તામીલનાડુ રાજ્યના છેક દક્ષિણ ભાગમાં આવેલા તિરૂનવેલી જિલ્લામાં દુકાળમાં અધિક માસ આવે તેવી હાલત હતી. પણ આ ‘રાજ્જા’ના પ્રતાપે ત્યાં હરિયાળી લહેરવા લાગી છે.

 [ડેવિડ રાજા બેલુઆ પકીઆનાથન]
[ડેવિડ રાજા બેલુઆ પકીઆનાથન]
તામીલનાડુ સરકારના બગાયતી ખાતાના આસિ. ડિરેક્ટર
એક દિવસ ડેવિડ બસ સ્ટેન્ડ પાસે ઊભો હતો. બાજુમાં વેંકટ નામનો એક ખેડૂત જેવો લાગતો માણસ મોગરાનાં ફૂલ વેચવા બેઠો હતો. નાની નાની ઢગલીઓ, પણ દરેકની કિમત સો સો રૂપિયા.
ડેવિડે પુછ્યું, ‘આટલી બધી કિંમત રાખી છે, તે કોણ ખરીદશે?’
વેંકટે ઉદાસ ચહેરે જવાબ આપ્યો, “ સાહેબ! થોડા વખત પછી, તો આટલાં ફૂલ પણ નહીં મળે.”
ડેવિડ –‘ કેમ એમ?”
“પાણી જ ક્યાં છે, મલકમાં? પંપમાંથી માંડ અડધો કલાક, ટીપે ટીપે પાણી આવે છે, અને તે ય વીજળી વેરણ ન થઈ હોય તો. થોડોક પણ વરસાદ નહીં થાય તો મહિનામાં મોગરાના છોડ મરી જ જવાના. ”
ડેવિડના બાગાયતી મ્હાંયલાને આ પડકાર હતો. બીજે દિવસે શનિવાર હતો. ઓફિસમાં રજા હતી. ડેવિડ તેના ઘરથી વીસેક કિ.મિ. દૂર વેંકટના ગામમાં પહોંચી ગયો. તેના તકનિકી મગજમાં તરત ઝબકારો થયો કે, ‘જમીનમાં પાણી નથી એવું નથી. વીજળી પૂરતી નથી. ’
બીજા અઠવાડિયે ઓફિસમાં હતી, તે બધી સામગ્રી એકઠી કરી તેણે એક સોલર પમ્પ તૈયાર કર્યો અને ફરીથી તે વેંકટના ખેતરમાં પહોંચી ગયો. વીસ ફૂટ જ નાનકડી પાઈપ ઊતારી અને પાણીનું ઝરણું મળી ગયું. સાથે લાવેલી સોલર પેનલ અને પમ્પ સાથે એ પાઈપને જોડી દીધી. થોડાક જ વખતમાં પમ્પ ચાલે એટલી વીજળી બનવા લાગી. સ્વિચ ચાલુ અને પાણીનો શેરડો મોગરાના છોડ પર! મોગરાના છોડના મૂળની આજુબાજુ નારિયેળીનાં છોડાં અને રેસા પાથરી દીધા, જેથી મૂળ પાસે ભેજ જળવાઈ રહે.

સાતેક કલાક પમ્પ ચાલ્યો, અને મોગરાના પચાસેક છોડવાઓમાં નવજીવન આવી ગયું. ડેવિડે આ પમ્પને નામ આપ્યું – ‘દુકાળ લડત પિચકારી’. આજુબાજુના ખેડૂતોને પણ આ પિચકારી બહુ કામની લાગી. સરકારી સહાયથી, ગામના બધા બગીચા બચી ગયા. ડેવિડે પાણીનો ઉપયોગ કરીને ખેતરમાં જમા થતા ઘાસ, પાંદડાં વગેરેમાંથી ખાતર બનાવવાનું પણ ખેડૂતોને શીખવ્યું. આમ મોગરા તો બચ્યા જ; પણ ખેડૂતોને કરવો પડતો વીજળી, બળતણ અને ખાતરનો ખર્ચ પણ ઓછો થઈ ગયો. ખેતરમાં જ નહીં, વેંકટ અને તેના ગામવાસી મિત્રોના જીવનમાં પણ હરિયાળી લહેરાવા લાગી.
આ જ રીત મોટા ખેતરોમાં શી રીતે અપનાવી શકાય, તેનો વિચાર આ ‘રાજા’ કરવા લાગ્યો ! પાંચ વર્ષની અથાક મહેનત, અખતરા, નિષ્ફળતાઓ, અને અવનવી તરકીબોના પ્રતાપે તિરૂનવેલી જિલ્લાના ઘણા બધા ખેતરો ફરીથી લીલાં છમ્મ બની ગયાં, આજુબાજુનાં ઝાડ પણ.

છેલ્લાં પાંચ વર્ષમાં ડેવિડે ખેડૂતોને તાલીમ આપવાની ઘણી શિબિરો કરી છે, અને ૧૦૦ ખેડૂતોને નવી તરાહ અપનાવતા કરી દીધા છે. ખેતીના પાકમાં પણ ડેવિડના નિદર્શન હેઠળ ફેરફાર થવા લાગ્યા છે. ઓછું પાણી જોઈએ તેવા કાજુ, કાળા ચણા, મગ, આફ્રિકન ચોળા (cow pea) વગેરેની ખેતી પણ થવા લાગી છે. સો જેટલા બોરવેલ, અને હજારોની સંખ્યામાં હેન્ડ પમ્પ પણ કામ કરતા થઈ ગયા છે. દારૂણ ગરીબાઈમાં નિચોવાઈ જતા ખેડૂતોની આત્મહત્યાના સમાચારો વચ્ચે ડેવિડની પિચકારી રણદ્વીપ જેવી બનવા લાગી છે. દેશમાં બીજે પણ આવી પિચકારીઓ હોળી નહીં પણ ભાદરવાની હેલી સાથે હરીફાઈ કરવા લાગી છે.
સમૃદ્ધ ખેડૂતો તો સાતમા આસમાનમાં વિહરવા લાગ્યા છે. દસ એકરના ફાર્મના માલિક સેન્ધિલ કહે છે, ”પહેલાં હું વર્ષે માંડ ૩૦,૦૦૦ ₹ કમાતો હતો. નવી તરાહથી કાજુના સો ઝાડ ૩૫,૦૦૦ ₹. , અને મગ કાળા ચણાના છોડ ૩૨,૦૦૦ ₹ કમાવી આપે છે. એમાંથી મળતા ઢોરના ચારાના પ્રતાપે મેં ત્રણ ગાયો પણ રાખી છે – જે મને વર્ષે વધારાના ૩૦,૦૦૦ ₹ કમાવી આપે છે. સાથે સાથે ૧૦,૦૦૦ મરઘીઓ પોષાય છે – એનાથી મળતી ૨,૪૦,૦૦૦ ₹.ની આવક તો આ બધાંયને પાછાં પાડી દે છે ડેવિડ સાહેબની દોરવણી ન મળી હોત તો આ બધું શક્ય ન જ બનત.”
સેન્ધિલે એક દૂધ ઉત્પાદક મંડળી પણ સ્થાપી છે, જે નાના ખેડૂતોને માટે આણંદના ‘અમૂલ’ જેવી અમૂલ્ય સાબિત થઈ છે.
તામીલનાડુના આ ડેવિડે દુકાળના ગોલિયાથને નાથ્યો છે.

સંદર્ભ –
http://www.thebetterindia.com/91464/solar-pumps-drought-farmers-tamil-nadu/
http://www.thehindu.com/sci-tech/agriculture/Project-that-brought-many-farmers-out-of-debts/article15444225.ece
https://en.wikipedia.org/wiki/Cowpea
e.mail : surpad2017@gmail.com
 

