Opinion Magazine
Number of visits: 9657080
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇવેન્ટ-મૅનેજમૅન્ટનો જમાનો

યોગેન્દ્ર પારેખ|Opinion - Opinion|16 September 2019

હળવે હૈયે

છેલ્લા બે દાયકામાં સહુથી સફળ રહેલો ધંધો હોય, તો મંડપ-ડેકોરેશન અને કૅટરર્સનો. હૉર્ડિંગ્સ બનાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલે છે. શિક્ષણના ધંધામાં મહેનત ઓછી ને નફો વધુ છે. અમુક સંસ્થામાં તો વકરો એટલો નફો હોય છે, પણ મંડપ-ડૅકોરેશન, સભાસ્થળ, મોટાં મોટાં કુલર, બેઠકદીઠ સરસ મજાની પ્લાસ્ટિકની બૉટલમાં મિનરલ વૉટર અને યુઝ ઍન્ડ થ્રોવાળી ડિશમાં ખાવાનું અને મોટા મોટા ડોમ અને વિશાળ મંચ ઉપર અત્યંત ધ્યાનાકર્ષક બૅનર્સ! બૅનર બનાવવામાં ડિઝાઇનનું પણ મહત્ત્વ વધ્યું છે. ભવ્યાતિભવ્ય ભપકાદાર મંચસજ્જા અને ધોમધખતા તાપમાં વાતાનુકૂલન કરી શકાય એવી વ્યવસ્થા.

આ વ્યવસ્થા કોણ કરે છે, કોના માટે કરે છે અને ખર્ચાયેલાં નાણાં કોના ખિસ્સામાંથી ખર્ચાય છે, એને ચિંતા કે ચિંતનનો વિષય ગણીએ, તો માર્કેટમાંથી ફેંકાઈ જઈએ. એટલે તમને શોરબકોર કે ઘોંઘાટ પસંદ હોય, તો આવા પ્રશ્નો થવાના જ નથી, એટલે ચિંતા નથી. આપણે મંચસ્થ હોઈએ કે સિંહાસન પર બિરાજમાન હોઈએ, ત્યારે પણ આપણી અંદર ચાલતી હડિયાપાટીનો ઘોંઘાટેય જેવોતેવો નથી હોતો. ભવ્યાતિભવ્ય કાર્યક્રમમાં જઈ આવ્યા પછી બેઘડી નિરાંતે જાતને પૂછીએ કે શું પામ્યા?! આ પ્રશ્નનો જવાબ આપણી મૂળભૂત બેહોશીમાં વધારો કરે એટલી જાગૃતિ જરૂરી છે.

ઇવેન્ટ મૅનેજર્સ એ એકવીસમી સદીના પ્રારંભે આ પૃથ્વીપટ ઉપર પ્રગટ થયેલી મહાન પ્રજાતિ છે. એની શરૂઆત ક્યારથી થઈ એ શોધવું અઘરું નથી, પણ એમાં બહુ પડવા જેવું નથી. કોઈ પણ વસ્તુ, વિચાર કે ઘટનાને ઇવેન્ટમાં પરિવર્તિત કરવાની ફાવટ ખૂબ જરૂરી છે. જન્મતિથિ, પુણ્યતિથિ, વાસ્તુ, ડાયરો, પ્રાણપ્રતિષ્ઠા, બેસણું, ઉઠમણું, શરદી, ઉઘરસ કે જે કાંઈ થયું હોય તેના સમાચાર બનાવવાની કે ઉજવણી કરી શકવાની આવડત હોય અને એ મુજબ આખો કાર્યક્રમ ડિઝાઇન કરી આપે, તેને ઇવેન્ટ-મૅનેજર કહેવાય.

ઘટના નાની હોય પણ પડઘો મોટો હોય એ દરેક ઇવેન્ટની સફળતાની પૂર્વશરત છે. કોઈ પણ કાર્યક્રમની સાથે જીવનમૂલ્ય કે અંતરાત્માના અવાજનું ઉમેરણ કરી દઈએ, તો એ સ્પર્ધા કે પ્રસંગ નિષ્ફળ જવાની પૂરી ખાતરી છે. જીવનમૂલ્યની બાદબાકી એ ઇવેન્ટની સફળતાનું પ્રથમ ચરણ છે.

ઑડિયન્સ ભાડે મળે કે પ્રાયોજિત હોય પછી કોઈ શું કામ આવે છે અને અહીંથી શું લઈને જશે, એવી ચર્ચા નિરર્થક બની જાય છે. સાર્થક-નિરર્થકનાં તારણોની જફામાં પડ્યા વગર બેઠકવ્યવસ્થા અને રસોઈવ્યવસ્થામાં ધ્યાન રાખવાનું હોય છે. શ્રોતાએ કે દર્શકો સભાખંડ સુધી કે સભાસ્થળ સુધી ખેંચાઈ આવે એટલું જ નહીં, પણ પ્રેસ, મીડિયા અને મહાનુભાવના વક્તવ્ય સુધી હાજર રહે, એક જ જગ્યાએ બેસી રહે, એની ચોકસાઈ કે ચોકીદારી રાખવાની કસોટીપૂર્ણ જવાબદારીમાંથી પાર ઊતરનાર મૅનેજરનું જીવન અને કાર્યક્રમ બંને ધન્ય થઈ જાય છે.

લોકોને સભામાં લાવવાની વ્યવસ્થા વિચારવાની રહે. આવ્યા છે તે ક્યાં જવાના અને જાતે જતા રહેવાના; એવી સમજનો સથવારો સહાયક બને છે. મૅનેજર ક્ષણજીવી ધન્યતામાંથી પરવારે ત્યાં તો બીજો અવસર તેના મોબાઇલ પર ટકોરા મારતો હોય છે. અવરોધત્પાદક પરિબળોનું અવિરત ડ્રાંઉંડ્રાંઉં કૂવામાંથી વિસ્તરતું જતું હોય છે. તેથી સરવાળે એમ કહી શકાય કે આ ધંધામાં ખોટ નથી અને નિરાંત પણ નથી.

માત્ર નેતાઓ જ ભવ્ય સભાઓ કરે છે એવું નથી. સામાન્ય જનતામાંથી અસામાન્ય મહાનુભાવ બનવા માટે પણ સભાઓ થતી હોય છે. જિંદગીના પ્રથમ કે બે-ત્રણ કાર્યક્રમ જાતે ગોઠવવાના હોય છે. પછી તો આમંત્રણ આવતાં જ જાય છે. કાલ્પનિક વિદેશયાત્રાઓ વિશે ગપ્પાષ્ટક ચલાવવાથી સ્થાનિક બજારમાં ઉછાળો આવે એવી સંભાવનાઓ સાવ ખલાસ નથી થઈ.

પૈસા વાપરવા થતા કાર્યક્રમો અને પૈસા બનાવવા થતા કાર્યક્રમોની વાત જ જુદી હોય છે. કાર્યક્રમ વિશેના પ્રચારસાહિત્યમાં એટલે કે સોવેનિયરમાં જાહેરખબર ઉઘરાવવાથી લઈને જેમને શાલ ઓઢાડવાની થાય, તેમની પાસેથી જ દાન ઉઘરાવવાની ક્ષમતા ધરાવનારા આયોજકો ભલભલાને મૂંડી નાખવા સમર્થ હોય છે. જેની જીભને ટેરવે મહાનુભાવો હોય એવા ઇવેન્ટ મૅનેજર્સ કે કાર્યક્રમ-આયોજકોની વસતી દિવસે દિવસે વધતી જાય છે.

વિકાસશીલ દેશની આભાસી પ્રગતિના પાયામાં કેટકેટલા મહાનુભાવોની નવરાશ ધરબાયેલી હોય છે. આવા કાર્યક્રમો યોજવાના થાય ત્યારે, કાર્યક્રમયોજના ઘડાતી હોય, એવે ટાણે ગાંધીજીને યાદ કરવાથી ધંધામાં નુકસાન થવાની સંભાવના છે. ગાંધીજીએ તો કહેલું કે આપણે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરીએ, ત્યારે આપણે જોયેલા ગરીબમાં ગરીબ માણસનો ચહેરો યાદ કરવો અને આપણા કાર્યથી એ માણસને કોઈ લાભ ન થવાનો હોય, તો કામ માંડી વાળવું. છેવાડાના માણસની ચિંતા કર્યા વગર, છેલ્લેપાટલે બેસીને આયોજન કરનારનો જયજયકાર આપણા સમયનું દુર્નિવાર વાસ્તવ છે.

E-mail : gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 સપ્ટેમ્બર 2019; પૃ. 23

Loading

16 September 2019 admin
← ચલ મન મુંબઈ નગરી — 11
‘સ્ટૅચ્યૂ ઑફ યુનિટી’ મુલાકાત →

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—327 
  • માતૃભક્ત મન્જિરો
  • નાનમ પણ ન લાગે …?
  • સેનાપ્રમુખની નિર્ણય -કટોકટી : રાષ્ટ્રીય નેતૃત્વની આઘાપાછી?
  • આજ સુધી અજાણ્યા રહેલા બે અંગ્રેજી અનુવાદ

Diaspora

  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !

Gandhiana

  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 

Poetry

  • વસંતાગમન …
  • એ પછી સૌના ‘આશિષ’ ફળે એમ છે.
  • ગઝલ
  • નહીં આવન, નહીં જાવન : એક  મનન 
  • મુખોમુખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved