Opinion Magazine
Number of visits: 9449274
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—83

દીપક મહેતા|Opinion - Opinion|13 February 2021

નામ ગયાં, પણ રસ્તા રહ્યા : એસપ્લનેડ અને કોલાબા કોઝવે

જ્યારે રાતોરાત અંગ્રેજોનાં પૂતળાં શહેરમાંથી ખસેડવા પડ્યાં

મુંબઈની જૂનામાં જૂની હોસ્પિટલ કોલાબામાં આજે ય અડીખમ

સાવ અજાણી વાટે મારે આગળ જાવું છે,
પથ્થરમાં પણ ફૂલ ખીલવવા પાણી પાવું છે.

મનસ્વી પ્રાંતિજવાળાનું આ ગાયન આજે કેમ યાદ આવી ગયું? કારણ આજે આપણે મુંબઈના અજાણ્યા રસ્તાઓ પર અહીં-તહીં, ઈકડે-તિકડે, ઇધર-ઉધર, ફરવું છે. ના, આજના નહિ, સોએક વરસ પહેલાંના રસ્તાઓ પર. આપણી અ રખડપટ્ટીની શરૂઆત ક્યાંથી કરશું? ચાલો, પહેલાં જઈએ એસપ્લનેડ રોડ. એ જમાનામાં મુંબઈના ઘણા રસ્તાને કોઈ ને કોઈ બ્રિટિશ ગવર્નરનાં નામ અપાતાં. અને એસપ્લનેડ નામ પણ કોઈ ગવર્નરનું હોય એવું લાગે છે, નહિ? પણ મુંબઈના ગવર્નરોનાં નામની યાદી બે વાર ઉથલાવી જાવ, આવા નામનો કોઈ ગવર્નર નહિ મળે. આવા નામનો બીજો કોઈ અંગ્રેજ અધિકારી પણ મુંબઈમાં ક્યારે ય નહોતો. તો? દરિયો, નદી, કે મોટા તળાવને કાંઠે બાંધેલા રસ્તાને અંગ્રેજીમાં એસપ્લનેડ કહેવાય છે. તેને માટેનો બીજો શબ્દ પ્રોમોનેડ. મૂળ તો કાંઠા પર લોકો ચાલી શકે એવી પગદંડી કે કાચા રસ્તા માટે આ નામ વપરાતું. પછી વાહનોનો વપરાશ વધ્યો તેમ તેને માટે પાકા રસ્તા બંધાવા લાગ્યા. આવા રસ્તા પણ જો કિનારા પર હોય તો તે કહેવાય એસપ્લનેડ. મુંબઈ ઉપરાંત આપણા દેશમાં કલકત્તા, મદ્રાસ, કોચી, પોન્ડિચરી, ભુવનેશ્વર, વગેરે શહેરોમાં પણ એસપ્લનેડ છે. દુનિયાના બીજા ઘણા દેશોમાં પણ છે. 

એસપ્લનેડ રોડ

મુંબઈનો એસપ્લનેડ રોડ ધોબી તળાવની પાળ નજીકથી શરૂ થતો અને છેક કોલાબા કોઝવે સુધી લંબાતો. હા જી, આજનો માહાત્મા ગાંધી રોડ તે જ આ એસપ્લનેડ રોડ. એક જમાનામાં આ રોડના ઘણા ભાગોની નજીક દરિયો હતો એટલે એ રોડ બન્યો એસપ્લનેડ. ધોબી તળાવથી આગળ ચાલીએ તો સૌથી પહેલાં આવે બંને બાજુ બે મોટાં મેદાન. આજનું આઝાદ મેદાન અને ક્રોસ મેદાન. આઝાદ મેદાન નામ તો ૧૯૪૭ પછી પડ્યું. પહેલાં તે કેમ્પનું મેદાન તરીકે ઓળખાતું, કારણ તેનો ઉપયોગ મોટે ભાગે નજીકના કેમ્પમાંના સૈનિકો કવાયત માટે કરતા. ‘દેશી’ લોકો તેને કાંપનું મેદાન કહેતા. એ જ રસ્તે આગળ જતાં બ્રિટનનાં મહારાણી ક્વીન વિક્ટોરિયાનું ખૂબ સુંદર આરસનું પૂતળું આવતું. વડોદરાના ગાયકવાડે ૧૮૭૨માં આ પૂતળું મુંબઈ શહેરને ભેટ આપ્યું હતું. એલ્ફિન્સ્ટન કોલેજ અને મુંબઈ યુનિવર્સિટીનાં મકાન પણ આ જ રસ્તા પર આવેલાં છે. જ્યાં એસપ્લનેડ રોડ પૂરો થતો અને કોલાબા કોઝવે શરૂ થતો તેની પહેલાં કાળા રંગના ઘોડા પર બેઠેલા પ્રિન્સ ઓફ વેલ્સનું પૂતળું મૂકાયેલું. તેના પરથી લોકો એ વિસ્તારને ‘કાળા ઘોડા’ તરીકે ઓળખતા, આજે પણ ઓળખે છે. દર વર્ષે કાળા ઘોડા ફેસ્ટિવલ પણ એ જગ્યાએ યોજાય છે. એ પૂતળાની લગભગ સામે પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ. એસપ્લનેડ રોડના નાકા પર રોયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સનું અર્ધ ગોળાકાર મકાન. તેને ભોયં તળિયે સર કાવસજી જહાંગીર હોલ.

ક્વીન વિક્ટોરિયાનું પૂતળું

૧૯૬૫ના ઓગસ્ટની ૧૦મી તારીખની વહેલી સવારે એક વોચમેન રોજની જેમ હોર્નીમેન સર્કલ પર ફરી રહ્યો હતો. અને તેણે શું જોયું? ત્યાં આવેલાં લોર્ડ કોર્નવોલિસ અને લોર્ડ વેલેસ્લીનાં આરસનાં પૂતળાંનાં માથાંને તોડીને ધડથી જૂદાં કરી નાખવામાં આવ્યાં હતાં! એ સમાચાર તેણે ઉપરી અધિકારીને પહોંચાડ્યા ત્યાં તો ઓવલ મેદાન પાસેથી ખબર મળ્યા કે લોર્ડ સેન્ડહર્સ્ટના પૂતળાનું નાક તોડી નાખ્યું છે. અને એસપ્લનેડ રોડ પરના રાણીના પૂતળાનો મુગટ તોડી નાખ્યો છે. અને મ્યુનિસિપાલિટી તરત સાબદી થઈ ગઈ. થોડા જ દિવસોમાં આઠ જેટલાં પૂતળાં જાહેર સ્થળેથી ખસેડીને મોકલી દીધાં જીજા માતા ઉદ્યાનમાં કે ભાઉ દાજી મ્યુઝિયમમાં. તેમાંનાં બે તે રાણીનું પૂતળું અને પ્રિન્સ ઓફ વેલ્સનું પૂતળું. એ રસ્તા પર એસપ્લનેડ સ્કૂલ, એસપ્લનેડ કોર્ટ, વગેરેની ઇમારતો આવેલી હતી. એક જમાનામાં મુંબઈની એકમાત્ર પ્રખ્યાત વોટસન હોટેલ પણ આ જ રસ્તા પર આવી હતી. એ જે મકાનમાં હતી તેનું નામ એસપ્લનેડ મેન્શન. આજે તો હવે એ મકાન સાવ બિસ્માર હાલતમાં છે. એને તોડી પાડવું અને ત્યાં નવું મકાન બાંધવું, કે જૂના હેરિટેજ મકાનને રિસ્ટોર કરવું એ અંગે બોમ્બે હાઈ કોર્ટનો ફેંસલો આવવો હજી બાકી છે.

કાળા ઘોડા

આપણે જાણીએ છીએ કે આજનું મુંબઈ મૂળ તો સાત ટાપુનો સમૂહ હતું. પછી ધીમે ધીમે એ બધા ટાપુ એકબીજા સાથે જોડાતા ગયા. કોલાબાના ટાપુને મુંબઈના ટાપુ સાથે જોડવાની યોજના તો બની હતી છેક ૧૮૨૦માં. પણ સરકારી યોજનાઓ દાયકાઓ સુધી કાગળ પર જ રહે એવું આજે જ બને છે એમ નથી. અંગ્રેજ રાજમાં પણ એવું બનતું. એટલે આ બે ટાપુઓને જોડતો કોલાબા કોઝવે બાંધવાનું કામ શરૂ થયું ૧૮૩૫માં અને એ રસ્તો તૈયાર થયો છેક ૧૮૩૮માં. પણ કામ કાચું રહી ગયું હશે એટલે ૧૮૬૧થી ૧૮૬૩ દરમ્યાન આ રસ્તો ફરી બાંધવો પડ્યો. એ વખતે તેને વધુ પહોળો પણ બનાવ્યો. ઘણાખરા માને છે કે મુંબઈના મૂળ વતનીઓ કોળીઓના નામ પરથી આ ટાપુનું અને તેથી આ રસ્તાનું નામ પડ્યું. જો કે એ વખતના પ્રસિદ્ધ વિદ્વાન સર જીવણજી જમશેદજી મોદીનું માનવું હતું કે ફારસીનો ‘આબ’ (પાણી) શબ્દ કોળી’ સાથે જોડાઈને બન્યો કોલાબ-કોલાબા. તો કેટલાક વળી કહે છે કે ફારસીના ‘કાલા’ અને ‘આબ’ શબ્દો જોડીને બન્યો છે કોલાબા. આ કોલાબા કોઝવે છેક કોલાબા રેલવે સ્ટેશન સુધી જતો. આ રસ્તાનો મોટો ભાગ આજે શહીદ ભગત સિંહ રોડ તરીકે ઓળખાય છે. 

કોલાબા કોઝવે શરૂ થાય ત્યાં ૧૯૦૯માં એક ભવ્ય હોટેલ બંધાયેલી. વોટસન હોટેલ અને તાજ મહાલ હોટેલ પછીની આ ત્રીજી લક્ઝરી હોટેલ, જે એક જમાનામાં ઘણી પ્રખ્યાત થયેલી. સર્વોત્તમથી ઓછું કશું ન ખપે એમ માનનારી એક ઇટાલિયન કંપનીએ એ બાંધેલી. અત્યંત ધનાઢ્ય લોકોને જ પોસાય એવી મસૂરીની સેવોય હોટેલ અને લખનઉની કાર્લટન હોટેલ પણ આ જ કંપનીની હતી. આજે પણ એ ઇમારત અડીખમ ઊભી છે, પણ ત્યાં હવે હોટેલ નથી. થોડો વખત વિધાન સભાના સભ્યોના રહેણાક માટે વપરાયેલી. તેના ભોંય તળિયે આવેલો સહકારી ભંડાર શરૂ થયો ત્યારે મુંબઈમાં આ પ્રકારનો પહેલવહેલો સ્ટોર હતો.

આઈ.એન.એચ.એસ. અશ્વિનીનો ‘હવા મહેલ’

બ્રિટિશ શાસકોએ ૧૭૪૩માં કોલાબાનો આખો ટાપુ વરસે ૨૦૦ રૂપિયાના ભાડાથી રિચર્ડ બ્રોટન નામના વેપારીને આપી દીધો હતો. ૧૭૯૬ સુધીમાં અહીં લશ્કરની ટુકડીઓ મોટે પાયે રહેવા લાગી હતી, અને એટલે આ વિસ્તાર કેન્ટોનમેન્ટ બની ગયો હતો. ૧૮૨૬માં કોલાબા ઓબ્ઝરવેટરી શરૂ થઈ હતી જે આજે પણ કામ કરે છે. ૧૮૯૬માં પહેલવહેલી વાર એક ‘દેશી’ તેના ડિરેક્ટર બન્યા હતા. એમનું નામ નાનાભાઈ અરદેશર ફરામજી મૂસ. મુંબઈના ગરમી-ઠંડી-વરસાદના આંકડા આજે પણ રોજ આ વેધશાળા જાહેર કરે છે. મુંબઈની જૂનામાં જૂની હોસ્પિટલ પણ કોલાબામાં આવેલી છે. અલબત્ત, એ આમજનતા માટે નથી. ભારતીય નૌકાદળના સૈનિકો માટે છે. એનું આજનું નામ આઈ.એન.એચ.એસ. અશ્વિની. સૈનિકો માટેની બેરેકમાં ૧૭૫૬માં તેની શરૂઆત થઈ ત્યારે નામ હતું કિન્ગ્ઝ સીમેન હોસ્પિટલ. તે પછી હવા મહાલ તરીકે ઓળખાતું આઠ ખૂણાવાળું મકાન બંધાયું. ૧૯૫૧ના સપ્ટેમ્બરની ૧૮મી તારીખે આ હોસ્પિટલ ભારતીય નૌકા સૈન્યમાં જોડાઈ અને તેનું નામ રાખવામાં આવ્યું આઈ.એન.એચ.એસ. અશ્વિની. ૧૮૭૫માં કોલાબાની દીવાડાંડી બંધાઈ અને એ જ વરસે બંધાયો સાસૂન ડોક. ડેવિડ સાસૂન એન્ડ કંપની નામની વેપારી કંપનીએ એ બાંધેલો. મુંબઈની સૌથી મોટી માછલી બજાર અહીં આવેલી છે. ૧૮૭૦માં કાળા ઘોડા નજીક આ જ ડેવિડ સાસૂનના માનમાં ડેવિડ સાસૂન લાઈબ્રેરી સ્થપાઈ હતી. તો બીજી બાજુ મુંબઈનાં જૂનાં ચર્ચમાંનું એક અફઘાન ચર્ચ પણ કોલાબા વિસ્તારમાં આવેલું છે. ૧૮૩૯થી ૧૮૪૨ સુધી ચાલેલા અફઘાન યુદ્ધમાં મોટી સંખ્યામાં બ્રિટિશ સૈનિકો મરાયા હતા. તેમની યાદમાં આ ચર્ચ બંધાયું હતું. ૧૮૪૭માં તેનો શિલાન્યાસ થયો હતો અને ૧૮૫૮માં તેની વિધિવત્ શરૂઆત થઈ હતી. મકાન બંધાઈ રહેવા આવ્યું ત્યારે તેને માટેના પૈસા ખૂટી ગયા ત્યારે સર કાવસજી જહાંગીરે સાડા સાત હજાર રૂપિયા આપ્યા હતા અને તેમાંથી બાંધકામ પૂરું થયું હતું. બોમ્બે સિટી ઈમ્પ્રુવમેન્ટ ટ્રસ્ટે દરિયો પૂરીને ૯૦ હજાર ચોરસ વાર જેટલી જમીન મેળવવાની યોજના કરી ત્યારે સર ફિરોઝશાહ મહેતા અને બીજા કેટલાક અગ્રણીઓએ આ યોજનાનો વિરોધ કર્યો હતો. કેમ? આજની જેમ પર્યાવરણ બચાવવા માટે નહિ. તેમની દલીલ હતી કે એક સાથે એટલી બધી જમીન મળે તો તેથી શહેરમાં જમીનના ભાવ ગગડી જશે! પણ કામ ચાલુ રહ્યું અને ૧૯૦૫માં પૂરું થયું. અને ત્યારે મુંબઈમાં જમીનના ભાવ સહેજ પણ ઘટ્યા નહોતા! ૧૯૦૬માં આ નવસાધ્ય જમીનને કિનારે રસ્તો બાંધવામાં આવ્યો જેને નામ અપાયું કફ પરેડ. ટી.ડબલ્યુ. કફ કિંગ કિંગ એન્ડ કંપની સાથે અને આ ટ્રસ્ટ સાથે સંકળાયેલા હતા. બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ૧૯૦૧-૧૯૦૨માં તેઓ ચેરમેન હતા.

કોલાબા ઓબ્ઝરવેટરી

મુંબઈના ઇતિહાસની જાણકારી માટે ૧૮૬૩માં પ્રગટ થયેલું ગો.ના. માડગાંવકરનું મરાઠી પુસ્તક ‘મુંબઈચે વર્ણન’ ખૂબ મહત્ત્વનું છે. આજ સુધીમાં તેની છ આવૃત્તિ પ્રગટ થઈ છે. છેલ્લી આવૃત્તિ ૨૦૨૦માં છપાઈ છે. આ પુસ્તકનો અંગ્રેજી અનુવાદ પણ પ્રગટ થયો છે. તેનો ગુજરાતી અનુવાદ કરવાનું કામ કોઈએ ઉપાડી લેવું જોઈએ. આ પુસ્તકમાં કોલાબા વિશેની કેટલીક રસપ્રદ વાતો વાંચવા મળે છે. લેખક કોલાબાને ત્રણ ભાગમાં વહેંચે છે : નાનું કોલાબા, વચલું કોલાબા, અને મોટું કોલાબા. આર્થર બંદરથી ગન કેરેજ ફેક્ટરી સુધી નાનું કોલાબા. તે પછી અફઘાન ચર્ચ (જેને લેખક ‘કાબુલ ચર્ચ’ કહે છે) સુધી વચલું કોલાબા અને તે પછી મોટું કોલાબા. આર્થર બંદરના ધક્કા પર આવેલું હતું ગ્રાન્ટ બિલ્ડિંગ. તેની પાછળ બે મોટી કાપડ મિલ. સર જમશેદજી જીજીભાઈ અને તેમના ભાગીદારોએ પોતાનો માલ ઉતારવા માટે દોઢ લાખ રૂપિયાને ખર્ચે આર્થર બંદરનો ધક્કો બંધાવ્યો હતો. અહીં જ તેમની એક મોટી કાપડ મિલ આવી હતી. તેમાં વરાળથી ચાલતાં આઠ મશીન હતાં. તો ૧૮૨૩માં શરૂ થયેલ ગન કેરેજ ફેકટરીમાં તોપ, તોપના ગોળા, અને બીજો સરંજામ બનાવવામાં આવતો હતો. આ લેખકના કહેવા પ્રમાણે એ વખતે કોલાબામાં ગાંડાઓ માટેની હોસ્પિટલ પણ હતી, અને અંગ્રેજો માટેનું કબ્રસ્તાન પણ હતું.   

એસપ્લનેડ રોડ અને કોલાબા કોઝવે બંને મુંબઈના કોટ(ફોર્ટ)ની બહારના રસ્તા, બંને દરિયા પાસે બંધાયેલા. મુંબઈ શહેરના વિકાસમાં બંને રસ્તાઓનો મહત્ત્વનો ફાળો. આજે એનાં નામ બદલાઈ ગયાં છે. મહત્ત્વ ઓછું-વધતું થયું છે, છતાં આ બંને રોડ પરની કેટલીક જૂની ઇમારતો અડીખમ ઊભી છે અને એ બંને રસ્તાના ભૂતકાળની કથા કહી રહી છે. પણ એ સાંભળવા માટેના કાન આપણી પાસે છે? ચાલી ચાલીને થાકી ગયા નહિ? આજે હવે વિરામ. આવતે અઠવાડિયે બીજા રસ્તાઓ પર ઘૂમવા નીકળશું, પેલી કાવ્ય પંક્તિને યાદ કરીને : થંભો ના, હે ચરણ, ચલો.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 13 ફેબ્રુઆરી 2021

Loading

13 February 2021 admin
← જમનાલાલ બજાજ – કથની તેવી કરણી
આઝાદ ભારતના વિકાસની યાત્રા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved