લશ્કરમાં સુબેદાર રામજી એ એમના જમાનામાં પ્રગતિ કરી રહેલા દલિત સમાજનું પ્રતીક હતા
ડૉ. આંબેડકરનું નામ તેમના પિતાનાં નામ સાથે લખવાનો આદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપ્યો છે. રામનામનો ઉપયોગ હિંદુત્વની હિચકારી રાજનીતિ માટે કરવાનો આ વળી એક નવો દાવપેચ છે. આમ તો પિતાનાં નામ સિવાય અન્ય કોઈ રીતે ડૉ. બાબાસાહેબનું નામ ભગવાન શ્રીરામની કે સાથે કે રામભક્તિ પરંપરા સાથે જોડી શકાય તેમ નથી. બાબાસાહેબે તો ‘રિડલ્સ ઇન હિન્દુઇઝમ’માં કૃષ્ણ અને રામ વિશે આધારસહિત મૂર્તિભંજક લખાણો કર્યાં છે. તેમના પિતાનું નામ રામજી હોય એ કેવળ અકસ્માત છે, અને એ કબીરપંથી રામજીને શ્રીરામ કે તેના નામનો દુરુપયોગ કરતાં કટ્ટર હિન્દુત્વવાદ સાથે કંઈ લેવાદેવા ન હતા, એ ચરિત્રસિદ્ધ હકીકત છે.
 રામજી માલોજી સકપાળ (૧૮૪૮-૧૯૧૩) વિશે ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેએ બાર ખંડમાં લખેલાં મરાઠી જીવનચરિત્રના પહેલા ભાગના પહેલાં ચાર પ્રકરણમાં ઘણી વિગતો મળે છે. આ ભાગ ચરિત્રનાયકના જીવનકાળમાં જ ૧૯૫૨માં બહાર પડ્યો હતો. તેમાં અનેક જગ્યાએ બાબાસાહેબે ઓશિંગણભાવ સાથે વર્ણવેલાં પિતાનાં સંભારણાં તેમના પોતાના શબ્દોમાં વાંચવા મળે છે. તેમાંથી કેટલાંક ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાએ આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણોમાંથી સંકલિત કરેલાં ‘દિલના દરવાજે દસ્તક’ (૨૦૧૦) નામના નાનાં પુસ્તકમાં પણ છે. ધનંજય કીર લિખિત બહુ જાણીતા વિશ્વસનીય ચરિત્ર(૧૯૬૬, ગુજરાતી અનુવાદ કર્ણિક અને ખુમાણ, ૧૯૯૩)માં ખૈરમોડેના આકરગ્રંથમાંની વિગતો ઉપરાંત રામજી વિશે થોડીક નવી બાબતો છે. આ બંને સ્રોતોની સામગ્રીને ભાઉસાહેબ ભગવાન વંજારીએ ‘સુભેદાર રામજી માલોજી આંબેડકર’ (૨૦૧૪) પુસ્તકમાં  ભાવુક અને વાચાળ રીતે મૂકી છે.
રામજી માલોજી સકપાળ (૧૮૪૮-૧૯૧૩) વિશે ચાંગદેવ ભવાનરાવ ખૈરમોડેએ બાર ખંડમાં લખેલાં મરાઠી જીવનચરિત્રના પહેલા ભાગના પહેલાં ચાર પ્રકરણમાં ઘણી વિગતો મળે છે. આ ભાગ ચરિત્રનાયકના જીવનકાળમાં જ ૧૯૫૨માં બહાર પડ્યો હતો. તેમાં અનેક જગ્યાએ બાબાસાહેબે ઓશિંગણભાવ સાથે વર્ણવેલાં પિતાનાં સંભારણાં તેમના પોતાના શબ્દોમાં વાંચવા મળે છે. તેમાંથી કેટલાંક ઉર્વીશ કોઠારી અને ચંદુ મહેરિયાએ આંબેડકરનાં આત્મકથનાત્મક લખાણોમાંથી સંકલિત કરેલાં ‘દિલના દરવાજે દસ્તક’ (૨૦૧૦) નામના નાનાં પુસ્તકમાં પણ છે. ધનંજય કીર લિખિત બહુ જાણીતા વિશ્વસનીય ચરિત્ર(૧૯૬૬, ગુજરાતી અનુવાદ કર્ણિક અને ખુમાણ, ૧૯૯૩)માં ખૈરમોડેના આકરગ્રંથમાંની વિગતો ઉપરાંત રામજી વિશે થોડીક નવી બાબતો છે. આ બંને સ્રોતોની સામગ્રીને ભાઉસાહેબ ભગવાન વંજારીએ ‘સુભેદાર રામજી માલોજી આંબેડકર’ (૨૦૧૪) પુસ્તકમાં  ભાવુક અને વાચાળ રીતે મૂકી છે.
આ બધી ચરિત્રસામગ્રીમાંથી બાબાસાહેબના પિતાનું એક નોંધપાત્ર ચિત્ર ઊભું થાય છે. રામજી અંગ્રેજોનાં લશ્કરમાં મહાર રેજિમેન્ટમાં બાહોશ સૈનિક હતા. સદાચાર, વાચન અને લોકસંગ્રહને કારણે તેમનો મહાર સમાજમાં મોભો હતો. તેમનાં લગ્ન તેમની જ રેજિમેન્ટના ધનવાન અધિકારી સુબેદાર મુરબાડકરનાં સ્વમાની દીકરી ભીમાબાઈ સાથે થયાં. કુલ તેર સંતાનોમાંથી જીવી ગયેલાં છ સંતાનોનાં યોગક્ષેમ રામજીએ સારી રીતે પાર પાડ્યાં હતાં. સહુથી નાના ભીમે જે અસાધારણ શૈક્ષણિક સિદ્ધિઓ મેળવી તે ભણતરના પાયામાં રામજીનો શિક્ષણ કઠોર આગ્રહ હતો.

ભીમરાવનાં માતાપિતા
ઈસ્ટ ઇન્ડિયા કંપનીના લશ્કરના એક સૈનિક માલોજીના પુત્ર તરીકે રામજીને ફરજીયાત શિક્ષણ મળ્યું હતું. સુદૃઢ, મહાત્ત્વાકાંક્ષી અને ટેકીલા રામજી કવાયત, ક્રિકેટ અને ફુટબૉલમાં માહેર હતા. તેમની કદર તરીકે એક ઉપરીએ તેમને શિક્ષકના વ્યવસાયની તાલીમ લેવાની વ્યવસ્થા કરી આપી. તેને આધારે તે છાવણીઓની શાળામાં ચૌદેક વર્ષ શિક્ષક રહ્યા અને એ સમયે તેમની કક્ષાના કોઈપણ સૈનિક માટે સર્વોચ્ચ ગણાય તેવા સુબેદારના મેજરના હોદ્દા પરથી આંબેડકરનાં જન્મગામ મધ્યપ્રદેશના મહુની લશ્કરી શાળાના આચાર્ય તરીકે નિવૃત્ત થયા. એ વખતે ભીમાની ઉંમર અઢી વર્ષ જેવી હતી. ત્યાર બાદ રોજીરોટી માટે તેઓ દાપોલી અને સાતારા ફરીને અંતે મુંબઈમાં વસ્યા. તેમના સમાજના કેટલાક લોકોની જેમ રામજીએ પણ સમાનતાવાદી કબીરપંથનાં ભજન-કીર્તન અને ચર્ચાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. કીર નોંધે છે કે તેમણે રામાયણ, પાંડવપ્રતાપ, જ્ઞાનેશ્વરી તેમ જ ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. તે પૂજાપાઠ અને પરોણાગતમાં ઘણો સમય આપતા. બીજી બાજુ તેઓ સમાજહિતનાં કામ પણ કરતા. અંગ્રેજ સરકારે લશ્કરી દૃષ્ટિએ ખૂબ નિવડેલા મહાર સમુદાયને લશ્કરમાં ભરતી નહીં કરવાની ઘાતક નીતિ જાહેર કરી. આ અન્યાયના વિરોધમાં જે ચળવળ ચાલી તેમાં રામજી ઘણા સક્રિય હતા. એમણે પ્રસિદ્ધ સુધારક મહાદેવ ગોવિંદ રાનડેના માર્ગદર્શનથી એક આવેદનપત્ર તૈયાર કરીને સરકારને આપ્યું. આ નોંધીને કીર ઉમેરે છે કે રામજી તેમના મિત્ર મહાત્મા જોતીરાવ ફુલેએ પછાત વર્ગો અને કન્યાઓનાં શિક્ષણ માટે ચાલવેલાં મિશનથી પ્રભાવિત હતા.
શિક્ષણ માટેની રામજીની નિસબત બાબાસાહેબનાં સંભારણાંમાં હૃદયસ્પર્શી રીતે વર્ણવાઈ છે. આ સંભારણાં ખૈરમોડેએ મરાઠી સામયિક ‘નવયુગ’ના તેરમી એપ્રિલ ૧૯૪૭ના આંબેડકર વિશેષાંકમાંથી લીધાં છે. તેમાં આંબેડકર કહે છે: ‘અમારામાં વિદ્યા માટે અભિરુચિ પેદા થાય, અમારું ચારિત્ર્ય ઉજ્જ્વળ થાય તે માટે અમારાં પિતા સતત જાગૃત રહેતા.’ આંબેડકરનાં આવાં લાંબાં સ્વકથનોનો અહીં સાર આપી શકાય. રામજીને કારણે કુટુંબમાં મહિલાઓ અને બાળકો સહિત સહુને સારી રીતે લખતાં-વાંચતાં આવડતું હતું. મુક્તેશ્વર, તુકારામ જેવા સંતકવિઓની રચનાઓ રામજી ગાતા, બાળકો પાસે ગવડાવતાં. બાબાસાહેબનાં સંતસાહિત્ય અને ધર્મનાં ઊંડા અભ્યાસના બીજ અહીં હતાં. ભીમા સંસ્કૃત શીખે એવી રામજીની ઇચ્છા શિક્ષણમાં ચાલતી આભડછેટને કારણે બર ન આવી. એમને અંગ્રેજી શીખવા-શીખવવાની ખૂબ હોંશ હતી. તેમણે ભીમા પાસે એ સમયે અંગ્રેજી શિક્ષણ માટે વપરાતાં ‘હાવર્ડનાં પુસ્તકો’ તેમ જ ‘તર્ખડકરની ભાષાંતરમાળાના ત્રણ ભાગ’ મોઢે કરાવ્યા હતા. ‘મરાઠી શબ્દો માટે બંધબેસતા અંગ્રેજી શબ્દો, રૂઢપ્રયોગો અને ભાષાશૈલી’ ની તાલીમ ‘પિતાએ જેવી આપી તેવી બીજા કોઈ માસ્તરે આપી ન હતી’. કુમારવયમાં ભીમાના તોફાની, બેફિકર અને ચીડિયા સ્વભાવને ધ્યાનમાં લઈને રામજી તેને ક્યારેક હેતથી તો ક્યારેક ધાકથી ભણવા બેસાડતા. રામજી દીકરાના સારાં ભણતર માટે ૧૯૦૪માં સાતારાથી મુંબઈ આવ્યા. પરળની પોયબાવાડીની ચાલીના ઘરમાં દીકરાના ભણતર માટે પિતા ઉજાગરા કરતા. એ બી.એ. થયો ત્યારે તેમણે બહુ પેંડા વહેંચ્યા હતા. ભીમાને ઇતરવાચનનો ખૂબ શોખ હતો, જ્યારે રામજી પહેલાં અભ્યાસક્રમનાં પુસ્તકો વાંચીને પછી સમય રહે તો બીજાં પુસ્તકો વાંચવાનું સૂચવતા. જો કે દીકરાના પુસ્તકો વસાવવાના શોખને પિતાએ આર્થિક હાલત કફોડી હોવા છતાં પ્રોત્સાહન આપ્યું. બાબાસાહેબ લખે છે : ‘હું નવાં નવાં પુસ્તકો અપાવવા માટે એમની પાસે હઠ કરતો. મેં કોઈક પુસ્તક માગ્યું હોય અને સાંજ સુધી મારા પિતાએ મને લાવી ન આપ્યું હોય એવું ક્યારે ય થયું જ નથી.’ સાસરે ગયેલી દીકરીઓ પાસેથી ઉછીના પૈસા લઈને કે તેમના ઘરેણાં ગિરવે મૂકીને પણ પુસ્તકો ખરીદવા માટે પોતાને કેવી રીતે પૈસા લાવી આપતા એનું વાચકને હલાવી મૂકનારું સંભારણું બાબાસાહેબે વર્ણવ્યું છે.
બાપ-દીકરા વચ્ચે મનદુ:ખના બે બનાવ નોંધાયા છે. એક વાર પિતાનાં આકરાં વેણ બહુ લાગી આવતાં ભીમરાવે એણે બાપાના પૈસે જીવવાને બદલે પોતાના પગ પર ઊભા રહેવાનું નક્કી કર્યું. એટલે કેટલાક મહિના ઢોર ચારવાં, રખોપાં કરવાં અને સાતારા સ્ટેશન પર હમાલી કરવી એવાં કામ પણ કર્યાં. ભીમરાવ મુંબઈ છોડીને સયાજીરાવ ગાયકવાડની નોકરીમાં મુંબઈ ગયા તે પણ રામજીને પસંદ ન હતું. તેમણે તેનું મન વાળવાની નાકામયાબ કોશિશ કરી. ત્યારબાદ તેમની તબિયત વધુ લથડી. તાર મળતાં વડોદરેથી ભીમ આવે ત્યાં સુધી ટકાવી રાખેલાં પ્રાણ તેમણે બીજી ફેબ્રુઆરીએ છોડ્યા. પિતાની શિક્ષણની અપેક્ષાઓને પૂરી ન કરવા માટે બાબાસહેબ અપરાધભાવ અનુભવતા. તે કહે છે : ‘ અમારા પિતાની કડક લશ્કરી શિસ્તથી અમે કંટાળતા. હવે મને દુ:ખ થાય છે કે મારા પિતાના મારા ભણતર માટેની આરત મુજબ હું વધુ સારી રીતે ભણ્યો હોત તો મુંબઈ યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓમાં બીજો વર્ગ મેળવવાનું મારા માટે અશક્ય ન હતું.’
જો કે બાબાસાહેબ આંબેડકરના રામજી અને યોગી આદિત્યનાથના રામજી વચ્ચે મેળ પાડવો અશક્ય છે.
++++++
૧૦ એપ્રિલ ૨૦૧૮
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કતાર, “નવગુજરાત સમય”, 13 અૅપ્રિલ 2018
 

