હૈયાને દરબાર
બે વર્ષ પહેલાં બાન્દ્રામાં એક સંગીત કાર્યક્રમ હતો. માનવમેદની હકડેઠઠ જામેલી હતી. યુવાનોની સંખ્યા ખૂબ વધારે. અમારી પાસે સ્પેિશયલ ગેસ્ટ પાસ હતો. કાર્યક્રમ શરૂ થવામાં જ હતો અને હું પહોંચી. બેકગ્રાઉન્ડ મ્યુિઝક શરૂ થયું અને વાતાવરણમાં કંઈક ગજબ સ્પંદનો પેદા થવા લાગ્યા. મુખ્ય કલાકારની એન્ટ્રી સાથે શબ્દો ગુંજવા લાગ્યા :
गणनायकाय गणदेवताय गणाध्यक्षाय धीमहि ।
गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि ।
गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि ।
एकदंताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि ।
गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि ॥
આહા! શંકર મહાદેવને પહેલી જ પ્રસ્તુિતમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ સ્તુિત એવી છે કે સાંભળતાં જ રુંવાડા ઊભાં થઈ જાય.
કંઇક આવી જ અનુભૂતિ વીસેક વર્ષ પહેલાં આપણા સૂરીલા ગાયક સોલી કાપડિયાને એક મહેફિલમાં સાંભળ્યા ત્યારે થઈ હતી. અત્યંત મધુર, ભાવવાહી કંઠ તથા સ્પષ્ટ ઉચ્ચારોને કારણે એમનું ગાયન પ્રભાવક લાગ્યું હતું. 'ધ ગોલ્ડન વોઇસ ઓફ ગુજરાત'નો એવોર્ડ ૧૯૮૬માં મેળવ્યા બાદ બીજાં અનેક પારિતોષિકો એમણે પ્રાપ્ત કર્યા છે. સોલીનું પર્યાયવાચી નામ એટલે પ્રેમ એટલે કે, સોલી એટલે સોજ્જો ઇન્સાન, સોલી એટલે પ્રેમાળ યજમાન અને સોલી એટલે ઉત્તમ સ્વરકાર, અરેન્જર અને ગાયક.
તાજેતરમાં જેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી એ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજી તથા સંવેદનશીલ કવિ ભગવતીકુમાર શર્માની કેટલીક સુંદર રચનાઓ અમારી નજર સમક્ષ તૈયાર થતી અમે એમના સ્ટુડિયોમાં નિહાળી છે. અમે વૃક્ષ ચંદનનું ચીરાઈ ચાલ્યા તથા હવે પહેલો વરસાદ, બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં જેવાં ભગવતીભાઈનાં ગીતોને સોલી કાપડિયાએ અત્યંત લોકપ્રિય બનાવ્યાં છે. ગીતની સર્જન પ્રક્રિયાના સાક્ષી બનવાનો મોકો સંગીતભાવક અને પત્રકાર હોવાને નાતે ઘણીવાર, ઘણા સંગીતકારો સાથે મળ્યો છે એ અમારું સદભાગ્ય.
આજના પાવન અવસરની શુભ સવારે સોલી-નિશાના સંયુક્ત આલ્બમ 'ગણેશ ઉત્સવ'ની કેટલીક મધુર તરજો મન પર સવાર છે. પારસી બાવા સોલી કાપડિયાને પણ ગણેશ ભગવાનની સ્તુિતની લગની લાગી હતી. સોલી કાપડિયા ગુજરાતી સુગમ સંગીતમાં એવું નામ છે જેમની હાજરી સ્ટેજ ઉપર હોય ત્યારે એમના સંમોહક સ્વરની સુરાવલિ આપણને સંમોહિત કર્યા વિના રહે નહીં. ઉર્દૂ- હિન્દી ગઝલો પણ એમણે અદ્દભુત સ્વરબદ્ધ કરી છે.
શુદ્ધ ઉચ્ચાર, ભાવવાહી કંઠ અને સુંદર વ્યક્તિત્વ ધરાવતા સોલી કાપડિયા હંમેશાં કહે છે કે મારે માટે શબ્દ કરતાં ભાવનું મહત્ત્વ ખૂબ છે. એમાં ય જ્યારે ઈશ્વર સ્તુિતની વાત આવે ત્યારે તો એ ચરમસીમાએ પહોંચે છે. સોલી કાપડિયાએ થોડાં વર્ષો પૂર્વે 'ગણેશ ઉત્સવ' નામે આલ્બમ તૈયાર કર્યું હતું. વ્યવસાયે ફિઝિયો થેરાપિસ્ટ ડૉ. સ્મિતા ખંભાતી રચિત સુંદર ગણેશ સ્તુિતઓને સોલી કાપડિયાએ સ્વરબદ્ધ કરી અને સોલી-નિશાના કંઠે એ આલ્બમ રજૂ થયું હતું. એક અવિચલ ગણરાયા સ્તુિત વિશે સોલી કાપડિયા કહે છે, "આ ગીતના શબ્દો જ શ્રી ગણેશની બ્રહ્માંડીય વિશાળતા વ્યક્ત કરે છે. ગીતની પંક્તિઓની જે તરાહ (પૅટર્ન) છે એણે મારી સર્જનાત્મકતાને વધુ નિખારી છે. કાનને તરત સ્પર્શે એવી કર્ણપ્રિય તરજ મારે બનાવવી હતી, એટલે ગીતનું શ્રેષ્ઠત્વ બહાર લાવવા આખી રાત હું ઊંઘી શક્યો નહોતો. ગીતનો ભાવ તીવ્રતાથી વ્યક્ત થાય છતાં એની બારીકીઓ જળવાઈ રહે તથા શ્રોતાના હૃદયને યોગ્ય રીતે સ્પર્શે એવું ગીત મારે બનાવવું હતું. મુખડાની અનિયંત્રિત વ્યાપક ગતિને બેલેન્સ કરવા પખાવજ, સંતૂર સેલો અને સિમ્ફની જેવી અરેન્જમેન્ટ કરી હતી. એક પછી એક ઝડપથી તાર છેડીને સૂરની ગતિ સાથે મુખડાની શરૂઆત મંદિરના ઘંટારવથી થાય છે. અંતરાનો ટેમ્પો કોરસની ગરિમાપૂર્ણ લયકારી સાથે સાવ જુદો જ છે. પૂર્વ- પશ્ચિમના સંગીતનું સુભગ સંયોજન આ ગીતમાં છે. મારી સર્જનશીલતાને આ ગીતમાં મોકળું મેદાન મળ્યું છે એ માટે હું ગીતકારનો આભારી છું."
ગીતકાર સ્મિતાબહેનનું ભાષા પ્રભુત્વ ખૂબ સરસ છે. તેઓ એમની ગણેશ સ્તુિતઓ સંદર્ભે કહે છે કે, "મારે માટે ગણેશ એ મારા ફેવરિટ અને વિશિષ્ટ ભગવાન છે, જેમની દરેક પ્રસંગે, દરેક આયોજન અને દરેક સ્થાને પૂજા કરી શકાય છે. વાસ્તવમાં દરેક કાર્યમાં એ મહત્ત્વપૂર્ણ છે. તે એકમાત્ર એવા દેવ છે જે તમામ ભૌતિક અને આધ્યાત્મિક પાત્રોને અતિક્રમી, ભક્તોનાં મન અને હૃદયમાં, જે રીતે ભક્ત તેમને જૂએ છે એ સ્વરૂપે બિરાજે છે. તમે કોઈપણ સ્વરૂપમાં એમની કલ્પના કરી શકો છો અને તેમની સાથે સંબંધ કેળવી શકો છો – એ રમતિયાળ કૃષ્ણ, બળવાન શિવ, એક ઉદાર બ્રહ્મા કે કેટલીક વખત માનવીય બ્રાહ્મણ જેવા માનવ સ્વરૂપ પણ હોઈ શકે છે. મારે માટે એ રક્ષણ કરનાર પિતા છે, એવો ભાઈ છે જેની સાથે હું લડી શકું છું, એવો મિત્ર છે જેની સાથે હું મારા જીવનના ઊતાર-ચઢાવ વહેંચી શકું છું અને ક્યારેક એ મારો પુત્ર પણ બની જાય છે જેની સાથે એને ગમતી ભેટસોગાદો આપીને એમને રિઝવી શકું છું! ટૂંકમાં, ગણેશજી મારે માટે માત્ર એક સ્વરૂપ નથી, તે 'સર્વ-રૂપ' છે." આ સર્વરૂપ ગણેશજીની વંદના કરતી સ્તુિતઓ સ્મિતાબહેને રચી અને સોલી-નિશાના કંઠમાં નિખરી ઊઠી. આવી મંગલમય રચના ગણેશ ચતુર્થીએ સાંભળવાથી મન ખરેખર સંતૃપ્ત થઈ જાય છે.
કોઈ પણ મંગલકાર્યનો આરંભ ગણેશજીનાં નામ સાથે જ થાય. ગણપતિને રિદ્ધિસિદ્ધિના દેવ તરીકે લોકો ભાવપૂર્વક ભજે છે. મુંબઈમાં સિદ્ધિ વિનાયકના મંદિરે ફિલ્મના સુપર સ્ટારથી માંડીને આમ આદમી સુધી ભાવિકજનોની અહીં શ્રી ગણેશના દર્શન કરી એમની કૃપા પ્રાપ્ત કરવા માટે મોટી ભીડ જામે છે. અમિતાભ બચ્ચનજી અનેક વાર સિદ્ધિ વિનાયક મંદિરમાં જુહુના એમના ઘરેથી ચાલીને ગણેશજી નાં દર્શને આવ્યા છે, અને ગયા વર્ષે એમણે પોતાના અવાજમાં સુખકર્તા દુખહર્તા સ્તુિત રેકોર્ડ પણ કરાવી છે. આવા સર્વ પ્રિય ગણેશજીની પૂજા અમારા પરિવારમાં પણ ધામધૂમથી થતી. સુંદર મજાની મૂર્તિની પસંદગીથી માંડીને દુર્વા ચૂંટવાની, મેવા-મીઠાઈના પ્રસાદ ધરાવવાના તેમ જ સૌથી વિશેષ આકર્ષણ લાડુનું. ગણેશ ચતુર્થીએ લાડુ તો બનાવવાનાં જ. નાનાં બાળકો ગણેશજીને ભરપૂર લાડ લડાવે. બીજા દિવસે વિસર્જન વખતે વિદાય આપવાનું આકરું લાગે પણ એ જ આપણી રીત અને એ જ આપણી પરંપરા. કોઈ પણ હિંદુ મંદિરમાં તમે દાખલ થાઓ ત્યારે તમને એક બાજુ રિદ્ધિસિદ્ધિના દેવ ગણપતિ અને બીજી બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમાઓ અચૂક જોવા મળે.
લગ્નનો પ્રસંગ હોય,નવા ઘરે કુંભ મૂકવાનો હોય, કોઈ સંસ્થાનો શિલારોપણવિધિ, લક્ષ્મીપૂજન, સત્યનારાયણ કથા જેવા કોઈપણ શુભ પ્રસંગે સૌ પ્રથમ શ્રી ગણપતિનું સ્થાપન કરી એમનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવે છે.
શ્રી ગણેશજીને અનેક નામે ભજવામાં આવે છે. એમને એમના શરીરની આકૃતિ ઉપરથી વક્રતુંડ, લંબોદર, મહાકાય, લંબકર્ણ અને એમને હાથીનું મસ્તક હોઈ ગજાનન પણ કહેવાય છે. ભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થીની ઊજવણીનું હિન્દુ શાસ્ત્રોમાં અનેરું મહત્ત્વ છે. હિન્દુ સંસ્કૃિતમાં મોટા તહેવારોમાં ગણાતા ગણેશ ચતુર્થીના પાવન અવસર પર રિદ્ધિ સિદ્ધિના દાતા અને વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીની આસ્થાપૂર્વક પૂજા-અર્ચના-વ્રત કરવાથી અપાર ફળ મળે છે અને જીવનમાં કોઈપણ કામ અટકતું નથી. ગણેશજીના આશીર્વાદથી ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સદબુદ્ધિનું આગમન થાય છે.
કોઈ કાર્યને વ્યવસ્થિત રીતે નિર્વિઘ્નપૂર્વક સંપન્ન કરવા માટે સૌ પ્રથમ શ્રીગણેશની વંદના અને અર્ચનાનું વિધાન છે. તેથી સનાતન ધર્મમાં સૌ પ્રથમ શ્રીગણેશની પૂજાથી જ કોઈ કાર્યની શરૂઆત થાય છે.
આજના પવિત્ર દિવસે ભગવાન ગણેશજીને એ જ પ્રાર્થના કરીએ કે સૌને સદ્દબુદ્ધિ આપો, સૌનાં સંકટ દૂર કરો અને સૌનું કલ્યાણ કરો. ગૂગલ સર્ચ કરીને એક અવિચલ ગણરાયા ગીત તમે સાંભળી શકશો. છેલ્લે, ગણપતિ બાપ્પાને બસ એટલું જ પ્રાર્થીએ : સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિઘ્નાચી, નુરવી પૂર્વી પ્રેમ કૃપા જયાચી, સર્વાંગી સુંદર ઉટી શેન્દુરાચી, કંઠી ઝળકે માળ મુક્તાફળાચી, જય દેવ જય દેવ જય મંગલમૂર્તિ, દર્શન માત્રે મનકામના પૂર્તિ, જય દેવ, જય દેવ!
એક અવિચલ ગણરાયા.
ઉનકે હૈ અષ્ટોત્તર-શતનામ
નામ-સ્મરણ કી માલા મેં,
સમાયે મેરે ચારો ધામ,
લંબોદર, સિંદૂર વર, મહાકાય, ગૌરીસુતાય,
સુમુખ, ગજમુખ, ગણપતિ, મંગલમૂર્તિ,
સિદ્ધેશ્વર, મયૂરેશ્વર, વિઘ્નેશ્વર, અમરેશ્વર, સૌમ્યાય,
જો ભાએ વો નામ જપો, કરતે રહો શત શત પ્રણામ
ઇસીલિયે હી ગણરાયા કે અષ્ટોત્તરશત નામ
વિનાકાય, ગુણાતીતાય, નિરંજનાય, દક્ષાય, ગણપાય,
ધુમ્રવર્ણમ, સિંદૂર વર્જમ, ચણ્ડાય, વૃદ્ધિદાય,
બુદ્ધિદાય સિદ્ધિદાય વરમૂષક વાહનામ
સર્વ ગુણો કે સ્વામી હૈ, ગુણ સે ભી બઢ કે ઉનકે નામ,
ઈસી લિયે હી ગણરાયા કે અષ્ટોત્તરશત નામ.
• કવિ : સ્મિતા ખંભાતી • સ્વરકાર-ગાયક : સોલી કાપડિયા
[પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 13 સપ્ટેમ્બર 2018]