અનૌપચારિક અર્થતંત્રમાં આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ લોકોનો સમાવેશ થાય છે
જ્યારથી કોરોના વાઇરસ પોતાના ધારદાર દાંત વધુને વધુ બતાડતો રહ્યો છે, ત્યારથી દરેક માણસને પોતાની જિંદગીની ચાર ગણી ચિંતા થવા લાગી છે. આપણે સતત માઇગ્રન્ટ લેબરર્સ એટલ કે દાડિયા મજૂરોની બેહાલ સ્થિતિના સમાચાર પણ સાંભળતા રહીએ છીએ. આપણું આર્થિક માળખું એવું છે કે નહીં, નહીં તો ય 40 કરોડ જેટલા કામદારો ઇન્ફોર્મલ સેક્ટરનો હિસ્સો છે. આ ઇન્ફોર્મલ એટલે કે અનૌપચારિક ક્ષેત્રમાં બીડી વાળનારા, શાકભાજી વેચનારા, રિક્ષા ચલાવનારા, હીરા ઘસુઓ, રસ્તા-શેરીઓમાં ચીજો વચેનારા, ઘરે બેસીને કારીગરી કરનારા, વણકરો, ફેક્ટ્રી કામદારો, નાની હાટડી ધરાવનારા, કડિયા જેવા કેટકેટલાનો સમાવેશ થાય છે. વળી કલાકારોની વાત કરીએ તો પૈસા ન હોવાને કારણે એક એક્ટરે આત્મહત્યા કરી લીધી તો બીજા એક જાણીતા કલાકારે ફેસબુક પર લખ્યું કે પોતે હૉસ્પિટલમાં છે અને તેની પાસે ડાયલિસીસ કરાવવાનાં પૈસા નથી. એ શહેરી મજૂરોની સ્થિતિ છે અને તે પણ એક વરવી વાસ્તવિકતા છે.
ઉદ્યોગો પાછળનું બેકસ્ટેજ
પણ એક આખું ઇન્ફોર્મલ સેક્ટર એવા લોકોનું છે જે મોટા ઉદ્યોગોમાં બેક સ્ટેજનું કામ કરે છે અને હા મંચ પર રહેવાનું પણ. નાટકો ઠપ્પ છે અને તે સ્વાભાવિક છે ત્યારે નાટકો સાથે માત્ર કલાકારો નથી હોતા, પણ ગ્રીન રૂમમાં મેકઅપનું કામ કરનારાથી માંડીને. પ્રોપર્ટી સંભાળનારાઓ, કલાકારોનાં કપડાંની ઇસ્ત્રી કરનારાઓ વગેરે પણ હોય છે અને તે જ રીતે શૂટિંગ પર લાઇટ મેન, સ્પોટ પર્સન્સ, મેકઅપ દાદાથી માંડીને ત્યાં ખાવા પીવાનું સંભાળનારાઓ પણ આ ઇન્ફોર્મલ ઇકોનોમીનો જ હિસ્સો છે. આ બધાં અત્યારે માથે હાથ દઇને બેઠા છે કે હવે શું કરવું? વળી બધા જ એક્ટર્સ કંઇ અમિતાભ બચ્ચન, નસીરુદ્દિન શાહ કે નવા પણ સફળ એવા આયુષ્માન ખુરાના જેવા પણ નથી હોતા. હિંદી સિરિયલ્સ જેવી કે ક્રાઇમ પેટ્રોલ, સાવધાન ઇન્ડિયા જેવા શોઝમાં જે નાના અને મધ્યમ સ્તરનાં કલાકારોને કામ મળતું હોય છે તેમની પાસે કોઇ નિયમિત આવક નથી હોતી અને તેમની સ્થિતિ પણ કફોડી થઇ છે. હા ચોક્કસ એક્ટર્સ પ્રોડ્યુસર્સનાં સંગઠનો હોય છે જે તેમને મદદ કરવાનો પ્રયાસ ચોક્કસ કરે છે પણ એવા પણ કલાકારો છે જેમની પાસે જાન્યુઆરીથી કામ નહોતું, કામ શોધતા હતા અને એમ માનતા હતા કે ડિસેમ્બર સુધી જે કામ કર્યુ હતું તેનાથી માર્ચ સુધી તો મેનેજ થઇ જશે પણ પછી શું? હવે એ એક્ટર્સની શું સ્થિતિ હશે? જે બચત હતી તે વપરાઇ ગઇ હશે અને હવે તરત કોઇ કામ મળવાના આસાર નથી. શૂટિંગમાં તો આસિસ્ટન્ટ ડાયરેક્ટર્સ વગેરે પણ પગારદાર નથી હોતા એટલે તેઓ પણ અત્યારે ખાલી હાથે બેઠા છે. અનૌપચારિક અર્થતંત્રમાં આપણે ધારીએ છીએ તેના કરતાં વધુ લોકોનો સમાવેશ થાય છે તે આપણે સમજવાની જરૂર છે.
શહેરી મજૂરોની કફોડી સ્થિતિ
તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક પત્ર ફરતો થયો હતો જેમાં લખ્યું હતું કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં કલાકારોને શો ટેલિકાસ્ટ થાય તેના 90 દિવસ પછી પેમેન્ટ આપવામા આવે છે અને ઘણીવાર તો આ વળતર મેળવવા માટે ધક્કા ખાવા પડે છે. કલાકાર હોય કે ડાયરેક્ટર બધાની હાજ હાલત હોય છે પણ આ પત્રમાં સવાલ હતો કે શું મકાન માલિક 90 દિવસ ભાડામાંથી મુક્તિ આપશે, શું ગેસ સિલિન્ડર ત્રણ મહિના માટે મફક મળશે?, કરિયાણાનું શું? અહીં કામ પછી તરત તેનું વળતર પણ ન મળતું હોય ત્યારે બચતની વાત કરવી અસ્થાને છે.
આ એક ક્ષેત્રની વાત છે પણ સ્વિગી અને ઝોમેટોએ 40 ટકા લોકોની છટણી કરી છે, મોટાભાગનાં મીડિયા આઉટલેટ્સમાં છટણી થઇ છે અથવા પગાર કપાયા છે, ઇન્ડિયા બુલ્સનાં 2,000 કર્મચારીઓએ નોકરી ખોઇ છે, યુ ટ્યુબે ક્રિએટર રેવન્યુમાં 70 ટકા ઘટાડો કર્યો છે, ખાનગી શાળાઓમાં એડહોક શિક્ષકોને પગાર નહીં મળે, નવી નોકરીઓ પર કોઇને એપોઇન્ટ નહીં કરાય, ચાઇનિઝ કંપનીઓએ પણ પોતાના અન્ય દેશોમાંના સ્ટાફને ઘટાડવા માંડ્યો છે, ઓલાએ 1,400 જણને છટણી કરવાની જાહેર કરી છે. આ બધાં શહેરી મજૂરો છે જેમનું શું થશે તે કોઇ નથી જાણતું. ફિલ્મો ઓનલાઇન રિલીઝ થાય છે, આઇનોક્સને આનો વાંધો હતો પણ જે માણસ ત્યાં મૉલમાં પૉપોકોર્ન વેચતો હતો તેને પોતાને એ પૉપકોર્ન પોસાય તેમ નહોતા, એની શું સ્થિતિ થશે? નોકરી બચશે કે જશે કે પછી પગાર કપાઇ જશે? શું આ તમામનાં જવાબ કોઇ આપી શકશે?
બાય ધી વેઃ
આત્મનિર્ભરતા વિચાર સારો છે પણ સમાજ ક્યારે ય પણ એકલપેટો ન હોઇ શકે, હું કમાઉં અને મારું ખાઉં એ શક્ય જ નથી. હા લોકલને સપોર્ટ કરવાની વાત ચોક્કસ કરાય છે પણ જ્યારે લોકો નોકરીમાંથી હાથ ખોઇ બેસે ત્યારે તેણે કયા સપોર્ટની આશા રાખવાની? આપણા દેશમાં જાતિ આધારિત ધ્રુવીકરણ ધારાદર છે અને માટે નાગરિક તરીકે આપણે રાજકારણનાં ઘોંઘાટને ચૂપ કરવા માટે એક મક્કમ અવાજ ઉઠાવવો પડશે. કદાચ સરકારે કરદાતાઓ અને કંપનીઓ સાથે વલણ કુમળું રાખ્યું હોત તો કોર્પોરેટ મજૂરો બેરોજગારી અને ઓછા પગારનાં બોજનો ભોગ ન બનત. દેખીતી રીતે ફોર્મલ ઇકોનોમીમાં ઘણું ઇન્ફોર્મલ વણાયેલું છે જેની પરવા સરકારે કરવી જ પડશે.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 મે 2020
 ![]()

