Opinion Magazine
Number of visits: 9448763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધરતી સાથેનો આપણો ‘અનુબંધ’

ડંકેશ ઓઝા|Opinion - Opinion|20 October 2017

અનુબંધ (સો માઈલનો સંબંધ) : ઇલા ર. ભટ્ટ : અનુવાદક _ રક્ષા મ. વ્યાસ : પ્રકાશક – નવજીવન મુદ્રણાલય, અમદાવાદ – 380 014 : પહેલી આવૃત્તિ – 2017 : કિંમત રૂ. 150

આજકાલ લોકની નજર મેગા-આયોજનો તરફ છે. જે કંઈ મોટા ધોરણે થાય છે, તેનાથી લોકો અંજાવા લાગ્યા છે. નાની દુકાનો, નાનાં બજારો, નાનાં દવાખાનાં, નાના માણસો ભાગ્યે જ કોઈની નજરમાં આવે છે! આ અર્થમાં આપણે ગાંધીએ ચીંધેલી દિશામાંથી વિપરીત દિશામાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યાં છીએ. આપણી દશા અને દેશની દશા એનાથી જ સુધરશે એવી કંઈક પ્રતીતિ વ્યાપક જનસમૂહ અનુભવી રહ્યો હોય એવો માહોલ રચાઈ ચૂક્યો છે.

આવા સમયમાં ગુજરાતના જાણીતાં ‘ગાંધીપંથી’ ઇલાબહેન ભટ્ટ નાની બાબતો સાથેના અનુબંધની વાત લઈને આવે છે. દેશની ગરીબ અને સ્વાશ્રયી નારીઓનાં જીવન કેવી રીતે ઊંચા લાવી શકાય, તે તેમણે ‘સેવા’ સંસ્થા દ્વારા આખી દુનિયાને બતાવી આપ્યું છે. ૧૯૭૨માં સ્વાશ્રયી મહિલા સેવાસંઘનો નાનો રોપ તેમણે અમદાવાદમાં વાવ્યો, જે આજે દસ લાખ શ્રમજીવી નારીઓને જોડનારું વિરાટ વૃક્ષ બની ચૂક્યો છે. તેઓ પોતાનાં સામાજિક કાર્ય થકી રાજ્યસભામાં અને આયોજનપંચમાં પહોંચ્યાં. આંતરરાષ્ટ્રીય પુરસ્કારો તેમને પ્રાપ્ત થયા. જગતના ઉપેક્ષિત લોકોનો અવાજ સમાજ સુધી પહોંચાડવા મથનારા વૈશ્વિક જૂથ ‘ધ એલ્ડર્સ’ના તેઓ સભ્ય છે. ૨૦૧૫થી ઇલાબહેન ગૂજરાત વિદ્યાપીઠના કુલપતિ પણ છે.

તેમનું માનવું છે કે આપણે જે કંઈ કરીએ, તેથી સમાજને અને ધરતીને કેવી સારી-માઠી અસર થશે, તે વિશે થોડા ગંભીર બનીએ. ખોરાક, કપડાં, મકાન, આરોગ્ય, શિક્ષણ અને નાણાકીય સેવાઓ આપણને સો માઈલના વિસ્તારમાંથી ન મળે તો આપણે સાધેલો વિકાસ સાચો ન ગણાય. ગરીબી, શોષણ અને પર્યાવરણની અવદશાનો ઉકેલ ન આવી શકે. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચેના વધતા અંતરથી આર્થિક અને રાજકીય સમતુલા ન સ્થપાય. ઇલાબહેન આવા વિચારો આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પણ વ્યક્ત કરતાં રહ્યાં છે, જેને વિશ્વ બિરદાવે છે. વર્ષ ૨૦૧૧ની યુ.એન.ડી.પી.ની કૉન્ફરન્સમાં આ વિચારો રજૂ થયા, ત્યારે ઘણાએ તેને પુસ્તકાકારે રજૂ કરવા સૂચન કર્યું. ઇલાબહેને ગ્રામીણ ગુજરાતની જીવનપદ્ધતિની પ્રથમદર્શી માહિતી એકત્ર કરવાનું કામ ૨૦૧૧ અને ’૧૨માં ફોર્ડ-ફાઉન્ડેશનના ઉપક્રમે કર્યું. ટીમના અભ્યાસને માર્ગદર્શન આપી તારણોનું દસ્તાવેજીકરણ પણ કર્યું. ધનવાન અમેરિકા જે પૅટિસ-કરારમાંથી પીઠેહઠ કરવા તત્પર છે, તે ડિસેમ્બર ૨૦૧૫ની પર્યાવરણ પરિષદમાં પણ ઇલાબહેને આ જ રજૂઆત કરી.

મૂળ અંગ્રેજીમાં લખાયેલા પુસ્તકનો આ ગુજરાતી અનુવાદ અધ્યાપક રક્ષા મ. વ્યાસે કર્યો છે, જે ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને અર્પણ કરાયો છે. તેમને ઉપયોગી બને તેવો બનાવાયો છે. ‘અનુબંધ’ શબ્દ ૧૯૩૭ના નઈ તાલીમ અધિવેશનમાં ડૉ. ઝાકીર હુસેને વાપરેલો. ભગવદ્‌ગીતાના અઢારમાં અધ્યાયના પચીસમાં શ્લોક સાથે તેને સંબંધ છે. અનુબંધનો અર્થ છે ‘જીવનમાંથી પ્રાપ્ત થતું શિક્ષણ’.

આ નાનકડા પુસ્તકના ત્રણ વિભાગો છે. ભૂમિકા અને અનુબંધની વાત તો છે જ, પરંતુ તે પછી ક્ષેત્રીય અભ્યાસની વાસ્તવિકતા છે. દસ ગામોના સો પરિવારો આ અભ્યાસમાં આવરી લેવાયા છે. ગુજરાતના જિલ્લાઓમાંથી બે જિલ્લા આ માટે પસંદ કરાયા છે, સૌરાષ્ટ્રનો સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતનો ખેડા. પ્રત્યેકના પાંચ તાલુકા અને પ્રત્યેક તાલુકાનું એક એક ગામ. એ રીતે સઘન અભ્યાસ હાથ ધરાયો છે. આ ગામો ઉત્તમ છે. એવું કહેવું નથી, પરંતુ ત્યાંની વાસ્તવિકતા કેવી છે એ પેલી છ પ્રાથમિક જરૂરિયાતો સંદર્ભે તપાસવામાં આવેલ છે. વિભાગના અંતે સારાંશ અને સ્વાધ્યાય ઉમેરેલ છે. જે માટે જાણીતા તજ્જ્ઞોની સહાય લેવાઈ છે.

બીજા વિભાગમાં શરૂઆતમાં સેવાનો બે-ચાર પાનાંમાં નાનકડો અનુભવ રજૂ કરીને તે પછી જળ, જમીન, વસ્ત્ર, મકાન, સૂર્ય, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, શિક્ષણ, સહકાર, નાણાં, સંગઠન, ટેકનોલોજી અને બજાર સાથેના સંબંધો તપાસવામાં આવ્યા છે. અંતે ‘વિભાગ ત્રીજામાં સારાંશરૂપે આપણો માર્ગ કે દિશા કયા હોઈ શકે તે દર્શાવેલ છે. આ નાનકડા પ્રકરણનું શીર્ષક છે ‘અનુબંધનનું જીવન’. બંને વિભાગોમાં અંતે અગાઉની માફક તજ્‌જ્ઞનું મંતવ્ય અને માર્ગદર્શન છે અને વિદ્યાર્થીઓ માટેનો સ્વાધ્યાય પણ છે.

અત્યંત નિરાશાજનક વાતાવરણમાં આ પુસ્તક નવી તાજી અને દેશી લહેરખી લઈને આવે છે જેની પાછળ ગાંધીવિચાર છે. વિચાર વિનાની જે દોટ મંડાય છે, તેમાંથી સહેજ રોકાઈને આ તરફ પણ જોવા જેવું છે, એવું સૂચન છે.

હું આ વિશ્વમાં એક માત્ર વ્યક્તિ નથી. આપણે બધાં એકબીજાં સાથે અને પડોશી સમાજો સાથે જોડાયેલાં છીએ. માનવસમાજની અડીખમ વડની વડવાઈઓની જેમ આપણે પરસ્પર અને ધરતી સાથે જોડાયેલાં છીએ. સંબંધોમાં સમૃદ્ધિ લાવવા માટે તેમાં મીઠાશ રેડવાની જરૂર છે. ધરતી ઉપર અને આકાશ નીચે આપણું જીવન વીતે છે, તે ધરતીમાતાનાં બાળકોને છાજે તેવું હોવું જોઈએ. ભૂમિમાંથી લેવું અને આપવું, સમાજ પાસેથી મેળવવું અને તેને પરત આપવું આ પરસ્પર સંબંધ એ જ અનુબંધ છે. એક રીતે જોવા જાઓ તો આખા વિચારમાં મૂળ ભારતીય સંસ્કૃિતની સુવાસ છે.

વિકાસ એ કોઈ કાર્યક્રમ-પ્રોજેક્ટ કે સ્કીમ નથી. સંસ્થાઓ કે પદ્ધતિઓ ઊભી કરી દેવી એ વિકાસ નથી. સમાજ અને સૃષ્ટિ વચ્ચે સંતુલન સ્થાપતી જીવનરીતિ એ સાચો વિકાસ છે. ગરીબી એ બીજું કંઈ જ નથી પણ સમાજની સંમતિ સાથે થતી પ્રચલિત હિંસા છે. આપણી જવાબદારી સ્વીકારવાનો આ સમય છે અને અહિંસક સમાજરચનાનો આ તકાજો છે. બજાર એવું વ્યાપી વળ્યું છે કે સ્વીડનની એક પરિષદમાં ધાનાના બે ખેડૂતોએ એવું કહ્યું કે ‘જે ખોરાક અમે પેદા કરીએ છીએ, તે અમે ખાતા નથી અને જે ખોરાક ખાઈએ છીએ, તે અમે પેદા કરતા નથી.’ ઇલાબહેન ચોંકી ગયાં અને પ્રકૃતિ અને સંસ્કૃિત સમગ્રનો પાયામાંથી વિચાર કરવા લાગ્યાં. હકીકત એ છે કે બજારના આ ફેરફારો આપણી જ પસંદગીનાં પરિણામો છે. સવાલ પસંદગીની યોગ્યતા નક્કી કરવાનો છે. આવી પસંદગીથી કોને લાભ અને કોને નુકસાન, એ વિશે સભાન થવાની જરૂર છે. સ્થાનિક બાબતો સંદર્ભે આપણી નિસબત વધારવાની જરૂર છે. ‘સો માઈલનો સંબંધ’ એવું માનવમાપ છે કે જ્યાં આપણો અવાજ સંભળાય અને આપણી સમસ્યાઓનો ઉકેલ આવે. લોકશાહી રાજકારણમાં જે સ્થાનિક સ્વરાજની વાત છે, તે આ જ છે.

જ્યારે બજારમાં ખાદ્યચીજોની કિંમત વધી હોય, ત્યારે વાડામાં શાકભાજી અને અનાજ ઉગાડતા પરિવારોને ભૂખમરો નહીં વેઠવો પડે. ઘરની કે ગામની ટાંકીમાં વરસાદી પાણીનો સંચય કરનાર પરિવાર પાણીની અછતનો સામનો કરી શકશે. વીજતંગીના દિવસોમાં સૌરઊર્જાના દીવા વાપરનાર પરિવાર ટકી જશે. ઇલાબહેનનો સેવા સંસ્થાનો લાંબા ગાળાનો અનુભવ છે કે વારંવાર અછત કે તંગીની સ્થિતિ ઊભી થતી હોય, ત્યારે સ્વાવલંબન અને સ્થાનિક સંગ્રહ સારો વિકલ્પ પૂરો પાડે છે. આ થાય તો આંતરિક રાજકારણ પણ સુધરશે, હિંસાના પ્રસંગો ઘટશે. પેઢીદરપેઢી સંચિત થયેલું કૌશલ્ય અને જ્ઞાન વિલય ન પામે તે જોવાની જરૂર છે. (આઈ.આઈ.એમ. અમદાવાદના પ્રાધ્યાપક અનિલ ગુપ્તા આ ક્ષેત્રે કેટલુંક પ્રશંસનીય કામ કરે છે.) માનવીના શ્રમનું ગૌરવ વધવું જોઈએ. આવી પાયાની બાબતોમાં સજગતા અને સામેલગીરીમાં જે વૈશ્વિક લાગતી સમસ્યાઓનો ઉકેલ છે. આવી કંઈક મહત્ત્વની વાતો સાથે આ નાનકડું પુસ્તક અનુબંધ સ્થાપવા પ્રયત્નશીલ છે, ત્યારે આપણો અનુબંધ તે સાથે સ્થપાય તે અતિ આવશ્યક છે.

E-mail : donkeshoza20@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 અૉક્ટોબર 2017; પૃ. 15 & 08 

Loading

20 October 2017 admin
← …અને હવે હાંસદા સૌવેંદ્ર શેખર
અનંતકથા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved