દુનિયાની સૌથી મોટી ફોટો શેરીંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર લિલ મિક્યુલા નામની મોડેલ-કમ-મ્યુઝીક આર્ટીસ્ટનું એકાઉન્ટ છે. એ બ્રાઝિલિયન છે, ૧૯ વર્ષની છે અને સેક્સી છે. એનો દાવો છે કે તે કેલિફોર્નિયાના ડોવનીમાં રહે છે. ૨૦૧૬માં એ ઇનસ્ટાગ્રામ પર આવી હતી. ૨૦૧૭માં એનું ‘નોટ માઈન’ નામનું પહેલું ગીત આવ્યું હતું. એ પછી એનાં ઘણાં ગીતો લોકપ્રિય થયાં છે. એ નિયમીતપણે મોડેલ્સ, કલાકારો અને સંગીતકારો સાથે એના ફોટા અપડેટ કરે છે. સેલ્ફી પણ મૂકે છે. એ જાણીતી બ્રાંડનાં વસ્ત્રોનું મોડેલીંગ કરે છે. એનું ટ્વીટર અને ફેસબુક એકાઉન્ટ પણ છે. એક ઈ-મેઈલ એડ્રેસ પણ ખરું. ઇન્ટરનેટની દીવાની આજની પેઢીમાં આ લિલી સેક્સ-સિમ્બલ છે. 2022 સુધીમાં એના 30 લાખ ફોલોઅર્સ થયાં છે.
એમાં એક જ મુશ્કેલી છે; લિલ મિક્યુલા નામની કોઈ છોકરી અસ્તિવમાં નથી. આ માત્ર એનો ડિઝીટલ અવતાર છે. મતલબ કે એને કોમ્પ્યુટરના ગર્ભાશયમાં પેદા કરવામાં આવી છે. લિલ મિક્યુલા કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજ (સી.જી.આઈ.) છે. લોસ એન્જીલીસ સ્થિત ‘બ્રુડ’ નામની સ્ટાર્ટઅપ કંપનીએ એનું સર્જન કર્યું છે. આ કંપની આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સમાં કામ કરે છે.
૧૯૯૫માં, ‘ટોય સ્ટોરી’ નામની એક હોલિવૂડ કોમેડી ફિલ્મ આવી હતી. આ ફિલ્મ પહેલી કોમ્પ્યુટર-એનીમેટેડ ફિલ્મ હતી. તે પછી ‘સ્ટાર વોર્સ,’ ‘ટ્રોન’ અને ‘જુરાસિક પાર્ક’માં કોમ્પ્યુટર જનરેટેડ ઈમેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પછી તો આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની ટેકનોલોજીમાં એટલી પ્રગતિ થઇ છે કે માણસ જેવાં મગજવાળા હાલતાં-ચાલતાં રોબોટ અને કોમ્પ્યુટર-પાત્રો બની રહ્યાં છે.
આજથી ૧૦ વર્ષ પહેલાં, કૃત્રિમ બુદ્ધિ(આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ)ની વાતો જોરશોરથી થતી હતી, ત્યારે ઘણાને એ તુક્કા જેવી લગતી હતી. આપણને ભલે હજુ રોબોટથી પનારો પડ્યો ન હોય, પણ ફેસબુક, ગૂગલ, આઈ.બી.એમ. વાટસન અને માઈક્રોસોફ્ટ માણસના બ્રેઈનની જેમ જ આપણી સાથે વર્તી રહ્યાં છે. હવે આર્ટિફિશલ ઇન્ટેલિજન્સમાં માણસની પાંચ ઇન્દ્રિયો – જોવું, સાંભળવું, સુંઘવું અને સ્પર્શ કરવું આવશે.
આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ શું કરી શકશે એનો આ લેખ સાથેનો ફોટોગ્રાફ પુરાવો છે. અહીં દેખતા એક પણ ચહેરા જીવતા લોકોના નથી, ન તો એ કોઈ ફોટોશોપ રમત છે. આ આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની મદદથી તૈયાર કરેલા ફોટા છે. એને ફોટા કહેવાય કે કેમ એ પણ પ્રશ્ન છે, કારણ કે મૂળભૂત રીતે બહુ બધા ન્યુરલ નેટવર્કના સમન્વયથી ઉપજાવી કાઢેલા ચહેરા છે, જે સાચા ચહેરાથી ભિન્ન નથી. મશીનમાં જો ઈમોશન પેદા થાય તો માણસની જેમ આવી રીતે ચહેરામાં વ્યક્ત કરી શકે. આ ટેકનોલોજીથી તમે તમારું સંતાન ભવિષ્યમાં કેવું દેખાશે એ જોઈ શકશો, અને કોઈકને ફોર્જરી કરવી હશે, તો તસ્વીરી પુરાવા પણ ઊભા કરી શકશે.
વાત આટલેથી અટકતી નથી. આર્ટિફિશલ ઇન્ટેલિજન્સ અને બાયોએન્જિનિયરિંગ ક્ષેત્રમાં જે કામ થઇ રહ્યું છે, તેમાં માણસ અને બીજાં જીવોને ‘હેક’ કરવાનું, એમાં ફેરફાર કરવાનું અને નવા સ્વરૂપે તેમને પેદા કરવાનું સંભવ બનશે. પૃથ્વી ઉપર કરોડો વર્ષોથી દરેક પ્રકારનું જીવન ઓર્ગેનિક (કાર્બનિક, સેન્દ્રિય) ક્ષેત્રમાં સીમિત રહ્યું છે. અમીબા હોય, ડાયનાસોર હોય, નાળિયેર હોય, પોટેટો હોય કે મનુષ્ય હોય, તે સૌ જૈવિક પદાર્થોના સંયોજનથી બનેલા છે, અને તેને ઓર્ગેનિક બાયોકેમિસ્ટ્રીના નિયમો લાગુ પડે છે, પણ હવે આ સીમા તોડીને ઓર્ગેનિક અને ઓટોમેટિક પ્રોગ્રામ(રોબોટ)ના સંયોજનથી સાયબોર્ગ (સાઈબરનેટીક જીવ) બનવાનું કામ ચાલી રહ્યું છે.
એમાં એવા પ્રયોગો થઇ રહ્યા છે કે શરીરમાં શું થઇ રહ્યું છે તેની જાણ બાયોનિક સિસ્ટમને થાય. લાખો નેનોરોબોટ્સ અને સેન્સર્સ ઈમ્યુન સિસ્ટમમાં શું થઇ રહ્યું છે તેનું ધ્યાન રાખે. તે કેન્સર કે બીજા રોગોની શરૂઆત નોંધશે અને એને રોકશે. આ સિસ્ટમ તમારા મૂડ, ઈમોશન અને વિચારોનું મોનિટરીંગ કરશે. એનો મતલબ કે બહારની સિસ્ટમ, તમે ખુદને ઓળખો છો, તેના કરતાં વધુ સારી રીતે તમને ઓળખશે. એ સિસ્ટમ ગૂગલ પાસે હોઈ શકે, એમેઝોન પાસે હોઈ શકે અથવા સરકાર પાસે પણ હોઈ શકે.
ગુસ્સો હોય કે પ્રેમ હોય, માનવીય ઈમોશન મૂળભૂત રીતે બાયોકેમિકલ પ્રક્રિયા છે. ડોક્ટર જેમ તાવનું નિદાન કરે છે, તેવી રીતે સિસ્ટમમાં ઈમોશનનું નિદાન પણ થશે. આ એક પ્રકારનું ડેટા-કલેક્શન છે, જે આરોગ્યની સેવા પૂરી પાડવા કામ લાગશે, અને સરકારોને લોકોની મન:સ્થિતિનો પણ તાગ આપશે. ઇતિહાસમાં એક સમયે જમીન સૌથી અગત્યનો રિસોર્સ હતી. એ પછી મશીનો સંપત્તિ બન્યાં. હવે ૨૧મી સદીમાં ડેટા, પેટ્રોલ-ડીઝલની જેમ, કીમતી જણસ બની છે. આ ડેટાની માલિકી કોની હશે, એ સૌથી મોટો પ્રશ્ન હશે. આધાર કાર્ડને લઈને જે લડાઈ થઇ રહી છે, તેમાં કરોડો લોકોની પર્સનલ માહિતીનો જે ડેટા છે, તેની પ્રાઈવસીની ચિંતા છે.
માનવ જીવનની પ્રગતીનો ઇતિહાસ કહે છે કે જે પણ નવી ટેકનોલોજીની શોધ થઇ છે, એના સારા ઉપયોગની સાથે એનો દુરપયોગ પણ થયો જ છે. વીજળી માટેની ન્યુક્લિયર તકનીકમાંથી ખતરનાક બોમ્બ બન્યા, ઝડપથી ઊડીને બીજી જગ્યાએ જવાની વિમાનની ટેકનોલોજીમાંથી બીજા દેશને તહસનહસ કરવાના જેટ બોમ્બર બન્યાં. નવી ટેકનોલોજીના કંટ્રોલનો સવાલ હંમેશાં રહ્યો છે, અને ૨૧મી સદીમાં આર્ટિફિશલ ઇન્ટેલિજન્સની ચેલેન્જ પણ એ જ હશે. જેની પાસે તાકાત હશે, સત્તા હશે એની પાસે તેની માલિકી હશે. તે એનો ઉપયોગ કેવી રીતે કરશે, તે ના તો આપણને ખબર છે કે ન તો આપણને પૂછવા આવશે.
સાયન્સ અને ટેકનોલોજીથી સુવિધાઓ વધે છે, એનો અર્થ એ નથી કે દુનિયા ઉત્તમ બનશે. દુનિયા જોખમી પણ એટલી જ બને છે. બીજા ગ્રહો પર જીવનની શોધખોળ જ એટલે માટે થઇ રહી છે કે, આ પૃથ્વી રસાતાળ જાય (જે અનિવાર્ય જ છે), ત્યારે જેની પાસે ક્ષમતા હોય, એ બિસ્તરા-પોટલાં લઈને બીજે ઘર વસાવે. સાયન્સ અને ટેકનોલોજી માણસને તાકાતવર બનાવે છે, એ ખરું, પણ સવાલ એ છે કે એ પાવરનું કરવું શું? જવાબમાં ઘણા વિકલ્પ છે. માણસ ડાહ્યો થઈને એનો ફાયદો લઇ શકે અને ગાંડો થઈને બધું ખેદાનમેદાન કરી શકે. ઇતિહાસ માણસની મૂર્ખામીથી ભરેલો છે. ૨૧મી સદીમાં અસીમ ટેકનોલોજીકલ રિસોર્સની તાકાત અને માણસની બેવકૂફી ભેગા થાય, તો ભવિષ્ય કેવું હશે એની કલ્પના કરવી અઘરી નથી.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 28 ડિસેમ્બર 2022
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર