
રમેશ ઓઝા
એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાઈટી(સી.એસ.ડી.એસ.)એ કરેલા ચૂંટણી પહેલાના સર્વેક્ષણનાં પરિણામોએ બતાવી આપ્યું હતું કે દેશની પ્રજાનો મૂડ બદલાઈ રહ્યો છે. આ એવી સંસ્થા છે જેની સામાજિક સંશોધનમાં ખ્યાતિ છે. રજની કોઠારી, ધીરુભાઈ શેઠ, આશિષ નંદી, યોગેન્દ્ર યાદવ જેવા દિગ્ગજ વિદ્વાનો આની સાથે જોડાયેલા હતા અને છે. સર્વેક્ષણમાં બહુમતી લોકોએ કહ્યું હતું કે તેમના માટે સૌથી મોટો સવાલ બેરોજગારી અને મોંઘવારી છે. બહુમતી લોકોએ એમ પણ કહ્યું હતું કે વર્તમાન સરકાર સામાન્ય લોકોના પ્રશ્ને ઓછી સંવેદનશીલ છે. બહુમતી લોકોએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર શ્રીમંતો માટેની સરકાર છે. પચાસ ટકા કરતાં વધુ લોકોએ કહ્યું હતું કે વર્તમાન શાસકોએ દેશની લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરી છે અને તેમને ચૂંટણીપંચની તટસ્થતા પર ભરોસો નથી. પચાસ ટકા કરતાં વધુ લોકોએ કહ્યું હતું કે ભારતમાં મળેલી જી-૨૦ પરિષદ એક ખર્ચાળ તમાશો હતો અને નરેન્દ્ર મોદીએ પોતાની ઈમેજ માટે નાણાંનો વ્યય કર્યો હતો. બીજા કેટલાંક લોકોને તેની જાણ પણ નહોતી. બહુમતી લોકોએ કહ્યું હતું કે તેમને આર્ટીકલ ૩૭૦ વિષે ખાસ જાણકારી નથી. હિંદુ રાષ્ટ્ર, ભારતનું વિશ્વગુરુત્વ, રામ મંદિર આપવામાં આવેલા દસ મુદ્દાઓમાં છેલ્લેથી પહેલા બીજા અને ત્રીજા સ્થાને હતાં.
યાદ કરો, ત્યારે ભારતીય જનતા પક્ષ અને તેના નેતાઓને છોડીને આખા દેશમાં સી.એસ.ડી.એસ.ના સર્વેની ગંભીરતાપૂર્વક ચર્ચા થઈ હતી. એક કારણ એ હતું કે એ સી.એસ.ડી.એસ.નું સર્વેક્ષણ હતું અને બીજું કારણ એ હતું કે એમાં અત્યારે પરિણામોમાં જે જોવા મળ્યું એ બધું જ પ્રતિબિંબિત થતું હતું. આપખુદશાહી, લોકશાહીનું હનન, ગરીબ લોકોને સતાવતા વિકટ પ્રશ્નો વિષે અસંવેદનશીલતા, શ્રીમંતો માટે કામ કરતી સરકાર અને દેખાડો. આ પાંચ ચીજ તો છે જેને કારણે ભા.જ.પ.ને બહુમતી મળી નથી. ઊલટું ભા.જ.પ.ના નેતાઓને એમ લાગતું હતું કે વિપુલ પ્રમાણમાં સાધન સામગ્રી, લગભગ નિષ્પ્રાણ કરી નાખવામાં આવેલા વિરોધ પક્ષો, અનુકૂળ મીડિયા, અનુકૂળ ચૂંટણીપંચ તેમ જ પ્રશાસન અને ઉપરથી રામમંદિર, બસ આટલું પૂરતું છે. હવે કોઈ વાળ પણ વાંકો કરી શકે એમ નથી.
અને પછી મદમાં ને મદમાં જાહેર કરવામાં આવ્યું કે ઇસ બાર ચારસો પાર. વડા પ્રધાને તો લોકસભામાં બોલતા ભારતની પ્રજાને કહી પણ દીધું કે હવે પછી મોટાં પરિવર્તનો માટે તૈયાર રહેજો. બસ, એ પછી ગાડી પાટા પરથી ઉતરવા લાગી. લોકોને લાગ્યું કે જો ત્રણસો પારમાં આ હાલત છે તો ચારસો પારમાં શું થશે! અને મોટાં પરિવર્તન એટલે શું? શું તેઓ બંધારણ બદલશે? શું નવાં બંધારણમાં સવર્ણોની પરંપરાગત સરસાઈ હશે? શું પછાત કોમને આપવામાં આવતી અનામતની જોગવાઈનો અંત આવશે? અનામતની પ્રથા સામેનો સંઘ પરિવારનો વિરોધ જાણીતો છે. સંઘનાં મુખપત્ર ‘પાંચજન્ય’ અને ‘ઓર્ગેનાઈઝર’માં અનામતનો વિરોધ કરનારા અનેક લેખો મળી રહેશે. આ સિવાય નરેન્દ્ર મોદીની સરકારના શાસન વિષે જે પ્રશ્નો હતા એ તો કાયમ હતા જ. એમાં વળી ભા.જ.પ.ને અનુકૂળતા રહે એ રીતે ચૂંટણી પંચે સાત ચરણમાં ચૂંટણી લંબાવી આપી. એક કોળિયો ખાવ, હજમ કરો અને બીજો તૈયાર કરો. બન્યું એવું કે વિરોધ પક્ષોને નેરેટિવ હાથ લાગી ગયું અને ચૂંટણી લંબાતી ગઈ. બંધારણ અને અનામત સિવાય યુવાનોની બેકારી, મોંઘવારી, તુમાખી, અભિમાન, રાજ્યોના અધિકારો અને ફેડરલીઝમ વગેરે મુદ્દાઓ કેન્દ્રમાં આવી ગયા અને રામમંદિર તેમ જ ભારતની મહાનતાના મુદ્દાઓ હાંસિયામાં ધકેલાઈ ગયા.
નેરેટિવને લાગેવળગે છે ત્યાં સુધી ૨૦૧૪ અને ૨૦૧૯માં નરેન્દ્ર મોદી તેને હાઇજેક કરી ગયા હતા. ૨૦૧૪માં સ્વચ્છ શાસન અને વિકાસ અને ૨૦૧૯માં રાષ્ટ્રીય સુરક્ષા, રાષ્ટ્રીય ગૌરવ અને મજબૂત નેતૃત્વ. આ વખતે નરેન્દ્ર મોદી પાસે કોઈ અનોખી વાત કરવાની નહોતી અને ચૂંટણી સાધારણ રીતે હોય છે એવી સામાન્ય બની ગઈ. નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જુવાળ નહોતો તો તેમની તરફેણમાં પણ નહોતો. આ સિવાય લોકોએ ચૂંટણી હાથમાં લઈ લીધી હતી એટલે વિરોધ પક્ષોના સંસાધનોનો અભાવ બાધારૂપ બન્યો નહીં. હા, એટલું નક્કી છે કે જો વિરોધ પક્ષો મજબૂત હોત તો ભા.જ.પ.ની બેઠકોમાં હજુ પચાસ બેઠકોનું નુકસાન થયું હોત. એ પછીથી વડા પ્રધાનનો પ્રચાર દિશાહીન થતો ગયો. ૨૦૧૪નું વરસ બેઠું ત્યારે આવું થશે તેની કલ્પના કોઈએ નહોતી કરી. જાન્યુઆરીમાં અયોધ્યામાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે એમ માનવામાં આવતું હતું કે ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીમાં વિજય વડા પ્રધાનના ખિસ્સામાં હશે. ૩૦૦ કરતાં વધુ બેઠક મળી શકે છે, ઓછી નહીં મળે. અચાનક પાસાં પલટાઈ ગયાં અને પરિણામ બદલાઈ ગયું. મને નથી લાગતું કે નરેન્દ્ર મોદી ત્રીજી મુદ્દત માટે વડા પ્રધાન બની શકશે. પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને તેમણે બનવું પણ ન જોઈએ. નરેન્દ્ર મોદીનો નૈતિક અને રાજકીય પરાજય થયો છે અને તેનો તેમણે સ્વીકાર કરવો જોઈએ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસરંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 09 જૂન 2024