Opinion Magazine
Number of visits: 9449515
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—69

દીપક મહેતા|Opinion - Opinion|7 November 2020

વાવ્યો હતો તુલસીનો છોડ, પણ ઊગ્યું વટવૃક્ષ

આઠ લાખ રૂપિયાનું દાન આપનાર મેલોઘેલો માણસ કોણ હતો?

મુનશીને આપેલા કાગળમાં ગાંધીજીએ શું લખ્યું હતું?

વરસ ૧૯૩૮, મહિનો નવેમ્બર, તારીખ સાત, વાર સોમ. હા, આજથી બરાબર ૮૨ વરસ પહેલાંની આ વાત. એકાદ વરસ પહેલાં જ માટુંગામાં શરૂ થયેલી ગુરુ નાનક ખાલસા કોલેજનો એક સભાખંડ. મુંબઈના કેટલાક અગ્રણી નાગરિકો અહીં ભેગા થયા છે. એ બધાથી વીંટળાયેલા બેઠા છે કનૈયાલાલ મુનશી. એક પછી એક ભાષણ થતાં જાય છે. મુનશી બોલવા ઊભા થાય છે. અને જાહેરાત કરે છે એક સંસ્થાની સ્થાપના કરવાની. જાણે એક નાનકડા કુંડામાં તુલસીનો છોડ રોપાય છે. એ વખતે તો કોઈને ખ્યાલ નહોતો, મુનશીને પોતાને પણ નહિ હોય, કે આજે જે વવાયું છે તે તુલસીનો છોડ નહિ, પણ એક વટવૃક્ષ છે. એની ડાળીઓ દેશમાં અનેક જગ્યાએ અને દેશની બહાર પણ કેટલીક જગ્યાએ ફેલાવાની છે. એ દિવસે મુનશીએ માત્ર મુંબઈને જ નહિ, દેશ અને દુનિયાને એક કિંમતી ભેટ આપી. એ ભેટનું નામ – ભારતીય વિદ્યા ભવન. ભારતીય સંસ્કૃતિનાં બધાં પાસાંને આવરી લેતી અનેકવિધ પ્રવૃત્તિઓ આટલાં વર્ષોથી સતત કરતી રહેલી સંસ્થા મહાનગર મુંબઈ સિવાય દેશના બીજા કોઈ ભાગમાં ભાગ્યે જ જોવા મળે.

જ્યાં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના થઇ તે ખાલસા કોલેજ

એ વખતે મુનશીની ઉંમર એકાવન વરસની. અત્યંત સફળ વકીલ તરીકેની કારકિર્દી પાછળ છોડી દીધી હતી. આઝાદી માટેની લડતમાં ઝંપલાવ્યું હતું અને ત્રણ વખત જેલમાં જઈ આવ્યા હતા. માર્ગદર્શક ભૂલાભાઈ દેસાઈની સલાહ પ્રમાણે ૧૯૩૭ની મુંબઈ લેજિસ્લેટિવ કાઉન્સિલની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા અને ચૂંટાઈ આવ્યા હતા. બોમ્બે પ્રોવિન્સની એ પહેલવહેલી દેશી, કોન્ગ્રેસી સરકાર. મુખ્ય પ્રધાન હતા બી.જી.ખેર,અને ગૃહ ખાતાના પ્રધાન બન્યા હતા મુનશી. જે બોમ્બે હાઈ કોર્ટમાં વરસો સુધી વકીલાત કરેલી એ જ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ સાથે પણ મતભેદ થયો ત્યારે મક્કમ ઊભા રહેલા. ૧૯૩૮માં મુંબઈમાં ભયંકર કોમી રમખાણો થયાં. કેટલાંક અખબારોએ તેમાં થયેલી હત્યાઓના આંકડા કોમ પ્રમાણે છાપ્યા. મુનશીએ એ   અખબારોને આ અંગે ચેતવણી આપી. ત્રણ-ચાર અખબારોએ ચેતવણીનો અમલ ન કર્યો. એટલે મુનશીએ ફોજદારી ધારાની ૧૧૪મી કલમ હેઠળ રમખાણના અહેવાલોની આગોતરી ચકાસણી કરવાને લગતો હુકમ કઢાવ્યો. એનો હેતુ સર્યા પછી ત્રણ-ચાર દિવસમાં એ હુકમ પાછો ખેંચી લીધેલો. પણ એક અખબારે એ હુકમ સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી. અદાલતે સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો. થોડા દિવસ પછી મુનશી મુખ્ય ન્યાયમૂર્તિ સર જોન વિલિયમ બોમન્ટને મળ્યા. તેમણે વિજેતાની અદાથી કહ્યું: ‘મિસ્ટર મુનશી, તમારા હુકમને મેં ગેરકાયદે જાહેર કર્યો.’ મુનશીએ મક્કમતાથી જવાબ આપ્યો: ‘જો ફરી રમખાણો થશે અને મને જરૂર લાગશે તો હું ફરી એવો જ હુકમ બહાર પાડીશ. મારી ફરજ વ્યવસ્થા સ્થાપવાની છે. જો વ્યવસ્થા સ્થપાય તો જ તમે તમારી ફરજ બજાવી શકશો.’ એટલે એ દિવસે સ્ટેજ પર બેઠેલા તે ભરૂચના કનુભાઈ નહિ, પણ મુંબઈ સરકારના ઓનરેબલ હોમ મિનિસ્ટર કે.એમ. મુનશી. જો કે, ૧૯૩૯ના નવેમ્બર સુધીમાં તો દેશમાંનાં બીજાં કૉન્ગ્રેસી પ્રધાન મંડળોની જેમ આ પ્રધાનમંડળે પણ રાજીનામું આપી દીધું હતું.

મુંબઈ સરકારના ગૃહ ખાતાના પ્રધાન કનૈયાલાલ મુનશી

વાવતી વખતે તો તુલસીનો છોડ માનીને વાવેલો એટલે સાધનો, પૈસા, પણ એક નાના છોડને જોઈએ તેટલાં જ હતાં. પણ મુનશીમાં નાની વસ્તુ કે નાનકડા આરંભને પણ મહાન બનાવી દેવાની નિપુણતા હતી. અને ક્યાંકને ક્યાંકથી અણધારી મદદ મળી પણ રહેતી. એક દિવસ એક મેલોઘેલો માણસ મુનશીને મળવા આવ્યો. મેલી પાઘડી, ઠેર ઠેર થીગડાં મારેલો કોટ, મોઢા પર દીનતા અને નમ્રતા. આવો માણસ કહે છે: ‘મારે છ લાખ રૂપિયાનું દાન આપવું છે.’ મુનશીના મનમાં શંકા થઈ કે આવો દરિદ્રી માણસ ખરેખર દાન આપશે ખરો? એટલે કહ્યું ‘જોઈશું.’ કશું બોલ્યા વગર એ ચાલતો થયો. થોડા દિવસ પછી પાછો આવ્યો. કહે: ‘તે દિવસે મેં છ લાખ રૂપિયાનું દાન આપવાની દરખાસ્ત કરી હતી, પણ આપે કહ્યું, ‘જોઈશું.’ એટલે પછી એ પૈસા મેં તાતા ડિફર્ડ શેરમાં રોક્યા. હવે એના આઠ લાખ રૂપિયા થયા છે. આજે સોમવતી અમાસ છે. હિંદુ ધર્મમાં આજના દિવસે દાન કરવાનો મોટો મહિમા છે. માટે આ પૈસા લો અને સંસ્કૃતના ને ગાયોના ઉદ્ધાર માટે કંઇક કરો.’ એ નમ્ર ફિરસ્તો હતો મુન્ગાલાલ ગોયેન્કા. એમનું એ દાન બન્યું ભવનનાં સપનાંના વાવેતરનું બીજ.

ભારતીય વિદ્યા ભવન, મુંબઈ

ભારતીય વિદ્યા ભવનની સ્થાપના અને મુનશીએ ગુજરાતને આપેલ શબ્દ ‘ગુજરાતની અસ્મિતા’ એ બે વચ્ચે કેટલાકને વિરોધ દેખાય છે. ૧૯૨૩ના સપ્ટેમ્બરની બીજી તારીખે મુનશી સ્થાપિત સાહિત્ય સંસદનું પહેલું અધિવેશન મુંબઈમાં મળ્યું તેના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં મુનશીએ ‘ગુજરાતની અસ્મિતા’ની વાત પહેલી વાર રજૂ કરી. આ વિચારને આજે કેટલાક ટૂંકી દ્રષ્ટિનું પરિણામ ગણાવે છે. પણ મુનશીનો પ્રાદેશિક અસ્મિતાનો આ ખ્યાલ રાષ્ટ્રીયતાનો વિરોધી નહિ, પૂરક હતો. એ ભાષણમાં જ તેમણે કહેલું: ‘આર્યોના પ્રબળ આત્માએ આ બધા પ્રાંતોનાં જીવન અને સંસ્કારમાં એવી એકતાનતા આણી છે કે નિરાળા દેખાતા પ્રાંતો પર હિન્દી રાષ્ટ્રીયતાની નિશ્ચલ છાપ પડી છે. અને તેથી પ્રાંતીય અસ્મિતા મજબૂત થતાં રાષ્ટ્રીયતાનો વિકાસ અટકવાનો નથી.’

આઝાદી પછી વખત જતાં ભાષાવાર પ્રાંત રચનાની વાત કૉન્ગ્રેસ સરકારે સ્વીકારી અને ભાષાવાર રાજ્યોની પુનર્રચનાના એક તબક્કે મુંબઈ રાજ્યને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે અલગ રાજ્યોમાં વહેંચવાની માગણી ઊઠી. આ અંગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઉગ્ર આંદોલન થયાં. ‘ગુજરાતની અસ્મિતા’ના આદિ પુરસ્કર્તા તરીકે મહાગુજરાતની ચળવળનું નેતૃત્ત્વ કરવાની જ્યારે મુનશીને વિનંતી થઈ ત્યારે તેમણે તેમ કરવાની ઘસીને ન પાડી દીધી. ‘ગુજરાતની અસ્મિતા’નો સંકુચિત અર્થ જો તેમના મનમાં હોત તો તેમણે આમ કર્યું હોત ખરું? તેમણે આગેવાની લીધી હોત તો કદાચ ગુજરાતના પહેલા મુખ્ય પ્રધાન મુનશી બન્યા હોત.

ગુજરાતની અસ્મિતાની વ્યાપક ભાવનાને કારણે જ ૧૯૨૬માં મુનશીએ અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદનું આઠમું અધિવેશન મુંબઈમાં યોજવાનું આમંત્રણ પોતાની સાહિત્ય સંસદ દ્વારા આપ્યું. ત્યાં સુધીમાં મુંબઈમાં મુનશીનો વિરોધ કરનારાં જૂથો સક્રીય થઈ ચૂક્યાં હતાં. મુનશીએ જેમાં નવલકથાલેખનની શરૂઆત કરેલી તે ‘ગુજરાતી’ સાપ્તાહિક અને ગોવર્ધનરામ ત્રિપાઠીના દીકરા રમણીયરામ જેના મોભી હતા તે ‘સમાલોચક’ સામયિક મુનશીની સતત ટીકા જ નહિ, અંગત નિંદા પણ કરતાં હતાં. મુનશીને ભીડાવવા માટે વિરોધીઓએ આ અધિવેશનના પ્રમુખપદે ગાંધીજીનું નામ આગળ કર્યું. મુનશી રમણભાઈ નીલકંઠની તરફેણ કરતા હતા. મુનશી સીધા ગાંધીજીને જઈને મળ્યા, પોતાની વાત સમજાવી, અને પોતે પ્રમુખ થવા ઇચ્છતા નથી એવી મતલબનો કાગળ ગાંધીજી પાસેથી લઈ આવ્યા. અધિવેશનના પ્રમુખપદ અંગેનો નિર્ણય લેવા જ્યારે મિટિંગ મળી અને ગાંધીજીના નામની દરખાસ્ત રજૂ થઈ ત્યારે કશું બોલ્યા વગર મુનશીએ ખિસ્સામાંથી કાઢીને એ કાગળ ધરી દીધો. ૧૯૨૮માં રમણભાઈ નીલકંઠનું અવસાન થયું તે પછી ગુજરાતી સાહિત્ય પરિષદ લગભગ નોધારી થઈ ગઈ હતી ત્યારે મુનશી તેને મુંબઈ લઈ આવ્યા. તેના દ્વારા અનેક નવાં કામો કર્યાં અને કરાવ્યાં. પરિષદના ખોળિયામાં નવું ચેતન પૂર્યું. પણ આઝાદી પછી ગુજરાતી સાહિત્યની સંસ્થા મુંબઈમાં હોય તે ગુજરાતના કેટલાક લેખકોને ખૂંચવા લાગ્યું. મુનશી પર લોકશાહીવિરોધી અને એકહથ્થુ સત્તાનો આરોપ મૂકવામાં આવ્યો. અગાઉ ૧૯૩૬માં આ અંગે પરિષદના પ્રમુખસ્થાનેથી ખુદ ગાંધીજીએ કહ્યું હતું: ‘મને તો ખબર જ છે કે ક્યાં ડેમોક્રસી ચાલે ને ક્યાં ન ચાલે. અને એથી જ કહું છુ કે સાહિત્ય પરિષદમાં ડેમોક્રસીના બધા નિયમો નહિ હોય. હું ડેમોક્રેટ છું છતાં કહું છું કે આવી પરિષદો ડેમોક્રસીનાં ધોરણે ન જ ચાલી શકે. એમાં ડેમોક્રસીનું તત્ત્વ હશે, પણ નિયમો નહિ હોય.’

તો બીજી બાજુ પોતે શા માટે પરિષદથી અલગ થયા એ અંગે મુનશીએ ૧૯૬૨માં કહ્યું છે: ‘પરિષદની સેવા કરી રહેલી મારી પેઢી અને હવે આગળ આવી રહેલી ગુજરાતી સાહિત્યકારોની નવી પેઢી વચ્ચે અંતર પડવા લાગ્યું. ૧૯૫૨માં નવસારી પરિષદમાં આ અંતર વધ્યું. એ અધિવેશનમાં અલગ ગુજરાતનું સૂત્ર ન સ્વીકારવાની મારી સલાહનો અસ્વીકાર થયો. ગુજરાતની અસ્મિતા એ મારે મન અખિલ ભારતીય અસ્મિતાના સ્થાનિક અંશરૂપ જ હતી. પરંતુ નવી પેઢીના કેટલાક લેખકોનાં મન અને હૃદયમાં એ એક વિશિષ્ટ જૂથ-ભાવના બની રહી.’ ગુજરાતમાં પ્રચલિત થયેલી સંકુચિત પ્રાદેશિક ભાવના સાથે પોતાના વિચારોનો મેળ પડે તેમ નથી એમ લાગતાં મુનશીએ લેખકોના એક જૂથને ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદ સોંપી દીધી. એ જ વર્ષે નડિયાદમાં મળેલા અધિવેશનના પ્રમુખપદેથી તેમણે કહ્યું હતું: ‘આપણે રાષ્ટ્રધર્મને ગુજરાતની અસ્મિતાનું સર્વોપરી અંગ માન્યું છે. જો ભારત અવિભાજ્ય રહેશે તો બધા પ્રદેશો તરી જશે. જો ભારત ભાંગશે તો કયો પ્રદેશ જીવતો રહેવાનો છે?’

ગુલાબદાસ બ્રોકર

અને છતાં, વિરોધી વિચારો ધરાવનારા લેખકો પ્રત્યે પણ મુનશી કેવી ઉદાત્ત રીતે વર્તતા એનો એક દાખલો ૧૯૮૭માં પ્રગટ થયેલા ‘કનૈયાલાલ મા. મુનશી જન્મ શતાબ્દી અધ્યયન ગ્રંથ’માં પ્રગટ થયેલા લેખમાં આપણા અગ્રણી લેખક ગુલાબદાસ બ્રોકરે નોંધ્યો છે. મુનશીની જિંદગીનાં છેલ્લાં વર્ષોની એ વાત. તેઓ સારા એવા બીમાર હતા. એક દિવસ ગુલાબદાસ બ્રોકર ઘરે મળવા ગયા. ગુલાબદાસ હજી તો કોલેજમાં ભણતા હતા ને કૉન્ગ્રેસના રાજકારણમાં પડેલા ત્યારથી મુનશી એમને ઓળખે. બ્રોકરે કહ્યું: ‘મુનશીજી, એક કામે આવ્યો છુ.’ ‘બોલો.’ થોડાં કાગળિયાં સામે ધરીને બ્રોકરે કહ્યું: ‘આપની થોડી સહીઓ લેવાની છે આ કાગળો પર.’ ‘લાવો.’ તેમણે પૂછ્યું નહિ કે શેના કાગળો છે કે શેને માટે સહી કરવાની છે. પણ બ્રોકરના હાથમાંથી કાગળિયાં લઈ લીધાં, પેન માગી, અને કહ્યું: ‘બોલો, ક્યાં ક્યાં સહી કરવાની છે?’ બ્રોકરે  જ્યાં જ્યાં બતાવ્યું ત્યાં ત્યાં સૂતાં સૂતાં, ધ્રૂજતે હાથે મુનશીએ સહી કરી આપી. પછી ‘પત્યું’ એટલું બોલી કાગળો બ્રોકરને પાછા આપી દીધા. ગુજરાતી સાહિત્ય પરિષદનું મુંબઈમાંનું બેંક ખાતું અમદાવાદ ખસેડવા અંગેનાં એ કાગળિયાં હતાં અને પરિષદના એક ટ્રસ્ટી તરીકે તેના પર મુનશીની સહી અનિવાર્ય હતી. થોડી આડીઅવળી વાતો કર્યા પછી બ્રોકર બોલ્યા: ‘આજ સુધી હું માનતો હતો કે આપ બહુ મોટા વકીલ છો, પણ આજે મને લાગે છે કે મારી એ માન્યતા ખોટી છે.’ મુનશી મોટેથી હસ્યા અને પૂછ્યૂં: ‘કેમ, હું નકામો વકીલ શી રીતે થઈ ગયો?’ બ્રોકરે કહ્યું: ‘કોઈ પણ સારો વકીલ પોતાની સામે પડેલા દસ્તાવેજો પૂરા જોયા વિના તેમાં આ રીતે સહી ન કરે. પાંચ રૂપિયાની લેવડ-દેવડનો હોય તોયે. ને તમે તો આ કશું જોયા વિના મત્તું મારી દીધું.' મુનશી પળવાર માટે સ્થિર નજરે બ્રોકરની સામે જોઈ રહ્યા. આંખ જરા ભીની થઈ હતી. પછી હળવે સાદે બોલ્યા: ‘ગુલાબદાસ, તમે સહી કરવા માટે મારી સામે કાગળો ધરો ને હું સહી કરતાં પહેલાં એની ચકાસણી કરવા બેસું એના કરતાં તો એ પહેલાં હું મરી જાઉં એ વધારે સારું નહીં?’

અને છતાં આજે પણ ગુજરાતના – ખાસ કરીને અમદાવાદના – ઘણા લેખકોએ પોતાના મનમાં મુનશીના નામ માટેની એલર્જી પાળી રાખી છે! મહાનગર મુંબઈ અને મહામના મુનશી વિશેની બીજી કેટલીક રસપ્રદ વાતો હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 07 નવેમ્બર 2020

Loading

7 November 2020 admin
← મરી નથી જતાં ત્યાં સુધી તો વૃદ્ધોને જીવવા દો !
નિયમ, કાયદાની ઐસી તૈસી કરી પત્રકારત્વ કરનારા જેલમાં ન જાય તો ક્યાં જાય ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved