વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છે કે પાકિસ્તાન જ્યાં સુધી ત્રાસવાદની પ્રવૃત્તિ બંધ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે વાતચીત શક્ય નથી. ટોક અને ટેરરીઝમ સાથે ન જઈ શકે. આવું જ કથન ભૂતકાળમાં વડા પ્રધાન કરી ચુક્યા છે. એ પછી સુષ્મા સ્વરાજે એ જ સ્થળે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે નીચલા સ્તરે સંપર્ક જીવંત છે અને વાતચીત થઈ રહી છે અને તેનું સ્વરૂપ અનેક પ્રકારનું છે. તેઓ કહેવા એમ માંગે છે કે પાકિસ્તાન સાથે માત્ર વિદેશ મંત્રાલય સંપર્ક નથી જાળવતું; સંરક્ષણ, વાણિજ્ય, કૃષિ, પરિવહન, મેરી ટાઈમ બોર્ડ એમ ઘણા લોકો, ઘણા સ્તરે, પાકિસ્તાન સાથે વાતચીત કરી રહ્યા છે.
સુષ્મા સ્વરાજ વિદેશ પ્રધાન છે અને વડા પ્રધાનની કેબીનેટના શ્રેષ્ઠતમ ત્રણ પ્રધાનોમાંનાં એક છે. આમ છતાં તેઓ ભાગ્યે જ બોલે છે અને વડા પ્રધાન તેમના વિદેશ પ્રવાસોમાં ખાસ નજરે ચડે એમ વિદેશ પ્રધાનને સાથે લઈ જતા નથી. તેમની શા માટે ઉપેક્ષા કરવામાં આવી રહી છે, એ જગજાહેર વાત છે. એટલે તેની વિગતોમાં જવાની જરૂર નથી. નોંધવા જેવી વાત એટલી છે સુષ્મા સ્વરાજ બાહોશ વ્યક્તિ છે અને પોતાની બુદ્ધિથી વિચારી શકવાની અને નિર્ણયો લઈ શકવાની ક્ષમતા ધરાવે છે. આમ છતાં ય વિદેશ નીતિ વિષે તેમણે એવાં નિવેદનો કરવાં પડે છે જે સુષ્મા સ્વરાજ સ્વતંત્ર બુદ્ધિથી ન કરે.
પહેલી વાત તો એ કે શિખર પરિષદો શૂન્યાવકાશમાં થતી નથી. અમરિકાએ સાવ શૂન્યાવકાશમાં ઉત્તર કોરિયા સાથે શિખર પરિષદનો નિર્ણય લીધો એને કારણે જ એ યોજાઈ શકી નહોતી. વિદેશ નીતિમાં શૂન્યાવકાશ માટે કોઈ જગ્યા જ નથી. વિદેશ પ્રધાને પોતે જ કબૂલ્યું છે કે બે દેશો વચ્ચે બીજા અનેક સ્તરે વાતચીત થઈ રહી છે એટલે વર્તમાન સરકારે પાકિસ્તાન સાથેની વિદેશનીતિમાં શૂન્યાવકાશ પેદા નથી કર્યો. આવો ખુલાસો કરવો પડે એ જ બતાવે છે કે નરેન્દ્ર મોદીની સરકારની ઈમેજ કેવી છે. બીજી વાત એ કે જો બે દેશ વચ્ચે ગંભીર સમસ્યા હોય અથવા તેને કારણે ક્ષેત્રીય સમસ્યા વકરતી જતી હોય તો બે દેશો વચ્ચેના સંપર્કમાં વધારો કરવામાં આવતો હોય છે, ઘટાડો કરવામાં નથી આવતો. ઓપન ચેનલ, બેક ચેનલ, થર્ડ પાર્ટી, અનેક સ્તરે વાતચીત અને સહયોગ ચાલતા રહે છે અને તેમાં વધારો કરવામાં આવે છે. કોઈ સમજદાર શાસક શૂન્યાવકાશ પેદા થવા દેતો નથી અને એ વાત સમજવા માટે તેણે ચાણક્ય કે મેકિયાવલીને વાંચવાની જરૂર હોતી નથી.
સુષ્મા સ્વરાજે જુનિયર લેવલે અનેક ક્ષેત્રે વાતચીત થઈ રહી છે એની કબૂલાત કરી છે, પરંતુ તેમણે એક કબૂલાત કરી નથી, જે તેમણે કરવી જોઈતી હતી. ભારત અને પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને વિદેશ ખાતાના સચિવો સમયાન્તરે ત્રીજા દેશમાં ગુપ્ત મંત્રણાઓ કરે છે. સારી વાત છે તેઓ શૂન્યાવકાશ પેદા થવા દેતા નથી, પરંતુ એ માટે ત્રીજા દેશમાં ગુપ્તપણે મળવાની શી જરૂર છે? દેશની જનતા ભાળે એમ ભારત કે પાકિસ્તાનમાં કરવામાં આવે તો વડા પ્રધાનની મર્દાનગીમાં ઘટાડો થવાની કોઈ શક્યતા નથી. ઊલટું સમજદારી માટે માન વધશે. આજકાલ જગતને સમજદાર નેતાઓની જરૂર છે, બહાદુરની નહીં, કારણ કે બહાદુરી હવે કોઈ દેશને પરવડે એમ નથી. અમેરિકા અને ચીનને પણ નહીં. અમેરિકન પ્રમુખ ટ્રમ્પની બહાદુરીની રોજ જગત ઠેકડી ઉડાડે છે.
સુષ્મા સ્વરાજે અટલ બિહારી વાજપેયીની સરકારના દિવસો યાદ કરવા જોઈએ, જેમાં તેઓ એક સીનિયર પ્રધાન હતાં. સરહદે ત્રાસવાદી ઘટના બનતી હોવા છતાં વાજપેયીએ સંબંધો સુધારવા એક નહીં, બે નહીં, ત્રણ પહેલ કરી હતી. અને ઘટનાઓ પણ કેવી? કારગીલનું યુદ્ધ, ભારતના વિમાનનું અપહરણ, સંસદભવન પર હુમલો જેવી ગંભીર ઘટનાઓ બની હતી, અને તે ઉપરાંત ગર્દીવાળી જગ્યાઓએ બોમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓ તો અવારનવાર બનતી રહેતી હતી. આમ છતાં વાજપેયીએ તેમના માત્ર છ વરસના શાસનકાળમાં ત્રણ પ્રયત્નો કર્યા હતા. હિન્દુત્વવાદી હોવા છતાં લાંબી દ્રષ્ટિ અને ઊંડી સમજ વાજપેયી ધરાવતા હતા એ સુખદ આશ્ચર્ય હતું.
પહેલીવાર તેઓ બસ લઈને લાહોર ગયા હતા અને પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ તેનો જવાબ પાકિસ્તાન લશ્કરે કારગીલમાં આપ્યો હતો. ૧૯૯૯ના ડિસેમ્બર મહિનામાં ભારતના વિમાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ૨૦૦૧ના ડિસેમ્બર મહિનામાં ભારતના સંસદભવન પર હુમલો કરવામાં આવ્યો હતો. આ છતાં વાજપેયીએ પાકિસ્તાનના સરમુખત્યાર જનરલ પરવેઝ મુશર્રફને શિખર મંત્રણા માટે ૨૦૦૧ના જુલાઈ મહિનામાં ભારત બોલાવ્યા હતા. આગ્રા શિખર પરિષદ નિષ્ફળ નીવડી હતી, એ જુદી વાત છે. એ પછી પણ અટલ બિહારી વાજપેયીએ પ્રયત્નો નહોતા છોડ્યા અને ૨૦૦૪માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ ડિપ્લોમસીનો ઉપયોગ કર્યો હતો. વાજપેયી ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચનો પ્રસ્તાવ રાખ્યો હતો અને મેચ યોજાઈ હતી.
છ વરસમાં ત્રણ મોટા હુમલા અને ત્રણ મોટા પ્રયાસ. શું વાજપેયીને એની જાણ નહોતી કે ટોક અને ટેરરીઝમ સાથે ન જાય? અથવા શું વાજપેયી એમ માનતા હતા કે ટેરરીઝમનો અંત લાવવા ટોક સિવાય બીજો કોઈ ઉપાય નથી? અથવા વાજપેયી એમ માનતા હતા કે પાકિસ્તાન પણ હાથના કર્યા હૈયે વાગે એમ ત્રાસવાદનું શિકાર છે અને તેને ભારતે ઉગારવામાં મદદ કરવી પડે એમ છે? એક જવાબદાર અને સ્થિર દેશ તરીકે પાકિસ્તાન ટકી રહે એમાં આ દુનિયામાં પાકિસ્તાન પછી જો કોઈનો સૌથી વધુ સ્વાર્થ હોય તો એ ભારતનો છે? સુષ્મા સ્વરાજ જ્યારે વાજપેયીના પ્રધાનમંડળમાં પ્રધાન હતાં, ત્યારે તેમણે પૂછ્યું તો હશે જ મુત્સદીગીરીનો આ શું ફન્ડા છે અથવા વાજપેયીને એમ કહેતા સાંભળ્યા હશે. સુષ્મા સ્વરાજે તેમના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એ ફન્ડા સમજાવવાની જરૂર છે.
સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કતાર, “ગુજરાતી મિડ-ડે”, 30 મે 2018