અધ્યયન તેમ જ જીવનપ્રયોગ કરવા માટે ગાંધીજીથી દૂર જાય છે. મોટા ભાગે તેઓ ગાંધીજીથી દૂર રહ્યા છે. લોકો જ્યારે ગાંધીજીની નજીક રહેવા પ્રયત્નો કરતા ત્યારે વિનોબા ગાંધીજીના કામમાં કારણ વિના વ્યવધાન પેદા ન થાય એ માટે હંમેશ દૂર રહેતા. બન્ને વચ્ચે તાર એવો જોડાયેલો હતો કે એમાં સ્થૂળ રીતે નજીક હોવું જરૂરી નહોતું. ગાંધીજીને જ્યારે પણ કોઈ વાતે મૂંઝવણ થતી ત્યારે તેઓ વિનોબાને યાદ કરતા. એ કાલખંડનો ગાંધીજી અને વિનોબા વચ્ચેનો પત્રવ્યવહાર આ દૃષ્ટિએ જોવા જેવો છે. તત્કાલીન રાજકારણથી આગળની વાતો એ પત્રોમાં જોવા મળે છે. ભારતની આઝાદી ગાંધીજી અને વિનોબા માટે ગૌણ પ્રશ્ન હતો. અહિંસક સમાજની રચના બન્ને માટે પરમ ધ્યેય હતું અને એની ચર્ચા એ પત્રોમાં જોવા મળશે. એ પત્રવ્યવહાર અધિકારી અને ઉત્તરાધિકારી વચ્ચેનો છે. આનો અર્થ એવો નથી કે તેમણે આઝાદીની લડતમાં ભાગ નહોતો લીધો. અનિવાર્ય આપદ્ધર્મ તરીકે તેમણે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો છે અને જેલવાસ દરમ્યાન આપણને ગીતા પ્રવચન જેવું અદ્‌ભુત પુસ્તક પણ મળ્યું છે. પણ ગાંધીજીની હયાતીમાં વિનોબાનું મુખ્ય કામ તો અહિંસક સમાજની રચનાના ગાંધીજીના પ્રયોગને આગળ લઈ જવાનું હતું અને વિનોબા એના ચિંતન-પ્રયોગમાં વ્યસ્ત હતા. આ વાત ગાંધીજી પણ જાણતા હતા એટલે ગાંધીજી વિનોબાને બને ત્યાં સુધી મોકળા રાખતા હતા.

ગાંધીજીના જીવનના છેલ્લાં વર્ષો ગાંધીજીના મહાત્માપણાની કસોટી કરનારાં હતાં. હિંસાની કોમી આગમાં ગાંધીજીએ પ્રાણની આહુતિ આપી હતી. જ્યારે ગાંધીજીની હત્યા થઈ ત્યારે અસંગસંગી વેદાંતી વિનોબા ભાંગી પડ્યા હતા. આમ તો કોઈનું મૃત્યુ થાય અને આત્મા દેહમુક્ત થાય ત્યારે વિનોબા રાજી થતા. ગાંધીજીના મૃત્યુપછી ચોથા દિવસે પ્રાર્થનાસભામાં વિનોબાની અશ્રુધારા વહેવા લાગી હતી. તેમની પીડા ગાંધીજીને ગુમાવવાની નહોતી, પરંતુ અહિંસાની પરમ કસોટીમાંથી ગાંધીજી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ તેમની સાથે નહોતા એ વાતની હતી. આમ પણ બન્નેનો સહિયારો પ્રયોગ અહિંસક સમાજની રચનાનો હતો અને ગાંધીજીનાં છેલ્લાં વર્ષો એ પ્રયોગની કસોટીનાં હતાં. વિનોબાએ પોતાનાં જીવનમાં જો કોઈ એક વાતે રંજ અનુભવ્યો હોય તો આ એક બાબત છે.

વિનોબા કહે છેઃ બાપુના પ્રેમ અને વિશ્વાસ મને ખૂબ મળ્યા છે. મેં પણ મારું સર્વસ્વ બાપુને સમર્પિત કર્યું છે. બાપુ હતા ત્યારે હું નિશ્ચિંત રહીને મારા પ્રયોગ કરી શકતો હતો. પણ હવે એમ લાગે છે જો થોડાં વર્ષ વહેલો બહાર નીકળ્યો હોત, તો જે આગમાં બાપુનાં પ્રાણ હોમાયા એ આગમાં બાપુ કરતાં પહેલાં હોમાઈ જવાનો સંતોષ તો કદાચ મને મળી શક્યો હોત. બાપુની હત્યા પછી મને એમ લાગ્યું કે મારે પાંચ-દસ વર્ષ વહેલાં બહાર આવવું જોઈતું હતું, કમસેકમ ૧૯૪૫માં જેલમાંથી છુટ્યા પછી જો હું બાપુના વ્યાપક કામમાં જોડાઈ ગયો હોત તો મને એમ લાગે છે કે બાપુ પરના પ્રહાર હું મારા પર ઝીલી શક્યો હોત.

ગાંધીજીનું ખૂન કરવામાં આવ્યું ત્યારે વિનોબા વર્ધામાં પવનાર આશ્રમમાં હતા. પહેલા બે દિવસ તો વિનોબા વિચલિત થયા વિના રોજ સાંજે પ્રાર્થનાસભામાં ગાંધીજી વિશે બોલતા હતા. ત્રીજા દિવસે સેવાગ્રામ આશ્રમમાં અંતેવાસીઓ વચ્ચે પ્રાર્થના પછી ભાંગી પડ્યા અને ચોધાર આંસુએ રોવા લાગ્યા. તેઓ ભાંગી પડ્યા એનું કારણ ગાંધીજીના દેહ પરત્વેની આસક્તિ નહોતી. એનું કારણ તેમની અંદર ચાલતું તીવ્ર મનોમંથન હતું. મનોમંથન હિંસા વિશે હતું અને અહિંસક સમાજની રચના વિશે હતું. ગાંધીના હોવાં છતાં દેશની પ્રજા હિંસક હોઈ શકે અને વિનોબા પવનાર ગામમાં બેઠા હોવાં છતાં પવનારમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો હોઈ શકે એ બતાવે છે કે ગાંધીજનો સામે પડકારો કેવડા મોટા છે. ભારતની પ્રજાના મસ્તિષ્કમાં બહુ ઊંડે સુધી હિંસા અને વિભાજકતા ભરી છે.

માનવ મસ્તિષ્કમાંથી હિંસા અને ભેદ દૂર કરીને અહિંસા અને અભેદને સ્થિર કરવાનો છે. આ જ એક માત્ર પડકાર છે અને આ જ એક માત્ર ગાંધીજનો માટે મિશન છે. સેવાગ્રામ આશ્રમમાં વિનોબાએ એ પછી ૧૩ દિવસ પ્રવચનો આપ્યા હતા એમાં લગભગ આ જ વાત તેઓ જુદી જુદી રીતે કહેતા હતા. માનવચિત્તમાં રહેલી વિભાજકતા (ભેદનો ભાવ) અનેક રીતે પ્રગટે છે અને એ બધાં જ સ્થૂળ કે સૂક્ષ્મ હિંસાના પ્રકાર છે. વિનોબાએ આને ગાંધીજનો માટેના બુનિયાદી વિચાર અને બુનિયાદી કર્તવ્ય કહ્યા હતા.

ગાંધીજીની હત્યા પછી સેવાગ્રામ આશ્રમમાં ૧૯૪૮ના માર્ચ મહિનામાં ગાંધીજી તો ગયા, હવે આગળ કેમ વધવું’ એ વિશે સહચિંતન કરવા એક બેઠક મળી હતી. એ બેઠકમાં જવાહરલાલ નેહરુ, ડો. રાજેન્દ્ર પ્રસાદ, આચાર્ય કૃપલાની, મૌલાના આઝાદ, કાકાસાહેબ કાલેલકર, દાદા ધર્માધિકારી, ડો. ઝકીર હુસૈન, જે.સી. કુમારપ્પા, કિશોરલાલ મશરૂવાળા, જયપ્રકાશ નારાયણ જેવા પચાસેક નેતાઓ, રચનાત્મક કાર્યકરો અને ચિંતકો હાજર હતા. એ બેઠકમાં મુખ્ય માર્ગદર્શક વિનોબા ભાવે હતા. દક્ષિણ આફ્રિકાના ગાંધીની કીર્તિ સાંભળ્યા પછી ભારતના નેતાઓને જેમ ૧૯૧૫માં ગાંધીનો ચકરાવામાં નાખી દેનારો પહેલો પરિચય થયો હતો એમ ૧૯૪૮માં આ નેતાઓને વિનોબાનો પહેલો પરિચય થયો હતો. નામ તો સાંભળ્યું હતું, પરંતુ ચિંતન અને પ્રયોગોમાં રત વિનોબાને નજીકથી ઓળખવાનું ઘણા ઓછાનું બન્યું હતું. એ બેઠકમાં પણ વિનોબાએ મુખ્યત્વે અહિંસા અને અભેદની વાત કરી હતી. વિનોબાએ આને મૂળભૂત દર્શન કહ્યું હતું.

એ બેઠકમાં સર્વ સેવા સંઘ સ્થાપવાનો નિર્ણય લેવાયો હતો. ગાંધીના સૈનિકોની એક જમાત કોંગ્રેસ દ્વારા સત્તાના રાજકારણમાં ગઈ હતી અને બીજી સત્તાના રાજકારણ પરત્વે ઉદાસીન જમાત અહિંસક સમાજની રચનાના કામે લાગી હતી. વિનોબાએ ગાંધીજનોને માર્ગદર્શન આપવાનું અને નેતૃત્વ કરવાનું સ્વીકાર્યું હતું. આ જમાત સંગઠીત રીતે અને એક બીજાના સહયોગમાં કામ કરી શકે એ માટે સર્વોદય સમાજ અને સર્વ સેવા સંઘની રચના કરવામાં આવી હતી. હમણાં સુધી અજાણ્યા વિનોબા ગાંધીજીના સ્વાભાવિક વારસ બન્યા હતા. આમ તો ગાંધીજીએ પોતે ઇચ્છા વ્યક્ત કરી હતી કે હવે આઝાદી મળી ગઈ છે ત્યારે આઝાદી અને લોક સેવા એમ બન્ને માટે કામ કરનાર કોંગ્રેસને વિસર્જિત કરવામાં આવે. જેમને સત્તાના રાજકારણમાં રસ હોય એવા લોકો નવો રાજકીય પક્ષ રચે અને જેમને અહિંસક સમાજની રચના માટે રચનાત્મક કામ કરવું હોય એવા લોક સેવકો માટે એક નવો સંઘ રચવામાં આવે. ત્રીજી ફેબ્રુઆરીથી ૧૨મી ફેબ્રુઆરી વચ્ચે આવી બેઠક યોજવામાં આવે એવી સૂચના ગાંધીજીએ કિશોરલાલ મશરૂવાળાને આપી હતી. ગાંધીજી જે દિવસે વર્ધા જવાના હતા એ દિવસે જ તેમની દિલ્હીમાં હત્યા થઈ હતી. આમ સર્વોદય સમાજ કે સર્વ સેવા સંઘ જેવાં લોક સેવકો માટેનાં કોઈ પ્લેટફોર્મ એ ગાંધીજીની જ કલ્પના હતી.

એ બેઠકમાં વિનોબાનો મત કોઈ સર્વોદય સંગઠન રચવામાં ન આવે એવો હતો. તેઓ એમ માનતા હતા કે વિધિવત્ સંગઠન વિના ગાંધીજનોએ કામ કરવું જોઈએ. संघे शक्ति कलौयुगे એવું મનુનું વચન કલિયુગને માનનારાઓ માટે છે. જે કલિયુગને સતયુગમાં ફેરવવા માગે છે તેમની પાસેથી સંસ્થામુક્ત પ્રતિબદ્ધતાની અપેક્ષા છે. સંગઠનની પોતાની યંત્રણા હોય, નિયમનો હોય, શિસ્ત હોય, નિધિ હોય એમાં વિનોબાને સૂક્ષ્મ બંધનો અને હિંસા નજરે પડતાં હતાં. બેઠકમાં શંકરરાવ દેવ અને બીજાં કેટલાંક લોકોના આગ્રહના પરિણામે વિનોબાએ સંગઠન અને નેતૃત્વ બન્નેનો સ્વીકાર કર્યો હતો.

વિનોબાએ સંગઠન અને નેતૃત્વનો સ્વીકાર તો કર્યો હતો, પરંતુ એ તેમને માફક આવે એવો તેમનો પિંડ નહોતો. તેમની અંદર નિવૃત્તિમાર્ગી શંકરાચાર્ય અને જ્ઞાનદેવ બેઠા હતા. ગાંધીજીની પ્રેરણા હેઠળ કરુણા, સરોકાર અને કૃતિશીલતા તો તેમણે અપનાવ્યા હતા; પરંતુ તેમની સન્યાસીની ઉદાસીનતા કાયમ હતી. આ સ્થિતિમાં સંગઠન અને નેતૃત્વમાં તેમને બંધન નજરે પડતું હતું. ગાંધીજીમાં અને વિનોબામાં આ મોટો ફરક હતો અને એ ફરકે અહિંસક સમાજરચનાના આંદોલનને પ્રભાવિત કર્યું હતું.

વિનોબાના જીવનમાં ત્રણ ધ્રુવ હતા. એક ધ્રુવ હતો અહિંસક સમાજની રચના. વિનોબા ગાંધીજીની અહિંસાને હજુ નવી ઊંચાઈ આપવા માગતા હતા જેને દાદા ધર્માધિકારીએ લલિત ક્રાંતિ તરીકે ઓળખાવી છે. બીજો ધ્રુવ હતો સામાજિક અભેદ. વિનોબા પોતાને દિલોં કો જોડનેવાલા બાબા તરીકે ઓળખાવતા હતા અને ત્રીજો કર્મ-સન્યાસ વૃત્તિ. કામ કરવું પણ કાર્યકર્તા, સંગઠન અને સફળતા-નિષ્ફળતાના મોહમાં લિપ્ત ન થવું. ત્રણ દાયકા સુધી ઓઝલ રહીને મૌલિક ચિંતન અને અનેકવિધ પ્રયોગો કર્યાં પછી ૧૯૪૮માં વિનોબા ગાંધીજીના વારસ તરીકે બહાર નીકળે છે. ૧૯૫૧માં તેમના હાથે અનાયાસ એક યજ્ઞ શરુ થાય છે. ૭ એપ્રિલ ૧૯૫૧ના રોજ અત્યારના આંધ્રપ્રદેશના શિવરામપલ્લી ખાતે સર્વોદય સમાજનું અધિવેશન મળવાનું હતું. વિનોબા એમાં હાજર રહેવા માટે વર્ધાથી પદયાત્રા કરીને શિવરામપલ્લી જાય છે. પાછા ફરતા રસ્તામાં પોચમપલ્લી ખાતે વિનોબાનું રોકાણ હોય છે. ત્રણ હજારની લોકોની વસતી ધરાવતાં ગામમાં બે હજાર લોકો ભૂમિહીન હતા.

ગામસભામાં કેટલાક ભૂમિહીનોએ જો જમીન મળે તો તેમનો ઉદ્ધાર થઈ શકે એમ છે એવી રજૂઆત કરી. વિનોબાએ સભામાં ઉપસ્થિત જમીનદારો તરફ જોયું ત્યારે રામચન્દ્ર રેડ્ડી નામના એક જમીનદારે સો એકર ભૂમિ ભૂમિહીનોને આપવાની જાહેર કરી. ૧૮મી એપ્રિલ ૧૯૫૧નો એ ઐતિહાસિક દિવસ હતો જ્યારે વિનોબાના હાથે અનાયાસ ભૂદાનયજ્ઞનો આરંભ થયો. જો કે સામ્યવાદીઓ કહે છે કે જમીનદારી નાબૂદી માટેના સામ્યવાદીઓના આંદોલનને નિષ્ફળ બનાવવા માટેનું એ નેહરુનું કાવતરું હતું જેમાં વિનોબા હાથવગું સાધન હતું.

ભૂદાન આંદોલનનો ઇતિહાસ આપવાની અહીં જરૂર નથી. વિનોબાએ કુલ ૧૩ વર્ષ દેશભરમાં પદયાત્રા કરી હતી અને કુલ ૪૭,૬૩,૬૭૬ એકર જમીન દાનમાં મેળવી હતી. જમીનદારી વિરોધી કાયદા દ્વારા કે સામ્યવાદીઓના હિંસક આંદોલન દ્વારા આટલી ભૂમિ ભૂમિહીનોને મળી હોય એવું બન્યું નથી. એક સમયે તો એવું લાગવા માંડ્યું હતું કે ભારતમાં જમીનની માલિકીનો અને જમીનની સર્વતોપરી ઉત્પાદકતાનો પ્રશ્ન અહિંસક માર્ગે ઊકલી જશે. રિયાસતી ભારતમાં જમીનદારી હતી અને બ્રિટિશ ભારતમાં રાયતવારી વ્યવસ્થા હતી. રિયાસતી ભારતમાં સામંતશાહી અર્થવ્યવસ્થા અને મૂલ્ય વ્યવસ્થા પ્રવર્તતી હતી જ્યારે બ્રિટિશ ભારતમાં પ્રમાણમાં આધુનિક અર્થવ્યવસ્થા અને મૂલ્ય વ્યવસ્થા પ્રવર્તતી હતી. જો બળજબરી કર્યાં વિના જમીનની માલિકીનો પ્રશ્ન ઊકલે તો તેનાથી માત્ર જમીનદારીનો પ્રશ્ન ઉકેલાવાનો નહોતો, પરંતુ મધ્યકાલીન સામંતશાહી મૂલ્ય વ્યવસ્થા ધરાવનારા ભારતને આધુનિક યુગમાં લઈ આવવામાં એ ઉપયોગી થઈ શકે એમ હતું. અચાનક એક મહામૂલો ઉપાય જડી ગયો જેણે મોટી આશા પેદા કરી હતી. દુર્ભાગ્યે એ આશા ફળીભૂત થઈ નહીં. એનાં અનેક કારણો હતાં જેમાં મુખ્ય કારણ વિનોબાનો અસંગી પિંડ હતો.

વિનોબાની અંદર શંકરાચાર્ય અને જ્ઞાનદેવની ઉદાસીનતા કોઈક જગ્યાએ બેઠી હતી. ગાંધીજી અનાસક્ત હોવાં છતાં પરિણામની બાબતમાં એટલી ચીવટ ધરાવતા હતા કે તેઓ આસક્ત ભાસે. ગાંધીજી કાર્યકર્તાને તેનું બધું જ આપવા માટે પ્રેરતા, તેની આપવાની ક્ષમતા વધારી આપતા અને પૂરેપૂરું લઈ પણ લેતા. બીજી બાજુ કાર્યકર્તાની મર્યાદાઓ જોઈને તેમનાં પરત્વે ગાંધીજીના પ્રેમમાં જરા ય ઓટ નહોતી આવતી, પરંતુ જો એ મર્યાદા કાર્યમાં બાધારૂપ લાગે તો એ કાર્યકર્તાને કઠોરતાપૂર્વક ત્યાંથી હટાવી પણ શકતા. ગાંધીજીમાં માણસને પારખવાની, માણસને પામવાની, સમાજના સામૂહિક ચિત્તવ્યાપારને નીરખવાની, પ્રશ્નને તત્કાલીન તેમ જ દૂરગામી એમ બન્ને રીતે સમજવાની અને ટાઈમિંગની ગજબની સમજ હતી.

ટૂંકમાં અહિંસક સમાજની રચના એ સંગઅસંગનો ખેલ છે જેમાં ગાંધીજી પારંગત હતા, પરંતુ વિનોબા એટલી પારંગતતા હાંસલ કરી શક્યાં નહોતા. अंतस्त्यामी बहि: सडग़ी लोके विचर राघव: એવું યોગવશિષ્ટનું વચન વિનોબા વારંવાર ટાંકતા, પરંતુ તેમનો ઝુકાવ અસંગ તરફ વધારે હતો. વિનોબાએ પોતે અનેકવાર કહ્યું છે કે તેઓ શંકરાચાર્ય અને જ્ઞાનેશ્વર માટે અપાર આકર્ષણ ધરાવે છે. તેમનાં નામસ્મરણની સાથે અશ્રુધારા વહેવા લાગતી. તેમનું જીવન સન્યાસી જેવું હતું અને તેમના સંકલ્પો સન્યાસીને પણ શરમાવે એવા દ્રઢ રહેતા. સન્યાસીની ઉદાસીનતા વિનોબાનો સ્થાયીભાવ હતો. ક્રાંતિ કરવા બંગાળ જવાનો જે ભાવ વિનોબામાં હતો એ આગંતુક હતો, સ્થાયી નહોતો. વિનોબા હિમાલય જવું કે બંગાળ એવી અનિશ્ચિત મનઃસ્થિતિમાં બનારસ ગયા હતા, પણ ત્યાં જો ગાંધીજીનો અપ્રત્યક્ષ ભેટો ન થયો હોત તો મોટા ભાગે વિનોબા બંગાળની જગ્યાએ હિમાલય ગયા હોત. એ જાનફેસાનીનો રાષ્ટ્રવાદી યુગ હતો જેમાં દેશ માટે સમર્પિત થઈ જવું જોઈએ એવી ભાવના તરુણોમાં વ્યાપક હતી અને વિનોબા પણ એનાં પ્રભાવમાં આવ્યા હોવા જોઈએ. બાકી વિનોબા સન્યાસી હતા, સ્થૂળ અર્થમાં ક્રાંતિકારી નહોતા.

ગાંધીજી વેપારીના વેશમાં સાધુ હતા અને સાધુના વેશમાં વેપારી હતા. પરિણામની બાબતમાં કોઈ બાંધછોડ ન કરે. મંત્રને સાકાર કરવા જો તંત્ર અનિવાર્ય હોય તો એ અનિવાર્યતાને લિપ્ત થયાં વિના આસક્તિપૂર્વક અપનાવવી જોઈએ. વિનોબા પહેલેથી જ તંત્રને અનુકુળ નહોતા. સેવાગ્રામની બેઠકમાં તેમણે સંગઠન રચવાના સૂચનનો વિરોધ કર્યો હતો. એ પછી સંગઠન રચવામાં આવ્યું અને વિનોબાએ અપનાવ્યું પણ, પરંતુ ભૂદાન આંદોલન દરમ્યાન અનેક વખત તેમણે સંસ્થા મુક્તિ અને નિધિમુક્તિની વાત કહી હતી. પરિવર્તન માટેનાં આંદોલનની તાત્ત્વિક સામગ્રી તેમણે માત્ર ગ્રહણ નહોતી કરી વિકસાવી પણ હતી, પરંતુ તાંત્રિક સામગ્રીની બાબતે તેઓ ઉદાસીન હતા. આ ઉદાસીનતાને કારણે ભૂમિવિતરણ નહોતું થઈ શક્યું. ભૂદાનમાં મળેલી ૪૭ લાખ એકર જમીન માંથી ૨૪ લાખ એકર જમીન વિતરિત નહીં થઈ શકી. ભૂદાનમાં મળેલી જમીન વિતરિત થાય એ પહેલાં ગ્રામદાન અંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. ગ્રામદાન અને ગ્રામસ્વરાજ એ અહિંસક સમાજ રચનાની દિશામાં સર્વોચ્ચ શિખર છે, પરંતુ એનો સમય પાકે એ પહેલાં એ શરૂ કરવામાં આવ્યું હતું. ભૂદાનના પરિપાકરૂપે ગ્રામદાન આવ્યું હોત તો ઇતિહાસ જુદો હોત. ગ્રામસ્વરાજ એટલે જે ઈશ્વરે આપ્યું છે એનાં પરની માલિકીનું વિસર્જન કરવું, એને સહિયારું વાપરવું અને પ્રત્યેકનું સહિયારું પોષણ કરવું. જ્યાં વપરાશ અને પોષણ સહિયારા હોય ત્યાં એકપક્ષીય શોષણ માટે અવકાશ રહેતો નથી.

૧૯૬૯માં ગાંધીજીની શતાબ્દીના વર્ષમાં ૧૩ વર્ષ પદયાત્રા અને થોડો સમય વાહનયાત્રા કરીને વિનોબા પવનાર પાછા ફરે છે. એ પછીનાં વર્ષો નિરાશાનાં છે. દેશ માટે પણ અને અહિંસક સમાજની રચના માટે શરૂ થયેલાં સર્વોદય આંદોલન માટે પણ. રાજ્ય ગાંધીજીની કલ્પનાના રાજ્ય કરતાં ક્યાં ય દૂર નીકળી જાય છે અને અહિંસક અંદોલન સંગ અસંગના અટપટા અને દુરાધ્ય ખેલમાં અટવાઈ જાય છે. જયપ્રકાશ નારાયણને એમ લાગે છે કે વ્યવસ્થા અંગેના તાત્કાલિક પ્રશ્નોની સર્વોદય આંદોલને ઉપેક્ષા કરી એ ભૂલ હતી, જ્યારે વિનોબા કહેતા હતા કે અહિંસા અને અભેદ ગાંધીદર્શનના બુનિયાદી તત્ત્વો છે એટલે તત્કાલીન પ્રશ્નોમાં સર્વોદયના કાર્યકર્તાઓએ શક્તિનો વ્યય ન કરવો જોઈએ. સર્વોદયની જમાતને નિરાશાની સ્થિતિમાં જયપ્રકાશ નારાયણની વાત વધારે ગળે ઊતરી હતી અને બિહારમાં ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન શરૂ થયું હતું. એ પછી ઈમરજન્સી આવી જેને વિનોબાએ અનુશાસનપર્વ કહીને ટેકો આપ્યો હતો એવો ખોટો અને વિનોબાને અન્યાય કરનારો પ્રચાર થઈ રહ્યો છે.

જે વાત ત્યારે નહોતી સમજાઈ એ હવે સમજાય છે. ત્યારે એમ લાગતું હતું કે ગાંધીજીના સંઘર્ષની ધારને બુઠ્ઠી કરનાર અને વ્યવસ્થા પરિવર્તન માટેનાં આંદોલનનો વિરોધ કરનારા વિનોબા ગાંધીજીના ઉત્તરાધિકારી કઈ રીતે હોઈ શકે? હવે એમ લાગે છે કે ગાંધીજીના ઉત્તરાધિકારી વિનોબા જ હોઈ શકે. અહિંસક સમાજની રચના અને સામાજિક અભેદ એ ગાંધીદર્શનનાં બુનિયાદી તત્ત્વો છે. ગાંધીજીની હત્યા પછી સેવાગ્રામ આશ્રમમાં મળેલી ગાંધીજનોની બેઠકમાં તેમણે આ જ વાત કરી હતી અને જવાહરલાલ નેહરુ પાસે કબૂલ કરાવી હતી. સામાજિક અભેદ વિના અહિંસક સમાજની રચના શક્ય જ નથી. વિનોબા એવાં કોઈ પણ કાર્યમાં નિમિત્ત નહોતા બનવા માગતા જે સામાજિક ભેદ પેદા કરે. આજે હવે સમજાય છે કે બિહાર અંદોલનની ફલશ્રુતિ સામાજિક ભેદ અને હિંસામાં શ્રદ્ધા ધરાવનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના ભસ્માસુરને પ્રતિષ્ઠા અને સ્વીકૃતિ અપાવવા જેટલી જ છે. બિહાર આંદોલનનો તેમણે વિરોધ કર્યો એનું કારણ તેઓ કોંગ્રેસ તરફી હતા એ નથી, પરંતુ અભેદતરફી હતા એ છે. તેમને ડર હતો કે આંદોલનના પરિણામે સમાજ વિભાજક પરિબળોને બળ મળશે.

ભારતમાં ગાંધીજીના અનુયાયીઓમાં જવાહરલાલ નેહરુ અને વિનોબા ભાવે એમ બે જ એવી વ્યક્તિ છે જેમણે આજીવન નિશંકપણે કોમવાદનો અને એમાં પણ બહુમતી હિન્દુ કોમવાદનો વિરોધ કર્યો હોય. માનવીય સમાજની રચનામાં કોમવાદ અને બહુમતી કોમ પર આધારિત રાષ્ટ્રવાદ મોટાં વિઘ્નો છે એમ નેહરુ અને વિનોબા માનતા હતા. નેહરુનો રાષ્ટ્રવાદ વૈશ્વિક હતો જ્યારે વિનોબાએ તો મંત્ર જ જય જગતનો આપ્યો હતો. વિનોબા હંમેશ કહેતા કે ધર્મ અને રાજકારણ સમાજને તોડનારા પરિબળો છે જ્યારે આધ્યાત્મ અને વિજ્ઞાન જોડનારા પરિબળો છે. ગાંધીજીએ નેહરુને પોતાનાં રાજકીય અને વિનોબાને આધ્યાત્મિક વારસદાર કહ્યા તો એમાં કોઈ ભૂલ નહોતી.

દિલોં કો જોડનેવાલા બાબા જ ગાંધીજીના વારસ હોઈ શકે. અહિંસક સમાજની રચના માટેની તાત્ત્વિક સામગ્રી વિનોબાએ વિકસાવી આપી છે જે ચિરંતન છે. જેમ ઉપનિષદોનું નવનીત શંકરાચાર્યે તેમની પ્રસન્ન ગંભીર શૈલીમાં આપ્યું છે એમ વિનોબાએ એટલી જ પ્રસન્ન ગંભીર શૈલીમાં ગાંધીદર્શનનું નવનીત એની તમામ બારીકીઓ સાથે આપ્યું છે. વિનોબાએ ગાંધીને અત્યાર સુધીના માનવતા ભણીના માનવીય પુરુષાર્થના પરિપક્વ ફળ તરીકે અને હવે પછીનાં માનવીય પુરુષાર્થ માટેનાં બીજ તરીકે આપણી સમક્ષ સુલભ કરી આપ્યા છે.

ગાંધીના ગયા પછી બીજ-સિંચનનું કામ વિનોબાએ કરી આપ્યું છે. સર્વોદય આંદોલન સંગઅસંગના દુરાધ્ય ખેલમાં અટવાઈ જાય છે એ જુદી વાત છે, પરંતુ એનાથી વિનોબાનું મૂલ્ય ઓછુ નથી થતું. એ ખેલ જ દુરાધ્ય છે એટલે કેટલાંક પ્રયાસો ઊણાં ઊતરે એ સ્વાભાવિક છે, પણ એ ખેલ અલ્ટીમેટ છે. ગ્રામસ્વરાજની કલ્પના આપીને વિનોબા અહિંસક સમાજની રચનાની દિશામાં આગળ જવાની કેડી કંડારી ગયા છે.

e.mail : ozaramesh@gmail.com

સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 ડિસેમ્બર 2015; પૃ. 03-06 & 19 તેમ જ 16 ડિસેમ્બર 2015; પૃ. 08-10

“ભૂમિપુત્ર”, યજ્ઞ પ્રકાશન સમિતિ, હુજરાતપાગા, વડોદરા-૩૯૦ ૦૦૧  ફોન : ૦૨૬૫-૨૪૩૭૯૫૭

સંપાદક : રજની દવે; સંપાદક મંડળ : સ્વાતિ,  પારુલ

દર માસની તા. ૧ અને ૧૬મીએ પ્રસિદ્ધ તથા પોસ્ટ થાય છે.

વાર્ષિક લવાજમ રૂ.૧૫૦, ત્રિવાર્ષિક રૂ.૪૨૫, પંચવાર્ષિક રૂ.૭૦૦

આજીવન અનામત રૂ.૧૫૦૦. વિદેશમાં વાર્ષિક લવાજમ (ઍરમેલ) રૂ.૧૦૦૦

લવાજમની રકમ મનીઓર્ડર, ડ્રાફ્ટ કે એટપારના ચેક દ્વારા અથવા યજ્ઞ પ્રકાશન સમિતિના દેના બેંક, મંગળબજાર, વડોદરાના ખાતા નંબર ૦૫૮૮ ૧૦૦૦૧૯૭૮માં પણ જમા કરાવી શકો છો. ચેક/ડ્રાફ્ટ ‘યજ્ઞ પ્રકાશન સમિતિ’ના નામનો મોકલવો.

ખાતામાં પૈસા જમા કરાવ્યા બાદ આપનું નામ સરનામું તથા પૈસા ભર્યાની સ્લીપ કાર્યાલય ઉપર મોકલવા વિનંતી.

Loading

2 February 2016 admin
← ફ્લોરેન્સ નાઇટિંગલનું ‘સ્વચ્છ ભારત’ અભિયાન
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી →

Search by

Opinion

  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?
  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved