અમે રેલાવેલા પરસેવા
આખર આજે
અમારા ગળે ગાળિયો થયા
સદીઓનું વાવેલું ઊગ્યું નહીં.
આને જ કહેવાય
'કિલ ઇન ઇન્ડિયા'?
ટાંટિયા તાણતાં, સાઇકલ ઢસડતાં
દેશે અને રાજાએ
અમારા ફોટા દિવસરાત જોયા.
બધું અજગર જેવું.
કોણ જાણે કેટલામે દહાડે
કેડમાં ને ખભે છોકરાં લઈ આવ્યાં
પાદરમાં જ અમે ઢગલો થયાં
કોઈ મર્યાં તો
કોઈ ઘરખેતર ભેગાં થયાં.
હજુ હજારો લોક
વાટમાં ચાલે ને શેકાય.
દેશદેશાવરથી રાજાએ
બધાં વહાલાં લાવી દીધાં
વાજતેગાજતે
અમને કોણ સંભારે?
મહામારી મટે
પછી પાછાં શીદ જઈએ?
ચપટી મીઠું ને ફાડ રોટલો ખાઈને
સત્યાગ્રહ કરીશું.
એમ કહેનારાં ને કરનારાં
આપણે દેશદ્રોહી ઠરશું
ન્યાયના લડવૈયા થયા તો
અર્બન નક્સલી ઠરશો
તો ભલે એમ જ થાઓ
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 16 મે 2020