સાબરમતીનો ગાંધી આશ્રમ એના પુનર્નિર્માણની દરખાસ્ત / યોજનાને કારણે અત્યારે ચર્ચામાં છે. એમાં વિવિધ દૃષ્ટિકોણ રજૂ થયા છે. મારી વાત એક વધુ દૃષ્ટિકોણ રૂપે રજૂ કરું છું. (કોઈ વિગત અધૂરી કે અલગ હોઈ શકે. સ્મરણ પરથી લખું છું.)
ગાંધી આશ્રમના પુનર્નિર્માણની વાત લગભગ ૨૦ વર્ષ પહેલાં વિખ્યાત આર્કિટેક્ટ બાળકૃષ્ણ દોશી અને સેપ્ટ વગેરે દ્વારા કમિશ્નર કેશવ વર્માના વખતે શરૂ થઈ હતી. પરંતુ એ અમલમાં ન આવી.
અત્યારે ગાંધી પ્રેમીઓનો વિરોધ એ કારણે છે કે કેન્દ્ર સરકારે 1,200 કરોડની પુનર્નિર્માણની યોજના બનાવી છે. એને વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ પોઇન્ટ બનાવશે. ગાંધીજીને ઓળખનારા – સમજનારા સૌ સંમત થશે કે ગાંધીજીનું સ્મરણસ્થાન સાદગીભર્યું, ઔચિત્ય ભર્યું, છેલ્લા માણસ સાથે હૃદયાનુસંધાન કરાવનારું, ગાંધીજીની જીવન સાધનાને પ્રગટ કરનારું અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યને જાળવનારુ હોવું જોઈએ. એને ટુરિસ્ટ પોઇન્ટ ન બનાવી શકાય. વિદેશી મહેમાનો પણ મૂળ ગાંધીને પામે એ જાળવવું જોઈએ. આ ભવ્ય વારસા સ્થાન (ગ્રાન્ડ હેરિટેજ પ્લેસ) હોય અને રહે.
અત્યારે લગભગ પાંચેક ટ્રસ્ટોમાં ગાંધી આશ્રમ વહેંચાયેલો છે. જેમ કે સાબરમતી ગૌશાળા ટ્રસ્ટ. (એની પાસે સૌથી વધુ જમીન છે) ચારેક દાયકાથી એન.ડી.ડી.બી.ને સોંપાયેલ છે. આર્ટિફિશિયલ ઈન્સેમિનેશનના સ્ટોરેજ તરીકે મુખ્યત્વે વપરાય છે. ગોપાલન કે ગોસંવર્ધનનું કોઈ કામ થતું હોય તો જાણમાં નથી. સફાઈ વિદ્યાલય ટ્રસ્ટ સફાઈ જાગૃતિનું કામ કરે છે. એક અન્ય માનવ સાધના ટ્રસ્ટ પણ ચાલે છે. ખાદી ગ્રામોદ્યોગ ટ્રસ્ટ અત્યારે મુખ્યત્વે ખાદીકામ કરે છે. વણાટ, રંગાટ, કાગળ, ચર્મકામ કે તેમાં સંશોધનનું કામ બંધ થયું છે. ગાંધી આશ્રમનો ઘણો ભાગ નિવાસરૂપે ૨૨૫ કે ૨૫૦ જેટલા પરિવારો વાપરે છે.
જે ગાંધી સ્મારક અને સુરક્ષા ટ્રસ્ટ (જેમાં હૃદયકુંજ અને ગાંધીસંગ્રહાલય છે) તરીકે ઓળખાય છે એમાં ઇલાબહેન ભટ્ટ, સુદર્શન આયંગાર, કાર્તિકેય સારાભાઈ વગેરે ટ્રસ્ટીઓ છે.
આ ઉપરાંત વિનય મંદિર, કન્યા છાત્રાલય, વિનોબા નિવાસ, મીરાંબહેન નિવાસ અને બીજાં સ્થાનો છે તે ઉપેક્ષિત જેવાં છે. તેને હેરિટેજના ભાગરૂપે વિકસાવી શકાય.
ગાંધી પ્રેમીઓને ભય છે કે કેન્દ્ર સરકાર વધુ ભવ્ય અને વિશાળ કરવામાં મૂળ આશ્રમને બદલી નાખશે. તો સાથે એ પણ વિચારવું જોઈએ કે બીજાં ચારેક ટ્રસ્ટો છે એને ગાંધી આશ્રમના ભાગરૂપ ગણવા જોઈએ કે નહીં? એ રીતે એને વિકસાવવા જોઇએ કે નહીં?
આ માટેના ખર્ચ પેટે સરકાર તરફથી ૧,૨૦૦ કરોડ રૂપિયા ફાળવાયા છે. તેનો પણ પ્રશ્ન છે. તો આપણે નવેસર વિચારી શકીએ.
૧. સરકાર રકમ અને નિષ્ણાતોની (આર્કિટેક્ટ, એન્જિનિયર્સ, કલાકારો અને મેનેજમેન્ટ તજજ્ઞોની) મદદ કરે. આખું આયોજન ટ્રસ્ટ, ગાંધી પ્રેમીઓ અને નિષ્ણાતોની બનેલી એક સમિતિને સોંપે. આ સમિતિ જેને આખરી મહોર મારે એટલું નવરચનામાં કરવું / થાય.
૨. હું દસ વર્ષ પહેલાં સેવાગ્રામ આશ્રમમાં ગયો હતો. સેવાગ્રામના પુનર્નિર્માણ માટે આગલી સરકારે દરખાસ્ત કરી હતી. એ દરખાસ્ત સેવાગ્રામના ટ્રસ્ટીઓએ સ્વીકારી નહોતી. મેં જોયું કે મહાદેવ દેસાઈ નિવાસ જર્જરિત હતો. ઈંટો પડી ગઈ હતી. નળિયાં લટકી રહ્યાં હતાં. રિપેરીંગ થતું નહોતું.
સાબરમતી ગાંધી આશ્રમનાં મકાનો તત્કાલીન સંજોગોમાં બંધાયાં હશે. એ પણ જૂનાં થશે. તૂટશે. તો નિષ્ણાતોની મદદથી, જરૂરી એવી સામગ્રીથી, જરૂરી એવા આધારો આપીને, બીજા 50- 60 વર્ષ બધું સરસ રહે એ દિશામાં વિચારવું ન જોઈએ? આ કામ તજજ્ઞોનું છે. આનો વિચાર ગાંધી પ્રેમીઓએ અત્યારથી કરવો જોઈએ.
૩. ગાંધી આશ્રમને સાયલન્સ ઝોન બનાવવો, હજારોની સંખ્યામાં આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવી, આ બધું પણ જરૂરી બનવાનું. એટલું જ નહીં, આ સઘળું જાળવવું, સુધારવું, બદલવું અને કાર્યકર્તાઓના વેતન વગેરેની જોગવાઈ અંગે પણ અત્યારથી વિચારવું જરૂરી છે.
૪. ગાંધી જીવન-કાર્યનો મુખ્ય આધાર લોક સહયોગ દ્વારા લોકશક્તિ નિર્માણનો હતો. તો લોક સહયોગથી જરૂરી રકમ એકઠી કરવી જોઈએ. ગાંધીજીએ ટિળક સ્વરાજ ફાળામાં રૂપિયો રૂપિયો એકઠો કરીને એ જમાનામાં લાખથી વધારેનું ફંડ એકઠું કરેલું. ગાંધી પ્રેમીઓએ આ અંગે વિચાર કરવો જોઈએ.
ગાંધીજી ભારતીય પ્રજા માટે શ્રદ્ધા સ્થાન છે. રતન તાતા, અજીમ પ્રેમજી કે નારાયણ મૂર્તિના કરોડો રૂપિયાની સાથે જ એક અજાણ ગ્રામજનના દસ રૂપિયા કે એક વિદ્યાર્થીના બે રૂપિયા સમિતિએ સ્વીકારવા જોઈએ. તો પછી આર્થિક તાણ નહીં રહે. ગાંધી પ્રેમીઓએ આ માટે આગળ આવવું જોઈએ. ગાંધીવિચારને જીવતો રાખવાનું આ પણ એક માધ્યમ છે. સરકાર બિનશરતી આપી શકે તેટલાં નાણાંની અને નિષ્ણાતોની મદદ આપે. અને બાકીની રકમ લોક સહયોગથી એકઠી થાય. પણ એ જાગૃતિ અવશ્ય રહે કે સામાન્ય માણસના એક રૂપિયાનો સહયોગ પણ ઘણો મૂલ્યવાન છે. ગાંધી પ્રેમીઓ આ અંગેની ઝુંબેશમાં જોડાઈ શકે. સમિતિને મદદ કરી શકે. માસ મીડિયાના આવ્યા પછી આ વિચાર લાખો લોકો સુધી પહોંચાડવાનું બહુ સહેલું છે.
૫. વિવિધ ક્ષેત્રના નિષ્ણાતોને એવી અપીલ કરી શકાય કે તમે નિ:શુલ્ક યા અલ્પશુલ્ક લઈને તમારી સેવાઓ આ કામ માટે આપો.
૬. ગાંધી આશ્રમના કાયદાકીય પ્રશ્નો પણ હશે. તો જ્યાં કાયદાકીય મદદની જરૂર હોય ત્યાં સરકારી તંત્ર ઉત્તમ સહયોગ આપે. એના માર્ગદર્શન માટે રાજ્યના સચિવ કક્ષાના અધિકારીની સરકારે નિમણૂક કરવી જોઈએ.
૭. ગાંધી આશ્રમ ‘ગાંધીનો આશ્રમ’ની અનુભૂતિ કરાવે તેઓ રહેવો જોઈએ. મહેલ નહીં બની જવો જોઇએ. એ ભાવના સાચી છે, એમ જ કોઈ પણ સ્મારકની જાળવણીની જોગવાઈઓ પણ જરૂરી છે. માત્ર આજનું કોર્પસ ફંડ પૂરતું નહીં થાય. એટલે જેમ ગાંધી આશ્રમનું પુનર્નિર્માણ લોક સહયોગથી થવું જોઈએ તેમ જ તેની કાયમી સંભાળનું આયોજન પણ લોક સહયોગથી થવું જરૂરી છે.
કોઈ દરખાસ્તમાં મર્યાદા કે ઊણપ હોય તો તેમાં શું કરવા જેવું છે એ અંગેની વિચારણામાં અને અમલમાં પણ ભાગીદાર થવું જરૂરી છે. આજના ઘણા પ્રશ્નો “બધુ સરકાર કરશે” એ મનોવૃત્તિમાંથી જન્મ્યા છે. એ નબળાઈને દૂર કરવામાં અને રચાનારી સમિતિને સહયોગ આપવામાં ગાંધી પ્રેમીઓ પાછા નહિ પડે તેવી આશા રાખીએ.
e.mail : mansukhsalla@gmail.com