
હેમન્તકુમાર શાહ
ક્રાંતિ અને મૂડીવાદનો વિરોધ તથા સમાજવાદ કે પછી આર્થિક સમાનતાના નહીં સિદ્ધ થયેલા આદર્શને નામે ચીન, રશિયા, પૂર્વ યુરોપ અને દુનિયાના અનેક દેશોમાં જે સામ્યવાદી તાનાશાહી વીસમી સદીમાં ચલાવવામાં આવી અને લાખો લોકોને મારી નાખવામાં આવ્યા કે જેલમાં નાખવામાં આવ્યા એ હકીકતને ડાબેરીઓ કે સામ્યવાદીઓ અવગણે છે.
અમેરિકન કે પશ્ચિમ યુરોપિયન મૂડીવાદનો કે ભારતના મૂડીવાદનો અને હિન્દુ જાતિવાદનો વિરોધ કરવામાં તેઓ સામ્યવાદને નામે આચરાયેલી ભયંકર હિંસા સામે આંખો બંધ કરી દે છે એ આશ્ચર્યજનક છે.
કેટલીક હકીકતો જોઈએ :
(૧) સોવિયેત સંઘમાં ૧૯૨૧થી ૧૯૫૩ દરમ્યાન આઠ લાખ વિરોધીઓને મોતની સજા થઈ હતી, હિટલરે ઊભી કરી હતી તેવી શ્રમ છાવણીઓમાં ૧૩થી ૧૭ લાખ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા, ૩.૯૦ લાખ ખેડૂતોને મારી નાખવામાં આવ્યા હતા. જોસેફ સ્ટાલિન ત્રીસ વર્ષ સુધી સત્તા પર રહી ૧૯૫૩માં મરી ગયા તે પછી તો જે થયું તે જુદું.
(૨) ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિને નામે માઓ ત્સે તુંગ દ્વારા ૧૯૬૬-૬૯ દરમ્યાન ૧૬ લાખ લોકોને મારી નાખવામાં આવ્યા હતા.
(૩) પૂર્વ યુરોપના યુક્રેન, બેલારુસ, લિથુઆનિયા, લાતવિયા, એસ્ટોનિયા, જ્યોર્જિયા, પોલેન્ડ, હંગેરી, ચેકોસ્લોવેકિયા, આઝારબૈજાન, કિર્ઘિસ્તાન, તુર્કમેનિસ્તાન વગેરે જેવા ૧૪ દેશોને રશિયાએ લગભગ ગુલામ બનાવી દીધેલા ૧૯૯૧ સુધી. યુક્રેનને ફરી ગુલામ બનાવવા જ પુતિને યુદ્ધ શરૂ નથી કર્યું?
(૪) હંગેરીમાં ૧૯૫૬માં જ્યારે સામ્યવાદી તાનાશાહી સામે લોકોએ અવાજ ઉઠાવ્યો ત્યારે ત્યાં સોવિયેત લશ્કરે ૨,૫૦૦ લોકોને મારી નાખેલા અને બીજા ૨૦,૦૦૦ લોકો એ સંઘર્ષમાં ઘવાયા હતા. આશરે બે લાખ લોકોને દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું.
(૫) ૧૯૬૮માં ચેકોસ્લોવેકિયામાં પણ સામ્યવાદી તાનાશાહી સામે લોકોએ તદ્દન અહિંસક રીતે અવાજ ઉઠાવ્યો ત્યારે સોવિયેત સંઘે ત્યાં લશ્કર મોકલીને ફરી ચેક લોકોને ગુલામ બનાવી દીધેલા.
હજુ કેટલાં ય ઉદાહરણો, વિગતો આપી શકાય તેમ છે. દુનિયાભરમાં સામ્યવાદી શાસનોમાં આ રીતે આશરે દસ કરોડ લોકોની હત્યા કરવામાં આવી અને લાખો લોકોને જેલમાં નાખવામાં આવ્યા એમ ઘણા તટસ્થ અંદાજો કહે છે.
મૂડીવાદી લોકશાહી માણસોનું શોષણ કરીને આડકતરી રીતે મારે છે એ મંજૂર. પણ સામ્યવાદી તાનાશાહી સીધી જ હત્યાઓ કરે છે એનું શું? એમાં સત્તાધીશો કોઈ વિરોધ સહન કરતા જ નથી એનું શું? ચીનમાં શું થઈ રહ્યું છે છેલ્લી પોણી સદીથી?
ધર્મને નામે ચાલતી રાજાશાહીવાળી તાનાશાહી સુન્ની સાઉદી અરેબિયામાં શું કરી રહી છે? શિયા ઈરાનમાં શું થઈ રહ્યું છે? અફઘાનિસ્તાનની તો વાત જ ન પૂછો!
કોઈ પણ પ્રકારની આવી તાનાશાહીનું સમર્થન કોઈ કાળે થઈ શકે નહીં. અને એની ઈચ્છા પણ રાખી શકાય નહીં. ભારતીય ડાબેરીઓ કે સામ્યવાદીઓએ એ ભૂલવું જોઈએ નહીં કે તેઓ લોકશાહી માર્ગે કેરળ, ત્રિપુરા અને બંગાળમાં સત્તા પર આવ્યા હતા અને ટક્યા હતા. ભારતની મૂડીવાદી લોકશાહીનું એ સામ્યવાદી નજરાણું રહ્યું છે.
નોબેલ સાહિત્ય ઇનામ વિજેતા સોવિયેત લેખક એલેક્ઝાન્ડર સોલ્ઝેનિત્સિનનાં પુસ્તકો વાંચીએ તો સોવિયેત સંઘના નેતાઓની ક્રૂરતા હિટલરની ક્રૂરતા કરતાં સહેજે ઓછી નહોતી એનો સ્વાભાવિક રીતે ખ્યાલ આવે છે.
એક મહાન યુગોસ્લાવ લેખક હતા મિલોવાન જિલાસ. તેમણે સામ્યવાદમાં સામ્યવાદીઓ પોતે જ કેટલા શોષણખોર બની જાય છે એ તેમના વિખ્યાત પુસ્તક ‘The New Class’માં અદ્ભુત રીતે સમજાવ્યું છે. એ વાંચવાની હિંમત ડાબેરીઓએ કરવી જોઈએ.
કહેવાનો અર્થ એ નથી અહીં કે, મૂડીવાદ સામ્યવાદ કરતાં સારો અને ઇચ્છનીય છે. પણ હા, મૂડીવાદી લોકશાહીમાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા રહે છે ખરી કે જે સામ્યવાદી તાનાશાહીમાં હોતી નથી એ સાબિત થઈ ગયેલી હકીકત છે. એટલે અંશે મને મૂડીવાદી લોકશાહી ગમે છે કારણ કે એમાં હું જંતુ નહીં માણસ તરીકે જીવી તો શકું છું અને સરકારનો વિરોધ તો કરી શકું છું. માટે લોકશાહીને બચાવવી એ જ એક ઉપાય છે, સામ્યવાદના મંજીરાં વગાડ્યા વિના. હિંસા, અન્યાય અને ગુલામીનો વિરોધ એ જ એક સૂત્ર. મનુષ્યની સ્વતંત્રતા સર્વોચ્ચ મૂલ્ય.
(મારા કેટલાક મિત્રો *સામ્યવાદી તાનાશાહી* જેવા શબ્દો જ્યારે હું લખું ત્યારે મારી પર રોષે ભરાય છે. તેમણે જ મને આ લખવા માટે પ્રેરણા આપી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. તેઓ હવે મને જોઈને એમનું મોં ફેરવી લે તો ભલે.)
તા.૧૪-૦૬-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર