ઈ.સ. ૧૯૦૦ની સાલમાં વિનાયક દામોદર સાવરકરે તેમનાં વતન નાસિકમાં ‘મિત્ર મેળા’ની સ્થાપના કરી. ૧૯૦૧માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. ૧૯૦૨માં પૂના ભણવા ગયા. ૧૯૦૪માં ‘અભિનવ ભારત’ નામનાં સંગઠનની સ્થાપના કરી. ૧૯૦૫માં બી.એ.ની પરીક્ષામાં પાસ થઈને ૧૯૦૬માં લંડન ભણવા ગયા. ૧૯૦૯ના જુલાઈ મહિનામાં મદનલાલ ઢીંગરાએ કર્ઝન વાઈલીનું ખૂન કર્યું. વરસ પછી ૧૯૧૦માં તેમને લંડનથી ભારત લાવવામાં આવ્યા. આરોપ એવો હતો કે લંડનમાં અને ભારતમાં થતાં ખૂનોમાં સાવરકરનો હાથ છે. ૨૪મી ડિસેમ્બર ૧૯૧૦ના રોજ તેમને ૨૫ વરસની કારાવાસની સજા કરવામાં આવી. ૩૧મી જાન્યુઆરી ૧૯૧૧ના રોજ તેમને બીજીવાર બીજા એક આરોપમાં ૨૫ વરસની કારાવાસની સજા કરવામાં આવી. સાધારણપણે બન્ને સજા સાથે ભોગવવાનું જજ કહેતા હોય છે, પરંતુ સાવરકરને ૨૫ વરસનાં કારાવાસની સજા એક પછી એક ભોગવવાનો ચુકાદો આપવામાં આવ્યો.
કુલ ૫૦ વરસની સજા. કદાચ બ્રિટિશ સામ્રાજ્યના ઇતિહાસમાં રાજકીય આરોપીને આવી સજા પહેલી અને છેલ્લી વાર કરવામાં આવી હતી. આ સજા અમાનવીય હતી. ઈરાદો સાવરકરના મનોબળને તોડી નાખવાનો, ચીડ કાઢવાનો અને હિંસાનો માર્ગ અપનાવતા કે હિંસા માટે ઉશ્કેરનારા અન્ય લોકોને ચેતવવાનો હતો. ઓછામાં પૂરું સાવરકરને આંદામાન મોકલવામાં આવ્યા. તેમના મોટાભાઈને પણ આવી જ આકરી સજા કરવામાં આવી હતી. અંગ્રેજોએ આવી સજા કરી એની પાછળનું કારણ સાવરકરની ચાલાકીઓ હતી. અંગ્રેજોએ કચકચાવીને ગુસ્સો કાઢ્યો હતો.
આવી આકરી સજા અમાનવીય હતી એમાં કોઈ શંકા નથી. સાવરકર સાથે અન્યાય કરવામાં આવ્યો હતો એમાં પણ કોઈ શંકા નથી. સાવરકર આખા દેશની સહાનુભૂતિનો વિષય હતા અને તેમને તે મળી પણ હતી. પણ ત્યારે કોઈએ કહ્યું નહોતું કે સાવરકરને આવી સજા તેમની જાનફેસાની માટે કરવામાં આવી છે, બહાદુરી માટે કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અને દેશના એ સમયના લબ્ધપ્રતિષ્ઠ નેતાઓએ પણ નહોતું કહ્યું કે સાવરકરને કોઈ શૌર્ય બતાવવા માટે આવી સજા કરવામાં આવી હતી. ભારતમાં સર્વસાધારણ અભિપ્રાય એવો હતો કે સાવરકર વધારે પડતી ચાલાકીઓનો શિકાર બન્યા છે. માટે તેમના માટે સહાનુભૂતિનો ભાવ સર્વત્ર હતો. શૌર્ય સાથે તેને કોઈ સંબંધ નહોતો. આ સિવાય વાય.ડી. ફડકેએ તેમના ‘વિસાવ્યા શતકાચા મહારાષ્ટ્ર’ નામના ગ્રંથમાં કહ્યું છે એમ મુંબઈ, પૂના અને નાસિક જિલ્લાના લોકો સાવરકરથી નારાજ હતા. તેમને એમ લાગતું હતું કે સાવરકર સુરક્ષિત જગ્યાએ બેસીને અને પોતાનું ભણતર ચાલુ રાખીને અમારા છોકરાવને હિંસા કરવા ઉશ્કેરે છે. આમ કેટલાક લોકોની તો સહાનુભૂતિ પણ નહોતી.
આ છતાં ય એમાં કોઈ શંકા નથી કે સાવરકર દેશની સહાનુભૂતિનો વિષય હતા. પ્રત્યક્ષ શૌર્ય સાથે તેમનો દૂરદૂરનો પણ સબંધ નહોતો. આ અખો વૃત્તાંત તપાસીને તમે પોતે વિચારો અને કહો કે ૧૯૦૦ની સાલમાં સાવરકરે મિત્ર મેળાની સ્થાપના કરી ત્યારથી લઈને ૧૯૧૦-૧૧માં તેમને કાળાપાણીની સજા કરવામાં આવી ત્યાં સુધીનાં દસ વરસમાં સાવરકરે એવું કયું મહાન કૃત્ય કર્યું જેને હિંસક ક્રાંતિ કે વિદ્રોહ તરીકે ઓળખાવી શકાય? એ દસ વરસમાં તેમણે પોતે શૌર્યનું કોઈ કૃત્ય કર્યું નહોતું. તેમણે પોતે ક્યારે ય બંદૂક અને રિવોલ્વર તો દૂરની વાત છે, લાકડી પણ હાથમાં લીધી નહોતી. તેમણે પોતે અંગ્રેજોનો કોઈ કાયદો તોડ્યો નહોતો. ઊલટું લંડન સ્ટેશને તેમની ધરપકડ કરવામાં આવી એ પછી લંડનમાં તેમને ભારત મોકલવા માટેનો ખટલો ચાલ્યો ત્યારે તેમણે અંગ્રજ-રાજ માટેની વફાદારી જાહેર કરી હતી. ક્રાંતિકારીઓ સાથે તેમનો સ્નાનસૂતકનો સંબંધ નથી એવો બચાવ કર્યો હતો. કોઈને ખાતરી કરવી હોય તો એ ખટલામાં સાવરકરનું બચાવનામું ઉપલબ્ધ છે. રહી વાત ફ્રાન્સના સમુદ્રમાં ઊડી મારવાની અને નાસી જવાના પ્રયત્નની તો એ પણ બચી નીકળવાનું એક છેલ્લું આવલું હતું. તેમની ગણતરી ફ્રાન્સમાં રાજ્યાશ્રય મેળવવાનો હતો.
લંડનની માફક મુંબઈની અદાલતમાં પણ સાવરકરે બીજાની (દેશદાઝ ધરાવતા ક્રાંતિકારીઓ જેમનું પ્રેરણાસ્થાન સાવરકર પોતે હતા) સામે દાવ ઉલટાવીને બીજાના ભોગે હાથ ઊંચા કરીને બચી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. ગયા લેખમાં મેં જાણીતા હિંદુવાદી નેતા અને હિંદુ મહાસભાના સભ્ય બેરિસ્ટર મુકુંદરાવ જયકરની આત્મકથાનો હવાલો આપ્યો હતો. જયકર સાવરકર જેમાં આરોપી હતા એ જેક્સન ખટલા વિષે લખે છે: … ‘the feeling at the Bar, which I shared fully, was in strong disapproval of the attitude adopted by the accused in both these cases and it was felt that the level of dignity, courage and integrity which the cause of Indian freedom had reached during the two previous trials of Tilak and Paranjape had been immeasurably lowered by the attitude of the accused in these two later cases.’ (The Story of My Life, page 103.) જયકર લખે છે કે લોકમાન્ય તિલક અને મહાદેવ શિવરામ પરાંજપે સામેના રાજદ્રોહના ખટલામાં એ બન્ને (તિલક અને પરાંજપે) આરોપીઓએ જે શાલીનતા, હિંમત અને પ્રામાણિકતા દાખવ્યાં હતાં તેનો અહીં સદંતર અભાવ હતો. અદાલતમાં આરોપીનું વલણ આઝાદી માટેની લડાઈનું સ્તર નીચે લઈ જનારું હતું.
કોણ આમ કહે છે? બેરિસ્ટર જયકર જે સાવરકરના સમકાલીન હતા અને હિંદુવાદી નેતા હતા. તેમણે તેમની આત્મકથાના બીજા ખંડમાં હજુ એક પ્રસંગ નોંધ્યો છે. જયકર રામકૃષ્ણ મિશન સાથે સંકળાયેલા હતા. તેમણે મિશનના ખારના આશ્રમમાં વાર્ષિક વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું જેમાં સાવરકરની મુક્તિ પછી તેમને વક્તા તરીકે બોલાવ્યા હતા. એ સભામાં સાવરકરે કહ્યું હતું કે નૈતિકતા અને મૂલ્યનિષ્ઠા એક દુર્ગુણ છે. (પૃષ્ઠ ૫૪૧) જી હા, ચોંકવાની જરૂર નથી, આમ જ કહ્યું હતું. જયકરે પોતાની આત્મકથામાં લખ્યું છે કે સાવરકરના આવા અભિપ્રાયના પરિણામે સભામાં હોહા મચી ગઈ હતી.
એ ગાંધીનો યુગ હતો. જો આજનો યુગ હોત તો હિન્દુત્વવાદી દેશપ્રેમીઓએ તાળીઓ પાડી હોત અને સીટીઓ વગાડી હોત!
હજુ એક પ્રમાણ આપું? અપ્પાસાહેબ પટવર્ધન મહારાષ્ટ્રમાં સાને ગુરુજીની કક્ષાના લોકસેવક તરીકે ઓળખાય છે. તેમણે ‘માઝી જીવન-યાત્રા’ના નામે આત્મકથા લખી છે. એ આત્મકથામાં એક પ્રકરણ (પ્રકરણ ૧૦) સાવરકર વિષે છે. ગાંધીજી રત્નાગિરિના પ્રવાસે ગયા ત્યારે અપ્પા પટવર્ધને ગાંધીજીને પૂછ્યું હતું કે સાવરકર અહીં રત્નાગિરિમાં છે અને અમે તેમના સંપર્કમાં છીએ તો અમે તેમની સાથે કામ કરીએ? ગાંધીજીએ તેમને કહ્યું હતું; ‘આમ તો કશો વાંધો નથી, પણ જરા સંભાળીને. બહુ ઊંડો માણસ છે.’ આનો પરિચય અપ્પાસાહેબને બીજા જ દિવસે થઈ ગયો હતો. અપ્પાસાહેબ લખે છે કે ગાંધીજી બીજે દિવસે સાવરકરને મળવા ગયા. તેઓ ગાંધીજીની સાથે હતા. એ મુલાકાતનો વૃત્તાંત મુંબઈના ‘શ્રદ્ધાનંદ સાપ્તાહિક’માં પ્રકાશિત થયો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે સાવરકરને મળીને ગાંધીજી ગદ્દગદ્દ થઈ ગયા હતા અને ધન્યતાનો અનુભવ કર્યો હતો. એ અહેવાલ ‘રત્નાગિરીચે વાર્તાહર જોશી કડુંન’ના નામે સાવરકરે પોતે લખ્યો હતો અને મુંબઈ મોકલ્યો હતો. (પૃષ્ઠ, ૨૫૪-૨૫૫)
સાવરકર નૈતિકતા, મૂલ્યનિષ્ઠા અને સાધનશુદ્ધિને દુર્ગુણ સમજતા હતા એવું કહેનારા હજુ વધુ દસ-બાર પ્રમાણ હજુ આપી શકું એમ છું પણ એની હવે જરૂર નથી, જ્યારે સાવરકરનું પોતાનું લખાણ ઉપલબ્ધ છે. શિવાજી મહારાજે મુસ્લિમ સિપાઈઓની હાથ લાગેલી મુસ્લિમ સ્ત્રીઓને તેના હિંદુ સિપાઈઓને ભોગવવા માટે વહેંચી દેવી જોઈતી હતી એમ સાવરકરે તેમના મરાઠી ગ્રંથ ‘સહા સોનેરી પાન’માં લખ્યું છે અને કહ્યું છે કે સદ્દગુણ હિંદુઓની કમજોરી છે. સાવરકર તેને ‘સદગુણ-વિકૃતિ’ તરીકે ઓળખાવે છે. આ શબ્દપ્રયોગ મારો નથી, સાવરકરનો પોતાનો છે. − સદગુણવિકૃતિ!
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 23 ડિસેમ્બર 2021