Opinion Magazine
Number of visits: 9547385
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા

રમેશ ઓઝા|Opinion - Opinion|13 October 2022

મુલાયમસિંહ યાદવને અંજલિ આપતા સમાજવાદી નેતા શરદ યાદવે કહ્યું હતું કે જો સમાજવાદી પરિવારમાં એકતા જળવાઈ હોત તો મુલાયમસિંહ યાદવ ભારતના વડા પ્રધાન બની શક્યા હોત. શરદ યાદવે તો માત્ર એક જ વાક્ય કહ્યું છે અથવા એટલું જ મારા વાંચવામાં આવ્યું છે, પરંતુ તેમની સાથે સંમત થતા મારો અભિપ્રાય તો ત્યાં સુધી છે કે મુલાયમસિંહ યાદવ પોતાની તાકાતથી સમાજવાદી પક્ષની બહુમતી સાથે વડા પ્રધાન બની શક્યા હોત. ઉત્તર પ્રદેશના એક નાનકડા ગામડામાં ગરીબ પરિવારમાં જન્મેલા મુલાયમસિંહ યાદવમાં આટલી વ્યક્તિગત તાકાત હતી અને તેનાથી પણ વધુ તાકાત સમાજવાદીઓમાં અને સમાજવાદી આંદોલનમાં હતી. બિહારમાં કર્પૂરી ઠાકુર, લાલુ પ્રસાદ યાદવ, નીતીશકુમાર અને રામવિલાસ પાસવાન અને ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ અને મધ્ય પ્રદેશમાં જન્મેલા પણ સમગ્ર ઉત્તર ભારતમાં એક ઓળખ ધરાવનારા શરદ યાદવ એમ આ છ જણમાં એટલી તાકાત હતી કે તેઓ દેશનો ઇતિહાસ બદલી શક્યા હોત. આ દરેક પોતાને રામ મનોહર લોહિયાના શિષ્ય ગણાવે છે.

પણ એવું બન્યું નહીં અને બનવાનું પણ નહોતું. 

આઝાદી પહેલાં સમાજવાદીઓ કાઁગ્રેસની અંદર કાઁગ્રેસ સમાજવાદી પક્ષ નામનો એક બ્લોક રચીને કામ કરતા હતા. આઝાદી પછી કોઈએ તેમને કહ્યું નહોતું કે તેઓ કાઁગ્રેસ છોડીને ચાલ્યા જાય. ઊલટું જવાહરલાલ નેહરુએ તો તેમને સમજાવ્યા પણ હતા કે તેઓ કાઁગ્રેસની અંદર જ રહીને પક્ષને સમાજવાદ તરફ લઈ જવા પ્રેરણા આપે અને જરૂર પડ્યે દબાવ આણે. પણ સમાજવાદીઓને એમ લાગ્યું હતું કે તેઓ કાઁગ્રેસની અંદર રહીને લોકશાહી સમાજવાદી ભારતનું તેમનું સપનું સાકાર નહીં કરી શકે. તેમને એમ પણ લાગ્યું હતું કે દેશને કાઁગ્રેસના વિકલ્પની પણ જરૂર પડશે જે સમાજવાદી પક્ષ આપી શકશે. પહેલી સામાન્ય ચૂંટણીમાં સમાજવાદી પક્ષને કાઁગ્રેસને મળેલા ૪૫ ટકા મતની સામે ૧૦.૫૯% મત પણ મળ્યા હતા જે નિરાશાજનક ન કહેવાય. ડૉ. લોહિયાએ જેલ, મતપેટી અને પાવડો એમ ત્રિસૂત્રી કાર્યક્રમ આપ્યો હતો. જેલ એટલે કે લોકોના અધિકારો માટેની લડત. મતપેટી એટલે કે ચૂંટણી લડવી. મુખ્યત્વે જીતવા માટે નહીં, પણ લોકોને મુદ્દાઓથી પરિચિત કરવા માટે અને પાવડો એટલે કે લોકોની વચ્ચે રહીને લોકોનાં કલ્યાણ માટેનાં રચનાત્મક કામો.

તૈયારી સંપૂર્ણ હતી પણ ધીરજ ખૂટવા લાગી. આનું મુખ્ય કારણ એ હતું કે કાઁગ્રેસે પોતાની અંદર સોશ્યલ એન્જિનિઅરિંગ (સત્તાને અને વગને સામાજિક સીડી પર નીચલા થરના લોકોને ઉપર ચડાવવાની પ્રક્રિયા) કરવાનું શરૂ કર્યું. નેહરુ-ગાંધી પરિવારને એ પરવડે એમ હતું અને તેનાં હિતમાં પણ હતું. પરિવારની સત્તાને ઉની આંચ આવે એમ નહોતી કારણ કે પ્રજા પરિવારની સાથે હતી અને જો સ્ત્રીઓ, બહુજન સમાજ અને દલિતોની તરફેણમાં સત્તાંતરણ કરવામાં આવે તો વધુ ફાયદો થાય એમ હતું. સૌથી મોટો ફાયદો એ હતો કે પરિવાર આના દ્વારા કદાવર સવર્ણ નેતાઓને હાંસિયામાં ધકેલી શકતો હતો. ૧૯૭૦ સુધીમાં વડા પ્રધાનપદે પરિવાર હતો, પણ રાજ્યોમાં મુખ્ય પ્રધાનપદ બ્રાહ્મણોના હાથમાંથી સરકીને બહુજન સમાજના હાથમાં જતાં રહ્યાં હતાં. કોઈ મોટા પ્રતિકાર કે પરિવર્તનના દેકારા વિના. જેમના હાથમાંથી સત્તા સરકી રહી હતી એ પ્રતિકાર કરવાની સ્થિતિમાં નહોતા અને બહુજન સમાજને વગર માગ્યે લાભ મળતા હતા એટલે કોઈ દેકારા કરવાની તેમને જરૂર નહોતી પડી. એક પ્રકારની મૂંગી કણાતી હતી. પરિવાર અને તેની સત્તા હજુ પણ સલામત હતાં.

આ સ્થિતિમાં સમાજવાદીઓ સામે સવાલ ઉપસ્થિતિ થયો હતો કે જગ્યા કોની વચ્ચે બનાવવી? મુસ્લિમ વિરોધીઓ અને જૂનવાણી માનસ ધરાવનારાઓ જનસંઘ સાથે હતા. સવર્ણ મધ્યમવર્ગ કાઁગ્રેસ સાથે હતો. આર્થિક ન્યાયની બાબતે આક્રમક વલણ ધરાવનારાઓ સામ્યવાદી પક્ષ સાથે હતા. સોશ્યલ એન્જિનિઅરિંગના કારણે બહુજન સમાજ અને દલિતો કાઁગ્રેસની સાથે હતા. સમાજવાદી પક્ષમાં અને ડૉ. આંબેડકરની રિપબ્લિકન પાર્ટીમાં અનુક્રમે જેટલા બહુજન સમાજના નેતાઓ અને દલિત નેતાઓ હતા તેનાં કરતાં વધુ કાઁગ્રેસમાં હતા. કાઁગ્રેસમાં રહેવાથી બેવડો લાભ હતો. નીચલી જ્ઞાતિના હોવાનો લાભ મળતો હતો અને ઉપરથી જ્ઞાતિવાદી રાજકારણ (કાસ્ટ પોલિટીકસ) કરતા હોવાના લેબલથી બચી શકાતું હતું.

સમાજવાદીઓમાં હતાશા વધવા લાગી જેનાં બે પરિણામ આવ્યાં. એક તો તેમનો કાઁગ્રેસવિરોધ વધુને વધુ આકરો થવા લાગ્યો અને તે ત્યાં સુધી કે તેઓ પરસ્પર પણ અસહિષ્ણુ થવા લાગ્યા. બીજું, તેમનું સામાજિક ન્યાયનું રાજકારણ જગ્યા શોધવાની જદ્દોજહદમાં જ્ઞાતિકીય થવા લાગ્યું. તીવ્ર કાઁગ્રસવિરોધથી પીડાતા સમાજવાદીઓએ હિન્દુત્વવાદીઓને પણ સાથે લીધા અને તેમને મદદ કરી.

ઉપર જે પાંચ નામ ગણાવ્યા એ જ્યારે સમાજવાદી આંદોલનમાં પ્રવેશ્યા ત્યારે તેમાંના કોઈ જ્ઞાતિવાદી, પ્રદેશવાદી અને પરિવારવાદી નહોતા. તેઓ નખશીખ સમાજવાદી હતા; જેવા જયપ્રકાશ નારાયણ, અશોક મેહતા, આચાર્ય નરેન્દ્ર દેવ કે ડૉ. લોહિયા હતા. તેમનો સંઘર્ષ પણ કાબિલેદાદ હતો. સમજ પણ ખૂબ ઊંડી હતી. પણ કાઁગ્રેસમાં થયેલા અનાયાસ સોશ્યલ એન્જિનિઅરિંગને કારણે તેઓ આકરા થતા ગયા અને મધ્યમ માર્ગ છોડતા ગયા. ધીરેધીરે તેઓ પોતાનું રાજ્ય, પોતાની જ્ઞાતિ અને છેવટે પોતાનાં પરિવારમાં સીમિત થતા ગયા. સવર્ણ માધ્યમવર્ગ માટે તેમને જ્ઞાતિવાદી, પરિવારવાદી, અભણ, અસંસ્કારી ફૂહડ, બિનભરોસાપાત્ર, સત્તાભૂખ્યા વગેરે લેબલો ચોડવાનું આસાન બની ગયું. આ લેબલ હિન્દુત્વવાદીઓએ તેમને હાથે પકડાવ્યા હતા અને એ વર્ગ બી.જે.પી.નો સમર્થક બની ગયો. આ ઉપરાંત સંજોગોએ પણ અન્યાય કર્યો. આચાર્ય નરેન્દ્ર દેવ ૧૯૫૬માં અવસાન પામ્યા. એ જ અરસામાં જયપ્રકાશ નારાયણ પક્ષીય રાજકારણ છોડીને સર્વોદય આંદોલનમાં જતા રહ્યા. ૧૯૬૭માં ડૉ. રામ મનોહર લોહિયા ગુજરી ગયા અને ૧૯૬૩માં ડૉ. અશોક મહેતા તીવ્ર કાઁગ્રસવિરોધના વિરોધમાં સમાજવાદી પક્ષ છોડીને કાઁગ્રેસમાં જોડાઈ ગયા. સમાજવાદી આંદોલનની પહેલી પેઢીનો અસ્ત થયો. 

સમય અને સંજોગોનાં કારણે સમાજવાદી નેતાઓનો કાઁગ્રેસવિરોધ તીવ્ર નહોતો, અંધ હતો. તેમને બી.જે.પી.ની સાથે જવામાં પણ સંકોચ નહોતો થયો. પણ એમાં અપવાદ હતા મુલાયમસિંહ યાદવ અને લાલુ પ્રસાદ યાદવ. તેઓ સતત બી.જે.પી.ની સામે ઊભા રહ્યા. કાઁગ્રેસનો વિરોધ કર્યો, પણ બી.જે.પી.ને સાથ નહીં આપ્યો. ખુલ્લેઆમ સેક્યુલર પોઝીશન લેતા તેઓ ગભરાયા નથી. દેશના વડા પ્રધાન બનવાની દરેક લાયકાત તેઓ ધરાવતા હતા, પણ સમય અને સંજોગો તેમની વિરુદ્ધ ગયા.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 13 ઑક્ટોબર 2022

Loading

13 October 2022 Vipool Kalyani
← આઝાદીનો અમૃત કાળ અને દલિત સાહિત્ય !
સોનલ શુક્લકૃત વીરાંગના : ઘટના અને અર્થઘટન – સ્ત્રીની આંખે  →

Search by

Opinion

  • નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા?
  • ‘ટ્રુ સેક્યુલર’  સરદારે અયોધ્યામાં સોમનાથવાળી કેમ ન કરી, ભાઈ?
  • જો અને તો : છેતરપિંડીની એક ઐતિહાસિક રમત 
  • આખા ગુજરાતમાં દારુ-જુગારના અડ્ડા કેમ સંકેલાઈ ગયા હતા?
  • સવાલ પૂછનાર નહીં, જવાબ નહીં આપનારા દેશદ્રોહી છે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved