Opinion Magazine
Number of visits: 9449933
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દીકરીને પત્ર અથવા લોકતંત્રના બાલભોગ્ય બોધપાઠ

આશિષ મહેતા|Opinion - Opinion|16 March 2016

પ્રિય દીકરી,

હમણાં તું મને જે.એન.યુ. પ્રકરણ પૂછી રહી હતી. નવ વર્ષની ઉંમરનું કોઈ બાળક રાજકારણ-સમાજકારણ વિશે પૂછે, તો કોઈને નવાઈ લાગે પણ ખરી. અલબત્ત, તેં આ વાત પૂછી, કારણ કે તને ખબર છે કે જે.એન.યુ. મારી માતૃસંસ્થા છે. જે.એન.યુ. પ્રકરણ વિશે સાદા પ્રશ્નના સાદા જવાબ આપી શકાય એમ છે અને આમે ય ટીવીથી લઈને સોશિયલ મીડિયા સુધી બધે સાદા બાળસહજ જવાબો અને પ્રત્યાઘાતો ચાલી જ રહ્યા છે. પણ આ પ્રકરણમાં ઘણીઘણી વાતો એવી પણ સંકળાયેલી છે જે સમાજકારણનાં મુખ્ય મૂલ્યોને સ્પર્શે છે. માટે મને એમ લાગે છે કે તારા સાદાસીધા પ્રશ્નનો લખીને વિગતવાર જવાબ આપું તો ભવિષ્યમાં તારી સમજ વધે, ત્યારે તું આ વાંચીને વિચારી શકે છે.

આમ તો એવું કહેવાય છે કે માબાપ પોતાનાં અધૂરાં સપનાં સંતાનો પૂરાં કરે એવા અભરખા રાખતા હોય છે. મારી એવી કોઈ ચોક્કસ ઇચ્છા નથી કે એક દિવસ તું જે.એન.યુ.માં જઈને ભાષાવિજ્ઞાન ભણીને પી.એચ.ડી. કરે. તું બીજો કોઈ વિષય, બીજી કોઈ સંસ્થા કે બીજી જ કોઈ કારકિર્દી લઈ શકે છે. અહીં હું વાત જે.એન.યુ.ની કરું છું ત્યારે એટલી આશા રાખું છું કે આ સંસ્થાને વિશિષ્ટ બનાવતી દરેક વાત – લોકશાહી, સમાનતા અને ક્રિટિકલ એટિટ્યૂડ અથવા પ્રશ્નાર્થચિહ્‌નવાળો અભિગમ – દસ વરસ પછી યથાવત્‌ રહ્યો હશે. બહુ વર્ષો પહેલાં જ્યારે તારા નાના સાથે પરિવાર-સંબંધ નહોતો, ત્યારે એમની સમક્ષ જાતપરિચયમાં મેં કહેલું કે જે.એન.યુ.માં ભણું છું. એમણે કહેલું કે આપણે નિરાંતે બેસીને તમારા પિયરની વાત કરવી છે. તો, મૂળે આ પત્ર મારા પિયરની વાત છે.

મને જે.એન.યુ.માં ઍડ્‌મિશન મળ્યું એ પછીના દિવસોમાં ઑફિસમાં બે સાથીમિત્રોએ આ જગ્યા વિશે સલાહસૂચનો આપેલાં. એ બંને કૅમ્પસમાંથી હાલમાં જ બહાર નીકળીને પત્રકારત્વમાં આવેલા. બેમાંથી એકે મને સ્પષ્ટ પૂછેલું કે તું કૉમ્યુિનસ્ટ તો નથીને? આજે એક બહુ મોટા છાપામાં બહુ મોટા પદે પહોંચેલા આ ભાઈની સલાહ હતી કે ડાબેરીઓ અને એમનાં મોરચા સરઘસોથી દૂર જ રહેજે અને બસ મસ્તમજા કરજે. પણ કેમ્પસમાં પહોંચ્યા પછી લાગ્યું કે પોલિટિક્સથી દૂર રહેવું મુશ્કેલ છે. થોડા વખતમાં હું દરેક ધરણા, સરઘસ અને મશાલયાત્રામાં આગળ નહીં, તો છેવાડે પણ ચાલતો થઈ ગયો. અને એની પણ મજા મસ્ત જ હોય છે એવું લાગ્યું.

શરૂઆતના મહિનાઓમાં હું નવોદિતના ઉત્સાહ સાથે દરેક પ્રકારના રાજકીય પ્રસંગમાં પહોંચી જતો. હૉસ્ટેલના વૉટરકુલર પર, ચાના ગલ્લે, બધે જાહેરાતો લગાડેલી હોય કે આજે રાત્રે કઈ હૉસ્ટેલની મેસમાં ડિનર પછી કોણ પ્રવચન આપવા આવવાનું છે. એ.બી.વી.પી. તરફથી ગોવિંદાચાર્ય કે અરુણ શૌરીનું પ્રવચન હોય કે પછી એસ.એફ.આઈ. તરફથી પ્રકાશ કરાત કે સીતારામ યેચૂરીનું પ્રવચન હોય કે એન.એસ.યુ.આઈ. તરફથી મણિશંકર ઐયર કે જયરામ રમેશનું પ્રવચન હોય. ચારે દિશામાંથી સારા વિચારો માટે મેં બારીઓ ખોલી દીધેલી. ત્યાં સુધી હું ડાબેરી-જમણેરી સૌ વિચારધારાઓ સમજવા માટે મોકળા મને તૈયાર હતો. થોડા મહિનામાં એટલી સમજ આવી કે એ.વી.બી.પી.ના પ્રસંગોમાં જવાની જરૂર નથી. આમે ય જમણેરી વિચારધારાઓ (હિંદુ કે અન્ય) બૌદ્ધિક ભાથું બાંધવામાં બહુ વિશ્વાસ રાખતી પણ નથી.

ડાબેરી મોરચે પણ એવું તો નહોતું કે મેં જઈને કોઈ સંસ્થાનું સભ્યપદ લઈ લીધું. એસ.એફ.આઈ. કોઈ મુદ્દા પર ધરણાં કરે અને એ મુદ્દે સંવેદના જણાય તો હું ચોક્કસ ભાગ લેતો. અને એનું રાજકારણ ક્યારેક લોકરંજક લાગે ત્યારે કોમરેડ મિત્રોને એ વિશે સવાલ પૂછતો. ‘આઇસા’ માટે ચંદા-કલેક્શન પણ કરતો અને ક્યારેક એનું રાજકારણ તકવાદી થાય ત્યારે એની સામે પૅમ્ફલેટ છપાવીને વહેંચવા માટે ફાળો પણ આપતો.

આમ તો (ગાંધીજીને બાદ કરીને વાત કરીએ તો) કોઈ પણ વિચારધારા એવી નથી કે જેની મહાનતા સિદ્ધ થઈ ગઈ હોય અને જેની પદ્ધતિમાં કંઈ ટીકા કરવા લાયક ન હોય. ડાબેરીઓ કોઈ દૂધના ધોયેલા તો છે નહીં. ભારતમાં અને બહાર એમનો ઇતિહાસ પણ ભ્રષ્ટાચાર, હિંસા અને શુદ્ધ ટાંગખેંચ રાજકારણથી ભરેલો છે. કોલકાતા કે કેરળમાં તૈયાર થયેલા ડાબેરી વિદ્યાર્થીનેતાઓ એ.બી.વી.પી.ના ‘લૂમ્યન’ નેતાઓથી પાછળ રહી જાય એવા નથી. છતાં – અને અહીં જે.એન.યુ.ની વિશેષતાની વાત આવે છે – આ કેમ્પસમાં એ.બી.વી.પી.ના આગમન પહેલાં હિંસા નહોતી અને પછી પણ મારામારીના કિસ્સામાં ડાબેરીઓએ માર ખાધો છે, હાથ ઉપાડ્યો નથી. ભારતનાં ઘણાં કૅમ્પસમાં અલગ અલગ સમયે હિંસાનું જે વાતાવરણ રહ્યું છે, તેની સામે જે.એન.યુ. અદ્દલ ગાંધીવાદી રહ્યું છે. કારણ કે, જમણેરી વિચારધારાથી ઊલટું, ડાબેરી વિચારધારા કમસેકમ આ એક મર્યાદિત દાયરામાં – તર્ક, સત્ય અને સંવાદમાં માને છે. દાખલો આપું. હું યેચુરીના પ્રવચનના અમુક મુદ્દાની મજાક ઉડાવતો હતો, એ એસ.એફ.આઈ.ના મિત્રોએ એમના નેતાઓ સુધી પહોંચાડી. તો એક દિવસ વહેલી સવારે જ્યારે હું પૂરો જાગ્યો પણ નહોતો ત્યારે પૂરી કમિટી, બધા હોદેદ્દારો આવી પહોંચ્યા અને મને વિનંતી કરી કે એક પછી એક વિવેચન કહેતા જાવ અને અમને ખુલાસો કરવા દો. એ.બી.વી.પી. તરફથી આવી મુલાકાતોના દાખલા ઓછા છે.

જે.એન.યુ. પહેલાં, અમદાવાદમાં, મારે માટે પોલિટિક્સનો અર્થ, રાજકીય પ્રશ્નો સાથે સંકળાવાનો અર્થ બહુ સીમિત હતો : ઑફિસમાં લોકો સાથે મંડલ-કમંડલની ચર્ચાઓ કરવી કે ચા પીતાં-પીતાં શામલાલ ગિરિલાલનાં લખાણોની ચર્ચા કરવી. જે.એન.યુ.માં આવ્યા પછી મને પોલિટિક્સનો એટલે કે રાજકારણ-સમાજકારણના પ્રશ્નો સાથે સંકળાવાનો અર્થ સમજાયો. (આ લાઇનમાં જે.એન.યુ.ની કોઈ ઇજારાશાહી નથી, અલબત્ત બીજાઓને બીજી સંસ્થાઓ અને અભિયાનોમાં એ અર્થબોધ લાધ્યો છે.)

જે.એન.યુ. કદાચ એકમાત્ર એવી સંસ્થા છે જ્યાં સ્ટુડન્ટ્‌સ યુનિયનની ચૂંટણીઓનું પૂરેપૂરું સંચાલન વિદ્યાર્થીઓ જાતે જ કરે છે. દર વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ચૂંટણીની એક પૂરી મોસમ ચાલે છે. એમાં સક્રિય રસ લઈએ ત્યારે પહેલી વાર એવું ભાન થાય છે કે લોકશાહી ખરેખર શું છે. પહેલાં આવે પૅમ્ફ્‌લેટો અને પોસ્ટરો, જેમાં કૅમ્પસની ચાર કે પાંચ પાર્ટીઓ હૉસ્ટેલ, એલોટમેન્ટ કે મેસ ફીથી લઈને અનામત પ્રથા કે અર્થતંત્ર સુધીના બધા મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કરે છે. એ વાંચીને વિદ્યાર્થીઓ અંદરોઅંદર ચર્ચા કરે. પછી શરૂ થાય ચૂંટણી-પ્રવચનો, જેમાં દરેક પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ એમનો પક્ષ રજૂ કરે છે, અને પ્રવચનના અંતે મુક્તપણે સામા પ્રશ્નો થઈ શકે છે. દરમિયાન ઉમેદવારો હૉસ્ટેલોમાં રૂમે રૂમે જઈને રજૂઆતો કરે છે અને સામે પ્રશ્નોના જવાબ પણ આપે છે. પછી છેલ્લે આવે છે ‘પ્રેસિડેન્શિયલ ડિબેટ’, જેમાં દરેક પાર્ટીના મુખ્ય ઉમેદવાર ખુલ્લા મેદાનમાં બધા વિદ્યાર્થીઓ સમક્ષ પોતાનો એજન્ડા રજૂ કરે છે અને તમામ પ્રશ્નોના જવાબ આપે છે. પછી ચૂંટણી, મતગણતરી ઇત્યાદિ, જે વિદ્યાર્થીઓ પોતે જ સંભાળે છે. (અને તેમાં કોઈ ઘાલમેલની કોઈ ફરિયાદ એ.બી.વી.પી. તરફથી પણ આવી નથી.)

ચૂંટણી પછી જીતેલા ઉમેદવારોએ ખરેખર જે એજન્ડાનું વચન આપ્યું હતું, એ પ્રમાણે કામ પણ કરવા લાગે છે. જ્યારે ધાર્યા મુજબનું પરિવર્તન ન આવે, ત્યારે યુનિયનના નેતા કે પછી અન્ય પક્ષો બિલકુલ અહિંસક ઢબે, ધરણાં – સરઘસ દ્વારા લોકઆંદોલન પણ ચલાવે છે. અહીં હૉસ્ટેલની મેસથી માંડીને પ્રોફેસરના મૂલ્યાંકન સુધી દરેક બાબતમાં લોકશાહી ચાલે છે. માટે નેવુના દાયકાના અંતે સર્વોચ્ચ અદાલતે ‘વિશાખા ચુકાદા’ મારફતે જેન્ડર જસ્ટિસ માટેની માર્ગદર્શિકા આપી ત્યારે જે.એન.યુ. ભારતની પહેલી યુનિવર્સિટી હતી, જ્યાં જેન્ડર કમિટી બની. અને કદાચ આજે પણ એ ભારતની એકમાત્ર જેન્ડર કમિટી હશે જેના તમામ સભ્યોની ચૂંટણી થાય છે, નિમણૂક નહીં. (ગુજરાતમાં ૨૦૦૫ સુધી તો મહિલા પંચ પણ નહોતું.) નેવુના દાયકાના અંતે જે.એન.યુ.માં એક આંદોલન ચાલ્યું. ઓ.બી.સી. વિદ્યાર્થીઓ માટે અનામત નહીં પણ પ્રવેશપદ્ધતિમાં વધારાના ગુણાંક આપવા બાબતે ભારે ચર્ચા ચાલી. અંતે નિર્ણય સંસદની જેમ યુનિયને નહોતો લેવાનો, પણ સત્તાના પૂરા વિકેન્દ્રીકરણ સાથે તમામ વિદ્યાર્થીઓએ મત આપીને લેવાનો હતો. એ જ નિર્ણય વિદ્યાર્થીઓએ સાથે મળીને ચર્ચાવિચારણા કરીને લીધો, તે યુનિવર્સિટીએ અમલમાં મૂૂક્યો. આ પછીથી મને ખ્યાલ આવ્યો કે પ્રગતિશીલ લોકશાહી એ ચોપડીઓમાં લખેલો એક વિચાર નથી પણ વાસ્તવિકતા છે.

માટે જ જ્યારે જમણેરી વિચારધારાના કે પછી સરકારની નજીકનાં સજ્જનો જે.એન.યુ. બંધ કરવાની વાત કરે, કરદાતાના પૈસાનો બગાડ જુનવાણી રાજકારણ પર થઈ રહ્યો છે એવી વાત કરે, અહીં દેશવિરોધી પ્રવૃત્તિઓ થઈ રહી છે એવી વાત કરે ત્યારે યાદ રાખજે કે એમના દરદનું કારણમૂળ ક્યાં છે. એમનો વાંધો મૂળ એ છે કે ભારતમાં ક્યાં ય નાને પાયે તો નાને પાયે વાસ્તવમાં લોકશાહી, સમાનતા અને પ્રગતિ પાંગરી રહી છે. ક્યાંક બંધારણના ઘડવૈયાઓએ જે દર્શન આપ્યું હતું, તે ગંભીરતાથી લેવાઈ રહ્યું છે. સરકાર માટે આનાથી વધુ ખતરનાક પડકાર શું હોઈ શકે? (દરમિયાન, કરદાતા અને નાગરિક વચ્ચે થોડો ફરક છે. નાગરિક મૂલ્યની વાત કરે છે, સમાજને આપવાની વાત કરે છે, ભવિષ્યની પેઢીઓ માટે સંસ્થાઓનું સર્જન કરે છે. કરદાતા રિબેટની અને કદાચ પ્લાનિંગની ચિંતા કરે છે.)

જે.એન.યુ. જેવી જગ્યા અમુક સત્તાધારીઓ માટે કેવો ખતરનાક પડકાર છે એનો એક દાખલો. નેવુંના દાયકાની શરૂઆતમાં જે.એન.યુ. સ્ટુડન્ટ-યુનિયનનો પ્રમુખ હતો ચંદ્રશેખર પ્રસાદ, જેને સૌ ચંદુ કહેતા હતા. ‘આઇસા’(સીપીઆઈ-એમએલ)માંથી, પણ ચારેકોર લોકપ્રિય હતો. બિહારમાં લાલુરાજ વખતે શોષિતો વતી અવાજ ઉઠાવવા એ ગામેગામ જતો હતો. ૩૧મી માર્ચ, ૧૯૯૭ના રોજ સિવાનમાં ભરબપોરે ભરબજારે એને ઠાર મારવામાં આવ્યો. એક ભારે નામચીન બાહુબલી નેતાના ગુંડાઓએ ગોળી ચલાવેલી. ઘણા વખત સુધી એવું લાગતું હતું કે ગુનેગારો બચી જશે, પણ અંતે એમને સજા થયેલી. હું જ્યારે કૅમ્પસમાં આવ્યો, ત્યારે ૧૯૯૮ પછીનાં વર્ષોમાં મેં એ.બી.વી.પી.થી લઈને પ્રોફેસરો અને મેસકર્મીઓ – સૌમાં ચંદુ માટે જે દિલની લાગણી જોઈ, તે કોઈ રાષ્ટ્રીય સ્તરના રાજકારણી માટે જોઈ નથી. શું ચંદુની આ યાદગીરી – જેમાં આશા પણ છે અને નિરાશા પણ, કરુણાંતિકા પણ છે અને પ્રેરણા પણ – પરથી નથી સમજાતું કે ભા.જ.પ. હોય કે કૉંગ્રેસ, સૌ સરકારોને ‘જે.એન.યુ. ટાઇપ’થી ભય કેમ લાગે છે ?

કારણ કે જે.એન.યુ. અને તેના જેવી બચીખૂચી સંસ્થાઓમાં ભણતર પાઠ્યપુસ્તકથી અને વર્ગખંડથી વિસ્તરીને ઘણું આવરી લે છે. અહીં ભાષાવિજ્ઞાન ભણવામાં માત્ર વ્યાકરણના સિદ્ધાંતો જ નથી ભણવાના, પણ સામાજિક વાસ્તવિકતાને જોતાં શીખવાનું છે. દાખલા તરીકે સાદરી નામની ભાષાનો અભ્યાસ કરવામાં માત્ર એનાં નામરૂપ અને ક્રિયાપદોનું વર્ગીકરણ નથી કરવાનું, પણ જે સાદરી બોલતો છોકરો તમને તમારા સંશોધન માટે એનો સમય આપે તેને સમાન દરજ્જાનું માન આપવાનું છે. ત્યાંથી આગળ વધીને એ શીખવાનું છે કે બધા લોકો અને બધી ભાષાઓ સમાન દરજ્જે જ છે : અંગ્રેજી પાસે આર્થિક તાકાત છે, પણ વ્યાકરણની દુનિયામાં એક આદિવાસી ભાષા અંગ્રેજીથી પછાત નથી. આ ભાષાવિજ્ઞાનનો દાખલો આપ્યો, પણ એ બોધપાઠ અર્થશાસ્ત્રથી લઈને જીવવિજ્ઞાન સુધીની સૌ વિદ્યાશાખાઓમાં જે.એન.યુ.ના વિદ્યાર્થીઓને મળતો જ રહ્યો છે.

અહીંથી ઘણા વિદ્યાર્થીઓ પી.એચ.ડી. માટે કે પોસ્ટ-ડોક માટે અમેરિકા અને યુરોપ જાય છે જ્યાં સવલતો વધુ સારી છે. ત્યાં શિક્ષણ માટે સરકાર સારો ફાળો આપે છે. અહીં જી.ડી.પી.ના પ્રમાણમાં ઘણી નાની રકમ ઉચ્ચશિક્ષણને ફાળવાય છે. એટલે પુસ્તકાલયોમાં જોઈતાં પુસ્તક ન મળે અથવા આગળ સંશોધન માટે નાણાકીય મદદ ન મળે એવી સમસ્યાઓ સામાન્ય છે. (ફેલોશિપ કોઈ નાનીસૂની વાત નથી – જીવનમરણનો સવાલ છે. રોહિત વેમુલા ફેલોશિપના ટેકા વગર વધુ ભણી શકે એમ નહોતો, એટલે તેણે વધુ ન જીવવાનો નિર્ણય લીધો.) આ બધી સમસ્યાઓ છતાં મારી ગાઇડે આગ્રહ રાખ્યો કે ભારત એ ભારત છે અને ભારતીય ભાષાનું સંશોધન ભારતમાં રહીને અને બાકીના ભારતીયો જે સહન કરે તે સહન કરીને જ થઈ શકે. હવે ફેબ્રુઆરીમાં પતિયાલાહાઉસ કોર્ટમાં ભા.જ.પ.ના વિધાનસભ્ય ઓ.પી. શર્મા અને એમના સાગરીતોએ પત્રકારો અને જે.એન.યુ.ના શિક્ષકો પર હુમલો કર્યો તેમાં આ ગાઇડ પર જાતીયસતામણી સાથે હિંસા થઈ હતી. (શર્માએ ટીવી પર કહ્યું હતું કે ભારત વિરોધી વાત કરનારને તો હું ગોળીએ દઈશ. પોલીસ નિષ્ક્રિય હતી. પુરાવા પછી પણ શર્મા સામે કોઈ કાર્યવાહી ના થઈ.)

પુરાવા પરથી યાદ આવ્યું : આખી ઘટનાના પુરાવા તરીકે જે ટીવી ચૅનલની વીડિયોક્લિપ દિલ્હી પોલીસે એફ.આઈ.આર.માં નોંધી છે. તે નકલી હોવાનો ફૉરેન્સિક લૅબનો રિપોર્ટ આવ્યો છે. એ ચૅનલના સંપાદક એક ઉદ્યોગપતિ પાસેથી જાહેરખબર લેવા માટે બ્લૅકમેઇલ કરવાના કેસમાં તિહાર જઈ આવ્યા છે, પણ એમના દેશપ્રેમની સામે આવી ક્ષુલ્લક નબળાઈઓનો ઉલ્લેખ ન કરવો જોઈએ.

જમણેરી તંત્રમાં દેશદાઝના નામે પહેલાં કોઈને ત્રાસવાદી, દેશદ્રોહી જાહેર કરી દેવાય છે, પુરાવા ઊભા કરી દેવાય છે અને અડધી જનતા એ વાત સાચી માની લે છે. એ પછી પુરાવા ખોટા પડે તો પણ કન્હૈયા લોકમાનસમાં દેશદ્રોહી છે. જે સૂત્રોચ્ચાર સામે વાંધો લેવાયો છે, તેમાંથી કાશ્મીરની આઝાદી-તરફી સૂત્રો અને અફઝલ ગુરુ સંબંધી સૂત્રો તો ભા.જ.પ.ની ભાગીદાર પી.ડી.પી. પાર્ટી વર્ષોથી જાહેરમાં લગાવતી આવી છે. જ્યાં સુધી પાકિસ્તાન-તરફી અને ભારતની બરબાદીની વાત કરતાં સૂત્રોનો સવાલ છે, ત્યાં સુધી કહેવું જોઈએ કે જે.એન.યુ.માં ડાબેરી પરંપરામાં આવું કદી બન્યું નથી અને એની પાછળ વીડિયો ડોક્ટરિંગ કામ કરી રહ્યું છે. સૈનિકો જે સરહદે શહીદ થયા છે, તે મોદી સરકારને બચાવવા નહીં પણ ભારતની લોકશાહીને સલામત રાખવા શહીદ થયા છે.

જે.એન.યુ.માં અફઝલ ગુરુની ફાંસીની તારીખે એક પ્રસંગ હતો, પણ એમાં કન્હૈયા નહોતો. એને હાફીઝ સઇદનો કોઈ ટેકો હતો એવું કહેવામાં ગૃહપ્રધાન રાજનાથસિંહ જૂઠું ના બોલતાં હોય તો પછી એમની બૌદ્ધિક ક્ષમતા અંગે શંકા જાય એમ છે (અને ગૃહપ્રધાનને અસલી-નકલી ટિ્‌વટનો ફરક ન ખબર હોય, તો દેશની આંતરિક સુરક્ષા માટે ચિંતા થાય). ભા.જ.પ.નો સાથી પક્ષ અને લોકશાહી ઢબે ચૂંટાયેલા એના નેતા અફઝલ વિષે જેટલું બોલી શકે તેટલું કોઈ શિક્ષણ સંસ્થામાં કોઈ વિદ્યાર્થી બોલે – આટલું તો પરિપક્વ લોકશાહીઓમાં રોજ અવગણાતું હોય છે.

જે.એન.યુ. કૅમ્પસમાં પોલીસ-પ્રવેશનો આ પહેલો પ્રસંગ નહોતો. અને છેલ્લો પણ નહીં હોય. પણ છેલ્લા એકાદ વરસમાં એફ્ટીઆઈઆઈથી શરૂ કરીને એક પછી એક શિક્ષણસંસ્થાને ખતમ કરવાનો કારસો ચાલી રહ્યો છે. સરકારની ટીકા કરવામાં જાનનું જોખમ છે. મને લાગે છે કે ત્રીજા ધોરણમાં પણ તને તારા વર્ગમાં કંઈ બોલતાં પહેલાં માર ખાવાની બીક રાખવી પડતી નથી. હું આશા રાખું કે દસ વર્ષ પછી જે.એન.યુ.માં કે જે.એન.યુ.ની બહાર તારે કશી પણ સાચી વાત બોલતાં પહેલાં વિચારવું ના પડે.

– એ જ

નવી દિલ્હી 

e.mail : ashishm@governancenow.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2016; પૃ. 02-04

Loading

16 March 2016 admin
← યા દેવી સર્વભૂતેષુ
તિરે જલવોં ને … →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved