Opinion Magazine
Number of visits: 9504402
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એમ પણ બને

'કૃષ્ણાદિત્ય'|Gandhiana|19 October 2015

વ્યાવસાયિક અને અન્ય કારણોસર ટેલિવિઝન જોવાનો મોકો મને મળતો નથી હોતો. મારી પાસે વીસેક વરસ જૂના ટેલિવિઝનનું એક જંતર છે. એના કાચના પડદાનું ક્ષેત્રફળ આજકાલ મળતાં સામાન્ય ખોળાધર કમ્પ્યૂટર કરતાં પણ નાનું છે.

એકાદ વર્ષ પહેલાંની વાત છે. કોઈક આકસ્મિક રીતે જ તે દિવસે સવારે મારા અભ્યાસખંડમાં મેં ટેલિવિઝન ચાલુ કર્યું હતું. અને એટલે મને પણ એ દૃશ્ય દેખાયું હતું જે દૃશ્ય આખી દુનિયામાં કરોડો નજરોમાં હવે જડાઈ ગયું છે. એક ક્ષણમાં તો એક મહાનગરનું સ્થાપત્ય અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. પરંતુ એથી પણ વિશેષ તો જાણે કે માનવમનની સંરચના જ એક પલકમાં હલબલી ગઈ હતી. એમ લાગ્યું હતું કે જાણે આપણે ઇતિહાસનંુ કોઈ પુસ્તક વાંચતાં હોઈએ, આપણા ધ્યાન બહાર પવનથી પુસ્તકનાં થોડાં પાનાં ફરી ગયાં હોય અને ત્યાર બાદ આપણી નજર પાછી પુસ્તકનાં પાનાં પર જાય અને આપણી આંખ સામેના અક્ષરોને ઓળખી ન શકીએ. જે ઇતિહાસનું પાનું હું વાંચી રહ્યો હતો, એનું લખાણ જાણે કે કોઈ અજાણી લિપિમાં યુગો પહેલાં ભુલાઈ ગયેલી કોઈ ભાષામાં લખાયેલું હતું.

પરંતુ, ના, જે ઇતિહાસ તે દિવસે લખાતો હતો, તેનું લખાણ કોઈ ભુલાયેલી ભાષામાં નહીં, પરંતુ માનવજાતિના દુર્ભાગ્યે અતિપરિચિત જેવા આતંકના અક્ષરોમાં અને વેરઝેરની વર્ણમાળામાં લખાયેલું હતું.

મારા અભ્યાસખંડની સ્તબ્ધ નીરવતામાં ટેલિવિઝન પરથી મારી નજર હટી ત્યાં એ દીવાલ પર લગાવેલી ગાંધીછબી પર ઠરી. અને મને ઐતિહાસિક સ્મરણની પાંખોએ એક બીજા દેશકાલમાં મૂકી દીધો. હજુ ય તારીખ તો હતી સપ્ટેમ્બર ૧૧, પરંતુ ઇસવીસન સંવત ૨૦૧૧ નહોતી, ૧૯૦૬ હતી. નગર ન્યૂયૉર્ક નહોતું, પરંતુ જોહાનિસબર્ગ, દક્ષિણ આફ્રિકા હતું.

તે દિવસે જોહાનિસબર્ગમાં હિન્દી આગંતુકોને થતા અન્યાય સામે શું પગલાં લેવાં એ વિચારણા માટે સભા બોલાવવામાં આવી હતી. એ અંગે સમજાવતાં ગાંધીજીએ કહ્યું હતું કે આપણે નિર્દોષ છીએ અને સમાજના એક પણ નિર્દોષને થયેલો અન્યાય એ સમગ્ર સમાજને અન્યાય થવા બરાબર છે.

આ સભાની તારીખ પહેલાં પણ ગાંધીજીને અંગત અપમાનના અનુભવ તો થયા જ હતા. એમને રેલવેની બેઠક પરથી ગોરા અમલદારે મારપીટ કરી બહાર ફેંકી દીધા હતા. એ બનાવ તો જગજાણીતો છે.

એક બીજો પ્રસંગ પણ નોંધપાત્ર છે. ગાંધીજીને દરરોજ ચાલતા જવાની ટેવ. એમનો રસ્તો દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિના રહેઠાણ પાસેથી પસાર થાય. ત્યાંના ચોકીદાર એમને રોજ ચાલતા જતાં જુએ એટલે ટેવાઈ ગયેલો. એક દિવસ કોઈ નવો સિપાહી ચોકીદાર તરીકે બદલીમાં આવ્યો હશે. એણે કાળા માણસને રાષ્ટ્રપતિના મકાન પાસે ચાલતા જોયો અને તેમાં તેણે ત્યાંના કાળાગોરાની નાતજાતના ભેદભાવના કાયદાનો ભંગ થતો જોયો. એટલે એણે ગાંધીને ધક્કો માર્યો, લાત મારી અને પગથી ઉપરથી ઉતારી મૂક્યા. એ જ સમયે એક સદ્દગૃહસ્થ શ્રીમાન કોટ્સ ત્યાંથી ઘોડેસવાર થઈ પસાર થઈ રહ્યા હતા. એમણે કહ્યું, ‘ગાંધી, મેં બધું જોયું છે. તારે કેસ કરવો હોય તો હું સાક્ષી આપીશ. મને બહુ દિલગીરી થાય છે કે તારી ઉપર આવી રીતે હુમલો થયો.’

ગાંધીજી જે પ્રત્યુત્તર આપે છે તે ધ્યાનથી વિચારવા જેવો છેઃ ‘તેમાં દિલગીરીનું કારણ નથી. સિપાઈ બિચારો શું જાણે? તેને મન તો કાળા એટલા કાળા જ. તે હબસીઓને પગથી ઉપરથી આમ જ ઉતારતો હશે, એટલે એણે મને પણ ધક્કો માર્યો. મેં તો નિયમ જ કર્યો છે કે મારી જાત ઉપર વીતે તેને સારુ મારે અદાલતે ન ચડવું. એટલે મારે કેસ નથી કરવો.’ અને પછી ગાંધીજી ઉમેરે છે, ‘આમ મેં હિંદીઓની હાડમારીઓનો વાંચીને, સાંભળીને અને અનુભવીને અભ્યાસ કર્યો. મેં જોયું કે સ્વમાન જાળવવા ઇચ્છનાર હિંદીને સારુ દક્ષિણ આફ્રિકા યોગ્ય મુલક નથી. આ સ્થિતિ કેમ બદલી શકાય, એ વિચારોમાં મારું મન વધારે ને વધારે રોકાવા લાગ્યું.’

ગાંધીજી અંગત અપમાનને અંગત હાડમારી તરીકે લેતા નથી, પરંતુ અંગત અપમાનને સામાજિક ન્યાય માટેની લડતના આહ્વાનમાં ફેરવી નાખે છે. એટલે એમને અનુભવવા પડતા દરેક અપમાનથી તેમની સામાજિક ન્યાય માટેની લડત ઉત્તરોત્તર સબળ થતી જતી હતી. એમને માટે અંગત અપમાનમાંથી ઉદ્દભવતી હાડમારી એ સામાજિક અન્યાયનાં મૂળ તપાસવાનું કારણ બની રહે છે.

એક વાર સામાજિક અન્યાયનાં કારણ જડે એટલે પછી એનો ઉપાય શોધવા મંડી પડવું એ એમના સ્વભાવનું લક્ષણ હતું. એ અન્યાયને જડમૂળથી દૂર કરવાનો વિશેષ ઉપાય જે કોઈ હોય તે, પરંતુ એમની આ વિષયમાં રીતરસમ એ હતી કે એ પ્રક્રિયામાં જો કાંઈ ખમી લેવાનું આવે તો સમાજે નહીં, પરંતુ એ માટે લડત આપતી વ્યક્તિઓએ ખમી લેવું રહ્યું. આમ, અંગત હાડમારીનો ઉપયોગ અંગત ઊહાપોહ માટે નહીં, પરંતુ સમાજની આધિવ્યાધિની ચિકિત્સા માટે થાય તથા સમાજની ઉન્નતિ માટેની લડતમાં જો કાંઈ વેઠવાનું થાય તો સમાજે નહીં, પરંતુ લડત આપતી વ્યક્તિઓએ એ માટે વેઠી લેવાનું. ગાંધીજીના સત્યાગ્રહના પ્રયોગના પ્રમેયનું આ પહેલું સમીકરણ હતું. સમાજનીતિશાસ્ત્રના ક્ષેત્રે થયેલી આ એક ક્રાંતિકારી શોધ હતી.

એશિયાઈ પ્રજાને આવા ભેદભાવભર્યા કાયદાઓની શૃંખલાઓ વડે બંધાઈ રહેવું પડતું હતું, એનાં અનેક કારણોમાં એક મુખ્ય કારણ તો એ હતું કે શાસકવર્ગમાં વર્ચસ્વ ધરાવતા ગોરા નાગરિકો એમ માનતા હતા કે પોતાની – એટલે કે યુરોપીય અને પશ્ચિમી – સંસ્કૃિત ઊંચી તથા ઉજળિયાત છે અને પૂર્વીય સંસ્કૃિત હલકી અને પછાત છે.

એ ગોરી જાતિના શ્રેષ્ઠી વર્ગની માન્યતાનો સાર કંઈક આ મુજબનો હતો : અમારી આ પેઢીના વિચારકો એમ માને છે કે આ બે સંસ્કૃિતઓ સંપથી સાથે રહી શકે એમ નથી. જે દેશોમાં આવી પ્રતિસ્પર્ધાત્મક સંસ્કૃિતઓ હોય એ દેશોના લોકો નાનાં એવાં જૂથોમાં મળે તો પણ ચોક્કસ વિસ્ફોટ જ થાય. પશ્ચિમને સાદગીનો વિરોધ છે, જ્યારે પૂર્વને માટે સાદગી એક પ્રાથમિક એવો અગત્યનો ગુણ છે. આવાં પરસ્પરવિરોધી દૃષ્ટિબિંદુઓનો મેળ ક્યાંથી પડે. પશ્ચિમી સંસ્કૃિત સારી હોય કે ખોટી, પરંતુ પશ્ચિમના લોકો એને વળગી રહેવું પસંદ કરે છે. એમણે એ સંસ્કૃિત સાચવી રાખવા અથાગ પ્રયત્ન કર્યો છે. એમણે એ માટે લોહીની નદીઓ વહાવી છે. એમણે એને માટે ઘણું જ કષ્ટ વેઠ્યું છે. એટલે એમના માટે હવે નવો ચીલો ચાતરવા માટે ઘણું મોડું થઈ ગયું ગણાય … પ્રશ્ન માત્ર પોતાની સંસ્કૃિતની જાણવણીનો જ છે.

ગાંધીજી આવાં અર્ધદગ્ધ સાંસ્કૃિતક અડધિયાંને નકારે છે. એમણે કહ્યું કે પૂર્વીય કહેવાતી સંસ્કૃિતના કેટલાંક પાસાં પશ્ચિમે અપનાવવા જેવાં પણ છે. ઉપરાંત, પશ્ચિમ પોતે જ વર્ણભેદને આધારે કરવામાં આવતા દંડ અને દમનના દોરમાં પોતાનો સાચો અને ઉમદા વારસો વીસરી ગયું છે.

પૂર્વીય સંસ્કૃિત કનિષ્ઠ છે, એવું દક્ષિણ આફ્રિકાના તત્કાલીન હાકેમોનું મંતવ્ય ગાંધીજી સ્વીકારતા નથી એ ખરું. પરંતુ સાથે એ પણ ન ભૂલવું જોઈએ કે ગાંધીજીએ કરેલી પૂર્વીય સંસ્કૃિતની વકીલાતમાં ખોટા અભિમાનનો કે વાડાબંધીનો અંશ નહોતો. ‘પૂર્વીય’ તરીકે ખપતી સંસ્કૃિતના આચરણમાં રહેલી ત્રુટિઓ પ્રત્યે એ અત્યંત સજાગ હતા.

એમણે ત્યાંના ગોરા શાસકોને અને ગોરા શ્રેષ્ઠીઓને કહ્યું કે તત્કાલીન પશ્ચિમની સંસ્કૃિત પોતે જ એક વખતના ઊંચા અને ભવ્ય સ્થાન પરથી ભ્રષ્ટ થઈ ઘમંડની ગર્તામાં પડેલી છે. પશ્ચિમની સંસ્કૃિતના મૂળમાં જોતાં આપણને બંને સંસ્કૃિતઓ વચ્ચે સામ્ય વધારે અને અસામ્ય ઓછું દેખાશે. ગાંધી આમ કહી શક્યા હતા, કારણ કે એમણે વર્ણ, વર્ગ કે વંશના ભેદભાવથી પર માનવતાના ઐક્યને નરવી આંખે જોયું હતું. આજે પશ્ચિમના કેટલાક પંડિતો ‘સંસ્કૃિત-સંઘર્ષ’ના મથાળા હેઠળ દળદાર પુસ્તકો લખી રહ્યા છે, ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે લગભગ એક સદી પહેલાં આ પ્રશ્નનું વિશ્લેષણ ગાંધીએ કર્યું હતું, અને એનો ઉકેલ ચીંધ્યો હતો, જે આજે પણ વર્ણ અને વર્ગવિગ્રહ અંગેના મનોયત્ન માટે ઉપયોગી થઈ શકે એમ છે.

જે સભાગૃહમાં અન્યાયના વિરોધનું એલાન જાહેર થયું હતું, જ્યાંથી ગાંધીજી દ્વારા યુદ્ધઘોષણાનો આરંભ થયો હતો, એ મકાનનું નામ ‘ઍમ્પાયર થિયેટર’ હતું. એમાં કાલપુરુષનો વ્યંગાત્મક સંકેત હોય એમ માનવાનું આપણને મન થાય એવું છે.

એક વાર અંગત અન્યાયના નિરીક્ષણથી શરૂ કરી સામાજિક અને સામૂહિક અન્યાય સુધીનું વિશ્લેષણ થયું, એટલે તરત જ બીજે પગલે એના નિવારણ માટેનો પ્રયત્ન શરૂ કરી દેવો, એ ગાંધીની નીતિરીતિ હતી. આ પ્રયત્નનું નામ હવે તો વિશ્વવ્યાપી થઈ ચૂક્યું છે અને એ નામ છે સત્યાગ્રહ. સત્યાગ્રહનાં સત્ય અને અહિંસા અવિભાજ્ય એવાં બે અંગ છે. સત્યાગ્રની શક્તિ શસ્ત્રબળ, સત્તાબળ કે સંખ્યાબળ પર નહીં, પરંતુ આત્મબળ પર આધારિત છે. આ બધું તો સત્યાગ્રહ વિશે સહેજસાજ જાણનારને મન પણ અજાણ્યું નથી.

પરંતુ બીજો મુદ્દો જે ઘણી વાર ગાંધી આચારવિચારના અભ્યાસ દરમિયાન ભુલાઈ જતો હોય છે તે એ કે એમણે અર્થશાસ્ત્રને નીતિશાસ્ત્રથી કદી નોખું પાડી જોયું નહોતું. અર્થશાસ્ત્રીઓની ઉક્તિ ‘સાધન તે વળી સાધન’ના સંદર્ભમાં એમણે કહ્યું કે ‘એના જવાબમાં હું કહીશ કે આખરે તો સાધન એ જ સર્વસ્વ.’ અને ઉમેર્યું હતું કે, ‘અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર વચ્ચે હું કોઈ સીમારેખા દોરતો નથી. જે અર્થશાસ્ત્ર કોઈ વ્યક્તિનું અથવા કોઈ દેશનું અધઃપતન કરે, તે અનૈતિક છે અને તેથી એવું અર્થશાસ્ત્ર એ પાપાચાર છે.’ એટલે કે આર્થિક ક્ષેત્રે પણ ન્યાય માટે લડતા રહેવું એ ગાંધીજીના જીવનનો ધ્યેયમંત્ર હતો. એટલું જ કે – અને ખાસ અગત્યનું કે-એ લડત સત્ય અને અહિંસાના માર્ગે લડાતી હોવી જોઈએ.

ફરી પાછા આપણે ‘ઍમ્પાયર થિયેટર’માં સપ્ટેમ્બર ૧૧, ૧૯૦૬ના દિવસે જઈએ. ત્યાં એક જણે પ્રસ્તાવ મૂક્યો કે અન્યાય સામે લડતની પ્રતિજ્ઞા ઈશ્વરની સાક્ષીએ લેવી. ત્યારે ગાંધીજીએ ચેતવણી આપતાં કહ્યું કે ‘ઈશ્વરના નામે કે ઈશ્વરની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી એ જેવીતેવી વાત નથી. જો આવી પ્રતિજ્ઞા લઈએ અને જો એનો ભંગ થાય તો આપણે ઈશ્વરના અને માણસોના બંનેના અપરાધી થઈએ. પરંતુ એ પણ હું ખાતરીથી કહી શકું છું કે જો મૂઠીભર લોકો પણ આવી પ્રતિજ્ઞા લેવા તૈયાર થાય, તો લડતના અંતે આપણો વિજય જ હશે.’

ગાંધીજી માટે અન્યાય સામેનો સંગ્રામ હંમેશાં ‘ધાર્મિક’ હતો. અહીં ‘ધર્મ’ અને ‘ધાર્મિક’ શબ્દોને અવતરણચિહ્નોમાં મૂક્યા છે. કારણ કે એ સંજ્ઞાના અર્થનો અનર્થ, વિકૃત અર્થ, વિપરીત અર્થ, આ કે તે વાદના પ્રવક્તાઓ, પુરસ્કર્તાઓ અને પ્રચારકો, તેમ જ સુધારકો, સમર્થકો અને બુદ્ધિજીવીઓ પણ કર્યે જતા હોય છે. ગાંધીજી માટે તો ‘ધર્મ’નો અર્થ નીતિ અને માનવસેવા સાથે અવિચ્છિન્નપણે જોડાયેલો હતો. એમણે કહ્યું હતું કે મારા માટે ‘ધર્મ’ એ વહેમ અને અંધશ્રદ્ધાનો ‘ધર્મ’ નથી, ધૂત્કારનો અને ધિક્કારનો ‘ધર્મ’ નથી, પરંતુ વૈશ્વિક એવો સત્યનો અને સમન્વયનો ‘ધર્મ’ છે. આ જ ધર્મનો સાક્ષાત્કાર પોતાને ક્યારે અને કેવી રીતે થાય છે, એનું વર્ણન એમણે ચંપારણની લડત વિશેના વર્ણન દરમિયાન કર્યું છે.

ત્યારે ગાંધીજી ચંપારણના ખેતમજૂરોની ગુલામી જેવી હાલત અંગે તપાસ કરવા બિહારમાં ગયા હતા. એ સંદર્ભમાં તેઓ લખે છે, ‘ચંપારણ બહારની દુનિયાથી (ખેડૂતો) તદ્દન અજાણ હતા. અને છતાં ય એમણે મને એમનો જૂનો મિત્ર હોય એ રીતે આવકાર આપ્યો હતો. જરા ય અતિશયોક્તિ વિના અક્ષરશઃ કહું તો સાચું છે કે અહીં જ મને ઈશ્વર, અહિંસા અને સત્યનો સાક્ષાત્કાર થયો હતો.’

ગાંધીજીએ જોયું હતું કે ‘ધર્મ’ના હાર્દમાં નીતિનાં મૂલ્યો રહેલાં છે. આ નીતિનાં મૂલ્યો જ જગતના બધા ‘ધર્મો’ના મણકાઓને સાંકળતો સામાન્ય દોર છે. ‘ધર્મ’માંથી નીતિનાં મૂલ્યોની બાદબાકી કરીએ તો પછી એવો નિષ્પ્રાણ ‘ધર્મ’ એના આચરણની ઉત્તમ કક્ષાએ પણ વિધિનિષેધોની શૃંખલા માત્ર બની રહેતો હોય છે. પછી એ વિધિનિષેધો સંસ્કૃતમાં હોય કે પ્રાકૃતમાં, લેટિનમાં હોય કે અંગ્રેજીમાં, અરબીમાં હોય કે ઉર્દૂમાં. અને આચરણની હીન કક્ષાએ પછી એવો કોઈ ‘ધર્મ’ દમનનું અને દંડનું, આતંકનું અને અત્યાચારનું ઓજાર બની રહેતો હોય છે.

ગાંધીજી એમની આખી જિંદગી આતંક અને અત્યાચાર સામે ઝઝૂમ્યા હતા. અને એ માટે લડતાં-લડતાં જ એમણે જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ના રોજ પોતાના જીવનની આહુતિ આપી હતી. એને યાદ કરતાં મેં જે એક નાનકડું કાવ્ય લખ્યું છે એ રજૂ કરું છું.

અંતિમ પ્રાર્થના
આ પ્રાર્થનાસ્થળે
વેરઝેરનું કોઈ રટણ કરે
એમ પણ બને.
દ્વેષપ્રેમ જૂઠસત્ય
એકમેકને
આંખમાં આંખ પરોવીને મળે;
ધડ ઢળે,
આત્મજ્યોત ઝળહળે.
એમ પણ બને.
હંસ પિંજરે મૂકે,
ને દેશકાલમાંથી મુક્ત થઈ
ચિન્મય ઉજાસ
બ્રહ્માંડમાં ભળે.
એમ પણ બને.

જાન્યુઆરી ૩૦, ૧૯૪૮ના રોજ હત્યા કરનારનો ચહેરો બનાવટી ‘ધર્મત્વ’ના મહોરા નીચે સંતાયેલો હતો. આ હિંસ્રત્વના ચહેરાઓ અને આવાં આનુગામિક ‘ત્વ’નાં મહોરાંઓ ખંડેખંડમાં અને સદીઓમાં અને આજે પણ શહેરો અને સડકો પર આપણે જોયાં છે. એ મહોરાંનું ‘ત્વ’ ‘હિન્દુત્વ’ હોય, ‘મુસ્લિમત્વ’ હોય કે ‘ખ્રિસ્તીત્વ,’ ‘માક્ર્સત્વ’ હોય કે ‘મૂડીત્વ,’ ‘સ્ટાલિનત્વ’ હોય કે ‘નાઝીત્વ,’ ‘માઓત્વ’ હોય કે ‘ફાસીત્વ’, જો આપણે આ હિંસ્રત્વના ચહેરાઓને એણે પહેરેલાં ‘ત્વ’નાં મહોરાં આઘાં કરી એના અસલ સ્વરૂપમાં ઓળખીશું નહીં તો આપણે રામ કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, મૂસા, જિસસ કે મોહમ્મદના સંદેશાને છતી આંખે દીઠો નથી, અને દીઠો હોય તો ઉકેલ્યો નથી, અને ઉકેલ્યો હોય તો અપનાવ્યો નથી, એમ જ માનવું રહ્યું.

હિંસ્રત્વના આ ધિક્કારભર્યા ચહેરાની રૂપરેખા, હિંસ્રત્વ મહદ્દ અંશે જડ હોવાથી, મોટે ભાગે તો અપરિવર્તનીય હોય છે. એટલે સદીઓથી એની અમાનુષિતાની આકૃતિમાં ફેરફાર થયો નથી. પરંતુ આ હિંસ્રત્વનો ચહેરો એવો તો ભીષણ અને જુગુપ્સાપ્રેરક હોય છે કે જો એને નરી આંખે કોઈ જુએ તો તરત જ એને જાકારો આપે. ઉપરાંત આ ચહેરાના ધારક માટે પણ એ ચહેરાની ભયાનક કુરૂપતાને કારણે પોતાના અંતઃકરણના દર્પણમાં એને નીરખવાનું અસહ્ય થઈ પડતું હોય છે. આવાં વ્યક્તિગત અને સમાજગત બંને કારણોને લીધે અનુસરીને બહુરૂપીની જેમ હિંસ્રત્વ વિવિધ પ્રકારનાં ‘ત્વ’નાં મહોરાં પહેરતું હોય છે.

ગાંધીજીનો આજીવન પ્રયત્ન વ્યક્તિમાં અને સમાજમાં જડ ઘાલી ગયેલા અને અત્યાચાર આચરતા હિંસ્રત્વને આમૂલ ઉખેડવાનો હતો. એમણે પ્રતિપાદિત કર્યું હતું કે હિંસાને દૂર કરવા માટે હિંસાત્મક ઉપાયો કરવા એ અનીતિમય છે, એટલું જ નહીં પરંતુ અતાર્કિક છે. આપણી જાત મધ્યે અને જાતિ મધ્યે, વ્યક્તિ વચ્ચે અને સમષ્ટિ વચ્ચે, જ્યાં-જ્યાં હિંસા આપણને દેખાય ત્યાં-ત્યાં એને દૂર કરવા આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ.

આ માટે અહિંસાનો જે માર્ગ છે, તે ગાંધીને માટે કોઈ ગ્રંથની ગરબડ નહોતી, પરંતુ સત્કર્મ દ્વારા પ્રાપ્ત થયેલું અમૂલ્ય જ્ઞાન હતું. એમને શ્રદ્ધા હતી કે ‘ન હિ કલ્યાણકૃત કશ્ચિદ્ દુર્ગતિં તાત ગચ્છતિ.’ એ જાણતા હતા કે સત્કર્મ બિન્દુ સમાન હોઈ શકે, પરંતુ સામૂહિક સત્કર્મ સિંધુ સમાન હોય છે. સત્કર્મના અણુવ્રતની શક્તિ અણુશસ્ત્ર કરતાં પણ વધારે હોય છે.

તો આપણે પણ ગાંધીને અનુસરીને કહી શકીએ કે ‘વસુધૈવ કુટુંબકમ્’ એ કોઈ શુષ્ક અને સુષુપ્ત સંસ્કૃત સૂક્ત જ નથી. પરંતુ કોઈ પણ ભાષામાં અને કોઈ પણ ભાષકના હૃદયમાં અનુવાદિત થઈ શકે એવું એક જીવંત સત્ય છે. તો આવો, આપણે સૌ એક ઈશ્વરનાં સંતાનો તરીકે વિશ્વકુટુંબની ભાવનાને સાકાર કરવા પ્રયત્નશીલ થઈએ.

આપણે ગાંધીની વાત કાન દઈને સાંભળીએ અને અર્થશાસ્ત્ર તથા નીતિશાસ્ત્ર વચ્ચેના વિચ્છેદને નકારીએ અને નાણાવટમાંથી નીતિને હદપાર ન કરીએ. આપણે એવી સમજ કેળવીએ કે ન્યાય વિનાનો વેપાર એ અંચાઈનો વેપલો છે અને અંચાઈનો વેપલો એ ગુલામીના વેપારનું જ એક હુલામણું નામ છે. તો આવો, આપણે ગાંધીને અનુસરીને ન્યાય અને નીતિયુક્ત અર્તતંત્રને આપણું પોતાનું ગણી અપનાવીએ.

અને છેવટે, આવો, આપણે આપણું કેન્દ્રબિંદુ શોધીએ. આપણી માનવતાનું મધ્યબિંદુ શોધીએ અને પુનઃ એમાં સત્ય અને અહિંસા આધારિત શીલનું પ્રસ્થાપન કરીએ. આ પુનઃરચનાનું કાર્ય એકદમ સહેલું છે, અને અત્યંત અઘરું પણ. સહેલું એટલા માટે કે આ કાર્ય માટે આપણે કોઈ સરકારી પરવાના મેળવવાની અરજી કરવાની રહેતી નથી. તુમારશાહીના કોઈ ઘોડા દોડાવવાના હોતા નથી. મુશ્કેલ એટલા માટે કે આમ કરવામાં આપણે આપણા મર્મસ્થાનનું, આપણા સમગ્રનું નવનિર્માણ કરવું પડતું હોય છે. આ માટે આપણને કોઈ સ્થપતિના આલેખની નહીં, પરંતુ આત્મબળના ટેકાની જરૂર પડશે.

જ્યારે આવું એક ‘વર્લ્ડ’, ન્યાયયુક્ત અર્થતંત્ર ‘ટ્રેડ,’ અને માનવીય કેન્દ્ર ‘સેન્ટર’ વિશ્વનાં અસંખ્ય માનવહૃદયોમાં પુનનિર્માણ પામશે, ત્યારે સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ના રોજ અને ત્યાર બાદ અનેક સ્થળોએ થયેલા આતંકને અને અત્યાચારને આખરી અને ઉત્તમ પ્રત્યુત્તર મળશે અને એ જ એનો સૌથી વધુ સફળ અને સબળ પ્રતિકાર પણ પુરવાર થશે. અને જ્યારે એમ થશે ત્યારે નૂતન ભારતના આર્ષદૃષ્ટા એવા કવિવર ઠાકુરની સાથે આપણે પણ સૌ કોઈ પ્રાર્થનાપૂર્ણ સ્વરે ગાઈ શકીશું કે,

ચિત્ત યેથા ભયશૂન્ય, ઉચ્ચ યેથા શિર …

ચિત્ત જ્યાં ભયશૂન્ય છે. શિર જ્યાં ઉન્નત રહે છે, જ્ઞાન જ્યાં મુક્ત છે,
ઘરઘરના વાડાઓએ જ્યાં રાતદિવસ પોતાના આંગણામાં
વસુધાના નાના ટુકડા કરી મૂક્યા નથી,
વાણી જ્યાં હૃદયના ઝરણામાંથી સીધી વહે છે,
કર્મનો પ્રવાહ જ્યાં અનિવાર રીતે દેશેદેશે અને દિશાએ દિશાએ
અજસ્રપણે સહસ્રવિધ સફળતા પ્રતિ ધસે છે,
તુચ્છ આચારની મરુની રેતી જ્યાં વિચારનાં ઝરણાંને ગ્રસી લેતી નથી
…પૌરુષને શતધા છિન્નભિન્ન કરી નાખતી નથી,
હંમેશાં તું જ્યાં સકલ કર્મ વિચાર અને આનંદનો નેતા છે,
તે સ્વર્ગમાં તારે પોતાને હાથે નિર્દય આઘાત કરીને,
હે પિતા, ભારતને જગાડ!
‘અને આપણે ઉમેરીએ, હે પિતા, વિશ્વને જગાડ’.

૧. એકોત્તરશતી, રવીન્દ્રનાથ ઠાકુર. (અનુવાદક : નગીનદાસ પારેખ). સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, ૧૯૬૩. કાવ્ય ‘પ્રાર્થના’. પૃ.૨૨૫.

૨. ગાંધી જન્મદિન નિમિત્તે ‘પિસ એબી’ (શાંતિમઠ) અને કીર્તનવૃન્દ સંસ્થાના સંયુક્ત સહકારથી ‘પિસ એબી’, શેરબોર્ન, માસાચુસેટ, અમેરિકામાં, દાંડીકૂચની મુદ્રા અંકિત કરતી પૂર્ણ કદની ગાંધીપ્રતિમાના સાંનિધ્યમાં, ઑક્ટોબર ૫, ૨૦૦૨ના દિવસે થયેલી પ્રાર્થનાસભામાં અંગ્રેજીમાં કરેલા પ્રાસંગિક વક્તવ્યને આધારે. પૂર્વપ્રકાશન સૌજન્ય, ‘ઑપિનિયન’.

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2015; પૃ. 13-15

Loading

19 October 2015 admin
← ડાયટ ડ્રિંક્સથી રહેજો દૂર, એ છીનવે છે શરીરનું નૂર
‘ત્યારે-તમે-ક્યાં-હતા?’ વાદની વસંત →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved