દાદરી અને મુઝફ્ફરનગરની હિંસા, કાલબુર્ગી-પાનસરે-દાભોલકરની હત્યા તેમ જ તે અંગેનાં બેફામ નિવેદનો જેવાં વિવિધ રૂપે દેશના બારણે ફાસીવાદના ટકોરા થઈ રહ્યા છે. એવા સંજોગોમાં હિટલરના અત્યાચારો પર આધારિત નાટ્યત્રયી રચનાર એકમાત્ર ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળી ‘દર્શક’ પ્રસ્તુત છે. આ પહેલાના લેખમાં તેમના ‘સોદો’ નાટકની વાત જોઈ હતી. તેની સાથેના ‘હેલન’ નાટકમાં, યાતના-છાવણીના વડા હમ્બોલ્ટના જુલમે માતા બનેલી યહૂદી યુવતીની નૈતિક ખેંચતાણની કથા છે. તેને મળવા રુબેન્સ આવે છે. રુબેન્સનું પાત્ર નાઝી જુલમગારોને શોધી શોધીને સજા કરાવવાનું કામ કરનાર લડવૈયા સાયમન વિસેન્થેલ પર આધારિત છે. હમ્બોલ્ટને સજા અપાવવાની કાર્યવાહીમાં હેલન તેના ભયંકર ભૂતકાળનો ઓછાયો બાળક ચાર્લ્સ પર પડવા દેવા માગતી નથી. રુબેન્સને સમજાય છે : ‘… જાતિ સમસ્તની જરૂરિયાત કોઈનું માતૃહૃદય ઝૂંટવી શકે નહીં.’ ‘અંતિમ અધ્યાય’ નાટક હિટલરના છેલ્લા દિવસોની આસપાસની ઘટનાઓ પર આધારિત છે. આ ત્રણેય નાટકો ભરત દવેના દિગ્દર્શન હેઠળ એંશીના દાયકામાં યાદગાર રીતે ભજવાયાં હતાં અને પછી તેની ટેલિફિલ્મસ્ પણ બની હતી. એ વિશે ભરતભાઈનાં સંભારણાં ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં વાંચવા મળે છે.
‘અંતિમ અધ્યાય’ નાટકમાં બીજા વિશ્વયુદ્ધનો આખરી તબક્કો છે. અમેરિકા, રશિયા અને મિત્રરાષ્ટ્રોનાં લશ્કર જર્મનીમાં પ્રવેશી ચૂક્યાં છે, નાઝી હરોળો તૂટી ગઈ છે, બર્લિન ઘેરાવાની અણી પર છે. તેના રાજભવનમાં ભૂગર્ભગૃહમાં છેલ્લા તળિયાના મુખ્ય ખંડમાં જરા-વ્યાધીગ્રસ્ત હિટલર મહત્ત્વના સાથીઓ વચ્ચે વ્યૂહરચનામાં ખુમારીપૂર્વક મશગૂલ છે. સત્યાવીસ હજાર સૈનિકોને ખોયા પાછી પાની કરીને આવેલા સેનાપતિ ડાઈટ્રીશ પ્રવેશે છે. ફ્યુરરના ખોફનો જવાબ આપતાં એ કહે છે : ‘તમારો હુકમ કાગળ પર હતો, અને હરોળ ભૂમિ પર હતી … સૈનિકોને બિનજરૂરી સંહારમાંથી બચાવવા એ સેનાપતિનું કર્તવ્ય છે. સેનાપતિ કંઈ કસાઈ નથી.’ ડાઈટ્રીશ તેના સિપાઈઓનાં ચંદ્રકો એક મૃત સૈનિકના કપાયેલા હાથ પર લગાવીને હિટલરની સામે ધરે છે ! વધુ તીવ્ર સંઘર્ષ હિટલર હિટલરના મિત્ર એવા સ્થપતિ અને શસ્ત્રસરંજામ ઉત્પાદન ખાતાના મંત્રી આલ્બર્ટ સ્પીયર વચ્ચેનો છે. તેને હિટલરે હુકમ કર્યો છે કે રૂહર નામના નગરમાં હારીને પીછેહઠ કરતી વખતે જર્મન લશ્કર ‘પુલનાળાં જ નહીં, જળાશયો, વીજળીઘરો, બંધો, કારખાનાં બધું જ ઊડાડી દે … આવનારને ટીપું પાણી, કે એક કિલોવૉટ વીજળે કે એક સરખો રસ્તો ન મળે.’ ત્યાં રહેતા એક કરોડ નાગરિકો વિશે નાઝી હૃદયસમ્રાટ એમ માને છે કે, ‘અમેરિકનો સમર્થ હોય તો ભલે જીતે, પણ પછી જર્મન પ્રજાને જીવવાનો હક્ક નથી – તેવાના મૃત્યુનો શો શોક ? જંતુ જીવ્યાં કે મર્યાં તેનો થોડો જ આપણે વિચાર કરીએ છીએ ?’ માનવતાવાદી સ્પીયર હિટલરના આદેશનું પાલન કરતો નથી અને એનો એકરાર પણ કરે છે. નવાઈની વાત એ છે કે હિટલરે નજરબંદી છાવણીઓમાં યહૂદીઓની સામૂહિક કતલ કરાવી છે એ વાતથી સ્પીયર અજાણ છે. ટેક્નોલૉજિના જ્ઞાનથી જર્મન લશ્કરને સજ્જ કરવામાં વ્યસ્ત અને રાજકારણથી અળગા રહેનારા સ્પીયરને જ્યારે તેના ‘મનોદેવતા’ની ક્રૂરતાની અને તેના રાજકારણની ખબર પડી ત્યારે બધું ખેદાનમેદાન થઈ ચૂક્યું હતું. અલબત્ત ત્યાર પછી તેણે હિટલરની સાથેની ગાઢ મૈત્રીને બાજુ પર રાખીને સર્વનાશી યોજનાઓને નાકામિયાબ બનાવી તેને પતાવી દેવા પણ પ્રયત્ન કર્યો. સ્પીયરે હિટલરના કુકર્મોમાં પોતાની નૈતિક જવાબદારી, અને તેના માટે વીસ વર્ષની સજા પણ સ્વીકારી. નાટકમાં એ કહે છે : ‘જર્મનીની અવદશા માટે કોઈ જવાબદાર હોય તો અમે. અમે નેતાઓ જ, પ્રજા નહિ જ. આ કહેવા અમારે બહાર આવવું જોઈએ. તો જગત અમને દોષિત ઠરાવશે – સામાન્ય જનોને નિર્દોષ, તે બધા કલંકના ડાઘ વિના જીવન શરૂ કરી શકશે … આપણાં કૃત્યો માટેની જવાબદારી ઊઠાવી લેવી તે જ મર્દાઈ, એ જ અંતરાત્મા પ્રત્યેની સચ્ચાઈ …’ દર્શકના મનમાં સ્પીયરની મહત્તા વસી ગઈ છે. પ્રસ્તાવનામાં એ નોંધે છે : ‘ભાવિમાં મહાપુરુષ ગણાવાપાત્ર આ વ્યક્તિને હું આ નાટ્યકૃતિમાં સજીવ કરી શક્યો હોઉં તો મને મારી સરસ્વતીપૂજાની સફળતા લાગશે.’ સ્પીયરના અસાધારણ સંઘર્ષ ઉપરાંત દર્શકે આ નાટકમાં હિટલરના વ્યક્તિત્વના પાસાંને પણ સમાવ્યાં છે. તેમાં ઇવા બ્રાઉન સાથેનો પ્રેમ, કલારુચિ, શાકાહાર, નિરાંતની જિંદગી માટેનાં તેનાં સપનાં, તેનો એકાધિકારવાદ અને યહૂદીદ્વેષ જેવી બાબતો છે.
હિટલર વિશે સ્પીયરનું દર્શકે ટાંકેલું એક મંતવ્ય તેના ‘ઇનસાઇડ ધ થર્ડ રિશ’ સ્મરણપુસ્તકમાં મળે છે : ‘હિટલરની સરમુખત્યારી વર્તમાન ટેકનોલૉજીના જમાનાનું ઔદ્યોગિક રાજ્ય હતું. રેડિયો અને જાહેર ઉદબોધનો જેવાં ટેકનોલૉજીનાં સાધનો વડે આઠ કરોડ માણસો એક માણસના મનોબળને આધિન થયા …’ સ્પીયરના આ વિધાનમાં જાણે નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાનો જ નિર્દેશ મળે છે. વળી, ફાસીવાદી વિચારધારાનો એક તબક્કે હાથો બન્યા પછી વ્યાપક માનવતાવાદી મૂલ્યો તરફ પગલાં માંડનાર સ્પીયર અને તેની જદોજહદ ક્યાંક સુધીન્દ્ર કુલકર્ણીને મળતી આવતી નથી લાગતી?
21 ઑક્ટોબર 2015
e.mail : sanjaysbhave@yahoo.com
(‘કદર અને કિતાબ’ કોલમ, “નવગુજરાત સમય”, 04 નવેમ્બર 2015)
![]()

