પ્રચંડ બહુમતી સાથે સત્તારુઢ થયેલી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર સામે આર્થિક મોરચે અનેક પડકારો ઊભા છે. લોકસભા ચૂંટણીના દીર્ઘ પ્રચારમાં વિસારે પાડી દેવાયેલી, દેશના ઘણા રાજ્યોમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિ અને તેનો કાયમી ઉકેલ સરકાર સામેનો મોટો પડકાર છે.
દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, રાજસ્થાન, તેલંગણા, તમિળનાડુ અને ઉત્તર-પૂર્વીય રાજ્યોના ૪૨ ટકા ભૂભાગમાં દુષ્કાળની સ્થિતિ છે. આ દુષ્કાળની અસર હેઠળ દેશની ૫૦ કરોડની વસ્તી હોવાનો અંદાજ છે. લગભગ છ ટકા વિસ્તારમાં તો ભીષણ દુષ્કાળ છે. વરસાદ આધારિત માનવજીવન ધરાવતા ભારતમાં વરસાદ ન પડે, ઓછો પડે કે અનિયમિત પડે તો તેને કારણે દુષ્કાળની સ્થિતિ ઊભી થાય છે. દેશની મોટાભાગની વસ્તી ગામડાંઓમાં વસે છે અને ખેતી વરસાદ આધારિત છે એટલે વરસાદના ઓછા પ્રમાણથી ખાધ્યાન, રોજી, પાણી અને ઘાસચારાનું સંકટ ઊભું થાય છે. સાર્થ ગુજરાતી જોડણી કોશ (૧૯૨૯) અને ભગવદ્દગોમંડળ (૧૯૪૪-૧૯૫૫)માં દુષ્કાળનો અર્થ “અનાજ, ઘાસની તંગીનો સમય” એવો આપવામાં આવ્યો છે, પણ આજે તો તે માત્ર ને માત્ર પાણીની તંગીનો સમય બની ગયો છે.
ભારતનો દર ત્રીજો જિલ્લો દુકાળિયો જિલ્લો છે. દેશમાં દર ત્રીજા વરસે સામાન્ય અને દર દશ વરસે ભીષણ દુષ્કાળ પડે છે. ૧૯૯૭ પછી દેશના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ૫૭%ની વૃદ્ધિ થઈ છે. દુષ્કાળને સરકારે અને સમાજે એક કાયમી આફત માની લીધી છે. કેન્દ્રના દુષ્કાળ રાહત કાર્યક્રમમાં દેશના ૨૨૫ કાયમી દુકાળિયા જિલ્લાઓનો સમાવેશ થયો છે. હરિત ક્રાંતિ પછી દેશ અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર બન્યો છે એટલે ખોરાકના અભાવે નહીં પાણીના અભાવે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે. અનાજના વધુ ઉત્પાદન અને પાણીના બચાવ માટે લોકોની બેફિકરાઈથી ભૂગર્ભજળનું બેસૂમાર દોહન થયું છે. ભારતમાં ૬૫% ભૂગર્ભજળનો સિંચાઈ માટે અને ૮૫%નો પીવા માટે ઉપયોગ થાય છે. વરસાદના અભાવે આ ભૂગર્ભજળના તળ વધુ ઊંડા જાય છે અને પછી સાવ જ સુકાઈ જાય છે. હદ કરતાં વધુ ઊંડેથી ઉપયોગમાં લેવાતું ભૂર્ગભ જળ પીવા યોગ્ય પણ રહેતું નથી. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના લગભગ ૫૫ જિલ્લાના હજારો હેન્ડપંપ કાયમી ધોરણે લોક કરવાનો ગ્રીન ટ્રિબ્યુનલે હુકમ કરવો પડ્યો છે કેમ કે તે પાણી ઝેરી બની ગયું હોઈ તેનો ઉપયોગ માનવી માટે જોખમકારક છે. દેશના ૨૧ મહાનગરો અને નગરોના ભૂગર્ભજળ ૨૦૨૦ સુધીમા ખલાસ થઈ જવાની વકી છે.
દુષ્કાળની સ્થિતિના નિવારણ માટે આપણે સાવ જ નિષ્ફળ રહ્યા છીએ. જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન ભારતમાં આઝાદી પછી સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ, ચૂંટણીઓ અને મુક્ત અખબારોને લીધે દુષ્કાળની ભીષણતાને રોકવામાં સફળતા મળી હોવાનું જણાવે છે તે સ્વીકારીને પણ કહેવું જોઈશે કે સરકારોનું વલણ ‘હોતી હૈ ચલતી હૈ’નું જ હોય છે. અંગ્રેજોના જમાનાનો, ઈ.સ. ૧૮૮૦નો, ફેમિન કોડ ભૂખમરાથી થતા મોતની જવાબદારીથી બચવા મૃતકના પેટમાંથી જો અનાજનો એક સડેલો દાણો પણ મળે તો તેનું મોત ભૂખમરાથી થયાનો ઈન્કાર કરે છે તેને લોકશાહી ગણરાજ્યની ભારત સરકાર પણ સ્વીકારે છે. લગભગ સઘળી સરકારો પહેલાં તો તેમના રાજ્યમાં દુષ્કાળ છે તે વાત સ્વીકારતી નથી કે બહુ વિલંબથી સ્વીકારે છે. ગુજરાત સરકાર ૩૧-૧૦-૨૦૧૮ના જાહેરનામાથી રાજ્યના ૧૧ જિલ્લાના ૫૧ તાલુકા દુષ્કાળગ્રસ્ત હોવાનું જાહેર તો કરે છે પણ તેનો અમલ ૧લી ડિસેમ્બર ૨૦૧૮થી કરવાનું જણાવે છે. ૨૦૧૬નું ભારત સરકારનું દુષ્કાળ વ્યવસ્થાપન મેન્યુઅલ દુષ્કાળ જાહેર કરવા માટેના વૈજ્ઞાનિક માપદંડો નક્કી કર્યા હોવાનો દાવો કરે છે. આ મેન્યુઅલમાં વરસાદ, ખેતી, માટીમાં ભેજ, જળ વિજ્ઞાન અને પાકની સ્થિતિ એ પાંચ માપદંડો ઠરાવ્યા છે. હવે આ માપદંડોને આધારે દુષ્કાળની સ્થિતિ નક્કી કરવાનું યોગ્ય તંત્ર ન હોઈ રાજ્ય સરકારો દુષ્કાળ જાહેર કરવામાં અસહ્ય વિલંબ કરે છે. ૨૦૧૬ના મેન્યુઅલમાં દુકાળની છ કેટેગરીઓ નક્કી કરવામાં આવી છે. તે પ્રમાણે કેન્દ્રની સહાય મળે છે. ગુજરાતના ૫૧ પૈકીના ચાર જ તાલુકા (શંખેશ્વર, જિ. પાટણ, માળિયા, જિ. મોરબી, અબડાસા, જિ. કચ્છ અને સુઈગામ, જિ, બનાસકાંઠા) ભીષણ દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે. અગાઉના નિયમો મુજબ જો દુષ્કાળ (ડ્રાઉટ) હોય તો કેન્દ્રની સહાયનો ૭૫ ટકા હિસ્સો સબસિડી અને ૨૫ ટકા હિસ્સો લોન ગણાતો હતો. જો અછત (સ્કેરસિટી) હોય તો કેન્દ્રીય સહાયનો ૫૦% હિસ્સો લોન અને ૫૦% હિસ્સો સબસિડી ગણાતો હતો. એટલે કેન્દ્ર રાજ્ય સરકારોને દુષ્કાળ નહીં અછત જાહેર કરવા ફરજ પાડતી હતી નવા માપદંડોમાં મોડરેટ અને સિવિયર દુષ્કાળની કેટેગરી દાખલ કરીને કેન્દ્ર સરકાર માત્ર ગંભીર દુષ્કાળમાં જ મદદ કરી રાજ્યોને વધુ મદદ કરવાથી બચતી રહે છે.
માનવી ઉપરાંત પશુ પંખી પર પણ દુષ્કાળની અસર પડે છે. ખાસ કરીને પશુઓના ઘાસચારાનો મોટો પ્રશ્ન ઊભો થાય છે. ગુજરાતમાં કચ્છના માલધારીઓ છેક અમદાવાદ સુધી તેમના માલઢોર સાથે પાણી અને ઘાસચારાની શોધમાં આવ્યા છે. ગુજરાત સરકારે સામાન્ય દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે સરકારી સહાયની સમયમર્યાદા ૬૦ દિવસ (એપ્રિલ અને મે માસ) માટે ઠરાવી છે તો ગંભીર દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે ૯૦ દિવસ(એપ્રિલ, મે, જૂન)ની ઠરાવી છે. રૂ. ૬૮૦૦/-ની ક્રોપ ઈનપુટ સબસિડી વધુમાં વધુ બે હેકટર માટે જ આપવાનું ઠરાવ્યું છે. સ્વૈચ્છિક સંસ્થાઓની પાંજરાપોળો અને ગૌશાળાઓ માટેની પશુદીઠ સહાય વધારીને રૂ. ૩૫/- કરી છે. પણ વ્યક્તિગત પશુ માટે ચાર કિલોગ્રામનો ઘાસચારો માત્ર પાંચ પશુ માટે અને સ્થળાંતરિત માલધારીઓ માટે પ્રત્યેકના વધુમાં વધુ ૪૦ જ ઢોર માટે સહાય નક્કી કરી છે. આ સંખ્યાનો શું આધાર હશે એ તો તે નક્કી કરનાર પણ ન કહી શકે. ગુજરાત સરકારના મહેસુલ વિભાગની વેબસાઈટ પર દુષ્કાળને લગતા નિયમો કે ઠરાવો શોધનારને પાણી, રોજી અને ઘાસને લગતા ઠરાવો કે નિયમો ઓછા અને દુષ્કાળ માટે સરકારી તંત્રમાં કર્મચારીઓ અધિકારીઓના નવા મહેકમ ઊભા કરવાને લગતા ઠરાવો વધુ જોવા મળે છે. તેના પરથી સરકારી તંત્રની સંવેદનશીલતા પરખાય છે.
દુષ્કાળની સ્થિતિ કેટલીક કાયમી અસરો પણ જન્માવે છે. કર્ણાટક સરકારે દુષ્કાળને કારણે તેનો હાલનો વિકાસ દર ૧૦.૪ % છે તે ઘટીને ૮.૬% થશે તેમ બજેટમાં સ્વીકાર્યું છે. ગુજરાત સહિતના તમામ રાજ્યોએ દુષ્કાળપીડિત વિસ્તારોમાં શાળાના ઉનાળુ વેકેશનમાં પણ મધ્યાહ્ન ભોજન યોજના ચાલુ રાખી છે તે દર્શાવે છે કે દુષ્કાળ માત્ર પાણીનો જ નથી રોજીનો અને ખોરાકનો પણ છે. મનરેગા કામદારો વધ્યા છે અને તેમની બાકી રોજીના પ્રશ્નો સરજાયા છે. ટેન્કરોથી પાણી પહોંચાડતા રાજ્યોમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા વિકસિત રાજ્યો પણ છે. પાણી આધારિત ઉદ્યોગોને લોન આપનાર બેન્કોને દુષ્કાળને લીધે લોન ભરપાઈ નહીં થવાની અને એન.પી.એ. વધવાની દહેશત છે. દુષ્કાળ ન માત્ર આસમાની આફત છે સુલતાની સ્થિતિ પણ છે એટલે સરકારોનો રાજધર્મ અને નાગરિકોનો લોકધર્મ જ તે નિવારી શકશે.
e.mail : maheriyachandu@gmail.com
પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘અર્ધ સાપ્તાહિક’ પૂર્તિ, “સંદેશ”, 05 જૂન 2019