
રવીન્દ્ર પારેખ
એવો નિયમ નથી કે ક્રૂડ ઓઇલના ભાવ ઘટે તો ઈંધણના ભાવ વધે, પણ સરકારે જી.એસ.ટી., પેટ્રોલ-ડીઝલમાં ભાવો વધારીને તિજોરી પણ તર કરવાની છે, એટલે ભારતમાં એ નિયમ બદલાયો છે કે ક્રૂડના ભાવ ઘટે, તો પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટે. ભાવો ઘટે છે, પણ ભારતમાં વધે છે. કોરોનાએ કાળો કેર વર્તાવેલો, ત્યારે પેટ્રોલ-ડીઝલની ખપત ઘટી ગયેલી ને ક્રૂડના ભાવ તળિયે ગયેલા, પણ સરકારે એક યા બીજે બહાને ઈંધણના ભાવ ઘટાડ્યા ન હતા. અત્યારે પણ ક્રૂડના ભાવ ચાર વર્ષને તળિયે છે. ગયે અઠવાડિયે બ્રેન્ટ ક્રૂડ 12 ટકા ઘટ્યું હતું, સોમવારે પણ તે 4 ટકા ઘટીને 60 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું હતું, બીજી બાજુએ ટ્રમ્પનું ટેરિફ વોર વૈશ્વિક આર્થિક સ્થિતિને ડામાડોળ કરી રહ્યું છે, ત્યારે ખમી ખાવાને બદલે સરકારે જરા પણ સંકોચ વગર લિટરે, પેટ્રોલ અને ડીઝલ પર 2 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારી છે. અત્યાર સુધી સરકાર લિટરે પેટ્રોલ પર 19.90 અને ડીઝલ પર 15.80 રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વસૂલતી હતી તે હવે અનુક્રમે 21.90 અને 17.80 વસૂલશે. એ પછી બિહાર કે ક્યાંક ચૂંટણી આવતી હોવાનું કોઈકે યાદ અપાવ્યું હશે કે કેમ, પણ સરકારનું હૃદય પરિવર્તન થયું ને તેણે અડધા કલાકમાં જ બીજું નોટિફિકેશન બહાર પાડીને સ્પષ્ટ કર્યું કે 2 રૂપિયાનો આ ભાવ વધારો જનતાએ ભોગવવાનો નથી. તે કંપનીઓ ભોગવશે.
આમ જોવા જઈએ તો દિલ્હીમાં 7 એપ્રિલે પેટ્રોલની મૂળ કિંમત લિટરે 54.84 અને ડીઝલની 57.95 હતી. તેનાં પર ભાડું, એક્સાઈઝ ડ્યૂટી, ડીલરનું કમિશન, વેટ લાગતા પેટ્રોલની કિંમત 94.77 અને ડીઝલની 87.67 (લગભગ ડબલ) થઈ ગઈ. 19 ઓક્ટોબર, 2014થી પેટ્રોલ, ડીઝલના ભાવ ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. અત્યારે તો રાહત છે કે ઇંધણનો ભાવ સીધી અસર નહીં કરે, પણ પ્રજા તેની આડ અસરથી મુક્ત નહીં રહી શકે. કંપની 2 રૂપિયાનો વધારો વેઠશે એવું આશ્વાસન અપાયું છે, પણ કંપની એ વધારો શું કામ વેઠશે, જ્યાં સરકાર પોતે જ ક્રૂડના ભાવ 60 ડોલરથી નીચે હોવા છતાં, ઘટાડવાને બદલે, ભાવ વધારવાની દાનત રાખતી હોય?
ખરેખર તો ક્રૂડમાં 16 ટકાનો ઘટાડો થયો હતો એ સ્થિતિમાં લિટરે 4થી 5 રૂપિયાનો ઘટાડો કરીને સરકાર પ્રજાને રાહત આપી શકી હોત, તેને બદલે તેણે એક્સાઈઝ ડ્યૂટીમાં 2 રૂપિયાનો વધારો કર્યો. એક વસ્તુ સ્પષ્ટ છે કે પ્રજા આ વધારાથી ઝાઝી મુક્ત રહેવાની નથી, કારણ જ્યારે પણ ઈંધણના ભાવ વધશે ત્યારે પેલી વધારેલી એક્સાઈઝ ડ્યૂટી આપોઆપ જ લાગુ થશે. એ ડ્યૂટી ક્યારે ય લાગુ થશે જ નહીં, એવું વચન સરકારે આપ્યું નથી. બીજું એક જોખમ એ છે કે ડોલર સામે રૂપિયો તૂટતો જઈ રહ્યો છે. એ સ્થિતિમાં ક્રૂડના ભાવ ઘટે તો પણ ડોલરમાં તે ખરીદવા વધારે રૂપિયા ચૂકવવા પડે ને એનું પરિણામ ઈંધણના ભાવ વધારામાં જ આવે.
એટલું ઓછું હોય તેમ 7 એપ્રિલે ઘરેલુ રાંધણ ગેસ-એલ.પી.જી.-ના બાટલા પર 50 રૂપિયાનો સીધો જ વધારો સરકારે ઝીંકયો છે. એ સાથે જ CNGમાં કિલોએ 1 રૂપિયાનો વધારો થયો છે. એથી સામાન્ય લોકોનું બજેટ ખોરવાશે, પણ ઉજ્જવલા ગેસ યોજના હેઠળની ગૃહિણીઓ પણ આંચકો ખાશે, કારણ એમને પણ બાટલા પર 50નો વધારો ઝીંકાયો છે. ઉજ્જવલા યોજના હેઠળ જે સિલિન્ડર દિલ્હીમાં 503માં મળતો હતો, તે હવે 553માં મળશે અને ગુજરાતમાં મધ્યમવર્ગને 809માં ગેસનો બાટલો મળતો હતો તે હવે 859માં મળશે. ગેસ સિલિન્ડરને મામલે કદાચ પહેલી વખત એવું બન્યું છે કે ગરીબ તેમ જ મધ્યમવર્ગના લોકો સિલિન્ડર દીઠ એક સાથે 50 રૂપિયાનો માર વેઠશે. એક તરફ વૈશ્વિક આર્થિક સ્થિતિ ડામાડોળ છે, બીજી તરફ મધ્યમવર્ગ અસહ્ય મોંઘવારી વેઠી રહ્યો છે, એમાં 50નો આ વધારો ભક્તજનોને બાદ કરતાં, તમામને અસર કરે એમ બને.
એક્સાઈઝ ડ્યૂટીનો અને ઘરેલુ ગેસમાં વધારાનો કાઁગ્રેસે અને આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો છે. કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધીનું કહેવું છે કે મોંઘવારીથી પીડાતી પ્રજાને ‘સરકારી લૂંટ’ની આ બીજી ભેટ છે. કાઁગ્રેસી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું માનવું છે કે મે, 2014ની સરખામણીમાં ક્રૂડના ભાવ 41 ટકા ઘટ્યા છે, પણ સરકાર ઈંધણના ભાવ ઘટાડવાને બદલે એક્સાઈઝ ડ્યૂટી લિટરે 2 રૂપિયા વધારે છે. એલ.પી.જી. પર 50નો ફટકો ઉજ્જવલાની ગરીબ મહિલાઓને પણ પડ્યો છે. આ લૂંટ, ગેરવસૂલી અને છેતરપિંડી છે.
રાજકોટમાં આપના કાર્યકર્તાઓએ ગેસના બાટલાના પોસ્ટરો સાથે કલેકટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. એ સાથે જ ભાવ વધારો પાછો ખેંચવાની અથવા તો સબસિડી આપવાની માંગ પણ કરી. એનું આશ્ચર્ય જ છે કે ગેસમાં થયેલા ભાવ વધારાની અસર ભા.જ.પ.ની ગૃહિણીઓને નથી, નહિતર કોઈ તો કણસ્યું હોત ! એનો અર્થ એવો નથી કે વિપક્ષોનો, ગેસમાં થયેલ ભાવ વધારાનો વિરોધ નિરર્થક છે. કોઈ વિપક્ષ આ વધારાનો વિરોધ કરે કે વધારો પાછો ખેંચવાનું કહે, તો તે વિપક્ષનો વિરોધ છે, એટલા માત્રથી તેને અવગણી શકાય નહીં. સાચું તો એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસના ભાવ ઘટી રહ્યા છે, એ સ્થિતિમાં ઘરેલુ ગેસ પર 50નો વધારો જરૂરી ન હતો. ઈંધણ-ગેસના ઘટતા જતા ભાવ છતાં, પોતાનું કલેક્શન વધારીને, સરકારે નફાખોર વેપારીનો જ પરિચય આપ્યો છે. સાંસદોના તાજા જ પગાર-ભથ્થાંમાં થયેલ વધારા કે ગ્રાન્ટને કોઈક રીતે તો સરકાર સરભર કરશે ને ! કદાચ આ જ તો છે – વધારા માટે વધારાનું સમર્થન !
એમ લાગે છે કે સરકાર સંદર્ભે પ્રજામાં બે પક્ષ પડી ગયા છે. એક પક્ષ એવો છે જે સરકારની નિત્ય આરતી ઉતારે છે ને બીજો એવો છે જે સરકારની સતત ટીકા જ કર્યે જાય છે. અસત્ય બંનેમાં છે. સત્ય એ બેની વચ્ચે હોય તો હોય ! ભક્તોને એમ લાગે છે કે ક્યાં ય ગરીબી નથી ને બધે વિકાસ જ વિકાસ થઈ રહ્યો છે. એક બચાવ એવો છે કે બેન્કોનું એન.પી.એ. કાઁગ્રેસના સમય કરતાં ઘટ્યું છે. એ સાચું છે, પણ લાખો કરોડની લોન માંડવાળ કરવામાં આવી ને તે રિકવર કરવા બેન્કોએ જાતભાતના ચાર્જ વધાર્યા એ ખરું કે કેમ? ક્યારેક એવી દલીલ પણ થાય છે કે બેન્કો 8થી 8 કામ કરતી થઈ છે, ઝીરો બેલન્સથી ખાતાં ખૂલતાં થયાં છે…
કબૂલ, પણ ભ્રષ્ટતા તમામ ક્ષેત્રે વધી છે એવું, નહીં? સરકારી અધિકારી લાખોની લાંચ લે છે ને એ પકડાય પણ છે, તો તે સ્વીકારવાનું કે કેમ? ઘણી વાર વિરોધ સંદર્ભે એવું કહેવાય છે કે એ તો સરકાર વિરુદ્ધ હવા બનાવવા કહેવાય છે. એવું હોય તો પણ, પેલો અધિકારી લાંચ લેતા પકડાયો તે તો ખરું કે કેમ? દેશમાં ઘણું સારું છે, તેની ના જ નથી, પણ સરકારના જ માણસો ભ્રષ્ટાચાર દ્વારા સરકારના સાહસોને નબળાં પાડે છે તેનું શું? જરૂરી સ્ટાફ, જરૂરી સંસ્થા, જરૂરી સહજ ગતિ આ બધું વિકાસમાં ઉપકારક હોય તો તે કરવાનું ને ! કે સાંસદોને પેન્શન આપવાનું ને અન્યને કેમ ન અપાય એનો દાખલો ગણવાનો?
એ ખરું કે ચૂલો ફૂંકવામાંથી ઘણી ગૃહિણીઓને સરકારે ગેસ પર રોટલી કરતી કરી. ગરીબ સ્ત્રીઓને ઉજ્જવલા યોજના હેઠળ સસ્તામાં ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરાવી રોટલા ટીપતી કરી. એવામાં એક સવારે સરકાર ધડાકો કરે કે એલ.પી.જી. સિલિન્ડર પર 50 વધુ લેવાશે, તો વગર ગેસે જ ક્યાંક ભડકો ઊઠે એવું નહીં?
એ ખરું કે સામાન્ય ઘરોમાં પણ ગાડી આવી ગઈ છે, ક્યાંક તો એકથી વધુ છે, ત્યાં એ લકઝરી હશે ને એ દેશની પ્રગતિને કારણે શક્ય બન્યું એ પણ ખરું, પણ નોકરિયાતને, સ્કૂટર દરેક વખતે લકઝરી નથી. એ જરૂરિયાત છે. સ્કૂટર ખરીદવાની એની તાકાત નથી, એ લોનને કારણે શક્ય બન્યું. આમ તો લોન ભરવાનું એનું ગજું જ નથી, પણ નોકરી દૂર મળી છે ને ત્યાં પહોંચવા સ્કૂટર અનિવાર્ય છે એટલે લેવું પડ્યું છે. એને પેટ્રોલનો ભાવ વધે તો ગળે આવે. એનો અર્થ એવો નથી કે સ્કૂટર છે, એટલે એ ગરીબ નથી. દેશમાં કોઈ ગરીબ જ ન હોત તો કરોડો ગરીબોને મફત અનાજ આપવાની જરૂર જ શી હતી? વિકાસ થયો છે એની ના નથી, પણ 142 કરોડની વસ્તીમાં, સરકાર 81.5 કરોડ ગરીબોનું પેટ પાળે એ ય સમૃદ્ધિ જ ને !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”,11 ઍપ્રિલ 2025