દેશની સર્વોચ્ચ અદાલતે લોકડાઉન દરમિયાન પરપ્રાંતીય મજૂરો અને સમાજના નબળા વર્ગોને પડેલી ખાદ્યાન્નની મુશ્કેલીના નિવારણ માટે, કેન્દ્ર સરકારને ‘એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ’ની યોજનાની સંભાવના ચકાસવા આદેશ કર્યો છે. કેન્દ્રના ૨૦ લાખ કરોડના રાહત પેકેજની ઘોષણા કરતાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઓગસ્ટ-૨૦૨૦ સુધીમાં સમગ્ર દેશમાં એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ યોજના અમલી બની જશે. તેને કારણે આ યોજના ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
નરેન્દ્ર મોદી સરકારની મહાત્ત્વાકાંક્ષી એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડની યોજનાનાં મૂળ યુ.પી.એ. સરકારમાં નંખાયાં હતાં. ૨૦૧૧માં નંદન નીલેકણીના નેતૃત્વમાં મનમોહનસિંઘ સરકારે એક ટાસ્કફેર્સની રચના કરી હતી. જાહેર વિતરણ વ્યવસ્થાને વધુ સુચારુ બનાવવા અને તેના માટે આઈ.ટી. નીતિ ઘડવાનું સમિતિનું મુખ્ય કાર્ય હતું. સમિતિએ રાશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા, નેશનલ લેવલે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ નેટવર્ક ઊભું કરવા અને વન નેશન વન રાશનકાર્ડ યોજના લાગુ પાડવા ભલામણ કરી હતી. તે સમયે સોનિયા ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રીય સલાહકાર પરિષદ કાર્યરત હતી. તેનું એક જૂથ આધારકાર્ડ સાથે રાશનકાર્ડને જોડવાનું ભારે વિરોધી હતું. તેથી આ યોજનાનો અમલ થઈ શક્યો નહોતો.
૨૦૧૪માં કેન્દ્રમાં એન.ડી.એ. સરકાર સત્તામાં આવતાં તેણે એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડની યોજના અમલી બનાવવા પ્રયત્નો શરૂ કર્યા હતા. ગ્રાહકો, અન્ન અને જાહેર વિતરણ વ્યવસ્થા વિભાગના કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને જાન્યુઆરી ૨૦૨૦માં એવી જાહેરાત કરી હતી કે જૂન ૨૦૨૦ સુધીમાં દેશનાં ઘણાં રાજ્યોમાં આ યોજના અમલમાં આવી જશે. હવે નાણામંત્રીએ તેમાં ઓગસ્ટ ૨૦૨૦ની નવી મુદ્દત જાહેર કરી છે. રાશનકાર્ડધારકને ખાસ તો પરપ્રાંતીય સ્થળાંતરિત કામદારોને દેશના કોઈ પણ ખૂણે સરળતાથી રાશન મળી રહે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે. તેને કારણે બહુ વગોવાયેલી જાહેર વિતરણ વ્યવસ્થામાં પારર્દિશતા આવશે, ભ્રષ્ટાચાર દૂર થશે, ક્ષમતા અને દક્ષતા વધશે અને ગરીબોને સરળતાથી અનાજ મળી શકશે. તેમ પણ સરકારનું માનવું છે.
દેશની ૫,૪૦,૦૦૦ જાહેર વિતરણ વ્યવસ્થાની દુકાનો મારફ્તે ૨૦૧૩ના નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટની જોગવાઈ હેઠળના ગરીબો સહિત ૮૧.૩૫ કરોડ લોકોને સરકાર દર વરસે ૬૧૨ લાખ ટન અનાજ વિતરીત કરે છે. સબસિડીવાળા અનાજ માટે સરકારને ૧ લાખ ૭૮ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે. પોતાના રાજ્યમાં કે પોતાના રાજ્યના જિલ્લામાં પેટ પૂરતી મજૂરી ન મળવાને કારણે કે બહેતર જીવનની આશાએ વધુ વેતન મેળવવા અનેક મજૂરો આંતરજિલ્લા કે આંતરરાજ્ય સ્થળાંતર કરે છે. પરપ્રાંતીય સ્થળાંતરિત કામદારોની સંખ્યા અંગે ભિન્નભિન્ન મત પ્રવર્તે છે. નાણામંત્રીએ તે ૮ કરોડ હોવાનું જણાવ્યું છે. ૨૦૧૧ની વસતીગણતરીના આધારે કેટલાક નિષ્ણાતો ૪.૧ કરોડ થી ૧૩. ૯ કરોડ સુધીની સંખ્યા અંદાજે છે. બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, પંજાબ, પશ્ચિમ બંગાળ અને જમ્મુ-કાશ્મીરના કામદારો સ્થળાંતર કરીને મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં જાય છે. તેઓને સ્થળાંતરિત રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થાનાં અનાજનો લાભ મળતો નથી. પરપ્રાંતીય મજૂરોના કિસ્સામાં તેઓ હકદાર હોવા છતાં અન્નસુરક્ષા કાયદાનો પણ લાભ લઈ શકતા નથી. તેથી એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ યોજના તેમના માટે આશીર્વાદ રૂપ બની શકે તેમ છે.
એક રાષ્ટ્ર, એક રાશનકાર્ડ યોજનામાં રાશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરીને પોઈન્ટ ઓફ સેલ મશીનના માધ્યમથી લાભાર્થીઓના ડેટાને સર્વરમાં જોડી ખાદ્યાન્નની વિતરણ વ્યવસ્થા કરવામાં આવશે. તે માટે તમામ સસ્તા અનાજની દુકાનોને ઈન્ટરનેટ સાથે જોડવી અનિવાર્ય છે. જે દુકાનોમાં ઈલેક્ટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ મશીન લગાવવામાં આવ્યાં છે ત્યાં લાભાર્થીની બાયોમેટ્રિક ઓળખાણ પ્રમાણિત કરવામાં આવે છે અને તે ડેટા સર્વરને પહોંચે છે. આ માટે કોઈ નવાં રાશનકાર્ડ બનાવવાનાં નથી. હયાત કાર્ડમાં જરૂરી ફેરફારો કરવાના છે અને નવા ઈશ્યૂ થનારા કાર્ડ માટે કેન્દ્ર સરકારે નક્કી કરેલા નમૂનામાં રાશનકાર્ડ આપવાનું છે. તે મુજબ નવું રાશનકાર્ડ બે ભાષામાં હશે. તેમાં સ્થાનિક ભાષા ઉપરાંત અંગ્રેજી કે હિંદી ભાષાનો ઉપયોગ કરવાનો રહેશે. રાશનકાર્ડનો નંબર ૧૦ અંકોનો અને તેમાં પહેલા બે અંક રાજ્ય કોડના રાખવાના છે.
આ યોજનાના અમલમાં રહેલી ખામીઓ પણ સ્પષ્ટ છે. આ યોજનાના અમલ માટે ઈન્ટરસ્ટેટ પોર્ટેબિલિટી કે ઈન્ટ્રીગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન પણ જરૂરી છે. સરકારે પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર, તથા આંધ્ર અને તેલંગાણાને એકબીજા સાથે જોડયાં હતાં. રામવિલાસ પાસવાનના દાવા મુજબ હવે દેશનાં ૧૭ રાજ્યો એકબીજા સાથે જોડાઈ ગયાં છે. સરકારના દાવાને સાચો માનીએ તો ૭૭ ટકા દુકાનોમાં ઈલેકટ્રોનિક પોઈન્ટ ઓફ સેલ મશીન લગાવી શકાયાં છે અને ૮૫ ટકા લાભાર્થીઓનાં આધારકાર્ડ અને રેશનકાર્ડ લિંક થઈ શક્યાં છે. પશ્ચિમ બંગાળ સરકાર કેન્દ્રની મોટાભાગની યોજનાઓ પોતાના રાજ્યમાં લાગુ પાડતી નથી. તેણે બંગાળમાં આ યોજના લાગુ પાડવાનો ઈનકાર કર્યો છે. તામિલનાડુના મુખ્ય વિપક્ષ ડી.એમ.કે.ના એમ.કે.સ્ટાલીન પણ આ યોજનાના વિરોધી છે. જ્યારે કૉન્ગ્રેસ સહિતની મોટા ભાગની રાજ્ય સરકારો આ યોજનાના સમર્થનમાં છે ત્યારે સ્ટાલીન કેન્દ્ર રાજ્ય સંબંધના મુદ્દે યોજનાનો વિરોધ કરે છે. તેમના મતે જાહેર વિતરણ વ્યવસ્થાનું સંચાલન રાજ્યનો વિષય છે. કેન્દ્ર સમગ્ર દેશમાં એક સરખી વિતરણ વ્યવસ્થા અને રાશનકાર્ડ લાગુ કરીને દેશના સમવાયી માળખા પર ઘા કરે છે અને પોતાની સર્વોચ્ચતા સ્થાપિત કરવા માંગે છે. આ યોજના મુખ્યત્વે પરપ્રાંતીય સ્થળાંતરિત કામદારોના હિતમાં દાખલ કરવામાં આવી રહી છે, પરંતુ કુલ રાશનકાર્ડધારકોમાં તેમનું પ્રમાણ ૧૦થી ૧૫ ટકા જ છે. રાશનકાર્ડ વ્યક્તિગત નહીં પણ કુટુંબનું હોય છે અને સ્થળાંતર વ્યક્તિગત વધારે હોય છે ત્યારે પણ અમલના પ્રશ્નો થવાના. જેમ આંતરરાજ્ય તેમ આંતરજિલ્લા સ્થળાંતરના મોટા પ્રશ્નો છે. જે તે રાજ્યમાં આંતરજિલ્લા સ્થળાંતરો થતાં હોય છે એટલે પરપ્રાંતીય પૂર્વે રાજ્યોએ તેમના પોતાના રાજ્યના સ્થળાંતરિતો માટે વિચારવાનું રહે. કેટલાંક રાજ્યો રાજ્યના રાશનકાર્ડધારકોને બદલે બીજા રાજ્યના લોકોને લાભ આપવામાં પણ વિરોધ અને ખચકાટ અનુભવે છે. સ્થળાંતરિતો કાયમી નથી હોતા એટલે રાજ્યને મળનારા અનાજના જથ્થામાં ફેરફારો પણ વિચારવાના છે.
એક રાજ્ય એક ટેક્સની જી.એસ.ટી. યોજના હજુ થાળે પડી નથી અને રાજ્યોના વાંધા ચાલુ જ છે. બીજા કાર્યકાળના આરંભે જ વડાપ્રધાને એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે સર્વપક્ષીય બેઠક બોલાવેલી તેનો લગભગ તમામ વિપક્ષોએ બહિષ્કાર કરેલો. હવે આ એક રાષ્ટ્ર એક રાશનકાર્ડ પણ કેન્દ્રની કોઈ તુકબંધી બની ન રહે તો સારું.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધસાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 27 મે 2020