ઈ.સ. ૧૬૬૮ની સાલમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મુંબઈમાં પોતાના કાયદાઓ દ્વારા શાસન કરવા માંડ્યું, ન્યાય તોળવા માંડ્યો અને પોતાના લશ્કર દ્વારા પોતાની સુરક્ષાની જોગવાઈ કરી લીધી, એની સામે જ્યારે કોઈ વિરોધ નહીં થયો ત્યારે અંગ્રેજોની હિંમત વધવા માંડી. ઊલટું જેમ જેમ તેઓ પોતાની ઢબનું શાસનતંત્ર લાગુ કરતા હતા તેમ તેમ પ્રજાનો આવકાર મળવા માંડ્યો. પ્રજા કાયદાના રાજ માટે ભૂખી હતી અને ભારતમાં તેનો અભાવ હતો. બીજું અંગ્રેજોએ એટલું સમજી લીધું હતું કે નાત-જાત અને ધર્મ દ્વારા વિભાજીત દેશમાં કોઈ એક કોમની તરફેણ કરવામાં જોખમ છે. માટે અંગ્રેજો દેશી પ્રજાને ખોટો ઇતિહાસ શીખવાડીને આપસમાં લડાવતા હતા, પરંતુ રાજકાજમાં કોઈનો પક્ષપાત નહોતા કરતા.
ત્રીજું, અંગ્રેજોને એ પણ સમજાઈ ગયું હતું કે ઇંગ્લેંડથી આટલા દૂરના દેશમાં ધંધો કરવો હોય કે શાસન, સ્થાનિક લોકોની કર્મચારી તરીકે ભરતી કર્યા વિના ચાલે એમ નથી. હજારોની સંખ્યામાં અંગ્રેજોને ઇંગ્લેંડથી લાવવા એ શક્ય નહોતું અને એ મોંઘું પણ પડે. અંગ્રેજોને જાણ હતી કે અમુક પ્રકારનાં કામ બ્રાહ્મણો, કાયસ્થો અને બીજા સવર્ણો કરવાનાં નથી, એટલે કોઈ પણ પ્રકારના વિરોધ વિના કંપની સરકારે હજારોની સંખ્યામાં બહુજન સમાજના લોકોને લશ્કરમાં અને કંપનીના ત્રીજા અને ચોથા વર્ગના વહીવટીતંત્રમાં દાખલ કર્યા હતા. આને કારણે ભારતના બહુજન સમાજની અંગ્રેજો માટેની વફાદારી વધતી ગઈ હતી. તેમની અંદર શિક્ષિતોની પેઢી અસ્તિત્વમાં આવી હતી અને તેઓ અંગ્રેજ રાજની ખુલ્લી તરફેણ કરતા હતા. અંગ્રેજો પાસે બ્રાહ્મણ અને અન્ય સવર્ણો માટે પણ તેમને ગમે એવી નોકરીઓ હતી અને તેઓ પણ અંગ્રેજ રાજથી ખુશ હતા.
ટૂંકમાં ભારતની પ્રજાને ઉપરથી નીચે સુધીની સમગ્રતા ધરાવનારું કાયદાનું રાજ મળ્યું, એ પણ પક્ષપાત વગરનું રાજ મળ્યું, બહોળી વસ્તી ધરાવતા બહુજન સમાજને નોકરીઓ મળી અને ગ્રામીણ ભારતમાંના સામાજિક શોષણથી તેમને મુક્તિ મળી અને બ્રાહ્મણો અને સવર્ણોને પણ તેમને જેવી જોઈએ તેવી નોકરીઓ મળી, ત્યાં અંગ્રેજો દ્વારા દાખલ કરવામાં આવતા અંગ્રેજ ઢબના વહીવટીતંત્રનો વિરોધ કોણ કરે? થોડા સનાતની બ્રાહ્મણો હતા જે મલેચ્છ અને મનુસ્મૃતિનો ચીપિયો પછાડતા હતા, પરંતુ તેમને કોઈ સાંભળતું નહોતું. જ્યારે નવો ઉઘાડ નજરે પડતો હોય ત્યારે બ્રાહ્મણોની સર્વોપરિતાવાળા મેરા પ્રાચીન ભારત મહાનના અંધારા કૂવામાં કોણ પડે? મોટા ભાગના બ્રાહ્મણોએ પણ સનાતનીઓને સાંભળવાનું છોડી દીધું હતું, કારણ કે તેમને ભવિષ્ય નજરે પડતું હતું. માત્ર મૂળભૂતવાદી મુસલમાનોને સાંભળનારા મુસલમાનો મોટી સંખ્યામાં મળી રહ્યા એ આ દેશનું દુર્ભાગ્ય હતું. તેમણે અંગ્રેજ શાસન અને તેના બ્રિટિશ ઢાંચાને નકારવાનો પ્રયાસ કર્યો હતો. આને કારણે અંગ્રેજો હંમેશાં મુસલમાનોને શંકાની નજરે જોતા હતા.
આગળ કહ્યું એમ અંગ્રેજોએ ભારતની પ્રજા માટે પહેલો કાયદો ૧૬૬૮ની સાલમાં મુંબઈ માટે ઘડ્યો હતો અને છેલ્લો કાયદો ૧૯૩૫ની સાલમાં સમગ્ર ભારત માટે ઘડ્યો હતો જે આગળ જતા ભારતના બંધારણનો પાયો બનવાનો હતો. આ બેની વચ્ચે અંગ્રેજોએ નાનામોટા સેંકડો કાયદાઓ ઘડ્યા હતા અને ચાર્ટરો અને ડિક્લેરેશનો જાહેર કર્યા હતા. એવી એક પણ ઘટના મારા જોવામાં નથી આવી કે પ્રજાકીય વિરોધને કારણે અંગ્રેજોએ કોઈ કાયદાને કે કોઈ જાહેરનામાને પાછા ખેંચવા પડ્યા હોય. માત્ર ૧૮૫૭ના વિદ્રોહને કારણે તેમણે સામાજિક સુધારા લાદનારા કાયદાઓ ઘડવાનું બંધ કરી દીધું હતું.
આનું પરિણામ એ આવ્યું કે ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે ભારતીય પ્રજાની એકંદર સંમતિ તેમ જ સ્વીકૃતિ સાથે વહીવટી અને કાયદાકીય ભારત અસ્તિત્વમાં આવી ચૂક્યાં હતાં, માત્ર તેને બંધારણીય અને ભારતીય આકાર આપવાનો બાકી હતો. અહીં માત્ર શબ્દ વાપર્યો છે એનો અર્થ એવો નથી કે એ કામ સાવ સહેલું હતું. એ વાત ખરી કે અંગ્રેજોએ વહીવટી અને કાયદાકીય ભારતની રચના કરી આપીને ઘણી અનુકૂળતા પેદા કરી આપી હતી, પરંતુ એ છતાં ય અઘરો રસ્તો તો કાપવો જ પડે એમ હતો. અહીં સવાલ ઉપસ્થિત થવો જોઈએ કે વહીવટી અને કાયદાકીય ભારત અને બંધારણીય ભારતીય ભારતમાં શો ફરક? આ અત્યંત મહત્ત્વનો સવાલ છે અને તેનો બારીક ભેદ સમજવો પડે એમ છે.
જેમ કે શાસન કરતી વખતે ભારતની પ્રજા વચ્ચે ભેદભાવ કરવામાં નહીં આવે એવું અંગ્રેજોએ જે વલણ અપનાવ્યું હતું એ અંગ્રેજોની જરૂરિયાત હતી અને જરૂરિયાત આધારિત નીતિ હતી, એ તેમની મૂલ્યનિષ્ઠા નહોતી. જો એમ હોત તો તેમણે પોતાને ત્યાંની અંગ્રેજ પ્રજા અને ભારતમાંની ભારતીય પ્રજા વચ્ચે ભેદ ન કર્યો હોત, પણ એવો ભેદ તો કરવામાં આવતો હતો એ આપણે જાણીએ છીએ. તેઓ ભારતીય પ્રજા વચ્ચે ભેદભાવ નહોતા કરતા કારણ કે એ તેમની જરૂરિયાત હતી. અંગ્રેજ રાજ જળવાઈ રહે એમાં જેમનો સ્વાર્થ હતો અથવા જે લોકો અંગ્રેજ રાજથી મોહાંધ હતા તેવા લોકોને ગાંધીજીએ કહ્યું હતું કે અંગ્રેજોને કહો કે તેમણે જે નીતિ અપનાવી છે એને નિષ્ઠામાં બદલે. બીજી ગોળમેજ પરિષદમાં પણ ગાંધીજીએ બ્રિટિશ વડા પ્રધાનને કહ્યું હતું કે તમે તમારી નીતિને નિષ્ઠામાં બદલશો ત્યારે અમે કબૂલ કરીશું કે તમે અવલ્લ દરજ્જાની પ્રજા છો.
આ બાજુ ભારતીય પ્રજાએ અંગ્રેજોની જે નીતિ અપનાવી હતી એ પણ તેમને માફક આવતી હતી માટે સ્વીકારી હતી, તેમની પણ તેમાં કોઈ મૂલ્યનિષ્ઠા નહોતી. જો મોકો મળે તો તેઓ પણ સમાનતાની જગ્યાએ પોતાની સર્વોપરિતા લાદવા માગતા હતા. આ સિવાય ગુલામ પ્રજાને તેને માફક આવે એવી નીતિ દ્વારા રાજી રાખી શકાય પણ સ્વાધીન પ્રજાને તો કોઈ પણ નીતિ આત્મસાત કરાવવી પડે. બે ગુલામ માલિકનો સમાનતાવાળો વહેવાર જોઇને હરખાશે પણ બે સ્વતંત્ર માણસ ત્યાં સુધી સમાનતાને નહીં સ્વીકારે જ્યાં સુધી સમાનતા તેની નિષ્ઠા નહીં બને. તેને તે આત્મસાત નહીં કરે.
તો સવાલ એ હતો કે અંગ્રેજોએ શાસનની જે નીતિ અપનાવી હતી અને જે નીતિનો ભારતીય પ્રજાએ મહદ્દ અંશે સ્વીકાર કર્યો હતો તેને નિષ્ઠામાં બદલવાની હતી. આ નીતિને જો નિષ્ઠામાં બદલવામાં આવે તો જ વહીવટી અને કાયદાકીય ભારત અને બંધારણીય ભારતીય ભારતમાં પરિવર્તિત થાય. આ કામ સહેલું નહોતું. અંગ્રેજોએ દેહયષ્ટિ રચી આપી હતી જેમાં નિષ્ઠાનાં પ્રાણ પૂરવાના હતા. મંદિરોમાં મૂર્તિસ્થાપનાને પ્રાણપ્રતિષ્ઠા તરીકે ઓળખવામાં આવે છે એમ. પ્રાણની પ્રતિષ્ઠા કરવાની હતી.
આ કામ બંધારણસભામાં થયું હતું, પરંતુ એની પહેલાં જ એની શરૂઆત થઈ ગઈ હતી અને એનો ઘણો મોટો શ્રેય ગાંધીજીને જાય છે. ભારતનું બંધારણ બંધારણસભામાં ઘડાયું એના પાંચ દાયકા પહેલા બંધારણ ઘડવાનું કામ શરૂ થઈ ગયું હતું.
e.mail : ozaramesh@gmail.com
પ્રગટ : ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 માર્ચ 2021