આજે શુક્રવારે હું આ લેખ લખી રહ્યો છું ત્યારે જગતના કુલ ૨૧૨ (યુનોએ માન્યતા નથી આપી એવા દેશોને જોડીને) દેશોમાં કોરોના વાઈરસ ફેલાયેલો છે. અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ ૫૧,૯૪,૨૧૦ છે અને તેમાંથી ૨૭,૭૮,૬૨૪ (૫૫%) કેસ એક્ટિવ છે. આજ સુધીમાં ૩,૩૪,૬૨૧ લોકોનું મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં ૨૪,૧૫,૫૮૬ કેસોનો જીવન કે મૃત્યુના પક્ષે નિકાલ આવી ચૂક્યો છે જેમાંથી સાજા થવાનો દર ૮૬ ટકા છે અને મૃત્યુનો દર ૧૪ ટકા છે. દરેક દેશમાં અને જે તે દેશોના પ્રાંતોમાં પાછો આ દર અલગ અલગ જોવા મળે છે.
છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં રોજના લાખનો વધારો થઈ રહ્યો છે. ૨૦મી મેના રોજ ૧,૦૬,૦૦૦ કેસોનો વધારો થયો હતો અને ૨૧મી તારીખે ૧,૦૭,૦૮૫ કેસોનો વધારો થયો છે. કોરોનાનો ઉપદ્રવ શરૂ થયો એ પછી દિવસે લાખનો દર પહેલીવાર જોવા મળી રહ્યો છે. આનું કારણ એ છે કે હવે કોરોના વિશાળ વસ્તી ધરાવતા વિકાસશીલ દેશોમાં અને ધીરેધીરે ગરીબ દેશોમાં ફેલાઈ રહ્યો છે એટલે ફેલાવાની ઝડપ વધી છે. ૨૦મી તારીખે બ્રાઝીલમાં એક જ દિવસમાં ૨૧ હજાર કેસ ઉમેરાયા હતા.
ભારતમાં આજના દિવસે ૧,૧૮,૨૨૬ કેસ છે જેમાંથી ૬૬,૦૮૯ કેસ (લગભગ ૬૦%) એક્ટિવ છે, ૪૮,૫૫૩ સારા થઈ ગયા છે અને ૩,૫૮૪ લોકો મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક અઠવાડિયાનો કોરોના કેસમાં વૃદ્ધિદર પાંચ હજાર કરતાં વધુ છે. ૨૧મી તારીખે ૬,૧૯૮ કેસનો ઉમેરો થયો હતો. જે કેસનો જીવન કે મૃત્યુના પક્ષે નિકાલ થયો છે અને કેસ બંધ કરવામાં આવ્યા છે એની સંખ્યા ૫૨,૧૩૭ છે જેમાંથી સાજા થયેલા કોરોના દરદીઓનું પ્રમાણ ૯૩ ટકા છે અને મૃત્યુનું પ્રમાણ સાત ટકા છે. આ બાબતે વિશ્વના અનુક્રમે ૮૪ ટકા અને ૧૪ ટકાના પ્રમાણમાં ભારતનો દેખાવ ખૂબ જ સારો કહી શકાય.
જગતમાં કોરોના કેસની કુલ સંખ્યામાં ભારત ૧૧માં સ્થાને છે. ભારતની આગળ જે દસ દેશ છે તેનો ક્રમ આ મુજબ છે : અમેરિકા, રશિયા, બ્રાઝીલ, સ્પેઇન, બ્રિટન, ઇટલી, ફ્રાંસ, જર્મની, તુર્કી અને ઈરાન. પરંતુ કોઈ પણ દેશની ખરી સ્થિતિ તપાસતી વખતે કુલ કેસ કરતાં એક્ટિવ કેસ કેટલા છે તેનું મહત્ત્વ વધુ છે. ભારતમાં આજની તારીખે એક્ટિવ કેસ ૬૬,૦૮૯ છે અને એક્ટિવ કેસની દૃષ્ટિએ જોતા ભારત જગતમાં ચોથા ક્રમે છે. અમેરિકા, રશિયા અને બ્રાઝીલ ભારતની આગળ છે. ભારતની આગળ જે દસ દેશો છે એમાંથી; સ્પેઇન, ઇટલી, ફ્રાંસ, જર્મની અને તુર્કીનો ગ્રાફ કુલ કેસોમાં અને એક્ટિવ કેસોમાં ઊતરતા ક્રમે છે. જો ભારતનો વૃદ્ધિદર આજ જેટલો રહ્યો તો ભારત આવતા એક પખવાડિયામાં કુલ કેસોમાં ચોથા ક્રમે આવી જશે.
કેસોની સંખ્યાનો સૌથી મહત્ત્વનો માપદંડ છે ચકાસણી (કોરોના ટેસ્ટ). ભારતમાં એક અબજ ૩૭ કરોડ ૮૪ લાખની વસ્તી છે જેમાંથી કુલ ૨૬,૧૫,૯૨૦ જણની એટલે કે માત્ર ૦.૨ ટકાની ચકાસણી કરવામાં આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો દર દસ લાખ લોકોએ માત્ર ૧૮૯૮ જણની ચકાસણી કરવામાં આવી છે. જે દેશોમાં પચાસ હજાર કરતાં વધુ કેસ છે એવા ૧૮ દેશોમાં ભારતની નીચે એક માત્ર મેક્સિકો છે જેણે દસ લાખે ૧,૪૪૨ લોકોની ચકાસણી કરી છે અને ભારતની નજીક પણ એક કદમ આગળ પાકિસ્તાન છે જેણે ૧,૯૪૯ લોકોની કોરોના ચકાસણી કરી છે. પાકિસ્તાનનો કોરોનાકેસનો કુલ આંકડો ૪૮,૦૯૧ છે એટલે એ ૧૯મા ક્રમે છે. પચાસ હજારથી વધુ કોરોના કેસ ધરાવતા બીજા મહત્ત્વના દેશોની વાત કરીએ તો અમેરિકાએ દર દસ લાખે ૪૨,૮૪૯ (૪.૨%) જણની, રશિયાએ ૫૧,૯૩૦ (૫.૧%) જણની, સ્પેઈને ૬૪,૯૭૭ (૬.૪%) જણની, બ્રિટને, ૪૩,૬૬૧ (૪.૩%) જણની, ઇટલીએ ૫૨,૪૫૦ (૫.૨%) જણની, ફ્રાંસે ૨૧,૨૧૮ (૨.૧%) જણની અને જર્મનીએ ૪૨,૯૨૪ (૪.૨%) જણની ચકાસણી કરી છે. ૧૮ દેશોમાં ચીન પણ છે, પણ અપેક્ષા મુજબ ચીને આંકડા આપ્યા નથી.
હવે કલ્પના કરો કે ભારતમાં જો યુરોપના દેશોના દરે (એટલે કે ૦.૨ ટકાની જગ્યાએ ૪.૫ ટકાના દરે) ચકાસણી કરવામાં આવે તો કેટલા કેસ નીકળે? એવું બને કે ભારતમાં લાખો કેસ હોય, પણ ચકાસણીના અભાવમાં ધ્યાનમાં ન આવ્યા હોય! શક્ય છે. અહીં ભારતની સરખામણી બ્રાઝીલ સાથે કરવી જોઈએ. બ્રાઝીલની વસ્તી ૨૧ કરોડની છે અને તેનો ચકાસણીનો દર ભારત કરતાં ડબલ કરતાં થોડો ઓછો એટકે કે દસ લાખે ૩,૪૬૨નો છે. આની સામે બ્રાઝીલમાં કુલ કેસની સંખ્યા છે ત્રણ લાખ. એવી પૂરી શક્યતા છે કે ભારત કુલ કેસોમાં અમેરિકા પછી બીજા ક્રમે હોય!
આનો પૂરાવો ભારતનાં રાજ્યોમાંથી મળી રહે છે. મહારાષ્ટ્રની વસ્તી ૧૨ કરોડ ૨૧ લાખની છે અને ૪૧,૬૪૨ કોરોના કેસ છે. મહારાષ્ટ્રે પ્રતિ દસ લાખે ૨,૬૧૯ ટેસ્ટ કર્યા છે. ગુજરાતની વસ્તી છ કરોડ ૮૦ લાખ છે અને કોરોના કેસ ૧૨,૯૧૦ છે. ગુજરાતે પ્રતિ દસ લાખે ૨,૪૪૬ ટેસ્ટ કર્યા છે. તામિલનાડુની વસ્તી સાત કરોડ ૫૬ લાખ છે અને કોરોના કેસની સંખ્યા ૧૩,૯૬૭ છે. તામિલનાડુએ પ્રતિ દસ લાખે ૪,૯૨૧ (૦.૫%) ટેસ્ટ કર્યા છે. ગુજરાત કરતાં ડબલથી વધુ અને મહારાષ્ટ્રના ડબલ કરતાં થોડા ઓછા. હવે કલ્પના કરો કે જો મહારાષ્ટ્ર અને ગુજરાત તામિલનાડુ દરે ટેસ્ટ કરે તો કેટલા કેસ નીકળે? એ દરે યુ.પી., બિહાર અને મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ કરે તો? અને જો ભારતનાં તમામ રાજ્યો સરેરાશ ૦.૨ ટકાની જગ્યાએ યુરોપના ૪.૫ ટકાના દરે ટેસ્ટ કરે તો?
આ ક્યાંક અજ્ઞાનનું સુખ તો નથી જે ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું છે! હવે સમજાઈ ગયું હશે કે પ્રારંભમાં કોરોનાની ઉજવણી કરનારા વડા પ્રધાને ધગધગતા બટાટા રાજ્યોની ઝોળીમાં કેમ ફગાવી દીધાં છે. મેં તો મહિના પહેલા કહ્યું હતું કે આ સુધરાઈનો પ્રશ્ન છે એટલે સુધરાઈને હેન્ડલ કરવા દો. યાદ છે?
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 24 મે 2020