Opinion Magazine
Number of visits: 9505983
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી — 6

દીપક મહેતા|Opinion - Opinion|18 August 2019

અમેરિકાનું રાષ્ટ્રગીત લખાયું હતું

મુંબઈમાં બંધાયેલ વહાણ મિન્ડેનના તૂતક પર

૧૯મી સદીમાં મુંબઈનું બંદર અને ગોદી

આજે [17-08-2019] આપણા પારસી ભાઈબહેનોનું નવું વરસ છે એટલે સૌથી પહેલાં તો એમને નવરોઝ મુબારક. અને આજે જેમનું નવું વરસ છે તે કોમના એક ખાનદાનની વાત આજે કરવી છે. આ ખાનદાનનું નામ માત્ર મુંબઈમાં જ રોશન નથી થયું. આ ખાનદાનનું નામ માત્ર હિન્દુસ્તાનમાં જ રોશન નથી થયું. પણ આ ખાનદાનનું નામ આખી દુનિયામાં રોશન થયેલું છે. વાતની શરૂઆત આપણે ઈસવીસન ૧૭૩૫થી કરવી પડશે. એ વખતે મુંબઈમાં કંપની સરકારનું રાજ હતું. એટલે સરકાર હતી મોટી વેપારી કંપની જેવી. એનું મુખ્ય કામ વેપાર કરવાનું અને એ વખતે દેશાવર સાથેનો બધો વેપાર દરિયાઇ માર્ગે જ થતો. પણ ખાટલે મોટી ખોડ એ હતી કે મુંબઈમાં વહાણ બાંધવાની કે વહાણનું સમારકામ કરવાની સગવડ ક્યાં ય નહોતી. એટલે એવાં કામ માટે સુરત પર આધાર રાખવો પડતો હતો.

હવે બન્યું એવું કે કંપની સરકારનું ધ ક્વીન નામનું એક વહાણ  સુરતમાં બંધાતું હતું. એના બાંધકામ ઉપર દેખરેખ રાખવાને માટે મુંબઈ સરકારે પોતાના મિસ્ટર ડડલી નામના એક અધિકારીને સુરત મોકલ્યા. એ સાહેબે સુરતમાં બંધાતું હતું તે જહાજ પર દેખરેખ તો રાખી જ પણ એમની ચકોર નજરે ત્યાં કામ કરતા એક કારીગરને ઓળખી લીધો. એ કારીગરનું નામ લવજી નસરવાનજી વાડિયા. પેલા અંગ્રેજ અધિકારીએ ધીમે ધીમે લવજીભાઈને સમજાવ્યા કે અહીં સુરતમાં પડયા રહેવા કરતાં જો તમે મુંબઈ આવો તો ત્યાં ઘણાં મોટાં મોટાં કામ કરી શકો એવી આવડત અને લાયકાત તમારામાં છે. પણ લવજીભાઈ હતા એમના શેઠ ધનજીભાઈને પૂરેપૂરા વફાદાર. એટલે એમણે કહ્યું કે મારા શેઠ જો રાજીખુશીથી મને જવાની પરવાનગી આપે તો જ હું તમારી સાથે મુંબઈ આવું. ડડલીની વાત પહેલાં તો શેઠે માની નહિ. એટલે એ અધિકારીએ પોતાના ઉપરીને કહીને સરકારનું દબાણ કરાવ્યું. એટલે શેઠે છેવટે કહ્યું લવજીભાઈને કે તમારે જવું હોય તો સાહેબ સાથે મુંબઈ જાવ, મને વાંધો નથી.

અને પોતાના બીજા થોડા સાથી કારીગરોને લઈને લવજીભાઈ નસરવાનજી ૧૭૩૫માં સુરતથી મુંબઈ આવી પહોંચ્યા. અહીં આવીને તેમણે પોતાના કામ માટે પહેલાં તો એક જગ્યા પસંદ કરી અને કંપની સરકારને કહ્યું કે આ જગ્યા મને આપો તો અહીં વહાણ બાંધવાની અને તેનું સમારકામ કરવાની સગવડ હું ઊભી કરી આપું. સરકારે એમને જમીન આપી અને આજે પણ જ્યાં મુંબઈની ગોદી આવેલી છે ત્યાં એક નાનકડા પ્લોટ પર લવજીભાઈએ મુંબઈનો પહેલો જહાજવાડો ઊભો કર્યો.

આમ કંપની સરકાર લવજીભાઈને સુરતથી મુંબઈ તો લઈ આવી પણ લગભગ એક વર્ષ સુધી વહાણનું બાંધકામ શરૂ થઇ શક્યું નહીં. કેમ? કારણ વહાણ બાંધવા માટે જે લાકડું જોઈએ એ તો મુંબઈમાં મળતું જ નહોતું. છેવટે સરકારે લવજીભાઈને જ કહ્યું કે તમે ઉત્તર હિન્દુસ્તાનમાં જઈને વહાણ માટે જરૂરી હોય તેવાં લાકડાં મેળવવાનો બંદોબસ્ત કરી આવો. અને પાછા ફરતાં તમારા કુટુંબને પણ અહીં મુંબઈમાં રહેવા માટે સાથે લેતા આવજો. આ રીતે લવજીભાઈ લઈ આવ્યા લાકડાં અને પોતાનાં કુટુંબીજનોને અને પછી શરૂ કર્યું કામ કંપની સરકાર માટે વહાણો બાંધવાનું. શરૂઆતમાં તો કંપની સરકારે લવજીભાઈને વેપાર માટે સામાન લાવવા લઈ જવા માટેનાં (કાર્ગો) વહાણો બાંધવાની વરદી આપી. પણ પછી થોડા જ વખતમાં અમલદારોએ જોયું કે આ લવજીભાઈ તો વહાણો બાંધવાના કામમાં જબરા કુશળ છે એટલે પછી તેમને સરકારના નૌકાસૈન્ય માટે લડાયક જહાજો બાંધવાનું કામ પણ સોંપવામાં આવ્યું અને લવજીભાઈએ કંપની સરકાર માટે ફ્રિગેટ પ્રકારનાં વહાણો બાંધ્યાં. વહાણોનું સમારકામ કરવા માટે લવજીભાઈ અને તેમના ભાઈ સોરાબજીએ ૧૭૫૦માં મુંબઈમાં ડ્રાય ડોક પણ બાંધ્યો જે માત્ર હિન્દુસ્તાનનો જ નહીં પણ આખા એશિયા ખંડનો પહેલો ડ્રાય ડોક હતો. હા, લવજીભાઈએ આ જહાજવાડામાં પોતાના કુટુંબીજનોને કામ પર રાખ્યા હતા ખરા, પણ એ બધાએ બીજા કારીગરોની જેમ જ હાથમાં હથિયાર પકડીને કામ કરવું પડતું અને તેમને મહિને ૧૨ રૂપિયાનો પગાર ચૂકવવામાં આવતો. આ રીતે ૩૯ વર્ષ સુધી લવજીભાઈએ કંપની સરકારની સેવા કરી. ૧૭૦૨માં જન્મેલા લવજીભાઈ ૧૭૭૪માં બેહસ્તનશીન થયા ત્યારે એમની પાછળ કુટુંબને માટેનું એક રહેણાંકનું મકાન અને ૨૦ હજાર રૂપિયાની રોકડ પુંજી મૂકતા ગયા હતા.

લવજીભાઈ અને તેમનાં કુટુંબીજનોએ કંપની સરકાર માટે લગભગ ૪૦૦ જેટલાં વેપારી તેમ જ લશ્કરી વહાણ બાંધ્યાં અને એ વહાણો સાતે સમંદર ખૂંદી વળ્યાં હતાં. પણ તેમાંથી ત્રણ લશ્કરી વહાણનો પોતાનો આગવો ઇતિહાસ છે. તેમણે બાંધેલું એક વહાણ તે એચ.એમ.એસ .કોર્નવોલિસ. આ વહાણ બ્રિટિશ સરકારની નેવીમાં કામ કરતું હતું. ચીન અને બ્રિટન વચ્ચેના પહેલા અફીણ યુદ્ધ(ઓપિયમ વોર)માં ચીનની હાર થઈ. અને ચીને નાનકિંગની સંધિ દ્વારા હોંગકોંગ ઇંગ્લેન્ડને સોંપ્યું ત્યારે એ અંગેના કરાર પર સહીસિક્કા એચ.એમ.એસ .કોર્નવોલિસ પર થયા હતા, ૨૯ ઓગસ્ટ ૧૮૪૨ને દિવસે.

એચ.એમ.એસ. ત્રિન્કોમાલી

બીજું જહાજ તે એચ.એમ.એ.સ ત્રિન્કોમાલી. લવજીભાઈએ બાંધેલાં બીજાં બધાં જ વહાણોની જેમ ૧૮૧૭માં બંધાયેલું આ વહાણ પણ સાગનાં લાકડાંનું બનેલું છે પણ તેની વશેકાઈ એ છે કે  ઇંગ્લેન્ડમાં આવેલા મ્યુઝિયમ ઓફ ધ રોયલ નેવીમાં આ જહાજ હજી આજે પણ દરિયામાં તરતું જોવા મળે છે. બ્રિટનનું આ સૌથી જૂનું વહાણ છે જે આજે પણ દરિયાનાં પાણી પર તરી રહ્યું છે.

જમશેદજી વાડિયા

એચ.એમ.એસ. મિન્ડેન

અને ત્રીજું વહાણ તે એચ.એમ.એસ. મિન્ડેન. લવજીભાઈના દીકરા જમશેદજીભાઈને કંપની સરકારે ૧૮૦૧ના જુલાઈની નવમી તારીખે આ વહાણ બાંધવાનો ઓર્ડર આપ્યો અને ૧૮૧૧ના  ફેબ્રુઆરીની આઠમી તારીખે એ જહાજે મુંબઈનો કિનારો છોડ્યો. આ જહાજનું વજન ૧૭૨૧ ટન હતું અને તે સાગનાં લાકડાંનું બનેલું હતું. તેની લંબાઈ ૧૬૯ ફૂટ અને ૬ ઇંચ હતી. પાંચ લાખ રૂપિયાને ખર્ચે તે બંધાયું હતું. તેના ઉપર ૭૪ તોપ ગોઠવવામાં આવી હતી. અત્યાર સુધી આવાં મોટાં લડાયક વહાણો માત્ર ગ્રેટ બ્રિટનમાં જ બંધાતાં હતાં. પણ આ મિન્ડેન ગ્રેટ બ્રિટનની બહાર બંધાયેલું આવું પહેલું જહાજ હતું. પણ આ વહાણ અંગેની સૌથી વધુ રસપ્રદ વાત જાણવા માટે આપણે મુંબઈ છોડીને અમેરિકાના બાલ્ટિમોર જવું પડશે.

તો ચાલો, બોમ્બે ટુ બાલ્ટિમોર. જ્યારે આપણા દેશમાં અંગ્રેજ શાસનનાં મૂળ વધુ ને વધુ ઊંડાં જઈ રહ્યાં હતાં ત્યારે પૃથ્વીને સામે છેડે અંગ્રેજો એક ખૂનખાર યુદ્ધમાં સંડોવાયેલા હતા. લાંબા યુદ્ધને અંતે ૧૭૭૬માં અમેરિકાને આઝાદી તો મળી. પણ હજી અંગ્રેજો અને અમેરિકા વચ્ચે ઝઘડો ચાલુ હતો. અંગ્રેજો અમેરિકનોને બરાબરનો પાઠ ભણાવવા માગતા હતા અને એટલે તેમણે પોતાનાં કેટલાંક લડાયક વહાણોને અમેરિકા મોકલ્યાં હતાં. આ વહાણોમાંનું એક હતું મુંબઈમાં વાડિયાઓને હાથે બંધાયેલું એચ.એમ.એસ. મિન્ડેન. અંગ્રેજોએ નક્કી કર્યું કે આપણે અમેરિકાના બાલ્ટિમોરનો ફોર્ટ મેક હેન્રી નામનો કિલ્લો ઉડાવી દઈએ અને અમેરિકનોને પાઠ ભણાવીએ. અમેરિકનો સાથેની આ લડાઈમાં મેરીલેન્ડના કેટલાક અમેરિકનોને અંગ્રેજોએ બંદીવાન બનાવ્યા હતા.

ફ્રાન્સિસ સ્કોટ કી અને તેમના હસ્તાક્ષરમાં સ્ટાર સ્પેન્ગલ્ડ બેનર

તેમને છોડાવવા માટે કર્નલ જોન સ્કીનરની સાથે ફ્રાન્સિસ સ્કોટ કી નામનો એક વકીલ પણ ગયો હતો. આ વકીલભાઈ વકીલાત કરવા ઉપરાંત ક્યારેક ક્યારેક કવિતા પણ લખતા. આ બંને જ્યારે એચ.એમ.એસ. મિન્ડેન પર પહોંચ્યા ત્યારે બાલ્ટિમોરના કિલ્લા ઉપર હુમલો કરવાની યોજના ઘડાઇ ચૂકી હતી અને આ બંને અમેરિકનોને એ અંગેની ઘણી માહિતી મળી ચૂકી હતી. એટલે અંગ્રેજોએ આ બંને અમેરિકનોને પણ એચ.એમ.એસ. મિન્ડેન પર બંદીવાન બનાવીને રાખ્યા. એ જ રાતે અંગ્રેજ નૌકાસૈન્યે બાલ્ટિમોર ઉપરનો હુમલો શરૂ કર્યો. ફ્રાન્સિસ સ્કોટ કી આ હુમલો જોઈ રહ્યો, મનમાં ને મનમાં સમસમી રહ્યો, પણ એ અંગે તે કશું કરી શકે તેમ નહોતો. પણ બીજે દિવસે સવારે તેણે વહાણના તુતક પરથી જોયું કે બાલ્ટિમોરના કિલ્લા પર હજી અમેરિકાનો ધ્વજ ફરકી રહ્યો હતો. આખી રાતના હુમલા પછી પણ અંગ્રેજો એ કિલ્લાને સર કરી શક્યા નહોતા.

આ જોઈને તેના મનમાં એક પછી એક કાવ્ય પંક્તિઓ સ્ફુરવા લાગી. શરૂઆતમાં એ કાવ્ય The Defence of McHenry તરીકે ઓળખાતું હતું. છુટકારો થયા પછી આ વકીલ ઇન્ડિયન ક્વીન નામની એક હોટેલમાં ગયો અને ત્યાં તેણે આ કાવ્ય પૂરું કર્યું. ત્યાર પછી તેનું નામ બદલીને તેણે The Star Spangled Benner એવું રાખ્યું. એ પછીનાં સો વર્ષમાં આ કાવ્ય અમેરિકામાં ખૂબ જ લોકપ્રિય બન્યું. તેને અમેરિકાનું રાષ્ટ્રગીત બનાવવા અંગેનો ખરડો છ વખત રજૂ થયો અને છ વખત નામંજૂર થયો. છેવટે ૧૯૩૧ના માર્ચની ત્રીજી તારીખે ખરડો મંજૂર થયો અને ૧૯૩૧ના માર્ચની ચોથી તારીખે પ્રેસીડન્ટ હર્બર્ટ હૂવરે એ કાયદા પર સહી સિક્કા કર્યા અને તેને અમેરિકાનું રાષ્ટ્રગીત જાહેર કરવામાં આવ્યું. ત્યારથી આજ સુધી જે ગીત અમેરિકાનું રાષ્ટ્રગીત બની રહ્યું છે તે રચાયું હતું એચ.એમ.એસ. મિન્ડેન પર અને આ વહાણનું બાંધકામ કર્યું હતું વાડિયા ખાનદાનના નબીરાઓએ અને એ ખાનદાનના નબીરાઓ કામ કરતા હતા મુંબઈમાં. એટલે કે મુંબઈ અને અમેરિકાના રાષ્ટ્રગીતને એકબીજા સાથે સીધો સંબંધ છે. એચ.એમ.એસ. મિન્ડેન પર આ ગીત રચાયું ઇસવીસન ૧૮૧૪ના સપ્ટેમ્બરની ચૌદમી તારીખની વહેલી સવારે.

વ્યક્તિની જેમ વહાણોને પણ જન્મ-જરા-વ્યાધિ અને મૃત્યુના ચક્રમાંથી પસાર થવું પડે છે. જુદાં જુદાં ક્ષેત્રોમાં લડાયક કામગીરી કર્યા પછી આ વહાણ પણ હવે વૃદ્ધ થયું હતું. ૧૮૪૧માં હોંગકોંગ ખાતે આવેલ રોયલ નેવલ હોસ્પિટલનું જહાજ વાવાઝોડામાં નાશ પામ્યું એટલે તેને બદલે હોસ્પિટલ તરીકે ઉપયોગમાં લેવા માટે એચ.એમ.એસ. મિન્ડેનને મોકલવામાં આવ્યું અને હોંગકોંગના કિનારે ઊભા રહીને ૧૮૪૨થી તેણે નેવીની હોસ્પિટલ તરીકે કામ કર્યું. ૧૮૪૬ સુધી તેની આ કામગીરી ચાલુ રહી. ત્યાર બાદ તેની જગ્યાએ એચ.એમ.એસ. એલિગેટર નામનું બીજું જહાજ આવ્યું અને મિન્ડેનનો ઉપયોગ નેવીનો માલ સામાન ભરવા માટેના ગોદામ તરીકે કરવામાં આવ્યો. છેવટે ૧૮૬૧માં તેને ભંગારવાડે મોકલવામાં આવ્યું અને એચ.એમ.એસ. મિન્ડેનની જ્વલંત કારકિર્દીનો અંત આવ્યો. પણ તેની યાદને કાયમ રાખવાને માટે હોંગકોંગના બે રસ્તાઓને તેનું નામ આપવામાં આવ્યું છે. એક રસ્તાનું નામ છે મિન્ડેન રો અને બીજા રસ્તાનું નામ છે મિન્ડેન એવન્યુ. વાડિયા કુટુંબનાં વહાણોની વિદાય લેતી વખતે મનમાં સુંદરજી બેટાઈના જાણીતા ગીતની પંક્તિઓ ગુંજ્યા કરે છે:

અલ્લાબેલી, અલ્લાબેલી, અલ્લાબેલી,
બંદર છો દૂર છે, જાવું જરૂર છે.
બેલી તારો, બેલી તારો, બેલી તારો તું જ છે,
બંદર છો દૂર છે, જાવું જરૂર છે.

પેઢી દર પેઢી નવાંનોખાં કામ કરનાર વાડિયા ખાનદાનની બધી વાત કાંઈ એક સાથે થાય નહિ. એટલે બીજા કેટલાક નબીરાઓ અને તેમનાં કામ વિશેની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

સૌજન્ય : “ગુજરાતી મિડ-ડે”, 17 ઑગસ્ટ 2019

Loading

18 August 2019 admin
← લૈંગિક સમાનતાઃ આદર્શ અને હકીકત
પૂરમાં ડૂબેલાં રાજ્યોઃ પ્રકૃતિને કાબૂમાં નહીં કાખમાં રાખવાથી જ ભાવિ સુધરશે →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved