Opinion Magazine
Number of visits: 9454817
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી —41

દીપક મહેતા|Opinion - Opinion|25 April 2020

ચાલતાં ચાલતાં ટહેલીએ ગિરગામ રોડ પર

જોઈએ ઈરાની હોટેલ, માછલી બજાર, આતશબહેરામ

સાંભળીએ શિખામણ, કોઈ તમારું માઠું કરે તો બી તમો તેનું ભલું કરજો

યાદ છે? ઘણા વખત પહેલાં આપણે ભગવાનદાસકાકાને મળવા ગયા હતા અને સાથોસાથ કાલબાદેવી રોડ પર લટાર પણ મારેલી. એવી રીતે આજે જવું છે વામનભાઈ દેસાઈને મળવા. ક્યાં? ગિરગામ રોડ. ‘પણ લોકડાઉન છે ને?’ ‘ફિકર નહિ. આપણી પાસે જાપાનથી મંગાવેલી જાદુઈ મોજડી છે. રાજ કપૂર પાસે ‘જૂતા જાપાની’ નહોતા? આપણી મોજડીની ખરી મજ્જા એ છે કે પગમાં પહેરી પછી તમને કોઈ જોઈ શકે નહિ, તમે બની જાવ ઇનવિઝીબલ મેન! (કે વુમન).’ અને વળી આ મોજડી પહેરીને ભૂતકાળમાં અને ભવિષ્ય કાળમાં પણ જઈ શકાય. એટલે આપણે જઈએ છીએ લગભગ સાઠ વરસ પહેલાંના ગિરગામ રોડના ધોબી તળાવવાળા નાકે. પહેલાં ગિરગામ રોડને નાકે આવેલી ‘બાસ્તાની’માં ઈરાની ચા અને બ્રુન મસ્કા ઝાપટી લઈએ. હા, લોકડાઉન પૂરું થયા પછી શોધવા જશો તો આ ઈરાની હોટેલ નહિ મળે. કારણ મુંબઈની બીજી ઘણી ઈરાની હોટેલોની જેમ આ બાસ્તાની પણ બંધ થઈ ગઈ છે. ત્યાંથી થોડે દૂર, ક્રુકશેંક રોડ પર ઝેવિયર્સ કોલેજ. તેમાં ભણતા વિદ્યાર્થીઓ બે સામસામી છાવણીમાં વહેંચાયેલા: એક બાસ્તાનીવાળા અને બીજા કયાનીવાળા. બંને ઈરાની હોટેલો લગભગ સામસામે, એક રસ્તાની બે બાજુએ. હરીફાઈ પાક્કી. પણ બન્ને મોટે ભાગે ભરચક. ચા-કોફી પીવા કોલેજની કેન્ટિનમાં તો નવાસવા આવેલા કે વેદિયા વિદ્યાર્થીઓ જાય. રીઢા વિદ્યાર્થીઓ નહિ. કારણ કોલેજની કેન્ટિન માટે એમ કહેવાતું કે ત્યાં જઈને તમે જે પીઓ તે ચા હતી કે કોફી, એની ખબર તમને પૈસા ચૂકવતી વખતે જ પડે! જો બે આના આપવા પડે તો ચા. ચાર આના આપવા પડે તો કોફી. બાકી સ્વાદમાં બે વચ્ચે ભાગ્યે જ કશો ફરક. એટલે બપોરના એક વાગે લેકચર પૂરાં થાય એટલે ચાલો બહાર. બેમાંથી એક ઈરાનીમાં. (ભણતા ત્યારે  બંદા બાસ્તાનીવાળા, હોં કે.)

ધોબી તળાવ પરની બાસ્તાની હોટેલ

આમ તો આ ગિરગામ રોડ પરથી ઘણી ટ્રામના રૂટ પસાર થાય છે, પણ આપણે તો ચાલતાં જઈએ આગળ. થોડું ચાલ્યા ત્યાં આવ્યું પ્રિન્સેસ સ્ટ્રીટનું નાકું. નવું નામ શામળદાસ ગાંધી રોડ, પણ ખરો મુંબઈગરો તો હજી પ્રિન્સેસ સ્ટ્રીટ નામે જ ઓળખે. ડાબી બાજુ વળીએ તો મરીન લાઈન્સ સ્ટેશન તરફ જવાય, જમણી તરફ કાલબાદેવી રોડ તરફ. ડાબી બાજુ વળીને પારસી ડેરીની કુલ્ફી ખાવાનું મન તો થાય, પણ બીજી કોઈ વખત. જરા આગળ ચાલો. પેલું સફેદ બોર્ડ જોયું, પારસી હાડ વૈદનું? એની શરૂઆત થયેલી ૧૮૭૯માં. જો કે આજે હવે એ જગ્યાએ નથી, પણ શામળદાસ ગાંધી રોડ પર વોરા બ્રધર્સ કેમિસ્ટની લાઈનમાં ખસેડાયું છે. પણ આપણે તો સીધા ગિરગામ રોડ પર જ આગળ વધીએ. થોડું ચાલ્યા કે આ આવ્યું ચીરા બજાર. માછલીની વાસથી ટેવાયેલા ન હો તો નાકે રૂમાલ દાબી રાખજો. કારણ આ છે ૧૫૦ વર્ષ જૂની માછલી બજાર કહેતાં ફિશ માર્કેટ. એક બાજુ સાસુન ડોક અને ભાઉચા ધક્કા તથા બીજી બાજુ ઠેઠ વરસોવાથી અહીં રોજેરોજ તાજી માછલી આવે છે – ખટારામાં, ટેક્સીમાં. સાથે ઘરેણાં લાદેલી માછણો. અંદર લાઈન બંધ દુકાનો છે. જો કે હવે આ માછલી બજારની છેવટની ઘડીઓ ગણાઈ રહી છે. મુંબઈમાં ઠેર ઠેર જે મેટ્રોનું જાળું ફેલાઈ રહ્યું છે તે આ રસ્તા પરથી પણ પસાર થવાનું છે અને તેને માટે જગ્યા કરવા આ ચીરા બજાર માર્કેટ તોડી પાડવામાં આવશે એમ કહે છે.

૧૮૭૯માં શરૂ થયેલ પારસી હાડવૈદનું દવાખાનું

દાદીશેઠે બંધાવેલ આતશબહેરામ

હવે આગળ ચાલીએ. આ આવી દાદી શેઠ અગિયારી લેન. જો કે નામ ભૂલ ભરેલું છે. કારણ આ લેન કહેતાં ગલ્લીમાં આગળ જતાં પારસીઓનું જે ધર્મસ્થાનક આવે છે તે હકીકતમાં અગિયારી નથી, પણ આતશબહેરામ છે. આતશબહેરામ એ પારસીઓ માટે સર્વોચ્ચ અને અત્યંત પવિત્ર સ્થાનક છે. આખી દુનિયામાં માત્ર નવ આતશબહેરામ છે, આઠ આપણા દેશમાં અને એક ઈરાનમાં. આપણા દેશમાંના કુલ આઠ આતશબહેરામમાંથી ચાર મુંબઈમાં આવેલા છે. અને એ ચારમાંથી આ દાદીશેઠે બંધાવેલ આતશબહેરામ સૌથી જૂનું છે. ૧૭૮૩ના સપ્ટેમ્બરની ૨૯મી તારીખે અહીં પહેલવહેલા આતશબહેરામ તખ્તનશીન કરવામાં આવ્યા હતા. આ આતશબહેરામ પરઠવાની બધી ક્રિયા મુલ્લા કાઉસ રુસ્તમ જલાલે કદમી તરીકા પ્રમાણે કરી હતી. પણ આ દાદીશેઠ હતા કોણ? આખું નામ દાદીભાઈ નસરવાનજી. જન્મ ઈ.સ. ૧૭૩૫માં, બેહસ્તનશીન થયા ૬૫ વર્ષની ઉંમરે ૧૭૯૯ના એપ્રિલની સાતમી તારીખે. તેમના બાવા નસરવાનજી હોમજી અને કાકા બેહરામજી હોમજી વહાણોમાં આવતા-જતા માલની દલાલી કરતા હતા. આ બહેરામજીના નામનો એક રસ્તો જ્યાં એવણ રહેતા હતા તે કોટ વિસ્તારમાં છે. આજના હોર્નિમેન સર્કલથી શરૂ થતા આ રસ્તાની એક બાજુ દેના બેન્કનું મોટું મકાન આવેલું છે અને તેની સામે બીજી બાજુ ઝોરાસ્ટ્રીઅન બેંક આવેલી છે. દાદીશેઠ વિષે થોડી વધારે વાત. બાવાનો ધંધો દાદીશેઠે ઘણો વિકસાવ્યો અને પોતે વહાણવટામાં પડ્યા. તેમનો ચીન સાથે મોટો વેપાર હતો. આ માટે તેમની પાસે પાંચ વહાણ હતાં: શાહ અરદેશર, કિંગ જ્યોર્જ, ફ્રેન્ડશીપ, બ્રિગવિલ્યમ, અને સર ડેવિડ સ્કોટ. ઈ.સ. ૧૭૯૦માં ગુજરાતમાં દુકાળ પડ્યો ત્યારે ત્યાંથી હિજરત કરીને મુંબઈ આવેલા પારસીઓની દસ મહિના સુધી દાદીશેઠે ખાતરબરદાસ્ત કરી હતી એટલું જ નહિ લગભગ બે હજાર બિન-પારસી હિજરતીઓને ખાધાખોરાકી પૂરી પાડી હતી. વાલકેશ્વર વિસ્તારમાં તેમની પુષ્કળ જમીન હતી જેમાંનો ઘણો ભાગ તેમણે પોતે બંધાવેલી અગિયારીના નિભાવ માટે આપ્યો હતો. વાલકેશ્વર વિસ્તારના એક રસ્તાને તેમનું નામ આપવામાં આવ્યું છે, દાદીશેઠ રોડ. આ દાદીશેઠે પોતાનું વસિયતનામું તૈયાર કરેલું તેમાં મિલકતની વહેંચણીની વિગતો પછી છેલ્લું વાક્ય લખેલું: ‘કોઈ તમારું માઠું કરે તો બી તમો તેનું ભલું કરજો.’

સર ડેવિડ સ્કોટ નામનું વહાણ

દાદીશેઠ અગિયારી લેન અને ગિરગામ રોડના કોર્નર પરનું આ વજેરામ બિલ્ડિંગ. કોર્નર પર મોખરાની જગ્યાએ છે વજેરામ દેવચંદ બ્રધર્સની ઓફિસ કમ હોલસેલ દુકાન. જર્મન સિલ્વર અને પિત્તળનાં વાસણો બનાવવાનું તેમનું કારખાનું સામેની એક ગલ્લીમાં છે. ગલ્લીનું નામ હતું ડુક્કર વાડી. પણ વખત જતાં ત્યાના રહીશો માટે આ નામ અળખામણું બન્યું. એટલે નામ થયું વિજય વાડી. થોડાં વર્ષો પછી ફરી નામ બદલાયું. તે ગલ્લીમાં એક જાણીતા ડોક્ટર રહેતા. રાજકારણમાં પણ સક્રીય. મુંબઈના મેયર પણ બનેલા. એમના અવસાન પછી વિજય વાડી બની ડોક્ટર નગીનદાસ શાહ સ્ટ્રીટ. બીજી દુકાન ભોસલેની સોડા વગેરે ઠંડાં પીણાંની દુકાન. બાજુમાં મકાનનું પ્રવેશ દ્વાર. ત્યાં ઓટલા પર એક સોની બેસે. ઘરેણાં સમાંનમાં કરવાનું નાનુંમોટું કામ કરે. એની બાજુમાં બાબુભાઈની ચાની હોટેલ. વહેલી સવારથી મોડી રાત સુધી ધમધમતી. એની બાજુમાં એક ફૂલવાળાની નાનકડી દુકાન. હવે ચાલો ઉપર. લાકડાનાં જૂનાં પગથિયાં ઘસાઈ ગયાં છે અને લગભગ અંધારું છે એટલે ચડતાં જરા સંભાળજો. ચાર માળનું મકાન. દરેક માળે પાંચ રૂમ. દરેક માળે પ્રવેશદ્વાર પર લોઢાની કોલેપ્સીબલ જાળી, જે બંધ જ રહે. કોઈ આવે ત્યારે તાળું ખોલવાનું. પહેલે માળે છે સરસ્વતી એન્ગલો-વર્નાક્યુલર સ્કૂલ. આ વળી કઈ જાતની સ્કૂલ? બ્રિટિશ શાસનના જમાનામાં આવી સ્કૂલ ઘણી જોવા મળતી. તેમાં ગણિત, વિજ્ઞાન જેવા વિષયો અંગ્રેજીમાં અને બાકીના વર્નાક્યુલર કહેતાં ગુજરાતી-મરાઠી જેવી ‘દેશી’ ભાષાઓમાં શીખવાય. આ લખનારની એ પહેલવહેલી સ્કૂલ, ફક્ત અડધા દિવસ માટે! કેમ? વાજતેગાજતે એ સ્કૂલમાં દાખલ થયા. પીરિયડ શરૂ થયો. માસ્તરે બોર્ડ પર કશુંક ચિતરામણ કરી લેસન આપ્યું. પછી ક્લાસમાં જ બેઠા બેઠા બે-ત્રણ બીડી પીધી અને પછી ઊંઘી ગયા! બપોરની રિસેસમાં ઘરે જમવા ગયા ત્યારે બંદાએ જાહેરાત કરી દીધી : ‘હું આ સ્કૂલમાં જવાનો નથી.’ ‘પણ કેમ?’ ‘માસ્તર ક્લાસમાં બીડી પીએ છે.’

ચીરા બજાર, થોડાં વરસ પહેલાં

બીજે માળે બે ભાડૂત. એક પાસે બે રૂમ, એક પાસે ત્રણ. ત્રીજે માળે રહે છે વામનભાઈ. અરે, પણ આ વામનભાઈનું ઘર તો બંધ છે. હવે? ચાલો ચોથે માળે. આ માળ પર પાંચને બદલે ચાર રૂમ છે. ચારે રૂમ લાંબી ‘ગેલેરી’થી જોડાયેલા છે. ગેલેરીને લાકડાનો કઠેરો છે. ચોકલેટી કલરની લાદી છે. પાંચમા રૂમની જગ્યાએ અહીં અગાસી કહેતાં ટેરેસ છે. ચારે રૂમમાં અને આ અગાસીમાં કપચીની લાદી જડેલી છે. ચાર માળ કરતાં ઊંચાં મકાન અહીં ભાગ્યે જ છે એટલે અગાસીમાં ઊભા રહીને મરીન ડ્રાઈવના દરિયાનો થોડો ભાગ જોઈ શકાય છે. એક બાજુ પ્રિન્સેસ સ્ટ્રીટ સુધી અને બીજી બાજુ ઠાકુરદ્વાર સુધી નજર પહોંચે છે. સામે દરિયા પહેલાં સોનાપુરના સ્મશાનના છાપરાનો થોડો ભાગ નજરે પડે છે. મકાન ઉપર વિલાયતી નળિયાવાળું ‘વી’ શેપનું છાપરું, એટલે સિલિંગ ઘણી ઊંચી. બારી-બારણાં ઘણાં એટલે લગભગ બારે માસ દરિયાનો પવન ફૂંકાતો રહે. પંખાની જરૂર ન પડે એટલો. ત્યારે ઘરોમાં એરકંડિશનર આવ્યાં નહોતાં. સિલિંગ ફેન પણ બે પાંદડે સુખી હોય તેવાને ઘરે જોવા મળે. બાકી મોટે ભાગે ઘરમાં એક ટેબલ ફેન હોય – જે હવા કરતાં અવાજ વધુ આપે – તેને જરૂર પ્રમાણે એક રૂમમાંથી બીજામાં ફેરવાય. રસોડામાં ગેસ, ફ્રિજ કે માઈક્રોવેવ નહોતાં. અરે, મિકસર પણ નહોતાં. ઘરની સ્ત્રીઓએ આ બધાં કામ જાતે કરવા પડતાં. આ બધાં સાધનો અને ગેજેટ્સને કારણે સ્ત્રીઓના જીવનમાં જે ફેરફાર થયો તેનો કોઈએ અભ્યાસ કર્યો છે કે નહિ એની ખબર નથી.

વજેરામ બિલ્ડિંગ ૨૦૧૬માં

આ મકાનમાંનાં ચાર કુટુંબો વચ્ચે ખટરાગ થતો જ નહિ એવું તો નહોતું, પણ એ ઝાઝો વખત ટકતો નહિ. સાજે-માંદે કે સારે-માઠે પ્રસંગે સૌનો ટેકો વગરમાગ્યે મળી રહેતો. માંદા માણસને ફૂલો કે ‘ગેટ વેલ સૂન’નું કાર્ડ મોકલવાનો રિવાજ નહોતો, પણ પડોશી કહ્યા-પૂછ્યા વગર ખીચડી કે રાબ કે ખાખરા (ઘરે બનાવેલા, ત્યારે બજારુ ખાખરાનું ચલણ થયું નહોતું.) બહુ સ્વાભાવિક રીતે મૂકી જતા. વાટકી-વ્યવહાર એ અપવાદ નહિ, નિયમ હતો. બાળકો અડોશ-પાડોશના ઘરમાં રમતાં એટલું જ નહિ, જમતાં પણ ખરાં. જેમને ઘરે રેડિયો હોય તેમને ત્યાં સાંજે પડોશીઓ ભેગા થતા. બધા તહેવારો મનના ઉમંગ અને ઉત્સાહથી સાથે મળીને ઉજવાતા. દિવાળીના દિવસોમાં અઠવાડિયા અગાઉ કાચું-કોરું બનાવવાની શરૂઆત. તેને માટે કે વડી-પાપડ માટે કે સીઝનમાં અથાણાં બનાવવા માટે બધાં બૈરાં (સોરી, સ્ત્રીઓ) ભેગાં મળીને કામ કરે. દિવાળીના પાંચ-છ દિવસ ઓછામાં ઓછું સૂવાનું. પહેલાં પડોશીને ઘરે સાથિયો કરવા જવાનું, પછી પોતાને ઘરે કરવાનો. જે દિવાળી માટે સાચું, તે જ બીજા બધા તહેવારો માટે પણ સાચું.

આ વજેરામ બિલ્ડિંગ બે કાંઠે વહેતી નદી જેવું. એક કાંઠે ધબકતું જીવન. બીજે કાંઠે સતત મૃત્યુની આવનજાવન. કારણ હિંદુ, મુસ્લિમ અને ખ્રિસ્તી સ્મશાન-કબ્રસ્તાન થોડેક જ દૂર. રોજ બે-ચાર વખત ‘શ્રી રામઃ, શ્રી રામઃ’ કે ‘લાય લાય યે અલ્લાહ’ સાંભળવા મળે જ. ખ્રિસ્તીઓનું હળવા સૂરે વાગતું મફલ્ડ બેન્ડ સંભળાય. પારદર્શક કાચની બાજુઓવાળા કાળા ‘હર્સ’ની પાછળ સફેદ ફૂલોના ‘રીધ’ હાથમાં લઈ સ્ત્રી-પુરુષો શાંતિથી ચાલતાં હોય. આજે મનસુખલાલ ઝવેરીની પેલી પંક્તિઓ યાદ આવે:

માનવીનાં રે જીવન!
એક આંખે આંસુની ધારા, બીજીએ સ્મિતના ઊડે ફુવારા,
તેજ-છાયાને તાણેવાણે ચીતરાયું ચિતરામણ.

પ્રિય વાચક! તને પ્રશ્ન થશે કે આજે આ ‘વજેરામ બિલ્ડિંગ’ની રામાયણ કેમ માંડી છે? આ લખનારની જિંદગીનાં પહેલાં ત્રીસેક વરસ એ મકાનના ચોથા માળે વીત્યાં હતાં ને, એટલે. આવતે અઠવાડિયે હજી ગિરગામની મુલાકાત ચાલુ.

e.mail : deepakbmehta@gmail.com

XXX XXX XXX

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 25 ઍપ્રિલ 2020

Loading

25 April 2020 admin
← કોરોનાના કામણનું કારણ અને મારણ બંને મૂડીવાદ?
ઘેરાતા સંકટ વખતે માણસાઈ જાળવવી એ માણસની પરીક્ષા છે →

Search by

Opinion

  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z
  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved