ખારાશ હશે મારામાં, દિલે દરિયો સમાવ્યો છે,
ખુમારી પણ છે અહીં, શિરે તાજ સજાવ્યો છે.
નુમાઈશ કરવી નહોતી, મારે મારા ચારિત્ર્યની,
ઈચ્છા થઈ જ્યારે, મેં મારી જાતને નવાજ્યો છે.
નારાજ પણ થયો છું અને રિસાયો છું જાતથી,
રાહ જોઈ નથી હમદર્દની, જાતે જાતને મનાવ્યો છે.
ઘાવ લાગ્યો હતો સીધો જ હ્રદયના ઊંડાણમાં,
હળવે હળવે એ પરિપક્વ ઘાવને મેં રુઝાવ્યો છે.
બદલો લેવાના વિચારો જ ખળભળાવી જાય છે,
દંડ દઉં કોને, કહેવાતા પોતાનાએ જ સતાવ્યો છે.
બેકાર વહેવા ન દઉં જાહેરમાં મારા અશ્રુઓને,
ખુશીના મ્હોરા ઓઢી આ ચહેરાને હસાવ્યો છે.
સ્વમાન, ખુદ્દારી તો મારી ખૂબી છે જ ‘મૂકેશ’,
મજબૂરીએ મારી મને કેટલી ય વાર નમાવ્યો છે.
એપ્રિલ ૨૪, ૨૦૨૧
e.mail : mparikh@usa.com