Opinion Magazine
Number of visits: 9454898
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —46

દીપક મહેતા|Opinion - Opinion|30 May 2020

હવે નથી એ સિનેમા કે નથી એ ટ્રામ ટર્મિનસ

બંધાતા બંગલાની બાલ્કની તૂટી પડતાં બંધાવનારનું મોત 

શાસ્ત્રીય સંગીતની બેઠકોને સ્થાને હવે ભરાય છે ‘સેલ’

જે મેજેસ્ટિક સિનેમામાં આપણા દેશના પહેલવહેલા બોલપટની પહેલવહેલી રજૂઆત થઈ તેનું એડ્રેસ હતું ‘ગિરગામ ટ્રામ ટર્મિનસ પાસે.’ ગિરગામના મોટા ભાગના રહેવાસીઓ પણ આજે તો ભૂલી ગયા છે કે એક જમાનામાં ગિરગામમાં ટ્રામ ટર્મિનસ હતું. પણ હવે તો મુંબઈમાં ટ્રામ ચાલતી હતી એ પણ કેટલાને યાદ હશે? મુંબઈની ટ્રામના ઈતિહાસ સાથે મે મહિનો સંકળાયેલો છે. મુંબઈમાં ઘોડાથી ચાલતી ટ્રામ પહેવહેલી વાર ચાલતી થઈ તે ૧૮૭૪ના મે મહિનાની નવમી તારીખે. શરૂઆતમાં માત્ર બે જ રૂટ હતા : કોલાબાથી ક્રાફર્ડ માર્કેટ થઈને પાયધુની, અને બોરી બંદરથી કાલબાદેવી રોડ થઈને પાયધુની. પછી નવા રૂટ ઉમેરાતા ગયા.

મેજેસ્ટિક સિનેમાનું સરનામું

પછી આવ્યો ૧૯૦૬ના મે મહિનાની ૭મી તારીખનો દિવસ. તે દિવસે મુંબઈમાં પહેલી વાર ઇલેક્ટ્રિકથી ચાલતી ટ્રામ દોડવા લાગી. એનું ઉદ્ઘાટન કર્યું હતું એક ગુજરાતી, વલ્લભદાસ ઠાકરસીએ. એ વખતે તેઓ મુંબઈની મ્યુનિસિપાલિટીના ચેરમેન હતા. વર્ષો લગી ટ્રામ એ મુંબઈના લોકો માટે મુસાફરીનું મુખ્ય સાધન. આખા મુંબઈમાં ગમે ત્યાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જાવ, ટિકિટ ફક્ત એક આનો. બાર વરસ કરતાં ઓછી ઉંમરના બાળક માટે તો અડધો આનો. વળી આ જ ભાવમાં ટ્રાન્સફર ટિકિટ મળે. એ લીધી હોય તો કોઈ પણ જંકશન પર એક ટ્રામમાંથી ઊતરી બીજી દિશામાં જતી ટ્રામમાં બેસી શકો. પણ પછી જેમ જેમ શહેરનો વિકાસ થતો ગયો તેમ તેમ આ જ ટ્રામ નડતરરૂપ લાગતી થઈ. ધીમે ધીમે તેના રૂટ્સ ઓછા થતા ગયા. છેવટ માત્ર એક જ બચેલો : બોરી બંદરથી ગિરગામ થઈને દાદર ટી.ટી. અને ૧૯૬૪ના માર્ચની ૩૧મી તારીખે રાતે દસ વાગે આ રૂટ પરની છેલ્લી ટ્રામ દોડી. આખે રસ્તે લોકો એકઠા થયા હતા, એ ટ્રામને વિદાય આપવા. ટ્રામના એ રૂટ પાસેનાં મકાનોમાં રહેતા ઘણા લોકોને થોડા દિવસ રાતે સરખી ઊંઘ આવી નહોતી! કારણ? કારણ મોડી રાતની લગભગ ખાલી દોડતી ટ્રામની ધણધણાટી તેમને માટે હાલરડાંની ગરજ સારતી હતી!

ઘોડાથી ચાલતી ટ્રામ

વખત જતાં કોલાબાથી કિંગ્ઝ સર્કલ સુધીના વિસ્તારને ટ્રામે આવરી લીધો હતો. પણ તેમાંની ઘણી ટ્રામ દાદરથી શરૂ અને પૂરી થતી. એટલે દાદર ટી.ટી.(ટ્રામ ટર્મિનસ)નું મહત્ત્વ ઘણું હતું. હજી આજે પણ જૂની પેઢીના લોકો એ વિસ્તારને દાદર ટી.ટી. તરીકે ઓળખે છે. એ તો જાણે સમજ્યા, પણ ગિરગામમાં વળી ટ્રામ ટર્મિનસ શા માટે? એ રૂટ ક્યારે શરૂ થયો એ તો જાણવા મળતું નથી, પણ આ લખનારે એ ૮ નંબરની ટ્રામમાં અનેક વખત મુસાફરી કરી છે. આ ૮ નંબરનો રૂટ ગિરગામ ટ્રામ ટર્મિનસ અને ફ્લોરા ફાઉન્ટન વચ્ચે હતો. મેજેસ્ટિક સિનેમાથી જમણી બાજુ વળીએ તો હરકિસનદાસ હોસ્પિટલ તરફ જવાય. ડાબી બાજુ વળીએ તો સેન્ટ્રલ સિનેમા (આજનું સેન્ટ્રલ પ્લાઝા) થઈને ન્યૂ ક્વિન્સ રોડ પહોંચાય. પણ સીધા આગળ જઈએ તો ઓપેરા હાઉસ પહોંચાય. ત્યાં ગિરગામ રોડ પૂરો થાય. એ છેડા પર હતું ગિરગામ ટ્રામ ટર્મિનસ. માત્ર એક રૂટની ટ્રામ માટેનું. ત્યાંથી ઊપડેલી ટ્રામ ધોબી તળાવ સુધી ગિરગામ રોડ પર દોડે. પછી વળે એસ્પ્લનેડ રોડ (આજનો મહાત્મા ગાંધી રોડ) તરફ, અને સીધી પહોંચે ફ્લોરા ફાઉન્ટનના ફુવારા પાસે. હા જી. એ વખતે બધી આવતી-જતી ટ્રામ માટેનું ફ્લોરા ફાઉન્ટનનું સ્ટોપ બરાબર ફુવારાની બાજુમાં જ હતું. બલકે એ ફુવારો ટ્રામના પાટાના જાળાની વચમાં આવેલો હતો!

જૂનું ફ્લોરા ફાઉન્ટન

પણ કોલાબા અને કિંગ્ઝ સર્કલ વચ્ચે દોડતી બીજી ટ્રામ – જેમ કે ૬ અને ૭ નંબરની ટ્રામ – ગિરગામ રોડ પરથી પસાર થતી હતી તો ય ગિરગામ વિસ્તાર માટે ખાસ રૂટ શરૂ કરવાનું કારણ? કારણ એ વખતના ગિરગામની વસતિની લાક્ષણિકતા. લગભગ બધી વસ્તી મરાઠીમાં જેને ‘પાંઢર પેશી’ કહે છે તેવી, આજની ભાષામાં વ્હાઈટ કોલર. એ જમાનામાં જેની પાસે પોતાની મોટર હોય તેવો કોઈ માણસ ગિરગામમાં ભાગ્યે જ રહેતો જોવા મળે. અને જેની પાસે મોટર આવે તે બીજે ક્યાંક રહેવા જવાનું વિચારતો થઈ જાય. નાની મોટી દુકાનો, પેઢીઓ, ઓફિસ, સરકારી ઓફિસો અને સેક્રેટરિયેટ વગેરેમાં પટાવાળાથી માંડીને ઓફિસર સુધીની જગ્યાએ કામ કરતા મરાઠી માણૂસનું રહેઠાણ ગિરગામ. અહીંના બીજા ટ્રામ રૂટ લાંબા. એટલે ગિરગામ રોડ પરના સ્ટોપ પરથી ચડતાં-ઊતરતાં મુશ્કેલી અને ભીડનો સામનો કરવો પડે. એટલે આ લોકોની સગવડ માટે ખાસ આ ટૂંકો પણ મહત્ત્વનો ૮ નંબરનો રૂટ. એટલે ગિરગામ ટ્રામ ટર્મિનસ થયું. જેની નજીક આવેલું હતું મેજેસ્ટિક સિનેમા. આજે એ બેમાંથી એકે નથી.

મુંબઈની છેલ્લી ટ્રામ

પણ જેનો નાશ થાય તેની અવદશા તો જોવી નથી પડતી, એટલો દિલાસો આપણે લઈ શકીએ. પણ જેનો નાશ થતો નથી, પણ જેનો ભવ્ય ભૂતકાળ ખંડેર બની ગયો છે, જેનું રૂપ, જેનું કામ સાવ બદલાઈ ગયું છે, છતાં જે એક યા બીજી રીતે ઊભી રહી છે એવી કોઈ ઇમારતને જોવાનું વધુ ત્રાસદાયક હોય છે. આપણા અગ્રણી સમાજ સુધારક, પત્રકાર અને કવિ બહેરામજી મલબારીની આ કાવ્ય પંક્તિઓ એક જમાનામાં આપણે ત્યાં ખૂબ જાણીતી હતી :

ચક્રવર્તી મહારાજ ચાલિયા કાળચક્રની ફેરીએ,
સગાં દીઠાં મેં શાહ આલમનાં ભીખ માગતાં શેરીએ.

ગિરગામ રોડના લગભગ છેડા પર, ભટ વાડીમાં આવેલું આવું એક સ્થળ એટલે લક્ષ્મીબાગ હોલ. શાંતારામ નારાયણ દાભોલકરે પોતાની માતાની યાદમાં ૧૯૧૩માં આ ઈમારત બંધાવેલી. લક્ષ્મીબાઈના પતિ અને શાંતારામના પિતા નારાયણ દાભોલકર એટલે જગન્નાથ શંકરશેટના સમકાલીન જાણીતા વેપારી અને સખાવતી. મૂળ વતની કોંકણના વેન્ગુર્લાના. વાસુદેવ દાભોલકર એક નાનકડી હોડીમાં બેસીને કુટુંબ સાથે ત્યાંથી ૧૮૩૦-૧૮૪૦ના અરસામાં મુંબઈ આવ્યા. લુહાર ચાલમાં રહેવા લાગ્યા. પણ મુંબઈમાં કોલેરાની મહામારી ફેલાઈ તેમાં નારાયણરાવના પિતા વાસુદેવનું અવસાન થયું. નારાયણરાવનાં માતાએ નાનાંમોટાં ઘરકામ કર્યાં. બે મોટા દીકરાઓ પણ ભણવાનું છોડી માને મદદ કરવા લાગ્યા. પણ મા અને ભાઈઓએ જેમતેમ કરી નારાયણને મેટ્રિક સુધી ભણાવ્યો. ભણવામાં ખૂબ હોશિયાર. અંગ્રેજ શિક્ષકે કહ્યું કે આ છોકરાને ભણવા માટે ઇંગ્લન્ડ મોકલો. કુળનું નામ રોશન કરશે. પણ માએ કહ્યું કે બ્રાહ્મણનું ખોળિયું મળ્યું છે તે દરિયો ઓળંગવાનું પાપ ન કરાય.

કોણ જાણે ક્યાંથી પણ નારાયણને ઘોડા પર સવારી કરવાનો શોખ લાગ્યો. અવારનવાર ઘોડા પર બેસી મરીન ડ્રાઈવના દરિયા કિનારે જાય. એ વખતે અહીં બાંધેલો રસ્તો નહોતો, પણ આજે ચોપાટી પર છે તેવો રેતીવાળો કિનારો હતો. એક બ્રિટિશ બાઈની નજરે ચડ્યા. ધીમે ધીમે ઓળખાણ થઈ. એ બાઈના પતિ કેપ્ટન બ્લેક પી. એન્ડ ઓ. નામની પ્રખ્યાત શિપિંગ કંપનીની મુંબઈ ઓફિસના વડા. પત્નીએ પેલા યુવાનને નોકરી આપવા ભલામણ કરી. અને એમ નારાયણને નોકરી મળી. પછી આગળ વધતાં એ કંપનીનાં જહાજ મુંબઈ બંદરે નાંગરે ત્યારે તેને જરૂરી બધો જ  માલસામાન પૂરો પાડનાર ‘દુબાશ’ એટલે કે કોન્ટ્રેકટર બન્યા નારાયણ. પછી તો ધંધો વિકસતો ગયો. કમાણી વધતી ગઈ. ૪૦ લાખ(આજના લગભગ ૪૦૦ કરોડ)ની સંપત્તિ ભેગી થઈ. મુંબઈમાં ઘણી જગ્યાએ જમીન ખરીદી. તેમાં મલબાર હિલ પર પણ ખરીદેલી. ત્યાં પોતાને રહેવા માટે બંગલો બંધાવવાનું શરૂ કર્યું. રોજ ત્યાં જઈ બાંધકામ પર જાતે દેખરેખ રાખે.

એક દિવસ ઈજનેર અને બિલ્ડર સાથે બાલ્કનીમાં ઊભા હતા. અને અચાનક એ બાલ્કની તૂટી. બીજા બે ઈજા સાથે બચી ગયા, પણ નારાયણરાવનું એ જ વખતે મૃત્યુ થયું. ત્યારે એમની ઉંમર હતી ૪૧ વર્ષ. ત્યાં સુધીમાં મુંબઈમાં પાંચમાં પૂછાતા થઈ ગયા હતા. સારા વક્તા હતા. ગવર્નરની કાઉન્સિલના સભ્ય તરીકે નિમણૂક થઈ હતી. પછી એ જગ્યાએ તો તેમનું કુટુંબ ક્યારે ય રહેવા ન ગયું. નારાયણરાવના દીકરા શાંતારામે વિલ્સન કોલેજની પાછળ ‘આનંદ કાનન’ નામનો બંગલો બાંધ્યો અને કુટુંબ ત્યાં રહેવા લાગ્યું. આજે જ્યાં ભારતીય વિદ્યા ભવનની ઈમારત ઊભી છે ત્યાં આ બંગલો આવ્યો હતો અને તેનો બગીચો હ્યુજીસ રોડ (આજનો પાટકર રોડ) સુધી ફેલાયેલો હતો. કહે છે કે પિતાએ મુંબઈમાં ઠેર ઠેર જે મિલકત ખરીદેલી તેના ભાડાની આવકમાંથી જ શાંતારામની બધી જાહોજલાલી પોષાતી! સ્વભાવે અતિશય ઉદાર. વીસમી સદીની શરૂઆતમાં ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતનને દર મહિને એક હજાર રૂપિયા મોકલતા. એક વાર ગ્વાલિયરના મહારાજા વસંતરાવને મળવા તેમને બંગલે આવ્યા. તેમણે વસંતરાવની એક નવી નક્કોર મોટરનાં વખાણ કર્યાં. મહારાજા પોતાને બંગલે પાછા ફરે તે પહેલાં વસંતરાવે એ મોટર મહારાજાના બંગલે ભેટ તરીકે પહોંચાડી દીધી હતી! મલબાર હિલ પર જ્યાં નારાયણરાવનું અવસાન થયું તે જગ્યા જ્યાં આવેલી છે તેને નામ અપાયું નારાયણ દાભોલકર રોડ. મહારાષ્ટ્ર સરકારના ઘણા પ્રધાનોના બંગલા આ રોડ પર આવેલા છે. બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસનો બંગલો પણ અહીં જ આવેલો છે. રંગભૂમિ, સિનેમા, વિજ્ઞાપનને ક્ષેત્રે ખૂબ જાણીતા ભરત દાભોલકર આ નારાયણરાવના વંશજ છે.

લક્ષ્મી બાગ હોલ

આવા નારાયણ દાભોલકરના દીકરા શાંતારામે માતાની યાદમાં લક્ષ્મીબાગ હોલ બંધાવેલો. પણ શા માટે? શાસ્ત્રીય સંગીતની ‘બેઠકો’ કરવા માટે. હા, જી. એ જમાનામાં શાસ્ત્રીય સંગીતના ‘કાર્યક્રમો’ ન થતા, પણ બેઠકો કે મહેફિલ યોજાતી. રાતે નવેક વાગે શરૂ થાય. શાસ્ત્રીય સંગીતના કનરસિયાઓ અને ખેરખાંઓ જમી પરવારીને આવે. બેઠક સવારના દોઢ-બે વાગ્યા સુધી ચાલે. ક્યારેક સંગીતકાર અને શ્રોતાના તાર મળી જાય તો સવારે પાંચેક વાગ્યે પણ બેઠક પૂરી થાય. હોલની ઉપર ફરતી બાલ્કની અને ત્યાં કેટલાક રૂમ પણ ખરા. કેટલાક સંગીતપ્રેમીઓ તો પહેલેથી ચોકીદાર લક્ષ્મણને એક રૂપિયો આપી દે અને કાર્યક્રમ પૂરો થયા પછી એકાદ ઓરડામાં સૂઈ જાય. સવારે પહેલી ટ્રેન શરૂ થાય એટલે તે પકડી ઘર ભેગા થઈ જાય. પંડિત રવિશંકર, ઉસ્તાદ અલારખા, સચિન દેવ બર્મન, નૌશાદ અલી, મદન મોહન, લતા મંગેશકર જેવાંનો અહીં આવરોજાવરો રહેતો. ના, ગાવા-બજાવવા માટે નહિ, કેસરબાઈ કેરકર, મોંઘુબાઈ કુર્ડીકર, ફૈયાઝ ખાં સાહેબ, લતાફત હુસેન ખાં સાહેબ જેવા ધુરંધર કલાકારોને સાંભળવા માટે. પણ ૧૯૫૦ પછી ધીમે ધીમે શાસ્ત્રીય સંગીતની બેઠકોને બદલે લગ્નો માટે આ હોલ વપરાતો થયો. આ લખનાર માટે આ હોલ કાયમી સંભારણું બની ગયો છે. કારણ ૧૯૬૫માં તેનાં લગ્નનું રિસેપ્શન આ હોલમાં રાખ્યું હતું.

કેસરબાઈ કેરકર અને ઉસ્તાદ ફૈયાઝ ખાંસાહેબ

પણ આજે હવે અહીં લગ્નો પણ બહુ ઓછાં થાય છે. મોટે ભાગે ‘પ્રદર્શન’ નામે યોજાતી ‘સેલ’ માટે તે વપરાય છે. રૂપિયો આપીને રાતે સૂઈ શકાય એવી કોઈ જગ્યા મુંબઈમાં હવે બચી નથી. અને લોકડાઉન શરૂ થયું ત્યારથી પહેલી કે છેલ્લી ટ્રેન જેવું પણ કશું રહ્યું નથી. એટલે લક્ષ્મીબાગને રામરામ કરી આજે તો હવે ઘર ભેગા થઈ જઈએ. આવતા શનિવારે ગિરગામની ગલીઓમાં નવી ગિલ્લી, નવો દાવ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 30 મે 2020

Loading

30 May 2020 admin
← કોવિડ-૧૯નો મુકાબલોઃ હજુ સાચા રસ્તે જવાની તક છે
ટૃમ્પના નિવેદનનું ગમે તે દિશામાં અર્થઘટન કરો, મામલો ચિંતા પેદા કરનારો છે →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved