ગવર્નર વિલિયમ હોર્નબીના નામના બે રસ્તા
પુસ્તકપ્રેમી અંગ્રેજની ગોરાઓ માટેની દુકાન ઇવાન્સ ફ્રેઝર
જ્યારે બ્રિટિશ વીમા કંપનીઓ અંગ્રેજોનો વીમો ન ઉતારતી
સપનામાં આવી ત્રણ દેવી અને બંધાયું મહાલક્ષ્મીનું મંદિર
સંસ્કૃતમાં કહ્યું છે કે જે ચાલે છે તેનું નસીબ પણ ચાલે છે. એટલે મુંબઈ મ્યુનિસિપાલિટીના મકાનથી આજે આગળ ચાલીએ. અગાઉ ક્યારેક ‘રોડ’ને બદલે ‘રો’ (Row) શબ્દ પણ વપરાતો. બંનેનો અર્થ તો એક જ, રસ્તો, માર્ગ. ટ્રેનના ડબ્બા જેમ કપાય અને જોડાય, તેમ રસ્તાઓ પણ ક્યારેક કપાતા હોય છે, તો ક્યારેક જોડાતા હોય છે. મૂળ તો બોરી બંદરથી ચર્ચ ગેટ સ્ટ્રીટ સુધીના રસ્તાને જ હોર્નબી રો નામ અપાયેલું. બોરી બંદરથી ક્રાફર્ડ માર્કિટ સુધીના રસ્તાનું નામ હતું ‘માર્કેટ રોડ’. પણ પછીથી ક્રાફર્ડ માર્કેટથી ચર્ચ ગેટ સ્ટ્રીટ સુધીનો આખો રસ્તો હોર્નબી રો તરીકે ઓળખાયો. ‘રો’ શબ્દ ઓછો જાણીતો, એટલે એને બદલે પછી ‘રોડ’ શબ્દ પ્રચલિત થયો. આ વાત મ્યુનિસિપલ કમિશ્નર પી.આર. કેડલના ધ્યાનમાં આવી અને તેમણે ભૂલ સુધારવાનો પ્રયત્ન કર્યો. પણ તેમાં તેમણે સફળતા મળી નહિ. આજે હવે ક્રાફર્ડ માર્કેટથી ફ્લોરા ફાઉન્ટન સુધીનો આખો રસ્તો ડો. દાદાભાઈ નવરોજી રોડ તરીકે ઓળખાય છે.
મુંબઈના ગવર્નર વિલિયમ હોર્નબી
કંપની સરકારે આ રસ્તાનું નામ જેના પરથી પાડેલું તે વિલિયમ હોર્નબી મુંબઈના ૨૩મા ગવર્નર. આજથી બરાબર ૨૫૦ વરસ પહેલાં, ૧૭૭૧ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે તેઓ મુંબઈના ગવર્નર બનેલા. પૂરાં ૧૩ વરસ સુધી એ હોદ્દા પર રહીને ૧૭૮૪ના જાન્યુઆરીની ૧૩મીએ નિવૃત્ત થયા પછી સ્વદેશ ગયા. તેમના જીવન વિષે ભાગ્યે જ કશી માહિતી મળે છે. જન્મનું તો વરસ પણ નથી મળતું. અવસાન થયેલું ૧૮૦૩માં એટલું જાણવા મળે છે. શરૂઆતમાં મુંબઈના ગવર્નરો બોમ્બે ગ્રીન ખાતેના ‘ગવર્ન્મેન્ટ હાઉસ’માં રહેતા. પછી એ જગ્યા નાની પડવાથી પરેલ ખાતે નવું ગવર્નર હાઉસ બંધાયું. હોર્નબી તેમાં રહેવા જનારા પહેલા ગવર્નર. એ મકાન એમને એટલું તો ગમી ગયું હતું કે સ્વદેશ પાછા ગયા પછી સરકારે આપેલી જમીન પર તેમણે પરેલના મકાન જેવું જ મકાન ૧૭૯૦માં ૧૨ હજાર પાઉન્ડને ખર્ચે બંધાવ્યું હતું!
ગવર્નર્સ હાઉસ, પરેલ
‘પરેલ’ તે તો અંગ્રેજો દ્વારા અપાયેલું નામ. મૂળ નામ ‘પરળ’ જે આજે પણ મરાઠીમાં વપરાય છે. અને આ પરળ નામ પડ્યું ત્યાં આવેલા પરળી વૈજનાથ મહાદેવના મંદિર પરથી. એ મંદિર ક્યારે બંધાયું, કોણે બાંધ્યું, એ તો જાણવા મળતું નથી. પણ મુંબઈ અને તેની આસપાસનો પ્રદેશ પોર્ટુગીઝોના હાથમાં આવ્યા પછી તેમણે ઘણાં મંદિરોનો નાશ કર્યો તેમાં આ પરળી વૈજનાથ મહાદેવ મંદિરનો પણ સમાવેશ થતો હતો. એટલું જ નહિ, એ જગ્યાએ તેમણે પછી ખ્રિસ્તી દેવાલય અને તેના પાદરીઓને રહેવા માટેનો મઠ બાંધ્યો. આ ક્યારે બન્યું એની ચોક્કસ માહિતી તો મળતી નથી, પણ ઈ.સ. ૧૫૯૬ અને ૧૬૯૩ની વચમાં ક્યારેક આમ બન્યું. પોર્ટુગીઝો ગયા અને અંગ્રેજો આવ્યા ત્યારે મુંબઇના રજિસ્ટ્રાર એ જગ્યાએ રહેવા લાગ્યા. ૧૮૬૫માં મુંબઈનો કિલ્લો તોડી પાડ્યો તે પછી મુંબઈના ગવર્નરનું રહેઠાણ અહીં ખસેડાયું. એ વખતે પરેલ કે પરળની ગણના મુંબઈના ‘પોષ’ વિસ્તારોમાં થતી હતી. પણ પછી ધીમે ધીમે અહીં નાના-મોટા ઉદ્યોગો શરૂ થતા ગયા. એટલે ગવર્નર સર રિચાર્ડ ટેમ્પલ આ જગ્યા છોડીને મલબાર હિલ રહેવા ગયા. પણ ત્યારે ય ગવર્નરનું સત્તાવાર રહેઠાણ તો પરળમાં જ હતું. પણ ૧૮૮૩માં લેડી ફર્ગ્યુસન(મુંબઈના ગવર્નર સર જેમ્સ ફર્ગ્યુસનનાં બીજાં પત્ની)નું કોલેરાને કારણે અહીં મૃત્યુ થતાં ગવર્નરનું રહેઠાણ મલબાર હિલ ખસેડાયું, જે આજે રાજભવન તરીકે ઓળખાય છે. ૧૯મી સદીનાં છેલ્લાં વર્ષોમાં મુંબઈમાં ભયંકર પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે લગભગ રાતોરાત તેની રસી શોધી કાઢનાર ડો. હાફકિનને ૧૮૯૯માં સરકારે આ જગ્યા પ્રયોગશાળા માટે સોંપી દીધી. આજે પણ ત્યાં હાફકીન ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે.
પણ આપણે તો ક્યાંના ક્યાં નીકળી ગયા! ફરતા હતા કોટ વિસ્તારના હોર્નબી રો પર, પણ હોર્નબીની આંગળી પકડીને પહોંચી ગયા છેક પરેલ! સોરી, પરળ! પણ હવે પાછા જતાં રસ્તામાં હોર્નબીના નામ સાથે સંકળાયેલી બીજી એક જગ્યા રસ્તામાં આવે છે ત્યાં પણ જતા જઈએ. એનું નામ હોર્નબી વેલાર્ડ. વેલાર્ડ એટલે પાળ, નાનો બંધ. આપણે જાણીએ છીએ કે મૂળ તો મુંબઈ સાત ટાપુઓમાં વહેંચાયેલું હતું અને એ સાતે દરિયાના પાણીથી અલગ અલગ હતા. વરલીની ખાડીનું પાણી ભરતી વખતે ઠેઠ પાયધુની સુધી પહોંચતું. આ પાણીને રોકવા માટે ગવર્નર હોર્નબીએ ૧૭૮૨માં દરિયા આડે પાળ કે નાનો બંધ બાંધવાની યોજના ઘડી. દૂર દૂરથી મોટા પથરા હોડીઓમાં ભરીને અહીં ઠલવાવા લાગ્યા. દિવસ દરમ્યાન રોજ થોડું થોડું કામ આગળ વધે. પણ રાત પડે ને એ કરેલું કામ ધોવાઈ જાય! જે બ્રિટિશ ઈજનેરો કામ કરતા હતા તે વિમાસણમાં પડી ગયા કે આમ કેમ થાય છે?
મહાલક્ષ્મી મંદિર, ૧૮૫૫માં
અને આ સવાલનો જવાબ મળે છે એક દંતકથામાંથી. આ બંધ બાંધવાના કામમાં જોડાયેલા એક એન્જિનિયર તે રામજી શિવજી પ્રભુ. એક રાતે તેમને ત્રણ દેવીઓએ સપનામાં દર્શન દીધાં અને કહ્યું કે જ્યાં તમારું આ કામ ચાલે છે ત્યાં, નીચે દરિયામાં અમારું રહેઠાણ છે એટલે તમારો આ બંધ ક્યારે ય બાંધી શકાશે નહિ. ત્યારે એ રામજીએ દેવીઓને વિનવ્યાં કે કૈંક તો રસ્તો હશે, કૈંક તો ઉપાય હશે. દેવીઓએ કહ્યું કે હા, એક ઉપાય છે. અમને દરિયામાંથી બહાર કાઢીને નજીકની ટેકરી ઉપર અમારી સ્થાપના કરી મંદિર બંધાવો તો તમારું કામ થાય. પણ પથ્થરની ભારેખમ ત્રણ-ત્રણ મૂર્તિઓને દરિયામાંથી બહાર કાઢવી શી રીતે? છતાં રામજીએ એક નુસખો અજમાવ્યો. નજીકના માછીમારો પાસેથી મોટી જાળ લઈને દરિયામાં નાખી. અને સૌના આશ્ચર્ય વચ્ચે ત્રણે મૂર્તિઓ જાળમાં આવી ગઈ હતી. આ ત્રણ દેવીઓ તે મહાલક્ષ્મી, મહાકાળી, અને મહાસરસ્વતી. રામજી તો રાજીનો રેડ. સરકારને જણાવ્યું કે હવે આ બંધ બાંધવાનું કામ પૂરું કરવાની હું ખાતરી આપું છું, પણ એક શરતે : બાજુની ટેકરી પર મને એક મંદિર બાંધવા દેવું. અને એ બાંધવા માટેની ટેકરી પરની જગ્યા સરકારે મને આપવી. સરકારે આ દરખાસ્ત સ્વીકારી અને જોતજોતામાં બંધ બાંધવાનું કામ પૂરું થઈ ગયું! પછી રામજીએ પેલી ટેકરી પર ૮૦ હજાર રૂપિયાના ખર્ચે મંદિર બંધાવીને તેમાં પેલી ત્રણે મૂર્તિઓની સ્થાપના કરી. આ મંદિર તે મહાલક્ષ્મીનું મંદિર.
પણ આ ત્રણ મૂર્તિઓ દરિયામાં ગઈ કઈ રીતે? તો કહે છે કે જ્યારે મૂર્તિભંજક વિધર્મીઓએ મુંબઈ પર આક્રમણ કર્યું ત્યારે તેઓ આ મૂર્તિને ભાંગી ન નાખે તેટલા ખાતર પૂજારીએ તેને દરિયામાં પધરાવી દીધી હતી. બાંધકામમાં ઢીલ થવાને કારણે બંધનો ખરચ ધાર્યાં કરતાં ઘણો વધી ગયો, અને લંડનમાં બેઠેલા કંપની સરકારના હાકેમોની મંજૂરી લીધા વગર જ ગવર્નર હોર્નબીએ આ કામ પૂરું કરાવેલું. વધારાના ખરચના સમાચાર જ્યારે લંડન પહોંચ્યા ત્યારે કંપની સરકારના ડિરેકટરોએ પરવાનગી વગર વધારે ખર્ચ કરવા માટે ઠપકો આપ્યો. આ પાળને અડીને જે રસ્તો બંધાયો તે બન્યો હોર્ન્બી વેલાર્ડ. તેનું આજનું નામ લાલા લાજપતરાય માર્ગ.
હોર્નબીસાહેબની આંગળી પકડીને ચાલો, પાછા જઈએ હોર્નબી રો. વી.ટી.થી ફાઉન્ટન. આજે તો ઓફિસો, દુકાનો, વાહનોથી ભરચક રસ્તો. પણ એક જમાનામાં શાંત, સુંદર રસ્તો. એ રસ્તા પરના બે સ્ટોર ખૂબ જાણીતા. જો કે મારા-તમારા જેવા ‘દેશી’ઓ તો બહાર ફૂટપાથ પર ઊભા રહીને અંદર ડોકિયાં કરીને જ સંતોષ માની લે. આજની ભાષામાં જેને ડિપાર્ટમેન્ટલ સ્ટોર કહીએ તેવી આ મોટી દુકાનો. મોટે ભાગે ગોરાઓ જ તેમાં ખરીદી કરવા જાય. એકનું નામ ઇવાન્સ ફ્રેઝર. આજથી લગભગ સો વરસ પહેલાં ઇવાન્સ ફ્રેઝરે પોતાનો આ સ્ટોર શરૂ કરેલો. મુંબઈ રહેતા કે તેની મુલાકાતે આવતા અંગ્રેજોની નાની-મોટી બધી જરૂરિયાતોની અસલ બ્રિટિશ ચીજો અહીં વેચાતી. હોર્નબી રો પર આવેલા ફોર્ટ હાઉસમાં આ સ્ટોર હતો. આઝાદી પછી ત્યાં હેન્ડલૂમ હાઉસ આવ્યું જે પણ એટલું જ જાણીતું થયું. પણ પછી આખું મકાન આગમાં બળીને ખાખ થઈ ગયું. આ ઇવાન્સ ફ્રેઝર પાછા હતા જબરા પુસ્તકપ્રેમી. હિન્દુસ્તાનનાં પશુ-પક્ષી, વનસ્પતિ, મુંબઈનો ઇતિહાસ, વગેરેને લગતાં પુસ્તકોનો ખજાનો તેમની પાસે. પોતે પણ પુસ્તકો લખેલાં. ૧૯૨૫માં મુંબઈ કાયમ માટે છોડીને સ્વદેશ જતાં પહેલાં તેમણે પોતાનો આ ખજાનો બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીને સોંપી દીધો હતો.
હોર્નબી રોડ પરનો સ્ટોર ઇવાન્સ ફ્રેઝર
ઇવાન્સ ફ્રેઝરથી થોડે દૂર, રસ્તાની સામી બાજુએ વ્હાઈટ વે લડલોનો મોટો સ્ટોર. મોટા મોટા પારદર્શક કાચ મઢેલા તેમાંથી અંદર નજર કરો તો જાતભાતની વસ્તુઓ દેખાય. આપણી ઘણી નાની દુકાનોમાં પહેલાં એક બોર્ડ મારેલું જોવા મળતું: ‘આજે રોકડા ને ઉધાર કાલે.’ આ વ્હાઈટવેની પણ એ જ નીતિ હતી. ગમે તેવા ચમરબંધીની પણ ઉધારી નહિ રાખવાની. ૧૮૮૨મા તેની સ્થાપના બે સ્કોટીશ વેપારીએ કલકત્તામાં કરી હતી. પછી મુંબઈ ઉપરાંત મદ્રાસ, લાહોર, શિમલા, અને કોલંબોમાં પણ શાખા શરૂ કરેલી. જો કે આ સ્ટોર ‘મધ્યમ વર્ગ’નાં અંગ્રેજો માટે હતો. પૈસાદાર અંગ્રેજો ખરીદી માટે કાં ઇવાન્સ ફ્રેઝરમાં જતા કે પછી કાળા ઘોડા પાસે આવેલા આર્મી એન્ડ નેવી સ્ટોરમાં જતા. આઝાદી પછી આ સ્ટોર પણ બંધ થઈ ગયો અને તેની જગ્યાએ આવ્યો ખાદી ગ્રામોદ્યોગ ભંડાર. શરૂઆતમાં તેનું ઘણું આકર્ષણ મુંબઈગરાઓને અને સહેલાણીઓને રહેલું, પણ પછી ધીમે ધીમે એ આકર્ષણ ઘસાતું ગયું.
હોર્નબી રોડને નાકે આવેલું જૂનું ઓરિએન્ટલ બિલ્ડિંગ
હોર્નબી રોડ અને એસ્પ્લનેડ રોડના નાકા પર ત્રિકોણ આકારનું મૂળ ઓરિયેન્ટલ બિલ્ડિંગ તો નાનું હતું. પછી તેની જગ્યાએ મોટું મકાન બંધાયું જે આજે પણ ઊભું છે. મૂળ નાનું મકાન કેથિડ્રલ સ્કૂલ માટે બંધાયેલું. પછી એ મકાન ઓરિયેન્ટલ લાઈફ ઇન્સ્યુરન્સ કંપનીએ ખરીદી લીધું. ૧૮૯૮માં એ જમાનાના ખૂબ જાણીતા ડિઝાઈનર એફ.ડબલ્યુ. સ્ટિવન્સ દ્વારા તૈયાર થયેલું મોટું મકાન બંધાયું. એ વખતે હિન્દુસ્તાનમાં બ્રિટિશ વીમા કંપનીઓ હતી પણ નોકરી કે વ્યવસાય માટે હિન્દુસ્તાન આવતા અંગ્રેજોનો વીમો ઉતારવાનું આ કંપનીઓ ટાળતી કારણ એ વખતે બ્રિટન કરતાં હિન્દુસ્તાનમાં મૃત્યુ-દર ઘણો ઊંચો હતો. એટલે બિપિન બિહારી દાસગુપ્તા નામના બંગાળીએ ૧૮૧૮માં કલકત્તામાં ઓરિયેન્ટલ શરૂ કરી. એ મુખ્યત્ત્વે અંગ્રેજોનો જ વીમો ઉતારતી. ‘દેશી’ઓનો વીમો ઉતારવાનું બને ત્યાં સુધી ટાળતી. અને જો ઉતારે તો તેમની પાસેથી અંગ્રેજો કરતાં વધુ પ્રિમિયમ વસૂલતી! ૧૯૫૬ના જાન્યુઆરીની ૧૯મી તારીખે ભારત સરકારે વટહુકમ બહાર પાડીને બધી જીવન વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે આ કંપની અને તેનું આ મકાન પણ સરકારી માલિકીનાં બન્યાં. અને હા, સરકારી કે ખાનગી, કોઈ વીમા કંપની આપણા આ મુંબઈ ભ્રમણનો વીમો ઉતારવા તૈયાર ન થાય. કારણ આપણે ક્યાંથી ક્યાં, કઈ રીતે, ક્યારે ફરવા નીકળીએ એનો કોઈ ભરોસો નહિ. ‘હું તો બસ ફરવા આવ્યો છુ’ એમ કવિતામાં કહેવાય, વીમા કંપનીને ન કહેવાય.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 06 માર્ચ 2021