મદનલાલ ઢીંગરા સામે જ્યારે કર્નલ વાઈલીનું ખૂન કરવા માટે ખટલો ચાલતો હતો ત્યારે વિનાયક દામોદર સાવરકરે ઢીંગરાની બહાદુરીની ભારોભાર પ્રસંશા કરી હતી, પણ કોઈ જગ્યાએ કહ્યું નહોતું કે ઢીંગરા તેમનો શિષ્ય હતો અને તેનો પડ્યો બોલ ઝીલતો હતો. વાઈલીનું ખૂન કરવાની પ્રેરણા તેમણે આપી હતી અને સાથે પિસ્તોલ પણ આપી હતી. એ પછી ભારતને આઝાદી મળી ત્યાં સુધી તેઓ આ બાબતે ચૂપ રહ્યા હતા. આઝાદી પછી ૧૯૫૦ની સાલમાં ધનંજય કીરે તેમનું જીવનચરિત્ર લખ્યું અને પ્રકાશિત થયું એમાં પણ આ વાત કહેવાઈ નહોતી. એ વાત કહેવાઈ છેક ૧૯૬૬માં સાવરકરના અવસાન પછી.
કારણ એ હતું કે સાવરકરની ખ્યાતિ ભારતમાં અને વિદેશમાં પાછળ રહીને દેશદાઝ ધરાવતા યુવકોને ઉશ્કેરવાની હતી. ગાંધીજી અને યશવંત દિનકર ફડકેનાં અવતરણો અહીં પ્રમાણ તરીકે આગળ ટાંકવામાં આવ્યા છે. હજુ કોઈને વધુ પ્રમાણ જોઈતાં હોય તો બેરિસ્ટર મુકુન્દરાવ જયકરનું જીવનચરિત્ર ‘ધ સ્ટોરી ઓફ માય લાઈફ’ જોઈ જાય. જયકર તો સ્વયં હિન્દુવાદી હતા અને હિંદુ મહાસભાના એક નેતા હતા. ૧૯૨૮માં મોતીલાલ નેહરુની અધ્યક્ષતામાં ભારતનાં અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓએ મળીને ભારતનાં સૂચિત બંધારણનો મુસદ્દો ઘડવા માટે જે કમિટી રચી હતી, તેમાં જયકર હિંદુ મહાસભાનું પ્રતિનિધિત્વ કરતા હતા. એ રિપોર્ટ નેહરુ રિપોર્ટ તરીકે ઓળખાય છે. હજુ વધુ પ્રમાણ જોઈતાં હોય તો રોબર્ટ પાઈનેએ લખેલું ગાંધીજીનું જીવનચરિત્ર ‘ધ લાઈફ એન્ડ ડેથ ઓફ મહાત્મા ગાંધી’ જોઈ જાય. આ સિવાય એકાદ ડઝન પ્રમાણ હું આપી શકું એમ છું.
આમ સાવરકરની ઈમેજ પાછળ રહીને યુવકોને ઉશ્કેરનારની હતી અને એ આજીવન રહી હતી. ગાંધીજીની હત્યામાં સાવરકરનો સીધો હાથ હતો કે નહીં એ વિષે શંકા ધરાવનારા લોકો પણ એટલું તો કબૂલ કરતા હતા કે હત્યારાઓને સાવરકરે ઉશ્કેર્યા હતા. આ સ્થિતિમાં ઢીંગરાનું પરાક્રમ સાવરકર પ્રેરિત હતું એ વાત જો ત્યારે કહેવામાં આવે તો ગાંધીખૂન ખટલામાં સાવરકર સામેનો આરોપ મજબૂત થાય. માટે ધનંજય કીર ત્યારે ચૂપ રહ્યા હતા તે છેક ૧૯૬૬ સુધી. સાવરકરના અવસાન પછી ધનંજય કીરે સાવરકરનો હવાલો આપીને કહ્યું હતું કે ઢીંગરાનું પરાક્રમ તો વીર સાવરકરની પ્રેરણાનું પરિણામ હતું. હવે વીર સાવરકરે ડરવા માટે કોઈ કારણ નહોતું.
મદનલાલ ઢીંગરાએ લંડનમાં કર્નલ વાઈલીનું ખૂન પહેલી જુલાઈ ૧૯૦૯ના રોજ કર્યું હતું. એ પછી પાંચ મહિને ૨૧મી ડિસેમ્બર ૧૯૦૯ રોજ અનંત ક્ન્હેરે નામના ૧૮ વરસના યુવકે નાસિકમાં નાસિકના કલેકટર એ.એમ.ટી. જેક્સનનું ખૂન કર્યું હતું. જેક્સન તો ભારતમિત્ર હતા અને સંસ્કૃત, પ્રાચ્યવિદ્યા, ભારતીય સમાજ તેમ જ ઇતિહાસમાં રસ લેનારા વિદ્વાન હતા. નાસિકમાં સાવરકરના ‘અભિનવ ભારત’માંના લેખો વાંચીને કેટલાક યુવકો કાયદો હાથમાં લેતા હતા એ જોઇને તેમને શાંત પાડવા માટે સરકારે ‘ભારતમિત્ર’ની ખ્યાતિ ધરાવતા જેક્સનની નાસિકમાં નિમણૂક કરી હતી. એ ઘટનાની તપાસમાં વાત બહાર આવી હતી કે જેક્સનને મારવા માટે અનંત ક્ન્હેરેએ જે પિસ્તોલ વાપરી હતી એ વિનાયક દામોદર સાવરકરે મોકલી હતી. બ્રિટિશ સરકારને સાવરકરને ભારત મોકલવા માટે બહાનું મળી ગયું. શંકાસ્પદની જગ્યાએ આરોપી બની ગયેલા સાવરકર સામે ભારતની અદાલતમાં ફોઝદારી કેસ હતો અને તેમને ભારતની અદાલતમાં પેશ કરવાના હતા.
સાવરકર બ્રિટન છોડીને ફ્રાંસ જતા રહ્યા.
પણ અચાનક એક દિવસ, ૧૩મી માર્ચ ૧૯૧૦ના રોજ સાવરકર પેરિસથી ટ્રેનમાં પાછા લંડન આવે છે અને ઉતરતાની સાથે જ લંડન સ્ટેશને તેમની ધરપકડ કરવામાં આવે છે. જોખમ હોવા છતાં શા માટે લંડન આવ્યા એ સવાલ એક કોયડો છે. કેટલાક લોકો કહે છે કે લંડનમાં તેમની કોઈ સ્ત્રીમિત્ર હતી અને તેને મળવા તેઓ આવ્યા હતા. સરકારને તેની માહિતી મળી હતી અને તેમની ધરપકડ કરી હતી. કેટલાક લોકો કહે છે કે પોલીસે એ સ્ત્રીમિત્રનો ઉપયોગ કરીને સાવરકરને ફસાવ્યા હતા. સાવરકરે પોતે કે ધનંજય કીરને તેઓ જોખમ હોવા છતાં લંડન શા માટે પાછા આવ્યા એનો કોઈ ખુલાસો કર્યો નથી. સાવરકરની દીર્ઘ મુલાકાત લઈને ચરિત્ર લખનારાઓને ક્યારે ય એવું લાગ્યું નહીં કે સાવરકર લંડન શા માટે ગયા એનું કારણ જાણવું જોઈએ.
એ પછી સાવરકરને લંડનની જેલમાં મોકલવામાં આવ્યા. ફોઝદારી ગુનામાં સાવરકર આરોપી હોવાને કારણે તેમને ભારત પાછા મોકલવા જરૂરી છે એવી સરકારે બ્રિટનની અદાલતમાં અપીલ કરી. એ વિનંતી માન્ય રાખવામાં આવી. સાવરકરને સમજાઈ ગયું હતું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. જો ભારતની અદાલતમાં કેસ ચાલશે તો ફાંસીની સજા નક્કી છે. અંગ્રેજોના મનમાં ભયંકર રોષ છે. રોષ કરતાં પણ ચીડ અને અભાવ છે. પોતે આગળ આવે નહીં અને પાછળ રહીને યુવકોની ચડામણી કરે. એમાં અંગ્રેજો તો મરતા હતા પણ તેનાથી વધુ ભોળા યુવકો મરતા હતા.
પણ સાવરકર આખરે સાવરકર હતા. તેમને જે સ્ટીમરમાં ભારત લાવવામાં આવી રહ્યા હતા એ ફ્રાંસના સમુદ્રમાં ઊભી રહી ત્યારે તેમણે સંડાસનાં બાકોરામાંથી નાસી જવાનો પ્રયાસ કર્યો. જો નાસવા મળે તો ઉત્તમ પણ એવી શક્યતા ઓછી હતી. જો નાસવા ન મળે તો કમસેકમ ફ્રાંસ સરકાર રાજકીય ગુનેગારોને મળતો આશ્રય માગી શકાય અને પશ્ચિમના દેશોની પરિપાટી જોતાં તે મળે એવી પૂરી શક્યતા નજરે પડતી હતી. પણ તેમના કમનસીબે એવું બન્યું નહીં. નાસી જવાનું આખું ઓપરેશન બે-ચાર મિનિટમાં પૂરું થયું. અંગ્રેજ સરકારે દાવો કર્યો હતો કે સાવરકરને બ્રિટિશ જહાજમાંના જ અધિકારીઓએ સાવરકર કાંઠે પહોંચે એ પહેલાં પકડી લીધા હતા અને ફ્રેંચ અધિકારીએ તો માત્ર કાંઠો ચડવા હાથ આપ્યો હતો. સાવરકરે દાવો કર્યો હતો કે તેમને ફ્રેંચ અધિકારીએ પકડ્યા હતા એટલે ફાંસની અદાલતમાં રાજ્યાશ્રયની સુનાવણી થવી જોઈએ. આપણે એ ઘટનાનો ઇતિહાસ ટૂંકાવીએ અને અહીં એટલું કહેવું બસ છે કે એમાં સાવરકર ફાવ્યા નહીં. ઊલટું અંગ્રેજોની સાવરકર માટેની ચીડમાં વધારો થયો હતો. એ ચીડ જજ દ્વારા બ્રિટિશ સરકારે સાવરકરને ફાંસી આપીને નહીં, પણ પચાસ વરસની એકાંતકોઠડીમાં જેલની સજા કરીને કાઢી હતી. ફાંસીમાં માણસનો એક વસમી પળે પણ કાયમ માટે છૂટકારો થાય, જ્યારે એકાંત કોઠડીમાં દરેક પળ વસમી નીવડે. અંગ્રેજોએ ખાર કાઢ્યો હતો. સાવરકરને આ સજાનો મર્મ સમજાઈ ગયો હતો. જીવતે જીવત જાણે કે જિંદગીનું પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.
હવે? એની વાત હવે પછી.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 16 ડિસેમ્બર 2021