 માણસની એક તાસીર છે; તેને લાંબા ગાળાના નુકસાનની અપેક્ષાએ ટૂંકા ગાળાના ફાયદામાં વધુ રસ હોય છે. માણસને ખબર છે કે કોઇપણ પ્રકારનું વ્યસન હાનિકારક હોય છે, છતાં તે વ્યસન અપનાવે છે, કેમ? કારણ કે તેને એ પણ ખબર છે કે વ્યસનનું નુકસાન ભવિષ્યમાં થવાનું છે, પણ તત્કાળ તો મજા જ મજા છે. વ્યસનીઓ વ્યસન નથી છોડી શકતા તેનું કારણ જ એ છે કે તેમને એક સિગારેટ કે દારૂના એક પેગમાં નુકસાન નથી દેખાતું. “આજે પી લઉં, કાલે છોડી દઈશ” એવી ચતુરાઈમાં તેનું નુકસાન વધતું જાય અને પછી ડોક્ટરની શરણે જવાનો વારો આવે, ત્યારે મોડું થઇ ગયું હોય.
માણસની એક તાસીર છે; તેને લાંબા ગાળાના નુકસાનની અપેક્ષાએ ટૂંકા ગાળાના ફાયદામાં વધુ રસ હોય છે. માણસને ખબર છે કે કોઇપણ પ્રકારનું વ્યસન હાનિકારક હોય છે, છતાં તે વ્યસન અપનાવે છે, કેમ? કારણ કે તેને એ પણ ખબર છે કે વ્યસનનું નુકસાન ભવિષ્યમાં થવાનું છે, પણ તત્કાળ તો મજા જ મજા છે. વ્યસનીઓ વ્યસન નથી છોડી શકતા તેનું કારણ જ એ છે કે તેમને એક સિગારેટ કે દારૂના એક પેગમાં નુકસાન નથી દેખાતું. “આજે પી લઉં, કાલે છોડી દઈશ” એવી ચતુરાઈમાં તેનું નુકસાન વધતું જાય અને પછી ડોક્ટરની શરણે જવાનો વારો આવે, ત્યારે મોડું થઇ ગયું હોય.
કંઈક આવું જ પર્યાવરણ અને જળવાયુ-પરિવર્તનના ક્ષેત્રમાં થઇ રહ્યું છે. દાયકાઓથી પૂરી દુનિયામાં તેનું એટલું નુકસાન થઇ રહ્યું છે છતાં માનવજાત પાસે ન તો તેને લઈને ગંભીર ચિંતા છે અથવા કોઈ નક્કર સમાધાન. એનું જ પરિણામ છે કે યુરોપમાં તેણે છેલ્લાં 500 વર્ષમાં ન જોયો હોય તેવા દુષ્કાળની સ્થિતિનો ખતરો છે.
ગ્લોબલ ડ્રાઉટ ઓબ્ઝરવેટરીના એક તાજા અહેવાલમાંથી, બી.બી.સી.એ આપેલા આંકડા ચોંકાવનારા છે. યુરોપ ખંડનો 47% હિસ્સો “તાકીદ”(વોર્નિંગ)ની સ્થિતિમાં છે, મતલબ કે જમીન સુકાઈ ગઈ છે. અન્ય 17% જમીન “સતર્કતા”(એલર્ટ)ની સ્થિતિમાં છે, મતલબ વનસ્પતિમાં “સ્ટ્રેસના સંકેત” છે. તરસી જમીનમાં પાકને નુકસાન અને જંગલોમાં આગની ભીતિ છે, જે યુરોપના ઉત્તરીય પ્રદેશોમાં અમુક મહિનાઓ સુધી ચાલે તેમાં મનાય છે.
છેલ્લાં પાંચ વર્ષના સરેરાસની અપેક્ષામાં, યુરોપિયન સંઘનું પાકની લલણીનું અનુમાન મકાઈ માટે 16%, સોયાબીન માટે 15% અને સનફલાવર માટે 12% ઓછું છે. યુરોપિયન કમિશનની રિસર્ચ વિંગનો એક હિસ્સો ગણાતી ડ્રાઉટ ઓબ્ઝરવેટરીએ કહ્યું છે કે, “છેલ્લાં 500 વર્ષમાં આ અસાધારણ પરિસ્થિતિ છે, અને સમગ્ર યુરોપના જળસ્તરોમાં જબરદસ્ત દબાણ ઊભું થયું છે. જળવાયુ પરિવર્તન દર વર્ષે તેનો રંગ બતાવી રહ્યું છે.”
યુરોપની મોટા ભાગની નદીઓ મહદ્ અંશે સુકાઈ ગઈ છે. સદીઓથી આર્થિક અને વાણિજ્યની ગતિવિધિઓ માટેનો સૌથી મોટો સ્રોત ગણાતી રાઈન અને ડાન્યૂબ નદીઓમાં પાણી એટલું ઘટી ગયું છે કે તેલ અને કોલસા જેવી વસ્તુઓનાં વાહન કરતાં મોટાં જહાજો પસાર થઇ શકતાં નથી. તે ઉપરાંત એનર્જી સેકટરને પણ અસર પડી રહી છે. નદીઓનાં પાણીમાંથી પેદા થતા હાડ્રોઇલેક્ટ્રિક પાવરમાં 26%નો ઘટાડો નોધાયો છે. એકલી રાઈન નદી પર જ 4 કરોડ લોકો નિર્ભર છે.
અમુક નદીઓમાં તો પાણી એટલાં નીચે જઈ રહ્યાં છે કે નીચેથી ‘હંગર સ્ટોન’ (ભૂખ્યા પથ્થર) અને અમુકમાંથી બીજા વિશ્વયુદ્ધમાં ગરકાવ થયેલાં નાઝી જહાજોનો કાટમાળ દેખાવા લાગ્યો છે. ‘હંગર સ્ટોન’ એટલે એવા પથ્થરો, જેને 15થી 19મી સદી વચ્ચે પડેલા દુષ્કાળના માપદંડ તરીકે પેટાળમાં રાખવામાં આવ્યા હતા, જેથી ભાવિ પેઢીઓને પાણીનાં ભયસૂચક સ્તરની ખબર પડે.

યુરોપના ઘણા હિસ્સાઓમાં બારેમાસ દુષ્કાળ જેવી સ્થિતિ છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં તેમાં ઉમેરો થયો છે અને વિસ્તાર થયો છે. યુરોપિયન મેડિટરેનિયન વિસ્તારમાં આ સ્થિતિ નવેમ્બર સુધી યથાવત રહેવાની સંભાવના છે. આ અહેવાલે ચેતવણી ઉચ્ચારી છે કે ઇટાલી, સ્પેન, પોર્ટુગલ, ફ્રાંસ, જર્મની, નેધરલેંડ, બેલ્જિયમ, લક્ઝમબર્ગ, રોમાનિયા, હંગેરી, ઉત્તરીય સર્બિયા, યુક્રેન, આયરલેન્ડ અને યુ.કે.માં સ્થિતિ ઉત્તરોત્તર ગંભીર બની રહી છે.
બ્રિટને તો ઘણા વિસ્તારોમાં સત્તાવાર રીતે દુષ્કાળની ઘોષણા કરી છે. એ વિસ્તારોમાં અતિશય ગરમીના કારણે ઝાડ પર “નકલી પાનખર ઋતુ” બેસી ગઈ છે.
આ સ્થિતિ આ વર્ષ પૂરતી કે યુરોપ પૂરતી સીમિત નથી. દુનિયામાં દરેક દેશમાં નદીઓ, તળાવો, સરોવરોમાં પાણીનું સ્તર ખોરવાઈ રહ્યું છે અને ઘણા બધા દેશોમાં તો નદીઓનાં વહેણ પણ બદલાઈ રહ્યાં છે. આ સ્થિતિમાં ઉત્તરોતર વધારો થવાનો છે. માનવજાતિની વિકાસની ભૂખ જળવાયુ પરિવર્તનને અપરિવર્તનીય (ઈરિવર્સીબલ) બનાવી રહી છે. માનવ ઇતિહાસમાં, આખી દુનિયાએ સાથે મળીને લડાઈ લડવી પડે તેવી સ્થિતિ પહેલીવાર ઊભી થઇ છે.
સંયુક્ત રાષ્ટ્રના એક તાજા અહેવાલ અનુસાર, દુનિયાના દેશો જો કઠોર પગલાં નહીં ભરે, તો 25 વર્ષમાં બહુ માઠાં પરિણામ ભોગવવાં પડશે. તેમ છતાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રાઝિલના જૈર બોલસોનારો જેવા નેતાઓ તો જળવાયુ પરિવર્તનને ગપગોળો ગણે છે. જળવાયુ પરિવર્તનને રોકવા માટે 192 દેશોએ કરેલી પેરિસ સંધિમાંથી ટ્રમ્પ વખતે અમેરિકા ખસી પણ ગયું હતું.
લોકોની બીજી પણ એક તાસીર હોય છે. બીડી-સિગારેટ કે દારૂથી મરી જવાનું જોખમ વધી જાય, તો માણસો એને હાથ ના અડકાડે. તમને ખબર હોય કે સામેથી મોટી ટ્રક આવી રહી છે, તો તમે તમારા બાઈકની ઝડપ ઓછી કરી નાખવાના. અંધારા, એકલવાયા રસ્તામાં કોઈ અજાણ્યો અવાજ કે હરકત થાય, તો તમે પગ ઉપાડીને વસ્તીવાળા વિસ્તારમાં દોડી જવાના. પગમાંથી જો સાપ પસાર થતો હોય, તો તમે કૂદકો મારીને દૂર જતા રહેવાના.
જીવતા રહેવું એ માણસનું સૌથી મોટું ચાલકબળ છે. રોજીંદી જિંદગીમાં જીવ બચાવવા માટે માણસો કશું પણ કરતા હોય છે. ન્યુયોર્કમાં 110 માળના ટ્વિન ટાવર્સ પર હુમલો થયો, ત્યારે 200 જેટલા લોકો જીવ બચાવવા માટે બારીમાંથી કૂદીને મરી ગયા હતા! તો પછી જળવાયુ પરિવર્તન સામે સંગઠિત થવાનું એક અઘરું સાબિત થઇ રહ્યું છે?
ઉપર કહ્યું તેમ, લોકોને તેનું નુકસાન વર્તમાનમાં નજર નથી આવતું. એટલા માટે જ ટ્રમ્પ અને બોલસોનારો તેને ગપગોળો કહે છે. એવા ઘણા લોકો છે, જે જળવાયુ પરિવર્તનને વિકસિત દેશોનું કાવતરું ગણે છે. જેનું તાત્કાલિક જોખમ ન હોય, તે ચીજ ન હોવા બરાબર જ છે. બીજી, લોકો વર્તમાનની સમસ્યાઓમાં એટલાં ગૂંચવાયેલા હોય છે કે ભવિષ્યમાં આવનારી સમસ્યા તેમની પ્રાથમિકતામાં નથી હોતી. ત્રીજું, મોટાભાગના લોકોને એવું લાગે છે કે જળવાયુ પરિવર્તન એક એવી સમસ્યા છે, જે બીજા કોઈની સમસ્યા છે, મારું તો બધું બરાબર ચાલી રહ્યું છે.
આ જ તર્કને દેશોના સ્તરે જોઈએ, તો દરેકની દુવિધા એ છે કે લાંબા ગાળાના નુકસાનની ચિંતામાં ટૂંકા ગાળાના ફાયદા જતા કરવા કે નહીં? અર્થશાસ્ત્રમાં ટેમ્પરલ ડિસ્કાઉનિંગ નામની થિયરી છે; માણસો લાંબા ગાળે થતા ફાયદાની સરખામણીમાં ટૂંકા ગાળામાં થતા ફાયદામાં વધુ મૂલ્ય જુએ છે. ધારો કે, હું તમને ઉધારીમાં લીધેલા 10 રૂપિયા આજે આપવાની અને રાહ જુઓ તો એક મહિના પછી 15 રૂપિયા આપવાની ઓફર કરું, તો તમે શું કરશો? તમે બે ચીજનો વિચાર કરશો; એક, રાજ ગોસ્વામીનો વિશ્વાસ કરાય કે નહીં? અને બે, મને આજે 10 રૂપિયાની જરૂર છે કે ભવિષ્યમાં 15 રૂપિયાની જરૂર છે?
જળવાયુ પરિવર્તનની સમસ્યામાં પણ લોકો અને સંગઠનો બંને ટૂંકા ગાળાના ફાયદા જુએ છે. કાર ઉત્પાદકો તેમનો ધંધો ચાલે છે એટલે અને સામાન્ય લોકો તેમની સુવિધા સંતોષાય છે એટલે કારના કારણે દુનિયામાં ઊભી થતી કાર્બન ફૂટપ્રિન્ટની ચિંતા કરતા નથી. કાર્બનને રોકવા માટે થઈને કંપનીઓ નવા ખર્ચા કરવા ના પડે એટલે જૂની પદ્ધતિએ ઉત્પાદન ચાલુ રાખે છે. સરકારો પણ ગ્રીન એનર્જીના સ્રોતમાં નવું રોકાણ કરવાને બદલે સસ્તા પણ પર્યાવરણને હાનીકારક કમ્બસ્ટન મારફતે પાવર પેદા કરતી રહી છે.
બીજું, વર્તમાનની સરખામણીમાં ભવિષ્ય અજાણ્યું અને અનિશ્ચિત હોય છે. એટલા માટે લોકો પરિચિત અને નિશ્ચિત વર્તમાનને વધુ પસંદ કરતા હોય છે અને અજાણ્યા ભવિષ્ય માટે થઈને વર્તમાનમાં છેડછાડ કરવા ઇચ્છતા નથી હોતા. બીજી ભાષામાં કહીએ તો, હું આજે તો નથી જ મરી જવાનો એ મને પાકી ખબર છે, પણ કાલે હું જીવું કે મરું એ ક્યાં કોઈને કોને ખબર છે?
માનવજાતિની સામૂહિક આત્મહત્યા આ અભિગમના કારણે થવાની છે.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 15 નવેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
 

