હજુ વીસમી જુલાઈએ સ્તો કથિત પ્રકાશોત્સવમાં દિલીપ ચંદુલાલ (૨૧-૬-૧૯૩૮ • ૨૪-૭-૨૦૧૯) ઉપસ્થિત નહીં રહી શક્યાનો સહજોલ્લેખ કરવાનું બન્યું ત્યારે ખયાલ નહોતો કે તરતના દિવસોમાં જ એ સ્મૃતિશેષ હશે. સ્મરણયાત્રી કાકાસાહેબ સરખી કલમ હોય મારી કને તો ‘નાપાસ થવાના લાભ’ એવા માથાબંધ સાથે અમારી મૈત્રી વિશે સોજ્જું લખી શકું.
૧૯૫૭માં ઇન્ટર આટ્ર્સમાં નપાસ થતાં હું લૉ આટ્ર્સમાંથી એલ.ડી.માં ગયો, અને તેજસ્વી કારકિર્દી ધરાવતા દિલીપ સી. ત્રિવેદીએ સાયન્સ અડધેથી છોડી આટ્ર્સમાં દાખલ થવાનું નક્કી કર્યું એમાં અમારો મેળ પડતાં પડી ગયો. આજુબાજુના વિદ્યાર્થી વર્તુળમાં, મને લાગે છે, ‘ટાઈમ્સ’ અને ‘સંસ્કૃતિ’ વાંચતા કદાચ અમે બે જ હોઈશું. પાછળથી દિલીપ કહેતો હતો કે એક વાર મેં (દિલીપે) વાતવાતમાં અમૃતા શેરગિલ અને અમૃતા પ્રીતમને ગોટવી માર્યા ત્યારે તમે સુધાર્યું એટલે મને તમારી સાથે રસ પડ્યો. આ તો જાણે કે સ્થૂળ વિગત થઈ પણ અમારો તાર જોડાઈ ગયો તે જોડાઈ ગયો. લૅસ્કી ઇન્સ્ટિટ્યૂટમાં પણ એની પહેલથી અમે સાથે રહ્યા. એની સોબતમાં સંઘ-ગાંધી છેડેથી માર્ક્સમાં પ્રવેશનુંયે એક સુવાણ રહ્યું. જો કે અમારી ભૂમિકામાં, મારો ઝુકાવ પ્રતિલોમ ગાંધી અને ગાંધીસાત્ માર્ક્સનો ધીરેધીરે બની રહ્યો. એ ગાંધીચાહક નહીં એવું નહીં પણ માર્ક્સ-સંધાન કદાચ સવિશેષ પાકું. જીવનરસ પણ ઉત્કટ (મને યાદ છે, એણે હરબાળા સાથે ગોઠવ્યું એ ગાળામાં અમે કેટલું સાથે ફર્યા હોઈશું … એક વાર શહેરમાં હતાં ને વરસાદ પડ્યો એટલે દાસ ખમણમાં આશ્રય લીધો. રાજેન્દ્ર શાહની ક્ષમાચાયના સાથે દિલીપે અને મેં ‘નિરુદ્દેશે મુગ્ધ ખમણ’ લલકારેલું અને હરબાળાએ હોદ્દાની રૂએ અમારી કાવ્યબાનીને દાદ પણ આપેલી.)
અમે એમ.એ. થયા તે પછી મારી કામગીરી અધ્યાપન-સંપાદન-પત્રકારત્વ એમ ચાલી, એની જી.પી.એસ.સી. ઊંચા ક્રમે પસાર કરી સરકારમાં. દાખલ થતા સાથે એનો હરિકૃષ્ણ પાઠક જોડે અને તેથી મારો અને પાઠકનો પણ ગાઢ પરિચય. (ઇચ્છુ કે પાઠક પાસેથી દિલીપ વિશે એક રૂડો ચરિત્રલેખ મળે.) સરકારમાં એની કામગીરી, મુલાકાતી/ફરિયાદી/અરજદારને તહેદિલ સાંભળવાની સમજવાની ને ઝાઝું બોલ્યા વગર કામ ઉકેલી આપવાની.
પુત્ર પ્રહરના હિમોફિલિયાને કારણે હરબાળાએ એ ક્ષેત્રે કામ ઉપાડ્યું એમાં તો સહકાર હોય જ. (હરબાળા-દિલીપને કહ્યે મેં મોરારિબાપુને વિનંતી કરી એમનો સહયોગ પણ આ માટે મેળવેલો.) પણ થોડાં વરસ લાયન્સ ક્લબમાં હોદ્દે રહેવાનું બન્યું ત્યારે, ક્લબના અસલ ચાર્ટર પ્રમાણે નાગરિક જાગૃતિના વ્યાપક અર્થમાં કામ કરી દિલીપે સુખી મધ્યમવર્ગ જે તબકાને ખાસ જાણતો સમજતો નથી એ તબકાને અંગે વૈચારિક ઊહાપોહ જગાવ્યો, પછી એ મુદ્દા દલિત અધિકાર અને સામાજિક ન્યાયના હોય કે બિનસાંપ્રદાયિકતાના.
સરકારમાં હતો અને અનામતવિરોધી ઉત્પાતે એને અટક છોડાવી. લાંબો વખત એની એક નૈતિક છાપ રહી હશે તે એકવાર રથ, દિલીપ અને હું ગૃહરાજ્ય મંત્રી હરેન પંડ્યાને મળવા ગયા ત્યારે સમજાયું હતું. મેં ‘દિલીપ’ એમ ઓળખાવ્યા એટલે એમણે વળતું પૂછ્યું, ‘ચંદુલાલ’? પાછળ નજર કરું છું ત્યારે સમજાય છે કે દલિત અધિકાર અને બિનસાંપ્રદાયિકતા આંદોલન એ બે એવાં નિમિત્ત બની આવ્યાં જેણે અમારું મૈત્રીબંધન દૃઢતર કર્યું.
વાચનનો નાદ એનો કદી ન છૂટ્યો. કોઈ કોઈ પુસ્તક બાબતે મારી અપડેટ એને આભારી હોય એવુંયે બનતું રહ્યું છે. ઘણીવાર મને લાગ્યું છે કે મારે ભાગે લખવાબોલવાનું આવતું રહ્યું એટલે જે તે ક્ષેત્રમાં આવા દેખીતા મૂગા મિત્રો કરતાં હું વધુ જાહેર થયો, બાકી –
છેલ્લા દિવસોમાં વાંચવાનું શક્ય ન રહ્યું. પણ હરબાળાએ આઈ.સી.યુ.માં મારે અંગે સાર્થક સંવાદ શ્રેણીનું પુસ્તક બતાવ્યું ત્યારે એમાંની છબીઓ આંખ ભરીને જોઈ એમ સાંભળ્યું છે.
જે હૃદ્ગત છે એને અલવિદા તો ક્યાંથી કહેવાનું હોય.
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ઑગસ્ટ 2019; પૃ. 09