
સંજય ભાવે અને રમેશ સવાણી
27 જાન્યુઆરી 2025ના રોજ સાંજે, અમદાવાદના નવજીવન કર્મ કાફે ખાતે અંગ્રેજીના પ્રાધ્યાપક / પત્રકાર / લેખક / અનુવાદક અને ઉમદા માણસ સંજય ભાવેને મળવાનું થયું. બે કલાક સુધી સરખા વિષયો પર વાત કરવાની મજા માણી. જો કે આખી રાત બેસીને વાતો કરીએ તો પણ ખૂટે તેમ નહોતી.
સંજય ભાવે સામાજિક પ્રશ્નો / શિક્ષણ / પુસ્તકો / વ્યક્તિઓ વિશે લખે છે. માનવ મૂલ્યો અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની તેમની નિસબત મને ગમે છે. કોઈ લેખક / પત્રકાર કેવા હોવા જોઈએ તે જાણવા-સમજવા સંજય ભાવેને મળવું પડે.
સંજય ભાવેએ પ્રથમ મુલાકાતમાં મને માલામાલ કરી દીધો ! તેમણે મને 8 પુસ્તકો ભેટમાં આપ્યા. મને ગમતા વિષયોનાં આ પુસ્તકો હતાં. યાદી જ આપી દઉં : [1] ‘ The Republic of Reason- Words They Could Not Kill’ રેશનાલિસ્ટ દાભોલકર, પાનસરે અને કલબુર્ગીના પસંદ કરેલા લખાણો. [2] ‘ભૂમિસૂક્ત’ હિમાંશી શેલતની નવલકથા, જે નિસબત ધરાવતા વાંચકોને વલોવી નાખે તેવી સાહિત્યકૃતિ છે. [3] ‘પ્રકાશની પગદંડીઓ’ આ પુસ્તક દરેક નાગરિક / એક્ટિવિસ્ટ અને પત્રકારોએ વાંચવું જોઈએ. બાબા આમટેના પુત્ર ડો. પ્રકાશ આમટેની જીવનકથા છે. ડો. પ્રકાશ તથા તેમના ડોક્ટર પત્ની મંદાર, હેમલકસા આદિવાસીઓમાં તબીબીસેવા અને શિક્ષણનું કામ કર્યું. વેરાન પ્રદેશમાં ઘર / શાળા / દવાખાનું / કામચલાઉ હોસ્પિટલ ઊભી કરી. એમના બાળકો ત્યાં જંગલમાં જ ઊછર્યા. તેઓ જંગલમાં માનવજીવન લાવ્યા. આ કામ માટે તેમને મેગસેસે એવોર્ડ મળ્યો. આ પુસ્તક મેં બે વખત વાંચ્યું છે, હજુ ત્રીજી વખત વાંચીશ. મારું મનગમતું પુસ્તક છે. આ પુસ્તકનો અનુવાદ સંજય ભાવેએ કર્યો છે. ગુજરાતમાં પણ આવા નોખાં જીવ છે : ડોક્ટર કનુભાઈ કલસરિયા ! તેમના સંઘર્ષનું પુસ્તક ‘પીડ પરાઈ જાણે રે’ પણ ખાસ વાંચવા જેવું છે. [4] ‘ઉપરા’ મરાઠી લેખક લક્ષ્મણ માનેની આત્મકથા છે. વિચરતી – વિમુક્ત જાતિઓના પ્રશ્નોને વાચા આપી છે. પેઢીઓ સુધી પીઠ પર ઘર લઈને ગધેડાનું જીવતર જીવનારા માણસોની વેદના સમજવા આ પુસ્તક વાંચવું પડે. ગુજરાતમાં આ કામ મિત્તલ પટેલ ખૂબ સારી રીતે કરે છે. [5] ‘પુ.લ. દેશપાંડે’ પરિચય પુસ્તિકા. લેખક સંજય ભાવે. પુ.લ. દેશપાંડે એટલે પુરુષોત્તમ લક્ષ્મણ દેશપાંડે. મહારાષ્ટ્રમાં ઘર ઘરમાં જાણીતા હાસ્યલેખક અને નાટ્યકલાકાર. તેમનાં 52 પુસ્તકોની 200થી વધુ આવૃત્તિઓ થઈ છે ! [6] ‘પુલકિત’ પુ.લ. દેશપાંડેની કેટલીક રચનાઓનો સંગ્રહ છે. અનુવાદક છે અરુણા જાડેજા. [7] ‘જોતીરાવ ફૂલે’ પરિચય પુસ્તિકા. લેખક સંજય ભાવે. [8] ‘સૂરજ સામે ધૂળ’ લેખક ચુનિભાઈ વૈદ્ય. દરેક ગુજરાતીએ આ લધુ પુસ્તિકા વાંચવી જોઈએ.
‘પુલકિત’માં એક લાંબો લેખ છે : “એક ગાંધી ટોપીનો પ્રવાસ.’ તેમાં પુ.લ. દેશપાંડે લખે છે : “લોકશાહીમાં મત મેળવવાની ચાલાકીનું ભારે મહત્ત્વ. પણ એ સાધ્યું એટલે લોકશાહી સાધી લીધી એવું નથી. એટલા મહારાષ્ટ્રમાં આટલા હજાર ગ્રામપંચાયતો સ્થપાઈ તો એટલા આંકડા પરથી લોકશાહીમાં જરૂરી એવું નિર્ભય કે કોઈપણ જાતના દબાણ કે વ્યક્તિગત પ્રલોભનને વશ ન થતાં મતદાન થયું એવું માનવાને કોઈ કારણ નથી. ચૂંટણી થઈ એટલે લોકશાહીનું તત્વજ્ઞાન લોકોને સમજાયું એવું નથી. અર્થાત્ સરમુખત્યારશાહી એ એનો ઈલાજ નથી, ક્યારે ય નહીં. પરંતુ મત ખેંચવામાં જ્યાં ‘જાત’ ઉપયોગી નીવડે ત્યાં જાત, અંધશ્રદ્ધાથી માનતા રખાતી હોય ત્યાં અંધશ્રદ્ધા, જ્યાં દહેશત કાયદેમંદ હોય ત્યાં દહેશત, જો આવા આવા રસ્તે લોકશાહીની ચૂંટણીઓ થવા લાગે તો એનો લૂણો કોલેજનાં મંડળોની ચૂંટણી સુધી જઈ પહોંચવાનો. સાર્વજનિક ચૂંટણીઓ શાંતિથી પાર પાડ્યાની વાતો આપણે વાંચીએ છીએ પણ થોડા ઊંડા ઊતરીને જોઈશું તો આ શાંતિ કેટલી બનાવટી છે એ ધ્યાનમાં આવે છે … અંગ્રેજોના રાજમાં રાજ્યકર્તાઓ અને પ્રજાની વચ્ચે એક અદૃશ્ય દીવાલ રહેતી. સ્વરાજનો અર્થ એટલે એ દીવાલ અદ્રશ્ય થવી એવો હતો. ‘પેલા’ અને ‘અમો’નો તફાવત ભૂંસાતાં હવે ‘અમો’ જ રહીશું એવું થતું હતું. પણ હકીકતમાં એવું કાંઈ થયું નહીં. ફરી એક વાર પાછો સાહેબ જ રાજકર્તાઓ સામે આદર્શ થઈ બેઠો. લોકશાહીમાં ‘મંત્રી’ નામના નવા નવાબનો જન્મ થયો. એ ય જૂના નવાબો જેવો તુક્કાબાજ. એનાથી ય આટલી અમથી ટીકા ખમાતી નથી. એમનામાં ય વેર રાખવાની એવી જ વૃત્તિ … ઘરમાં ચોરી થાય તો પોલીસચોકીએ જઈએ ફરિયાદ નોંધાવવા નથી જવું એવું થાય છે. ત્યાં વરતાતી બેપરવાઇથી આપણે ગભરાઈએ છીએ. ‘ગભરાશો નહીં, અમો તમારી પડખે છીએ’ એવું કહેનારું કોઈ રહ્યું નથી. સરકારી કચેરીઓમાં એનું એ જ જૂનું અંગ્રેજી અમલવાળું વાતાવરણ. ઉપરી અધિકારી નીચેના અધિકારીને સામેની ખુશી પર ‘બેસો’ કહેવાનું એક સીધું-સાદું સૌજન્ય પણ બતાવતો નથી. ઉપરી અધિકારીને મસકો અને નીચેવાળાને ધક્કો, એવું જૂનું સૂત્ર જ ચાલુ છે.”
આને સ્વરાજ કહીશું? ગામડાંઓમાં સ્વરાજનાં અજવાળાની રાહ જોઈને બેઠેલાં દીનદલિતોના હિસાબે તો સ્વતંત્રતા એટલે અનાજ, કપડાં અને મકાનની જોગવાઈ. તંત્ર નિષ્ઠુર થઈ ગયું છે. સત્ય એ છે કે ‘ગભરાશો નહીં, અમો તમારી પડખે છીએ’ એવું કહેનારું કોઈ રહ્યું નથી ! હા, આવા વાતાવરણમાં સંજય ભાવે જેવા સહ્રદય મિત્રો મળે એ જ ચમત્કાર !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર