Opinion Magazine
Number of visits: 9449322
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધી ચિંધ્યા 11 વ્રત અપનાવીએ, ઉમેરીએ, બદલીએ, પણ છોડીએ એક પણ નહીં  

આશા બૂચ|Gandhiana, Opinion - Opinion|25 January 2024

આશા બૂચ

માનવ જાતનો સ્વભાવ છે કે ધર્મગુરુઓના ઉપદેશ, સામાજિક સુધારકોના વિચારો, તત્ત્વચિંતકોના સિદ્ધાંતો અને રાજનૈતિક આગેવાનોના આદેશોને સાંભળે, તેનો મહિમા ગાય, તેને પૂજે, તેનાથી ભય પામે, પણ ભાગ્યે જ તેને સમજીને જીવનમાં ઉતારી તેનું પાલન કરે. એથી જ તો કદાચ યુગે યુગે નવા જ્યોર્તિધરોને જન્મ લેવો પડતો હોય છે. જેનાં જીવન અને કાર્યને જો જીવનમાં ઉતારવાની જહેમત લેવી ન હોય તો ઉત્તમ માર્ગ છે, તેના નામનું મંદિર બનાવી, તેમાં તેમની મૂર્તિની સ્થાપના કરી, હાર તોરા કરીને પૂજા કરવી.

આ જગતમાં કેટલા ય એવા આર્ષદૃષ્ટાઓ આપણી વચ્ચે જીવી ગયા, જેમણે ન તો કોઈ ધર્મની સ્થાપના કરી, ન કોઈ પંથ શરૂ કર્યો, ન કોઈ ગાદી સંભાળી કે ન કોઈ ચમત્કાર કર્યા. માત્ર તેઓએ એક ઉત્તમ માનવી તરીકે જીવન જીવવાના સરળ માર્ગ બતાવ્યા. તો હવે આપણે ‘એ વિચારો આદર્શવાદીને શોભે તેવા છે, આ જમાનામાં એ પ્રસ્તુત નથી’ એવું બહાનું કાઢીને તેને પણ પુસ્તકોમાં પૂરીને ભૂલી જઈએ છીએ.

ગાંધીજી માત્ર એક રાજકીય ક્ષેત્રના નેતા નહોતા, પરંતુ મૂળે તો એક સાધક હતા, જેમનું ધ્યેય માનવ સેવા દ્વારા ઈશ્વરને પામવાનું હતું. તેથી જ આજે વાત કરવી છે ગાંધી ચિંધ્યા 11 વ્રતની પ્રસ્તુતતાની.

એમાંનાં કેટલાં વ્રત આજે એના મૂળ સ્વરૂપમાં અપનાવી શકાય તેવાં છે? શું બીજા વ્રતો ઉમેરવાની જરૂર છે? કેટલાંક વ્રતોમાં ફેરફાર કરવાની જરૂર છે? કે તેમાંના મોટા ભાગનાં કાળબાહ્ય  થઇ ગયાં એટલે તેને છાંડી દેવાં જોઈએ?

પ્રથમ પાંચ વ્રત : સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યનો દુનિયાના તમામ મુખ્ય ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ થયેલો જોવા મળશે, અને તેથી તેને ‘પંચ મહાવ્રત’ તરીકે પણ ઓળખાવાય છે. એનો અર્થ એ કે એ સર્વકાલીન, શાશ્વત અને સર્વવ્યાપી હતા, છે અને રહેશે.

સત્ય અને અહિંસા :

સત્યને પામવું એ માનવ જાતનું લક્ષ્ય છે, તો અહિંસા તેનું સાધન છે. એ વ્રતના પાલન કરવા જતાં સામાજિક રૂઢિઓ અને ધાર્મિક પરંપરાઓનું રખેવાળું કરનારા તથા રાજ્યના શાસકો તરફથી કરવામાં આવતા દમન અને અત્યાચારના ભોગ બનવું પડે એ શક્ય છે, પરંતુ અસત અને હિંસાના આચરણથી સુખમાં જીવવા કરતાં એ હજાર ગણું વધુ ગૌરવવંતુ બને એ નિઃશંક. સિક્કાની બે બાજુ જેવાં આ બે વ્રતના પાલનમાં શિથિલતા આવી, અને જુઓ, વ્યક્તિથી માંડીને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જૂઠના નગ્ન નાચને તાલે હિંસાનું તાંડવ ખેલાઈ રહ્યું છે. આથી આ બે વ્રતો છોડવાં એ માનવજાતના અસ્તિત્વને વિનાશના રસ્તે લઈ જનારા છે એ જાણીએ.

અસ્તેય અને અપરિગ્રહ :

અસ્તેય અને અપરિગ્રહ જાણે એકબીજાના અન્વયે પાલન કરવા જ સર્જાયા છે. અહીં ‘ચોરી’નો પ્રચલિત અર્થ ન લેતાં તેનો વ્યાપક અને ઊંડો અર્થ લેવો રહ્યો. જે વસ્તુઓની મને જરૂર નથી, જે અનીતિના માર્ગે મેળવાય છે એ તમામનો અધિકાર ભોગવવો એ એક પ્રકારની ચોરી જ ગણી શકાય. અને એજ રીતે બિનજરૂરી ભૌતિક સાધનોનું ઉત્પાદન, વેંચાણ, ખરીદી અને નિકાલ કરતા રહેવાને અપરિગ્રહ અને અસ્તેય સાથે સીધો સંબંધ છે. ઔદ્યોગિક ક્રાંતિને પગલે થોડા માણસો દ્વારા ઢગલાબંધ ઉત્પાદનનો ભસ્માસુર સર્જ્યો, હવે એ ખુદ એના સર્જનહારને ભસ્મીભૂત  કરવા બેઠો છે. અપરિગ્રહના વ્રતને આપણે સાધુ સંતો પૂરતો માર્યાદિત રાખી દીધો. પ્રગતિ અને વિકાસની વ્યાખ્યામાં વસ્તુઓની બહુલતાને અગ્રતા આપી, તો જુઓ શું પરિણામ આવ્યું? આપણે ભાન ભૂલી ગયા. ધરતીના બિછાના પર શ્વસન કરતી તમામ જીવસૃષ્ટિ કુદરતી સંસાધનો રૂપી જે ચાદર ઓઢીને સૂતી છે, એ ટૂંકી પડવા લાગી છે. ઉત્તર ગોળાર્ધના દેશવાસીઓ ચાર હાથે ભોજન કરે અને દક્ષિણ ગોળાર્ધના દેશવાસીઓ ભૂખે મરે, પશ્ચિમના દેશો બે હાથે ઉત્તમ સાધનોની લૂંટ ચલાવે અને પૂર્વના દેશો બે હાથ ફેલાવી ઝોળી ભરવા કરગરે. આવી સામાજિક-આર્થિક અસમાનતા દૂર કરવા હાંસિયામાં ધકેલાઈ ગયેલા હિંસાનો માર્ગ લે તેમાં નવાઈ ખરી? આથી જ તો આ બંને વ્રતોને પહેલા બે વ્રત સાથે સીધો સંબંધ છે એ સ્પષ્ટ થાય. આર્થિક અસમાનતા દૂર કરવા અને પર્યાવરણના રક્ષણ ખાતર આ બંને વ્રતોનું પાલન આજે સો વર્ષ પહેલા હતું તેથી ય વધુ જરૂરી બન્યું છે.

બ્રહ્મચર્ય :

હવે આ બ્રહ્મચર્યનું પાંચમું વ્રત ભારે રસપ્રદ વિવાદ જગાવનારું છે. પ્રખ્યાત ઇતિહાસકારો, તત્ત્વચિંતકો અને રાજનીતિજ્ઞોમાંના કેટલાક માને છે કે ગાંધીજીએ બ્રહ્મચર્યનું વ્રત પ્રજા સામે ધરીને યોગ્ય પગલું નથી લીધું, એ તેમના પુરુષ પ્રધાન સમાજની માન્યતાની ઉપજ છે, આજના ઉદારમતવાદી સમજમાં એ ન ચાલે. આ માટે આપણે ગાંધીજીના બ્રહ્મચર્યના વિચારોને તેના યોગ્ય સંદર્ભમાં સમજવા રહ્યા. તેઓ એ વ્રત પતિ-પત્ની પરસ્પરની સહમતિથી લે અને તેનું પાલન કરે એમ માનતા અને પોતે એ અમલમાં મૂકીને બતાવ્યું. એટલે અહીં સ્ત્રી પર પુરુષના આગ્રહને બળજબરીથી લાદવાનો કોઈ સવાલ જ નથી ઉઠતો. વળી વિનોબાજીએ કહ્યું છે તેમ બ્રહ્મચર્યનો ખરો અર્થ છે, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ અર્થે એ તરફની ચર્યા, કે જેનો સમાન અધિકાર સ્ત્રી પુરુષ બંનેને છે. શું સ્ત્રીનું સ્થાન ભોગ વાસનાને વશ થઈને કે સમાજના પુત્ર પ્રાપ્તિ વિશેના ખોટા ખ્યાલોને અનુસરીને સતત સંતાનોત્પત્તિ કર્યા કરવાનું જ છે? આથી જ તો ગાંધી-વિનોબા અને તેમના જેવા અનેક મહાનુભાવોએ મહિલાઓને બ્રહ્મચર્યનો ખરો રાહ બતાવી જીવનના દરેક ક્ષેત્રમાં પુરુષની જોડાજોડ કાર્ય કરતી કરી દીધી, એ શું બ્રહ્મચર્યના વ્રતના પાલનની સારી આડઅસર નથી? અને પશ્ચિમી સભ્યતા મુજબ સ્ત્રીને સંતાન ઉત્પન્ન ન કરવાં હોય તો ‘ના’ કહેવાનો પૂરો અધિકાર છે અને અન્ય કારણોસર તેના નિરોધ માટે કેટલાંક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે જે કાયદાથી માન્ય હોય છે, પરંતુ તેનાથી કેટલાક કિસ્સાઓમાં સ્ત્રી અને પુરુષનાં સ્વાસ્થ્યને કેટલી હાનિ પહોંચે છે એ હવે ક્યાં અજાણ્યું છે? વળી એ સાધનોના ઉપયોગની બૂરી અસર થઈ, સમાજ સ્વેચ્છાચારી બનવા લાગ્યો, સ્ત્રી-પુરુષના સંબંધોમાં માનવ ગરિમા અદૃશ્ય થવા લાગી, બળાત્કાર, આત્મહત્યા અને હત્યા જેવા ગુનાઓ વધવા લાગ્યા. માનવીનાં ચારિત્ર્યને નિમ્ન કક્ષાએ ઉતારે તો પણ બ્રહ્મચર્ય જેવા વ્રતને તિલાંજલિ આપવામાં કયું ડહાપણ રહ્યું છે? નીતિપરાયણ પ્રજાના સર્જન માટે આજે પણ આ વ્રતની ઉપયુક્તતા સાબિત કરવા જવું પડે તેમ નથી.

માનવ જાતે પોતાના વંશનું ગરિમાપૂર્ણ સંવર્ધન અને સંગોપન કરવું હોય તો સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય, એ પંચ મહાવ્રતનું પાલન હરેક યુગમાં અનિવાર્ય બની રહે, કદાચ તેની રીત સમયાંતરે બદલતી રહે.

બાકીના છ વ્રત : શરીર શ્રમ, અસ્પૃશ્યતા નિવારણ, અભય, સ્વદેશી, અસ્વાદ અને સર્વધર્મ સમાનત્વ એ કંઈક અંશે જે તે સમાજની તત્કાલીન પરિસ્થિતિને અનુલક્ષીને સર્વના ઉત્થાન માટે અપનાવવામાં આવતા નિયમો કહી શકાય. આ વ્રતો સ્વાતંત્ર્ય સંગ્રામના સમય દરમિયાન આપણી સમક્ષ ધરવામાં આવેલાં એટલે હવે તે કાળબાહ્ય થઈ ગયા તેમ કેટલાકનું માનવું છે. એ ખરું છે કે નહીં તે તાપસીએ.

શરીરશ્રમ :

શરીર શ્રમને વ્રતનો દરજ્જો આપવાની પ્રેરણા ગાંધીજીને ટૉલ્સ્ટૉયના વિચારોમાંથી મળી તેમ કહી શકાય. જો કે તમામ પુરાણી સભ્યતાઓ શ્રમ આધારિત અર્થવ્યવસ્થા પર જ જીવતી હતી. અહીં શ્રમ અને શ્રમિકો બંનેનો મહિમા અને આદર કરવાનો તેમનો હેતુ હતો. બુદ્ધિજીવીઓ દિવસના અમુક કલાકો શારીરિક શ્રમને ફાળવે અને અન્ય વ્યવસાય કરનારાઓ દિવસનો થોડો સમય જ્ઞાનોપાર્જનમાં વિતાવે તો જ શરીર અને દિમાગના સમ્યક વિકાસને પરિણામે સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક રીતે સક્ષમ સમાજ રચી શકાય એવી દૃઢ માન્યતા ધરાવતા હોવાને કારણે ગાંધીજીએ શરીરશ્રમને છેક દક્ષિણ આફ્રિકાના તેમના રહેવાસના સમયથી જ મહત્ત્વ આપેલું. ભારત આવ્યા બાદ ચરખાને પુનર્જીવિત કરવામાં આ જ હેતુ સમાયેલો. આ વ્રતના પાલનથી આર્થિક અસમાનતાને પણ દૂર કરી શકાય એ હેતુ. આજે હવે ખાસ કરીને પશ્ચિમના દેશોમાં સુખનો રોટલો ખાઈને એશ અરામી જીવનપદ્ધતિ જીવતા લોકોને કેટલાક રોગ કે માંદગીના ભોગ બનતા અટકાવવા માટે શરીરશ્રમને મહત્ત્વ આપવાની સલાહ આપવાનું શરૂ થયું છે. ઘરનાં તમામ કાર્યો સ્ત્રી-પુરુષ સાથે મળીને કરે, જાહેર સ્વચ્છતા અને વ્યવસ્થાનાં કાર્યો દરેક વર્ગના લોકો ભાગે પડતા વહેંચી લે એ નિયમની આજે જરૂર નથી તેમ કોણ કહી શકે?

અસ્પૃશ્યતા નિવારણ :

હવે રહી અસ્પૃશ્યતા નિવારણ વ્રતની સુસંગતતાની. સ્વતંત્ર ભારતના નાગરિકો અને વહીવટકર્તાઓએ ધારી લીધું કે ગાંધીજીના કહેવાથી આઝાદી મેળવવા માટે અસ્પૃશ્યતા નિવારણની ઝુંબેશ ઉઠાવવાની તે સમયે જરૂર હતી. અસમાનતાથી ગ્રસ્ત સમાજ ન તો પ્રગતિ સાધી શકે, ન ન્યાયપૂર્ણ રાજકીય વહીવટ કરી શકે એ વિષે પૂરેપૂરા સભાન હોવાને કારણે ગાંધીજીએ અસ્પૃશ્યતા નિવારણને આઝાદી મેળવવા જેટલું જ પ્રાધાન્ય આપ્યું હતું એ આપણે ન સમજી શક્યા. માત્ર કાયદાઓ ઘડ્યા અને અનામત બેઠકો ફાળવી તેથી આ દૂષણને આપણે મિટાવી દીધું એમ માનવાની ભૂલ કરી. આજે આઝાદી મળ્યાના સાડા સાત દાયકાને અંતે સામાજને સમથળ બનાવવાને બદલે જ્ઞાતિ, વર્ણ, જાતિ (આદિવાસી જાતિઓ) અને લિંગ આધારિત ભેદભાવમાં વધારો વર્તાતો જોવા મળે છે. કેમ કે મૂળમાં માણસને માત્ર એક માનવી તરીકે જોઈને તેના જન્મસિદ્ધ અધિકારો મળતા રહે એવી આર્થિક-સામાજિક-રાજકીય વ્યવસ્થા ઊભી કરવાને બદલે એ તમામ સમૂહોને કેટલાક અધિકારો ‘આપવા’, જેથી તેઓ સંતુષ્ટ રહે, અને બાકીનું જીવન યથાવત ચાલુ રહે એમ માની લીધું. તેની પાછળ પક્ષીય રાજકારણ મોટે ભાગે જવાબદાર ઠરે. હવે એ દિશામાં કશું કરવાનું નથી એ માનવું ગલતફહેમી છે. કદાચ આ વ્રત ફરીને લેવું પડે તેવી સ્થિતિ છે.

અભય :

આધુનિક યુવા વર્ગ પૂછી શકે, ભલા, ધર્મમાં કહેલા વ્રત-નિયમો પાળવાનું જાણીએ છીએ, પણ આ અભય તે કોઈ પ્રકારનું વ્રત હોઈ શકે? આપણે માતા-પિતા અને શિક્ષકોની આજ્ઞા, સરકારના હુકમો અને નેતાઓના આદેશને વગર વિચાર્યે શિરોધાર્ય ગણીને પાળતા આવીએ છીએ. તેમાંના તર્કસંગત હોય, સહુના હિતાર્થે ઘડવામાં આવ્યા હોય તે અનુસરવા વ્યાજબી ખરા, પરંતુ એવા અનેક નિયમો, રસ્મો અને કાયદાઓ છે જે વ્યક્તિ, નાના મોટા સમૂહ કે દેશના હિતમાં નથી હોતા. એ હકીકત જાણવા છતાં મોટા ભાગના લોકો તેનો વિરોધ કરશે નહીં કેમ કે તેઓ ભયભીત હોય છે. અન્યાય, દમન, અત્યાચાર અને હિંસાનો સામનો કાયર લોકો કેવી રીતે કરી શકે? વ્યક્તિનાં ચારિત્ર્યનું પ્રમાણ અંગત અને સામૂહિક સ્વમાન અને સ્વતંત્રતાની જાળવણીમાં છે. આજે ઠેર ઠેર રાજકીય અને ધાર્મિક અંધાધૂંધી ફેલાયેલી જોવા મળે છે, જેનો બળાપો સહુ કરશે, પણ હિંમતપૂર્વક વિરોધ કરવા જેટલું અભય નથી રહ્યું કોઈનામાં (જેમાં હું મારો પણ સમાવેશ કરું). જો હાલના યુગને કળિયુગ કહેતા હોઈએ, તો તેમાંથી ઉગરવા અભયના વ્રતને છાંડવું પોસાય તેમ નથી.

સ્વદેશી :

નવમું વ્રત તે સ્વદેશીનું. આજે ‘ગ્લોબલ માર્કેટ’ના જમાનામાં સ્વદેશીની વાત માત્ર હાસ્યાસ્પદ ગણાય. જો ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પોતાની વસ્તુઓ હજારો માઈલ દૂરના દેશોમાં વેંચી શકે તો ભલા કારીગર તરીકે પોતાના પાડોશીનો વિચાર કરીને પોતાની આસપાસની બજારમાં વેંચવાનો કે ગ્રાહક તરીકે ગૃહોદ્યોગ અથવા ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપવા સ્થાનિક કારીગરોએ બનાવેલ માલ ખરીદવાનો વિચાર પણ શા માટે કોઈ કરે? યાદ રહે કે હવે ડીઝલ, ખનીજ તેલ, કોલસા અને અણુશક્તિથી પેદા થયેલ ઇંધણની તંગી એટલી વધી છે કે ખોરાક અને અન્ય જીવન જરૂરી વસ્તુઓની હેરાફેરી પણ અસંભવ બનવા લાગી છે, ત્યારે ન છૂટકે ખુદ ‘વિકસિત દેશો’એ પણ સ્વદેશીનું વ્રત લેવું પડશે. એ માટેની છુટ્ટીછવાઈ ચળવળ શરૂ થઈ જ ગઈ છે.

અસ્વાદ :

મોટાભાગના ધર્મોમાં તેમાં આવતા મુખ્ય તહેવારો સાથે ખાન-પાનમાં નિષેધ અથવા ખાસ ખોરાક લેવાના રિવાજો જોવા મળે છે, અને હિન્દુ ધર્મ તો તેમાં આગેવાની કરી શકે. ઘણું ખરું સાધુ-સંતો અસ્વાદ વ્રત પાળતા જોવા મળે. વળી સુધરેલા કહેવાતા સમાજોમાં સ્વાસ્થ્યની જાળવણી માટે અમુક પ્રકારના ખોરાકની ભલામણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિક હકીકતોનો પ્રસાર થયો અને શિક્ષણ ઘણાને સુલભ થયું, તેથી હવે અસ્વાદ વ્રતને વ્યક્તિગત અને સામૂહિક સ્વાસ્થ્યનો મુદ્દો ગણીને અગ્રતા ક્રમ આપીએ તો તેના ફાયદા આપણા વૈશ્વિક વ્યાપાર પર પણ પડશે. વળી સમાજસેવાને સુગમ બનાવવા અને અધ્યાત્મને જીવનમાં વણી લેવા માટે પણ અસ્વાદ વ્રત લાભદાયી નીવડે. આ વ્રતને માત્ર ધાર્મિક રૂપ ન આપતાં સ્વાસ્થ્ય અને નૈતિક વ્યાપારની દૃષ્ટિએ ફરીથી અપનાવવું આપણા જ લાભમાં રહે.

સર્વધર્મ સમાનત્વ :

આજથી સો-દોઢસો વર્ષ પહેલા ‘સર્વધર્મ સમાનત્વ’ એ તદ્દન નવી વિભાવના હતી. જો કે એ દિશામાં કામ કરનારા ઘણા જ્યોતિર્ધરો દુનિયા આખીમાં થઈ ગયા. તેમાંના આખરી મસીહા ગાંધીજી આ લક્ષ્યને પામવા જીવ્યા અને તેને ખાતર પ્રાણની આહુતિ પણ આપી. આજે વિશ્વ આખું ધર્મને નામે એટલું વિભાજીત થતું જાય છે, તેને નામે ફેલાતો આતંક, યુદ્ધ અને આંતરિક હિંસા એટલી પ્રજ્વલિત થતી જાય છે કે સર્વધર્મ સમાનત્વના વ્રતને પહેલાં પાંચ મહાવ્રતની હારમાં મૂકવું યોગ્ય લાગે છે. જ્યારથી વિધિવત ધર્મોની સ્થાપના થઈ ત્યારથી દરેક દેશમાં એક કરતાં વધુ ધર્મને અનુસરનારી પ્રજા વસતી આવી છે. દરેક ધર્મના મૂળ સિદ્ધાંતોમાં સામ્ય જોવા મળે, જે તે ધર્મના પ્રણેતાઓના ઉપદેશમાં સત્ય-પ્રેમ-કરુણાના સંદેશનો સમાવેશ જણાય, તેની કથાઓ અને પાત્રોમાં અનોખું સરખાપણું જોઈ શકાય અને છતાં ધર્મને નામે આટલી અસહિષ્ણુતા કાં? ગાંધીજીએ કહેલું તેમ જો દરેક ધર્મનો મિત્રવત અભ્યાસ કરવામાં આવ્યો હોત તો તેના પાલન માટેના આચાર-વિચારમાં રહેલ તફાવતોનાં કારણો સમજમાં આવી શકત, અને તો પરસ્પરના ધર્મ પ્રત્યે સમજણ ભરી સહિષ્ણુતા કેળવી શક્યા હોત. દરેક બાળકને નાનપણથી ચોરી ન કરવી, જૂઠ ન બોલવું, કોઈને હાનિ ન પહોંચાડવી, વગેરે મૂલ્યો શીખવવામાં આવે છે, તેમ એક બીજાના ધર્મમાંથી સાર ગ્રહણ કરવો અને તેને પાળનારને આદર આપવો એ શીખવવું શું મુશ્કેલ છે? રાજ્ય વહીવટને ધર્મયુક્ત બનાવીને લોકાભિમુખ બનાવવાને બદલે ધર્મમાં રાજકીય કાવાદાવા, સ્વાર્થ, હિંસા વગેરેનો પ્રવેશ કરવાથી રાજકારણ તો શુદ્ધ ન જ રહ્યું, પરંતુ માનવ જાતને ઉન્નત બનાવતા ધર્મો પણ દૂષિત થઈ ગયા. તેમાં ય લોકશાહી શાસન પ્રણાલીનો ઉપયોગ કરીને પ્રજાને ધર્મનું અફીણ પાનાર સત્તાથી સાવધાન રહેવું અનિવાર્ય બન્યું છે. માટે જ સર્વધર્મ સમભાવ, અથવા વિનોબાજી કહે છે તેમ સર્વધર્મ મમભાવ એ આપણાં વ્રતોની યાદીમાં મોખરે મુકવાનો સમય આવી ગયો છે.

e.mail : 71abuch@gmail.com

Loading

25 January 2024 Vipool Kalyani
← તિરંગો છે
Restoring Inclusive Idea of India in the times of Sectarian Nationalism →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved