Opinion Magazine
Number of visits: 9733353
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દાઝે છે તોય એ તો દોડે, રોકાય ના, પતંગ જ્યોત ઘેલો

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|21 January 2021

હૈયાને દરબાર

ટેકનોલોજીનો ઊચિત ઉપયોગ કરવામાં આવે તો એના અનેક ફાયદા છે. ઘણાબધા કચરાની સાથે ઉત્તમ સાહિત્ય, શ્રેષ્ઠ કવિતાઓ, અલભ્ય ગીતો સહિત કેટલી ય સુંદર, સત્વશીલ સામગ્રી આપણને એક ક્લિક કરવાથી મળી શકે છે. ગુજરાતી ગીત-ગઝલ-સુગમ સંગીત નામે ગુજરાતી સંગીત સાથે જોડાયેલા કલાકારોનું એક વોટ્સ એપ ગ્રુપ છે. એમાં કેટલીક વાર સરસ ગુજરાતી ગીતો મૂકવામાં આવે છે. આપણને વિચાર આવે કે આપણી પાસે અઢળક ગીતો છે છતાં ય ગુજરાતી ગીતોનો કાર્યક્રમ હોય ત્યારે એના એ ચવાઈને ચુથ્થો ગયેલાં ગીતોનું રગશિયું ગાડું કેમ ચાલ્યા કરે? તમે નવાં કમ્પોઝિશનો સાંભળો, સિદ્ધહસ્ત સ્વરકારોનાં, જાહેર કાર્યક્રમોમાં ક્યારે ય ન ગવાયાં હોય એવાં ગીતો સાંભળો તો માતૃભાષા માટે ગૌરવ થયાં વિના રહે નહીં.

અરે, દૂર દેશાવરમાં ય સંન્નિષ્ઠ સાહિત્ય-સંગીત પ્રેમીઓ અદ્દભુત કામ કરે છે. અમેરિકામાં કૃષાનુ મજમુદાર, રથિન મહેતા, ફાલ્ગુની શાહ કાર્યરત છે. કેલિફોર્નિયામાં જયશ્રી મરચન્ટ, શિવાની દેસાઈ, જયશ્રી ભક્તા, હેતલ જાગીરદાર ભટ્ટ, મનીષા જોશી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત છે. જાગૃતિ દેસાઈ શાહ ગુજરાતી રેડિયો સાથે સંકળાયેલાં છે. ઓસ્ટ્રેલિયામાં આરાધના ભટ્ટ ગુજરાતી રેડિયો ચલાવે છે. લંડનમાં વિપુલ કલ્યાણી સાહિત્યની ધૂણી ધખાવીને બેઠા છે તો લેસ્ટરમાં સ્વ. ચંદુ મટાણી અને હવે એમના પુત્ર હેમંત મટાણી સંગીત પ્રવૃત્તિને લોકો સુધી પહોંચાડી રહ્યા છે. પરંતુ, લંડનના ગિરીશ ચાંદેગ્રાનું ગુજરાતી ગીતોનું કલેક્શન જોઈને આભા બની જવાય. અવિનાશ વ્યાસથી માંડીને આલાપ દેસાઈ અને પ્રહર વોરા જેવા યુવા કલાકારો સુધી અનેક કલાકારોનાં અસંખ્ય ગીતો એમની પાસે છે. ગિરીશ ચાંદેગ્રા લંડનમાં જ ઊછરીને સેટલ થયા છે. વ્યવસાયે આઇ.ટી. એન્જિનિયર ગિરીશભાઈને આઠ વર્ષની વયથી જ ગુજરાતી અને હિન્દી સંગીત પ્રત્યે અપાર આકર્ષણ હતું. બ્રિટિશ કલ્ચર અને અંગ્રેજી ભાષા સાથે જ મોટા થયેલા ગિરીશભાઈએ ગુજરાતી/હિન્દી લખવા/બોલવાની તાલીમ વારાણસી અને અમદાવાદના ગુરુઓ પાસે લીધી હતી.

એમણે સાત નૃત્ય નાટિકાઓ લખી જેમાં છ ગુજરાતી ભાષામાં અને એક મહાકવિ કાલિદાસ કૃત 'શાકુંતલ' પરથી હિન્દી નૃત્ય નાટિકા ભજવી. આ નૃત્ય નાટિકાઓમાં સાધના સરગમ, કવિતા કૃષ્ણમૂર્તિ તથા સુરેશ વાડકર જેવા અગ્રગણ્ય કલાકારોએ ગાયું હતું. ગુજરાતથી હજારો માઈલ લંડન જેવા શહેરમાં રહીને ગુજરાતી ભાષાનાં ગીતોની અખંડ જ્યોત જલતી રાખવી એ સહેલું નથી. તાજેતરમાં જ એમણે પોતાની યુટ્યુબ ચેનલ 'ગિરીશ પ્રકાશ' પર આ ખજાનો ખુલ્લો મુકવાનું શરૂ કર્યું અને બે-ત્રણ અદ્ભુત ગીતો સાંભળવા મળ્યાં. આશાપુરા મા … તથા ઓછું પડે તો માફી દઈ દ્યો ગીતો આશા ભોંસલેના અવાજમાં, વનમાં ચાંદલિયો ઊગ્યો સુમન કલ્યાણપુરના કંઠે તેમ જ સોલી કાપડિયાના અવાજમાં આશિત દેસાઈએ સ્વરબદ્ધ કરેલું રમણલાલ વસંતલાલ દેસાઈએ લખેલું ગીત પતંગ જ્યોત ઘેલો સાંભળવાની ખૂબ મજા આવી.

ક્યારે ય ન સાંભળ્યાં હોય એવાં ગુજરાતી ગીતોનો સંગ્રહ તથા ગુજરાતી સંગીતનો આ ગાંડો શોખ કેવી રીતે લાગ્યો એ વિશે ગિરીશભાઈ કહે છે, "1970ના દાયકાના આરંભમાં લંડનના સિનેમા હોલમાં મેં કેટલી ય હિન્દી-ગુજરાતી ફિલ્મો જોઈ હતી. મારા મિત્રો જ્યારે એક્શન હીરો કે ઈલેક્ટ્રિક ટ્રેઈન સાથે રમતા ત્યારે હું  ઈસ્ટ/વેસ્ટ લંડનના રેકોર્ડ્સ સ્ટોર્સમાં આંટા મારતો. સૌથી પહેલાં મેં 'જેસલ તોરલ' અને 'ઝેર તો પીધાં જાણી જાણી'ની રેકોર્ડ્સ ખરીદી હતી. 1992 સુધીમાં મારી પાસે હજારથી વધુ એલ.પી. અને ઈ.પી.નું કલેક્શન થઈ જતાં મેં બી.બી.સી.ની ચેનલ ફોરને અધિકૃત સંગ્રાહક તરીકે નિયમિતપણે અલભ્ય સંગીત આપવાનું શરૂ કર્યું હતું. બી.બી.સી. વર્લ્ડ સર્વિસ તથા લંડનના પ્રખ્યાત સનરાઈઝ રેડિયો માટે પણ મેં થોડો સમય કામ કર્યું હતું. ભારત, દુબઈ, સિંગાપોર, અમેરિકા, કેન્યા અને ડર્બન તથા જોહાનિસબર્ગ જેવા શહેરોમાંથી મેં ગુજરાતી-હિન્દી રેકોર્ડ્સ મેળવી હતી. એક સમયે તો એચ.એમ.વી.ની લગભગ દરેક ગુજરાતી રેકોર્ડ્સ મેં ખરીદી હતી એમ હું ગર્વપૂર્વક કહી શકું. મારી પાસે સંગીતનો કેટલો ખજાનો છે એ સંખ્યા તો ન કહી શકું પરંતુ ફોટા પરથી તમે સમજી શકશો."

લંડનના ગુજરાતી સુગમ સંગીત પ્રેમી ગિરીશ ચાંદેગ્રાનું રેકોર્ડ્સ કલેક્શન 

વિદેશમાં રહીને માતૃભાષાનું જતન કરવું એ મોટી વાત છે. એમણે મોકલેલા પતંગ જ્યોત ઘેલો ગીતની વાત હવે કરીએ. રમણલાલ વસંતલાલ દેસાઈ ગુજરાતી સાહિત્યનું પ્રતિષ્ઠિત નામ. મુખ્ય તો નાટ્યકાર અને નવલકથાકાર તરીકે જ જાણીતા. પરંતુ એમણે 'શમણાં' નામે એક કાવ્ય સંગ્રહ પણ બહાર પાડ્યો હતો અને એ જ નામથી કેસેટ બહાર પડી હતી જેનાં લગભગ બધાં ગીતો સંગીતકાર આશિત દેસાઈએ સ્વરબદ્ધ કર્યાં હતાં. એક ગીત અક્ષય દેસાઈએ કમ્પોઝ કર્યું હતું. હેમા દેસાઈ, રેખા ત્રિવેદી, ઉદય મઝુમદાર, સોલી કાપડિયા અને ર.વ. દેસાઈ જેમનાં મામા થાય એ સ્વરકોકિલા કૌમુદી મુનશી સહિત અનેક કલાકારોએ એમાં ગાયું હતું. આ કેસેટ તો ઉપલબ્ધ ન જ હોય પરંતુ એનાં કેટલાંક ગીતો ગિરીશ ચાંદેગ્રા પાસે સચવાયેલાં છે. ર.વ. દેસાઈ કવિ તરીકે ઓછા જાણીતા છતાં એમનું આ સરસ ગીત સાંભળીને વિશેષ આનંદ થયો.

આશિત દેસાઈ આ ગીતની સર્જન પ્રક્રિયા વિશે કહે છે, "સંગીતકાર દક્ષેશ ધ્રુવ પાસેથી મને આ રચના મળી હતી. દક્ષેશભાઈનાં બહેન નીરાબહેનનાં લગ્ન ર.વ. દેસાઈના પુત્ર અક્ષય દેસાઈ સાથે થયાં હતાં. પચીસ વર્ષ પહેલાં અક્ષય દેસાઈને પિતા ર.વ. દેસાઈનાં ગીતોની કેસેટ બનાવવી હતી તેથી એ ગીતો મારી પાસે આવ્યાં અને મેં કમ્પોઝ કર્યાં. જલતી શમાની આસપાસ મંડરાતા ભમરા જેવા કીટકના અલબેલા પ્રેમની વાત ગીતમાં સરસ રીતે કહેવાઈ છે."

કેટલાંક પતંગિયા જેવાં કીટકો, જેને હિન્દીમાં આપણે પરવાના કહીએ છીએ. 'શમા પે પરવાના'ના નામે અનેક વાતો ચાલે છે. હકીકતે એમાં પ્રેમ જેવું કશું નથી. ક્યાંક વાંચેલું કે આ પરવાના દીવાની જ્યોત તરફ આકર્ષણ ધરાવતા નથી. પણ તે આ જ્યોતને લીધે તેમની દિશા ચૂકી જાય છે. આ પતંગ પ્રકારના જીવડાં દિશાસૂચક હોય છે. આ જીવડાં સૂરજ કે ચંદ્રના પ્રકાશનો ઉપયોગ દિશા સૂચક તરીકે કરે છે. આ કારણે તે દીવાની જ્યોત તરફ આગળ વધે છે અને નજીક જતાં દીવામાં બળી મરે છે. પતંગિયાં દિવસે જ નીકળે છે. પાંખ ઊંચી રાખીને બેસે છે જ્યારે પતંગ કે પરવાના રાત્રે જ નીકળે છે. તે પતંગિયાં જેવાં તેજસ્વી નથી. એ તેની પાંખો શરીર સાથે ચોટાડીને બેસે છે. દીવાની જ્યોતથી આકર્ષાઈને એની નજીક જતાં એ બળી મરે છે.

કાવ્યમાં જ્યોત ઘેલા પતંગની ઘેલછાની વાત વ્યક્ત થઈ છે ! મૃત્યુની કલ્પના સુદ્ધાં નથી એટલે ઊંચી ડોક કરીને પતંગ દીવા તરફ દોડે છે. વાર્યો વળે નહીં ને હારેલો પણ ન કહેવાય કારણ કે ગતિ તો આગળ વધવાની જ છે. પ્રિય ચાહે કે ન ચાહે એનું ય એને ભાન નથી એવા અલબેલા પ્રેમના વાહક પતંગની મૂક વેદના, ઉન્નત પ્રેમની વાત સ્વરાંકનમાં યથોચિત રજૂ થઈ છે.

ગીતના ગાયક સોલી કાપડિયા કહે છે કે, "રેકોર્ડિંગ પછી આ ગીત મેં ખરા અર્થમાં એન્જોય કર્યું હતું. મારી વય એ વખતે ઘણી નાની. દક્ષેશભાઈના ઘરે અમે રિહર્સલ માટે ભેગાં થતાં. એ વખતે મને ર.વ. દેસાઈનો ખાસ પરિચય પણ નહોતો પરંતુ આ ગીત ગાયા પછી મેં આખો કાવ્ય સંગ્રહ વાંચ્યો અને મજા આવી. ગાયક તરીકે દર બીજા દિવસે અમારે ગીતો રેકોર્ડ કરવાનાં આવે પરંતુ બધાં ગીતો ગમે ય નહીં અને યાદ પણ ના રહે. પરંતુ, આ ગીત રેકોર્ડ કરીને ઘરે આવ્યો ત્યારે એની ટ્યુન સતત મનમાં રમતી હતી. આશિતભાઈને પણ ગીત રેકોર્ડ થયા પછી ખૂબ ગમ્યું હતું. એ વખતે આ કેસેટ ખાસ્સી  લોકપ્રિય થઈ હોવાથી આ પતંગ ગીતની ફરમાઈશ વિદેશમાં પણ આવતી હતી. અત્યારે તો એ સાવ ભૂલાઈ ગયું હશે, પરંતુ આપણી પાસે આવાં સુંદર ગીતોનો અમૂલ્ય ખજાનો છે એ જ મોટી વાત છે."

સોલી કાપડિયાની વાત સાવ સાચી છે. ખજાનો છે પરંતુ શ્રોતાઓની ડિમાન્ડ વધે તો એ ખૂલે. સાહિત્ય, સંગીત-નાટકના માત્ર ચાહક જ નહીં, સંગ્રાહક એવા મુંબઈના જગદીશ વખારિયાની એક જ ફરિયાદ છે કે કેસેટ/સીડીનો જમાનો ગયો, ખજાનાનાં અમૂલ્ય મોતી હવે મેળવવા ક્યાંથી? કવિ-સંગીતકાર-ગાયકોએ ભેગાં મળીને આ દિશામાં કંઈક કરવું જોઈએ એવું એ માને છે. ફક્ત એક જ ગુજરાતી પણ આ મહામૂલાં મોતી ખરીદવા તૈયાર હોય તો એ વિશે વિચારવાની આપણી ય ફરજ છે. બાકી તો, ઈન્ટરનેટ, યુટ્યુબ ચેનલ પર જેટલું મળે એમાંથી સંતોષ લેવાનો.

*****

દાઝે છે તોય એ તો રોકે રોકાય ના
પતંગ જ્યોત ઘેલો
વાર્યો રહે નહીં હાર્યો કહેવાય નહીં
પડતો એ ઝાળ માંહી પહેલો રોકાય ના
તરસ્યો પૂરંગ જરી લે ના વિસામો
મૃગજળનો ના મળે રેલો રોકાય ના
વારિ ભરેલી કાંઈ વાદળીઓ વરસે
તરસ્યો એ ચાતક અકેલો રોકાય ના
ચાહે ન ચાહે પ્રિય તેનું ના ભાન રહે
એવો એ નેહ અલબેલો રોકાય ના…પતંગ જ્યોત ઘેલો

*****

કવિ: રમણલાલ વસંતલાલ દેસાઈ    •   સંગીતકાર: આશિત દેસાઈ    •   ગાયક: સોલી કાપડિયા

પ્રગટ : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 21 જાન્યુઆરી 2021

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=673533

Loading

21 January 2021 admin
← ટૃમ્પને ભૂલી જાઓ, બાયડન – હેરિસ અમેરિકાને થાળે પાડશે
ડ્રેગનનું “કમલમ” કરવા જતાં “કમલમ”નું ડ્રેગન ન થાય તો સારું … →

Search by

Opinion

  • અમેરિકી શ્યામવર્ણી લોકો પર વંશીય ભેદને લીધે સ્વિમિંગની મનાઈ!
  • સ્વરાજથી સમતા સુધી : એક જ સંઘર્ષના અનેક આયામો
  • શાસક ગમે એટલો અપલખણો હોય, કમ સે કમ તેનામાં બુદ્ધિ હોવી જોઈએ !
  • આ યુદ્ધ કોણ અટકાવી શકે? … એને સંભવ બનાવનાર સત્તા અને જનતા 
  • ઈરાની યુદ્ધ સુરતને પણ સ્પર્શ્યું છે …

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …
  • ગાંધીની હત્યા કોણે કરી, નાથુરામ ગોડસેએ કે ……? 
  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …

Poetry

  • કવિ
  • ગઝલ
  • ગઝલ
  • કોઈ અપાવે જો એ બાળપણ પાછું …
  • પન્નાને, વેલન્ટાઈન ડે, ફેબ્રુઆરી 14, 2026 ~ સોનેટ ~ નટવર ગાંધી

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved