ચાર્લ્સ દ ગોલે કહ્યું હતું કે, ‘તમારા પોતાના લોકો માટેની ચાહના હોય તો એ રાષ્ટ્રભક્તિ કહેવાય અને તમારા સિવાયના બીજા લોકો પ્રત્યે નફરત હોય તો રાષ્ટ્રવાદ કહેવાય.’
કાશ્મીરમાં ભાગલાવાદીઓ દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન કરવાના અને પાકિસ્તાની ઝંડા ફરકાવવાના સમાચાર લગાતાર આવતા રહે છે. એની બહસ પણ, રાબેતા મુજબ, ઉગ્રતાથી થતી રહે છે પરંતુ તામિલનાડુનાં મુખ્યમંત્રી જયલલિતાના બીજીવારના શપથના સમયે મુહૂર્ત સાચવવા માટે રાષ્ટ્રગાનને સંક્ષિપ્તમાં વગાડીને બંધ કરી દેવામાં આવ્યું તેને રાષ્ટ્રવાદની કઈ શ્રેણીમાં મૂકવું તે ઘણાને સમજાયું ન હતું. તેનાથી વિપરીત ગયા સપ્તાહે મુંબઈના એક સિનેમાઘરમાં રાષ્ટ્રગાન વખતે ઊભા નહીં થયેલા એક પરિવારને મારી-ધમકાવીને બહાર કાઢી મૂકવા પાછળના ‘રોષ’માં એ પરિવારનું મુસ્લિમ હોવું કારણ હતું કે રાષ્ટ્રગાનનું ‘ઘોર’ અપમાન કારણભૂત હતું તે સમજવું પણ એટલું અઘરું ન હતું.
દરઅસલ, આપણને દેશભક્તિ અને રાષ્ટ્રવાદ વચ્ચેના અંતરની જ ખબર નથી. યુરોપ જ્યારે રાષ્ટ્રવાદની આગમાં ઝુલસી રહ્યું હતું ત્યારે લેખક જ્યોર્જ ઓરવલે એક નિબંધમાં લખ્યું હતું કે, ‘રાષ્ટ્રવાદની દેશભક્તિ સાથે ભેળસેળ ન કરવી જોઈએ. આ બંને ભિન્ન અને વિરોધી વિચારો છે. દેશભક્તિનો મતલબ એક ચોક્કસ ઇલાકા સાથે, એક ચોક્કસ જીવનશૈલી સાથે છે જે, તમારી દૃષ્ટિએ દુનિયામાં શ્રેષ્ઠ છે પણ તમે બીજી વ્યક્તિ પર થોપતા નથી. બીજી તરફ રાષ્ટ્રવાદનો મતલબ બીજી વ્યક્તિ પર સત્તા જમાવવાનો છે.’ દેશભક્તિમાં બલિદાન, ત્યાગ, કર્મઠતા, આપસી પ્રેમ અને ભાઇચારો, ગરીબ-કમજોરની સેવા, સ્ત્રીઓની ઇજ્જત, ભ્રષ્ટાચાર-દહેજનો ઇન્કાર, જાહેરમાં પેશાબ ન કરવો કે કચરો ન ફેંકવો વગેરે બધું જ અાવે છે. જ્યારે રાષ્ટ્રવાદમાં એ તમામ પ્રતીકાત્મક બાબતો છે જે આપણને દેશની જૂઠી શાન પર (છપ્પન ઇંચ સુધી) છાતી ફુલાવીને બીજી વ્યક્તિના રાષ્ટ્રપ્રેમ પર આંગળી ચીંધવા વિવશ કરે છે.
મારી દેશભક્તિ તારા કરતાં મોટી, આ વિચાર જ દેશભક્તિનો દેખાડો છે. જેવી રીતે કોઈ જવાનને જબરદસ્તીથી સીમા પર દેશની રક્ષા માટે મોકલી ન શકાય તેવી રીતે કોઈને જબરદસ્તીથી દેશભક્ત ન બનાવી શકાય. દેશભક્તિ લશ્કરી અને સાંસ્કૃિતક બંને સંદર્ભમાં રક્ષાત્મક પ્રકૃતિની શ્રેણીમાં આવે છે. જ્યારે રાષ્ટ્રવાદને સત્તાની લાલસાથી અલગ કરી ન શકાય. એટલા માટે જ, એક લોકતંત્રનો પ્રધાનમંત્રી કે તાનાશાહીનો અધિનાયક બંને એકસરખી રીતે રાષ્ટ્રવાદની છાતીઓ ફુલાવે છે. જ્યોર્જ ઓરવેલે એટલા માટે જ લખ્યું હતું ‘સુખ-ચેનનો સૌથી ખતરનાક દુશ્મન રાષ્ટ્રવાદ છે.’ આ ફરકને સમજવાનો બીજો પણ એક રસ્તો છે. તમે દેશની કોઈ બાબત, નીતિ, વ્યવહાર સાથે અસહમત હો, ત્યાં સુધી કે કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તેના માટે દેશની કેટલીક નીતિઓ જવાબદાર છે તેવું તમે માનતા હો અને છતાં ય તમારી દેશભક્તિ રતીભાર ઓછી ન થાય. પરંતુ તમે રાષ્ટ્રવાદી હો તો દેશ જે પણ કરે છે તે તમારા મતે ઉચિત જ હોય. તમારામાં દેશ સાથે અસંમત થવાનો કે વિરોધ કરવાનો વિકલ્પ રહેતો નથી. મતલબ કે, અગર મારો દેશ હંમેશાં સાચો અને ઉચિત હોય અને તમે એની સાથે અસહમત હો તો તમે રાષ્ટ્રદ્રોહી ગણાવ.
મુંબઇના થિયેટરમાં આવું જ થયું. પેલો પરિવાર, કોઈપણ કારણસર, રાષ્ટ્રગાન વખતે ઊભો ન થયો એટલે એમને રાષ્ટ્રવિરોધી ગણીને બહાર તગેડી મુકાયો. સંવિધાનિક ગ્રંથ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજ જેવા રાષ્ટ્રીય આદર્શોનું સન્માન કરવું દરેકની ફરજ છે પરંતુ રાષ્ટ્રગાન ચાલતું હોય ત્યારે ઊભા થવું એ જ એનું સન્માન છે એવું નથી. તેવી જ રીતે, બેઠા રહેવું એ અપમાન કે અપરાધ નથી. પ્રિવેન્શન ઑફ ઇનસલ્ટ ટુ નેશનલ ઓનર એક્ટ, 1971ની ધારામાં એવો કોઈ આદેશ નથી કે રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થવું જોઈએ કે બેઠા રહેવું જોઈએ. 1986માં રાષ્ટ્રગીત નહીં ગાવા બદલ સ્કૂલમાંથી કાઢી મુકાયેલા ઇસાઈ છોકરાના કેસમાં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે આમાં અભિવ્યક્તિની આઝાદી અને ધાર્મિક સ્વતંત્રતાના સંવિધાનિક અધિકારોનો ભંગ થયો છે. ‘અપમાન’ના આવા જ તર્ક સાથે ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મમાંથી રાષ્ટ્રગાનનું દૃશ્ય દૂર કરવા માટે કરણ જોહર સામે થયેલી અપીલને કાઢી નાખતી વખતે મધ્યપ્રદેશ હાઇકોર્ટે કહેલું કે સિનેમા હોલમાં રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે દર્શકોએ ઊભા થવું ફરજિયાત નથી.
પરંતુ અહીં વાત એ નથી કે પેલા પરિવારે મુંબઈના સિનેમા થિયેટરમાં રાષ્ટ્રગીત વાગતું હતું ત્યારે શું કર્યું હતું. એનાથી ય અગત્યની વાત એ છે કે પેલા ઉત્સાહી-ઝનૂની ‘રાષ્ટ્રવાદી’ ટોળાએ શું કર્યું. ‘રાષ્ટ્રગીત વાગતું હોય ત્યારે ઊભા થઈને તમારે તમારો રાષ્ટ્રપ્રેમ સાબિત કરવો પડે અને એમ ન કરો તો તમારે (દેશ કે થિયેટર છોડીને) જતાં રહેવું જોઇએ.’ એવા સ્પષ્ટ સંદેશ સાથે ટોળાએ પેલા પરિવારને માર્યો, ગાળો આપી અને સિનેમામાંથી ઉઠાડી મૂક્યો. આપણી આસપાસ પણ આવા ઝનૂની લોકો ઘણા હોય છે અને એમનું ચાલે તો એ આવા પરિવારને દેશ બહાર (પાકિસ્તાનમાં એમ વાંચો. અધરવાઇઝ, રાષ્ટ્રપ્રેમ પૂરતો સાબિત ન થાય) કાઢી મૂકે.
મુંબઇમાં અત્યારે ફિલ્મની શરૂઆતમાં રાષ્ટ્રગાન કરવામાં આવે છે. અમુક વર્ષો પહેલાં વ્યવસ્થા ઊલટી હતી. ત્યારે ફિલ્મ પૂરી થાય તે પછી ગાન કરવામાં આવતું હતું. આમાં જનતા ગાન માટે રોકાવા કરતાં ઘર ભેગી થવા વધુ ઉત્સાહી રહેતી હતી. એટલે રાષ્ટ્રગાનની પરંપરા જ બંધ કરી દેવામાં આવી. 2003માં નેશનલ યુથ કોંગ્રેસે રાષ્ટ્રવાદની સાબિતી લેવા માટે ફિલ્મની શરૂઆતમાં જ રાષ્ટ્રગાન ચલાવવાનો નુસખો શોધી કાઢ્યો. શક્ય છે કે ‘મર્ડર’, ‘જીસ્મ’, ‘હેટ સ્ટોરી’, ‘બી.એ.પાસ’, ‘મસ્તરામ’ કે ‘ગર્લફ્રેન્ડ’ જેવી ફિલ્મો જોતાં પહેલાં દેશપ્રેમની સાબિતી આપવી જરૂરી હશે.
નાનપણમાં આપણને રાષ્ટ્રગાનનો સૂર કાનમાં પડતાં જ સહસા ટટ્ટાર ઊભા થઈ જવાનું અને ફેફસાંમાં હવા ભરીને મુઠ્ઠીઓ ભીંસી દેવાનું શિખવાડાયું હતું. અે ભીંસેલી મુઠ્ઠીઓની છાપ એટલી ગહેરી હતી કે આજે પણ રાષ્ટ્રગાનનો શબ્દ કાનમાં વાગે તે સાથે જ એ ઝનૂન આપણને ઘેરી વળે છે. પરંતુ બચપણનું એ ભોળપણ એટલું મજબૂત રહ્યું નથી એટલે, ક્યારેક સવાલો પણ થાય છે: રાષ્ટ્રગાન માટે ઊભા થઈ જવાથી શું ફર્ક આવી જશે? શું આપણે ઓછા બેઇમાન અને ઓછા લંપટ બની જઈશું? આપણે સ્ત્રીઓની ઇજ્જત કરતા શીખી જઈશું? આપણે એસ.ટી. બસની રેક્ઝિનની સીટ પર બ્લેડ ચલાવવાની મસ્તી બંધ કરી દઈશું? બસ-ટ્રેનમાં વગર ટિકિટે ઘૂસ મારવાનું બંધ કરી દઈશું? રાષ્ટ્રપ્રેમનો આ નકલી દેખાડો શા માટે અને કોના માટે? આપણને ગલીના આંધળા-બહેરા કે ઘરના બુઝુર્ગ સાથે તમીજથી વાત કરતા આવડતું નથી તો પછી રાષ્ટ્રગાનના નકલી સન્માનમાં છાતી ફુલાવીને ઊભા થઈ જવાનો શું મતલબ?
કેટલાક લોકો એમની ઉગ્ર રાષ્ટ્રવાદી અભિવ્યક્તિના વિરોધમાં હોય એવા લોકોને બર્દાસ્ત કરી શકતા નથી. તમે રાષ્ટ્રગાન વાગતું હોય અને બધા છાતી ફુલાવીને ઊભા હોય ત્યારે બેસી રહેવાની ગુસ્તાખી કરી જોજો. દેશમાં આ પ્રકારના ઉગ્ર રાષ્ટ્રવાદને જાણી કરીને વધારવામાં આવી રહ્યો છે. યુદ્ધનાં શૌર્ય ગીત, રાજાઓનાં યશોગાન વગેરે લોકતાંત્રિક વાતાવરણ માટે ઉચિત નથી. રાષ્ટ્રગાનના રચયિતા ખુદ રવીન્દ્રનાથ ટાગોર માનતા હતા કે રાષ્ટ્રવાદ અેક સીમા સુધી જ જાયજ છે. 1917માં ‘નેશનાલિઝમ ઇન ઇન્ડિયા’ નામના નિબંધમાં ટાગોરે સાફ લખ્યું હતું કે રાષ્ટ્રવાદનો રાજનૈતિક અને આર્થિક સંગઠનાત્મક આધાર માત્ર ઉત્પાદનમાં વૃદ્ધિ અને માનવીય શ્રમની બચત કરીને અધિક સંપન્નતા પ્રાપ્ત કરવાના મશીની પ્રયાસ સુધીનો જ છે. એના બદલે એનો ઉપયોગ આર્થિક અને રાજકીય શક્તિ વધારવામાં થયો છે.
શક્તિમાં વૃદ્ધિની આ સંકલ્પનાથી રાષ્ટ્રોમાં પારસ્પરિક દ્વેષ, ઘૃણા અને ભયનું વાતાવરણ પેદા થયું છે. ટાગોરે લખેલું, ‘આ જીવન સાથે સીધો ખિલવાડ છે. કારણ કે રાષ્ટ્રવાદની આ શક્તિનો પ્રયોગ બાહ્ય સંબંધોની સાથે સાથે રાષ્ટ્રની આંતરિક સ્થિતિને નિયંત્રિત કરવામાં પણ થાય છે. પરિણામ સ્વરૂપ સમાજ તથા વ્યક્તિના નિજી જીવન પર રાષ્ટ્રવાદ છવાઈ જાય છે અને એક ભયંકર નિયંત્રણકારી સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે.’ આપણા દેશમાં ફરજ પાડવી, પ્રતિબંધ લગાવવો વગેરે એક રીતે લોકોમાં ભયનું કારણ બને છે. લોકતંત્ર માટે તો આ બિલકુલ ઉચિત નથી પરંતુ આપણી બિરાદરી-ભાવના માટે બહુ અનુકૂળ છે.
રાષ્ટ્રવાદ આમ પણ કબીલાઈ ભાવના છે જેનો ઉદ્દેશ કબીલા, બિરાદરી, સમુદાય અને જૂથવાદની રક્ષાપૂર્તિ માટે, સ્વાર્થપૂર્તિ માટે થતો રહ્યો છે. રાષ્ટ્રવાદ સમાવેશી ઓછા અને વિશિષ્ટતા (એક્ઝ્લુસિવિટી)નો ગુણ વધુ રહ્યો છે. ફ્રાન્સના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ચાર્લ્સ દ ગોલે કહ્યું હતું કે, ‘તમારા પોતાના લોકો માટેની ચાહના હોય તો એ રાષ્ટ્રભક્તિ કહેવાય અને તમારા સિવાયના બીજા લોકો પ્રત્યે નફરત હોય તો રાષ્ટ્રવાદ કહેવાય.’
મુંબઇના સિનેમાઘરમાં રાષ્ટ્રગાન વખતે ઊભા ન થનાર પરિવારની જે મારકૂટ થઇ હતી તેમાં ચાહના હતી કે નફરત?
e.mail : rj.goswami007@gmail.com
http://www.divyabhaskar.co.in/news/MAG-breaking-news-by-raj-goswami-in-sunday-bhaskar-5193459-NOR.html