હતું હરણ અભયારણ્યમાં
તો ય
હણાયું
જાતે અભય
સૌને ભાળે રૂડાં નયને
ઊંચી ડોકે તાકે ગગન
લીલા ઘાસના કવલ મધુરા કરાવે
ધરા સ્વયં એને નીતર્યાં નીરનાં
ઘૂંટડા મીઠા માથે પસવારે હાથ
નિદ્રા સ્વયં
વ્હાલથી
પોઢાળે
ઘર છોડેલું તે હતું મધુવન
પણ હતા ન હતા ઑરતા એને
નિધુવનના કશા
તો ય
ત્યારે
જનઅરણ્ય વળોટીને
નીસરેલું
હતું રૂપાળું છટા રૂપાળી
સામેથી બોલાવે દેહલતા સુંવાળી
પંપાળાય
ચૂમીઓ કરાય
ભીનાં વ્હાલ
વરસે
પણ
થઈ એક વાર છટપટાહટ એને
છે અભય અહીં પણ અકળામણ બહુ
એકલતા ને ગૂંગળામણ બહુ
છે મૉકળું પણ ગભરામણ બહુ
જવું અહીંથી જવું પાછા
જવાય કે ન જવાય તો ય જવું
બહુ થયો રઘવાટ
થયો ચૉક્કસ નિર્ધાર
જઈશ છોડીને આને ને જઈશ ક્યાં યે
પણ
જવું
એક દિવસ
ભરી ઠેકડા જોશમાં દોડ્યું
વાડ લગી જોશમાં એ ઘાંઘું
આ તરફ તે તરફ ને ચોતરફ એણે
માથાં માર્યાં ચીડમાં લાતો પર લાતો
ભર્યાં બચકાં પર બચકાં
વાડને
વારંવાર
વાડ
ન તૂટી પણ પડ્યું એક બાકોરું મોટું
પડ્યું બાકોરું એક મોટું
કાલે
ત્રાડ થઇ ગગનભેદી
અભયારણ્ય ધ્રૂજ્યું
ધૂણ્યાં ઝાડીઝાંખરાં પંખી બ્હાવરાં
ફડફડ ઊડ્યાં
કેસરીમાં કાળા ચટાપટા ઘાતક
ઝપાટા દાંત મોટા ન્હૉર તીણા
વિકરાળ ઝપાઝપી ધમપછાડા
ને
ચીસો
જીવ ગયો આકાશે દેહમાંસ છોડી
રક્ત થયું ટપકતું સઘળે
હણાયું એ
પૂરેપૂરું
જડબે ઘાલી એને એ મહા જનાવર
થયું હાલતું
બાકોરેથી પૅસેલું થયું બાકોરું મોટાથી
મોટું ને અજવાળાં અંધારાંમાં અંધારાં
અજવાળામાં
અલપઝલપમાં
ઓલવાયાં
સૂનકાર છવાયો અભયારણ્યમાં
હતું
તો ય
હણાયું
= = =
(January 27, 2021: USA)
Pic Courtsey : Printme