યોગેન્દ્રભાઈ માંકડને યાદ કરું છું. તેમને ગયે આજે બે વર્ષ પૂરાં થાય છે!
વર્ષ ૧૯૭૧-૭૨થી, તેમના ગયાનાં અનેક વર્ષોની અનેક વિગતોમાં જવું સરળ નથી એટલું જ તેઓ હવે રહ્યા નથી, એ યાદ કરવું પણ સરળ નથી જ, બલકે સાંજના ૬ઃ૩૦ જેવા થયા હોય અને તેમની આજે પણ મારે ઘેર આવવાની રાહ જોઉં છું.
ગુજરાતમાં દર્શનશાસ્ત્ર વિષય આત્મા-પરમાત્મા, નિત્ય-અનિત્ય, બ્રહ્મ-પરબ્રહ્મથી બહાર ગયો છે કે કેમ એ વિચાર ખેદજનક છે, ત્યારે ‘કૉન્ટિનેન્ટલ ફિલોસૉફી’માં સરી જતા યોગેન્દ્રભાઈને ભૂલી શકતો નથી. મધુસૂદનભાઈ બક્ષીનું પ્રદાન ખરું, ‘એનેલિટિકલ ફિલોસૉફી’માં અને તેમાં મારું ગજું નહીં. રસેન્દ્રભાઈ પંડ્યા, ઑક્સફર્ડમાંથી ભણી આવેલા અને ‘ઍંગ્લોસેક્સન’ ફિલોસૉફી અને એ સંદર્ભમાં આવતા ‘તર્કશાસ્ત્રના માહેર. જ્યાં પણ મળે, રસ્તામાં કે પુસ્તકની દુકાનમાં, તેમની રમઝટને સાંભળનારાને લાગે કે ‘આ સાહેબ બોલે છે કે દબડાવે છે!’ એમના મીઠા અવાજમાં ચાલતી વાતનો દોર કંઈક અલગ જ હોય. બક્ષીસાહેબમાં ક્યાં ય ઉતાવળ ન જણાય. તેમનું બોલવું-સમજવું અઘરું પડે. મોટા ‘સ્વીપ’માં ચાલ્યા જાય.
ના, યોગેન્દ્રભાઈમાં એવું ક્યાં ય જોવા મળે નહીં. હા, તરવરાટ એટલો બધો કે ક્યાં ય તેનો છેડો ઉશ્કેરાટમાં પણ આવે. જે કોઈ વિચાર રજૂ કરતા હોય તેમાં સ્પષ્ટતા હોય જ. ન સમજાયું હોય તો દબડાવી પણ નાંખે પણ અંતે મુદ્દો પૂરતી ધીરજથી સમજાવે. મારા શારદા સોસાયટીના રહેઠાણની નજીક રહેવા આવ્યા પછી, કહો કે લગભગ અમારી દરરોજની બેઠક હોય. સમાજવિદ્યાભવનમાં, તેઓ નિવૃત્ત થયા તેના મહિના વર્ષ પહેલાં હું નિવૃત્ત થયો. તો પણ દર શનિવારે તેમની સાથે બેઠક હોય જ. બપોરે બે વાગ્યે પટાવાળા ભાઈ આવે, ત્યાં સુધી તેમને સાંભળ્યા કરવામાં વીતી ગયેલા સમયને આજે યાદ કરું છું.
યુરોપના દર્શનશાસ્ત્રીઓના વિચારોમાં તેઓ ખોવાઈ જતા. ‘રેનેસાં’થી વીસમી સદીના દાર્શનિકો વિશે તેમની પાસેથી સાંભળવું એ મારા જીવનનો અમૂલ્ય લહાવો છે.
તો, એ જ યોગેન્દ્રભાઈ, લોકગીતોના ઢાળમાં ગીતો પણ રચતાં, ગાય પણ ખરા પણ આખું ગીત ‘ફરી ક્યારેક, કહી અધૂરું મૂકી ચાલ્યા જાય. શાસ્ત્રીય સંગીતની તેમની સાધના લગભગ છ દસકા જેટલી ખરી. એ યોગેન્દ્રભાઈને મારા પ્રણામ!
પાલડી, અમદાવાદ
સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 21
![]()

