મોટા ભાગની વાતો ટ્રમ્પના ભક્તોને મજા કરાવનારી છે, તેમાં તર્ક શોધવા જવું એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ છે. “મેક અમેરિકા ગ્રેટ અગેઇન”-વાળા સૂત્ર અનુસાર ટ્રમ્પને બીજા દેશોનું શું થાય છે તેની સાથે કોઇ નિસ્બત નથી.

ચિરંતના ભટ્ટ
યુરોપિયન લેખક ફ્રાન્ઝ કાફકાની વાર્તા “મેટામોર્ફસિસ”માં એક માણસ સવારે ઊઠે છે અને જૂએ છે કે તે એક જંતુ – જીવડું બની ગયો છે. તે જે હતો એ હવે રહ્યો જ નથી. સમાજ તેને માણસ તરીકે જૂએ એવું હવે તેનામાં કંઇ રહ્યું જ નથી. અમેરિકામાં બીજી વખત પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે કંઇક આવું જ કહ્યું છે – પણ અવળા પ્રવાહનું, તેમણે શપથ ગ્રહણ કર્યા પછી જે ભાષણ આપ્યું એમાં એમ કહ્યું કે LGBTQA+ જાતિઓને કોઈ માન્યતા નથી. તેમના મતે અમેરિકામાં માત્ર નર અને માદા – એમ બે જ જાતિઓ છે. એટલે કે હજારો લાખો લોકો જે પોતાના જેન્ડરને સ્ત્રી કે પુરુષના હાંસિયામાં નથી મુકતા એમની કોઇ ગણતરી જ નહીં ? તેને ‘વૉક’ વિચારધારા સામે સખત વાંધો છે. આ વિચારધારા અનુસાર સમાજની દૃષ્ટિએ જુદાં હોય તેમના પ્રત્યેની સંવેદનશીલતા મોખરે હોય. ટ્રમ્પને આવી સંવેદનશીલતાની સાડાબારી રાખવી જ નથી.
આ તો ટ્રમ્પે જાહેર કરેલા નિર્ણયોમાંનો એક છે. આવું તો તેમણે ઘણું કહ્યું છે. પેરિસ ક્લાઇમેટ એગ્રીમેન્ટમાંથી અમેરિકા ખસી ગયું છે કારણ કે પર્યાવરણને લગતી તમામ પહેલ અવૈજ્ઞાનિક છે એમ ટ્રમ્પનું માનવું છે. અમેરિકા – મેક્સિકોની સરહદે રાષ્ટ્રીય કટોકટી લાદવાની જાહેરાત કરાઇ છે, 2021માં કેપિટલ હિલમાં તોડફોડ કરનારા હુલ્લડખોરોને માફી આપવાની વાત પણ ટ્રમ્પે કરી છે તો રશિયા અને યુક્રેઇન વચ્ચેનો સંઘર્ષ બંધ કરાવી દેવાની વાતથી માંડીને અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન – WHOનો હિસ્સો પણ નથી એવું ય ફરી એકવાર સત્તાએ આવેલા ટ્રમ્પે જાહેર કરી દીધું છે. કાલે જો ફરી વૈશ્વિક રોગચાળો આવશે તો WHOની સૂચના અનુસરીને અન્ય રાષ્ટ્રોને મદદ કરવાને મામલે અમેરિકા હાથ ખંખેરી નાખે એમ બની શકે છે.
બાઇડનની ડેમોક્રેટિક સરકારે લીધેલા 78 જેટલા નિર્ણયો ટ્રમ્પે પાછા ખેંચી લેવાનો આદેશ આપી દીધો અને એને વધાવનારા લોકોની સંખ્યા પણ મોટી છે. આ તો કેટલીક હાઇલાઇટ્સ છે, પણ ટ્રમ્પે જે રીતે નિવેદનોના ફટકા માર્યા છે એ સાંભળીને દુનિયાના ઘણા દેશોની ઊંઘ ઊડી ગઈ છે. ટ્રમ્પ કંઇપણ કરી શકે છે, બોલી શકે છે અને બોલીને ફરી જઇ શકે છે. સત્તાના મદમાં ચૂર થયેલા ટ્રમ્પ બેફામ વાણી વિલાસ કરે છે પણ તે બહુ ગણતરીબાજ બિઝનેસમેન છે.
ટ્રમ્પે નિરંતર ચાલતા રહેલા યુદ્ધો અટકાવવાની માંગ કરી છે. નાટોને ગણતરીમાં ન લેનારા ટ્રમ્પ રશિયા અને યુક્રેઇન વચ્ચેના સંઘર્ષને અટકાવવા કોઈ પણ પગલું લેવા તૈયાર છે. આમ કરવામાં તે અમેરિકાનો સ્વાર્થ જૂએ છે, જેથી વૈશ્વિક સ્તરે અમેરિકાની સુરક્ષા અને સૈન્ય કામે ન વળગે અને પોતાના રાષ્ટ્ર માટે જ કામ કરે. તે માને છે કે નાટોના સાથીઓએ પોતાની સુરક્ષા માટે વધારે પૈસા ચૂકવવા જોઇએ જેથી અમેરિકાનો બોજ ઘટે. ટૂંકમાં બીજા લડે અને અમેરિકાના સ્રોત એમાં ખર્ચાય એમાં ટ્રમ્પને કોઇ રસ નથી. ટ્રમ્પ ધાક-ધમકી અને પ્રતિબંધની ભાષા વાપરે છે જેને લીધી વૈશ્વિક સ્તરે તણાવ વધી જ શકે છે.
ટ્રમ્પ અમેરિકામાં પોતે સુવર્ણકાળ લાવશે એમ કહી ચૂક્યા છે. તેમના આ જોશીલા, હોંશિલા ભાષણને કેટલું તાર્કિક ગણવું અને તેનો ભારત અને અન્ય સંવેદનશીલ વૈશ્વિક સ્થિતિ પર શું પ્રભાવ પડી શકે છે તે સમજવાનો પ્રયાસ કરીએ. જો કે ટ્રમ્પ જે બોલે એ શબ્દશઃ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.
પનામા કેનાલને ચીન નિયંત્રણ કરે છે એવા ટ્રમ્પના દાવામાં લગીરેક દમ નથી. વળી દેશપ્રેમના દેકારામાં ગલ્ફ ઑફ મેક્સિકોનું નામ બદલીને ગલ્ફ ઑફ અમેરિકા કરવાની વાત કરનારા ટ્રમ્પ પોતાના શાસનનું ક્ષેત્ર વધારવા માગે છે એ દેખાઈ આવે છે. આ પહેલાં ગ્રીનલેન્ડને હસ્તગત કરવાની વાત અને કેનેડાને અમેરિકાનું રાજ્ય બનાવવાનું પાયા વગરનું એલાન કર્યું તેમાં ય ટ્રમ્પનો સત્તામોહ અને અહમ્ વર્તાયા. ટ્રમ્પ અન્ય રાષ્ટ્રોને સાથી બનાવીને, સહકારથી કામ કરવામાં નથી માનતા. એકતાની વાતો કરવાનો ટ્રમ્પે પ્રયાસ તો કર્યો પણ તેમાં મોટે ભાગે અન્યોને દેખાડી દેવાનો મિજાજ વધારે હતો. ઇમિગ્રેશન, ઊર્જા, સરહદો પર સૈન્ય અને જન્મજાત નાગરિકતાના હકમાં ફેરબદલ કરવાની વાતમાં પણ કાયદા બંધારણને ગણતરીમાં લેવાની ટ્રમ્પે તસ્દી ન લીધી.
ટ્રમ્પ ભારત સાથે સારું રાખશે એમ માની ન લેવું જોઇએ. પહેલાં તો ટ્રમ્પ જો પ્રોટેક્શનિસ્ટ – સંરક્ષણવાદી નીતિ જાહેર કરી આયાતો પર ટેરિફ્સ લદાશે તો ભારતને ભારે પડવાનું છે. એમણે તો બિંધાસ્ત એમ કહેલું કે અમેરિકાની ચીજો પર ભારતે હાઇ ટેરિફ રાખ્યા છે તો અહીંની સરકાર પણ ભારતીય ઉત્પાદન પર ટેરિફ વધારી દેશે. ટૂંકમાં આપણા માલ પર ઓછું વળતર અને અને અમેરિકન તેલ, શસ્ત્રો અને કૃષિ લક્ષી ચીજો પર વધારે ટેરિફ ભરવાની નોબત આવી શકે છે. વળી ચીન સામે ટ્રમ્પનું ઉશ્કેરણીજનક વલણ ભારતને મદદરૂપ થઇ શકે પણ યુ.એસ.એ.ની વિદેશનીતિમાં કંઇપણ અણધાર્યા ફેરફાર આવે તો ભારતને સંતુલન કરવામાં તકલીફ પડશે. અધૂરામાં પૂરું અમેરિકા અને પાકિસ્તાન-વાળા સમીકરણનો બોજો તો હજી આપણે માથે છે જ. સૌથી મોટો મુદ્દો છે ઇમિગ્રેશનનો, ટ્રમ્પ માટે છે કે મેક્સિકો, અલ સાલ્વાડોર અને ભારતમાંથી સૌથી વધુ ગેરકાયદે ઇમિગ્રેશન થાય છે. એમાં વળી H1-B વિઝા પ્રોગ્રામનો પ્રશ્ન છે. આ પ્રોગ્રામ સામે MAGA – મેક અમેરિકા ગ્રેટ અગેઇન વાળા જૂથને વાંધો છે. પરંતુ અમેરિકામાં બાહોશ લોકોની જરૂર છે એમ કહી ટ્રમ્પે ઉમેર્યું કે એ લોકો આવીને અહીં ઓછી લાયકાત ધરાવતા અમેરિકનોને તાલીમ આપવામાં મદદ કરશે. આ સાબિત કરે છે કે H1-B વિઝા પ્રોગ્રામને ટેકો આપવામાં પણ ટ્રમ્પની રીત અલગાવવાદી અને ધ્રુવીકરણની માનસિકતા વાળી હતી. ઇમિગ્રેશનના વિરોધીઓને ટ્રમ્પની આ ગણતરી ગળે નથી ઉતરી જેમાં માત્ર પોતાના દેશના લોકોને આગળ કરવાની વાત પછી ઇમિગ્રેશનના વિઝા પ્રોગ્રામની પણ હિમાયત કરાઇ. આ જ બતાડે છે કે ટ્રમ્પ બેવડાં ધોરણો ધરાવે છે.
ટ્રમ્પ જાણે એમ માને છે કે “બોલવું એટલે બોલવું” એણે પોતાના નાટકીય અંદાજથી પોતાના ભક્તોને ગેલમાં લાવી દીધા તો પોતાના ટીકાકારોને પણ કામે લગાડી દીધા. ઇમિગ્રેશન, અર્થતંત્ર અને જેન્ડરના મુદ્દે ટ્રમ્પે જે વાત કરી અને તેમને દેકારા થકી જે ટેકો મળ્યો તે સાબિત કરે છે કે સામાજિક બંધારણમાં ટ્રમ્પ મન ધાર્યું અને અણધાર્યું કરવાના છે. અમેરિકન સમાજ કોઈ એક પ્રકારના લોકોથી નથી બનેલો પણ ટ્રમ્પના રાજકારણમાં ધ્રુવીકરણની શતરંજ ખેલાતી રહેશે. વળી ટ્રમ્પે પોતાનું શાસન સારું જ હશે એવું લોકોને ગળે ઉતારવા જો બાયડન – ડેમોક્રેટ્સના શાસનની સમસ્યાઓનું લિસ્ટ રજૂ કર્યું. પોતાની લીટી લાંબી કરતા પહેલાં બીજાની લીટી ભૂંસવી એ અમૂક પ્રકારના રાજકારણીઓની ખાસિયત હોય છે. આમે ય દોષારોપણ લોકોને રસપ્રદ જ લાગે છે અને ટ્રમ્પ એ સારી પેઠે જાણે છે. ટ્રમ્પે પોતાના પુરોગામી જો બાયડન અને અન્ય ડેમોક્રેટ્સની હાજરીમાં એવા અર્થની વાત કરી કે પોતાના પર ન્યાય તંત્રએ ભૂતકાળમાં આરોપો મૂક્યા, કાર્યવાહી કરવાનો પ્રયાસ કર્યો એ બધાને કારણે તેમની સામે પ્રજાનો વિશ્વાસ કેળવવાનું સંકટ ઊભું છે. તેમણે પોતાની સાથે થયેલા વિશ્વાસઘાતને ઊલટાવી દેવા જનતાને અપીલ કરી. તેમના મતે અમેરિકાની હાલત કથળેલી છે, એક એવો દેશ જેને બચાવની જરૂર છે અને તે પોતે જ તેને બચાવશે. ટ્રમ્પે પોતાના પર થયેલા હુમલાનો સંદર્ભ આપી કહ્યું કે પોતે અમેરિકાને બચાવી શકે એટલે જ ભગવાને તેમને એ હુમલામાં બચાવી લીધા.
જેવા સાથે તેવા વાળો ભાવ રાખનારા ટ્રમ્પને કોઇની ય પરવા નથી. ‘અમેરિકા ફર્સ્ટ’ની વાત કરનારા ટ્રમ્પના ભાષણોમાં દેખાઈ આવ્યું કે ધનિકોની અમેરિકામાં બોલબાલા રહેશે. ગણતરીના તવંગરો દેશ કેવી રીતે ચલાવવાનો એ નક્કી કરશે અને આમ જનતા મ્હોં વકાસીને જોયા કરશે અને તેમની બેફામ નીતિઓના ફટકામાં ઝોલા ખાશે. અમેરિકન સમાજમાં આર્થિક ખાઇ વધતી જવાની છે. ટ્રમ્પને કોઈ રસ નથી કે ફ્રી વર્લ્ડ – મુક્ત વિશ્વના અગ્રણી તરીકે અમેરિકાની ઓળખ બને. અમેરિકા મહાસત્તા હોવા છતાં અન્ય દેશોને ટેકો આપવાનું બંધ કરી માત્ર પોતાના સ્વાર્થ સાધવા પર ધ્યાન આપવું જોઇએ તેવું ટ્રમ્પ દૃઢપણે માને છે. લોકશાહીનું પતન અને અસમાનતાનો પ્રસાર ટ્રમ્પના શાસનમાં સાહજિક રહેશે. અમેરિકાના રાજકીય પરિપ્રેક્ષ્યમાં ટ્રમ્પનો શાસનકાળ પરિવર્તનશીલ રહેશે પણ તેના પરિણામો અને પ્રભાવ ચિંતાજનક હોય તેવી પૂરી શક્યતાઓ છે. મોટાભાગની વાતો ટ્રમ્પના ભક્તોને મજા કરાવનારી છે, તેમાં તર્ક શોધવા જવું એ ઘાસની ગંજીમાં સોય શોધવા જેવું કામ છે. “મેક અમેરિકા ગ્રેટ અગેઇન”-વાળા સૂત્ર અનુસાર ટ્રમ્પને બીજા દેશોનું શું થાય છે તેની સાથે કોઇ નિસ્બત નથી. ટ્રમ્પ અમેરિકાના સ્વાર્થ માટે કોઇ પણ હદે જશે તેવું સ્પષ્ટ વર્તાય છે. તેમના ભાષણમાં સોથી વધારે વખત તો અમેરિકા, અમેરિકન, નેશન, સ્ટેટ અને કન્ટ્રી જેવા શબ્દો વપરાયા છે. ટ્રમ્પની વાતો દેશપ્રેમની હોવા છતાં તેમાં સરમુખત્યારશાહીની બૂ આવે છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી.
બાય ધી વેઃ
એક ટુચકો ઘણા વખતથી ચાલતો આવે છે, આપણે તેને ટ્રમ્પ પર લાગુ કરીએ. ટ્રમ્પ એકવાર ભગવાનની ઑફિસે ગયા. ત્યાં એક રૂમમાં ઢગલો પંખા લાગેલા હતા, દરેકની ગતિ અલગ અલગ હતી. ટ્રમ્પે તેનો તર્ક પૂછ્યો. ભગવાને કહ્યું કે, “પૃથ્વી પરના દરેક મોટા માણસના અહીં પંખા છે, તે જેટલું જૂઠું બોલે તે પ્રમાણે પંખો ફરે. ટ્રમ્પે પૂછ્યું, મારો પંખો ક્યાં છે?” ભગવાને કહ્યું, “એ મોટા હૉલમાં રાખ્યો છે, ચાલો બતાડું”. એ હૉલમાં એક જ પંખો હતો જે ફરફરાટ, ખૂબ જ ઝડપથી અટક્યા વગર ચાલતો હતો. આ એ સંબંધે કે ટ્રમ્પે શપથ લીધાના પહેલા દિવસે 20 જૂઠાણાં ચલાવ્યાં અને પહેલી ટર્મમાં ૩૦ હજારથી વધુ વખત જૂઠું બોલ્યા હતા. અમેરિકામાં સત્તાધીશ કેટલાં જૂઠાણાં ચલાવે તેનો રેકોર્ડ મળી જાય છે, આપણે ત્યાં આવું થવું જોઇએ? શું માનવું છે તમારું?
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 26 જાન્યુઆરી 2025