Opinion Magazine
Number of visits: 9449020
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—223

દીપક મહેતા|Opinion - Opinion|18 November 2023

૨૦૦ વરસ જૂના હોર્નબી રોડની ગઈ કાલ અને આજ       

પાત્રો : ‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ના ફિલાડેલ્ફિયાવાસી લેખક નટવર ગાંધી, કવયિત્રી પન્ના નાયક, અને આપનો નાચીઝ દી.મ.

સ્થળ : ફ્લોરા ફાઉન્ટનના ફુવારા પાસે  

દી.મ. : આવો, આવો, પન્નાબહેન, નટવરભાઈ! કેવી રહી તમારી દિવાળીની ઉજવણી?

નટવરભાઈ : ઠીક મારા ભઈ! નવરાત્રી હોય કે દિવાળી. બધા ભેગા થાય, ખાય ‘પીએ’, વાતો કરીએ. બીજું ગમે તે ખાવાનું હોય, મને તો ગરમાગરમ ફાફડા ગાંઠિયા મળે તો બીજું કાંઈ ન જોઈએ.

દી.મ. : એ શોખ વળી ક્યાંથી લાગ્યો, તમને?

નટવરભાઈ : છેક સાવર કુંડલાથી. ત્યાં ફરસાણ અને મીઠાઈની દુકાનો તો હતી. પણ ત્યાંથી પેંડા કે બીજી કોઈ મીઠાઈ ઘરે લઈ આવે. પણ એ ખાવાની તો ઘરે જ. પણ મારા બાપાને ગરમ ગરમ ફાફડા ગાંઠિયા અને મરચાં બહુ ભાવે. ઘણી વાર સવારે દુકાન પહોંચતાં વેંત મને કહે કે જા, ગાંઠિયા લઈ આવ! પછી દુકાનનો દરવાજો આડો કરીને અમે ગાંઠિયા ઝાપટીએ. 

પન્નાબહેન : ત્યારથી એમને ગાંઠિયાનો જબ્બર શોખ લાગી ગયો તે ઠેઠ આજ સુધી છે. અમેરિકામાં પણ દર વિકેન્ડમાં સવારે ગરમ ગરમ ગાંઠિયા ન મળે તો તેમની સવાર ન પડે! અરે, ગાંધી અને ગાંઠિયા પર તો એક આખું સોનેટ લખી શકાય! ખરું ને ગાંધી?

દી.મ. : નટવરભાઈ! આજે રવિવાર નહિ, શનિવાર છે, એટલે ગાંઠિયાની વાત જવા દઈએ. અને આપણે તમારી નજરે તમારા જમાનાનું મુંબઈ જોતાં હતાં તેની વાત આગળ વધારીએ? અગાઉ આપણે ચાલતાં ચાલતાં ફ્લોરા ફાઉન્ટન સુધી પહોંચ્યા હતા. 

હોર્નબી રોડ અને ફ્લોરા ફાઉન્ટન 

નટવરભાઈ : હા, ફ્લોરા ફાઉન્ટનથી થોડા આગળ જઈ હોર્નબી રોડ પર આગળ જઈએ તો …

દી.મ. : હોર્નબી રોડ એટલે આજનો દાદાભાઈ નવરોજી રોડ. એનો ઇતિહાસ નહિ નહિ તો ય ૨૦૦ વરસ જૂનો. કંપની સરકારે કોટ કહેતાં ફોર્ટ બાંધ્યો. તે પછી બે સાવ નાના રસ્તા કિલ્લાની બહાર બાંધ્યા, કિલ્લાના ચર્ચ ગેટ પાસેથી શરૂ થતા. આ રસ્તા એટલે મૂળ તો મોટી કેડી જેવા. તેમાં જે રસ્તો ઉત્તર-દક્ષિણ જતો બાંધ્યો તે હોર્નબી રોડ. ૧૭૭૧થી ૧૭૮૪ સુધી વિલિયમ હોર્નબી મુંબઈના ગવર્નર હતા. એમની જન્મ તારીખ તો જાણવા મળતી નથી, પણ ૧૭૨૩ના માર્ચની ૧૧મી તારીખે તેમને બાપ્તિસ્મા આપવામાં આવેલું એમ જાણવા મળે છે. ૧૮૦૩ના નવેમ્બરની ૧૮મી તારીખે અવસાન. એટલે કે આજે તેમના અવસાનને બરાબર ૨૨૦ વરસ થયાં. ૧૭૪૦માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીમાં એક મામૂલી ક્લાર્ક—રાઈટર તરીકે જોડાયા. ધીમે ધીમે આગળ વધતાં ૧૭૭૧માં મુંબઈના ગવર્નર બન્યા. તે પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની મરજીથી વિરુદ્ધ જઈને તેમણે હોર્નબી વેલાર્ડ બંધાવ્યો. તે બંધાવાથી મુંબઈની ભૂગોળ ઘણે અંશે બદલાઈ ગઈ. તે વખતના ક્લાર્ક રોડ અને લવ ગ્રોવ રોડને આ વેલાર્ડ જોડતો હતો. ૧૮૬૦માં મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફ્રેરેએ કિલ્લો તોડી નખાવ્યા પછી કોટ વિસ્તારનો ઝડપી વિકાસ થયો. નાનકડી ગલ્લી જેવા હોર્નબી રોડને ખાસ્સો પહોળો કરવામાં આવ્યો. તેની બંને બાજુ બંધાનારાં મકાનો કેવાં હોવાં જોઈએ તે અંગે સરકારે ૧૮૯૬માં નિયમો બનાવ્યા. તેમાંનો એક નિયમ એ કે દરેક મકાનના આગલા ભાગમાં રાહદારીઓ માટે ‘આર્કેડ’ બાંધવાનું ફરજિયાત હતું. પરિણામે આ રોડની બંને બાજુનાં મકાનો આજે પણ એકબીજાં સાથે જાણે જોડાયાં હોય એવું લાગે છે. 

નટવરભાઈ : તમે તો ખરો ઇતિહાસ ઉખેળ્યો, દીપકભાઈ. તો એ હોર્નબી રોડ પર ફ્લોરા ફાઉન્ટનથી આગળ જઈએ તો આવે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’નું બિલ્ડિંગ. આ બિલ્ડિંગમાં મારે લગભગ રોજ જવાનું થતું.

દી.મ. : કેમ? તમે ત્યાં પણ કામ કરેલું?

નટવરભાઈ : ના રે ના. રોજ છાપું વાંચું. નોકરી માટેની જે જાહેર ખબરો આવી હોય તેમાં અરજી કરું. અને પછી ‘ટાઈમ્સ’ના મકાનમાં જઈને ભોંયતળિયે રાખેલા ચમકતા પીળા મોટા બોકસમાં મારી અરજી જાતે નાખી આવું. દર વખતે મનોમન ભગવાનને કહેતો કે બાપા, હવે ખમૈયા કરો. જેવી તેવી પણ કોઈક નોકરી અપાવો.

દી.મ. : નટવરભાઈ, નોકરીની વાત છોડો. આપણે હોર્નબી રોડ પરની લટાર ચાલુ રાખીએ.

નટવરભાઈ : હા. ત્યાં હતી અંગ્રેજી ચોપડીઓની બે મોટી દુકાનો, ન્યૂ બુક કંપની અને તારાપોરવાલા. ફ્લોરા ફાઉન્ટન પાસે હતો વેસ્ટ એન્ડ વોચનો મોટો શો રૂમ. એ વખતે આપણા દેશમાં રિસ્ટ વોચ પણ બનતી નહિ. બધી ‘ઈમ્પોર્ટેડ.’

દી.મ : નટવરભાઈ, મરાઠી ભાષીઓનો માનીતો શબ્દ વાપરીને કહું તો તમને એક ગમ્મત કહું. દેશમાં HMT કંપનીએ પહેલી વાર રિસ્ટ વોચનું ઉત્પાદન શરૂ કર્યું. તે વેચવા માટે પેડર રોડ પર મોટો શો રૂમ ઊભો કર્યો. કાચના બંધ શો કેસમાં ઘડિયાળો ગોઠવેલાં. પણ તમારે માત્ર જોવાનાં, હાથમાં આપે નહિ! ફક્ત ચાર મોડેલ, બે પુરુષો માટેનાં, બે સ્ત્રીઓ માટેનાં. પણ હકીકતમાં તો બે જ મોડેલ હતાં. સ્ત્રીઓ માટેનું મોડેલ બે જાતનું : એક  સ્ટેનલેસ સ્ટીલનું, બીજું ગોલ્ડ પ્લેટેડ. પુરુષો માટેનાં મોડેલમાં પણ એમ જ. તમારે પૂરેપૂરી કિંમત ચૂકવી દેવાની. પછી તમને એક કોરું પોસ્ટ કાર્ડ આપે. તેના પર તમારું નામ-સરનામું લખીને આપવાનું. તમારો વારો આવે ત્યારે ઘરે પોસ્ટ કાર્ડ આવે કે બિલ તથા આ પોસ્ટ કાર્ડ બતાવીને સાત દિવસની અંદર ઘડિયાળ લઈ જજો!

નટવરભાઈ : હોર્નબી રોડ પરના બે મોટા સ્ટોર્સ બહુ જાણીતા હતા. એક ખાદી ગ્રામોદ્યોગ અને બીજો હેન્ડલૂમ હાઉસ. 

દી.મ. : પહેલાં એ બન્ને જગ્યાએ બ્રિટિશ સ્ટોર્સ હતા, વ્હાઈટ વે અને ઇવાન્સ ફ્રેઝર. આપણા ‘દેશી’ઓ તો ફૂટ પાથ પર ઊભા રહી બીતાં બીતાં અંદર એકાદ નજર નાખી લે!

નટવરભાઈ : હું પણ તમને એક મજેદાર વાત કહું. ખાદી ગ્રામોદ્યોગ શરૂ થયા પછી ઘણો વખત લંચ ટાઈમે સ્ટોર એક કલાક બંધ રહેતો! કારણ તેના નોકરિયાતોનો લંચ ટાઈમ તો સાચવવો જ પડે ને! જ્યારે આજુબાજુની ઓફિસોમાં કામ કરતા લોકોને લંચ ટાઈમમાં શોપિંગ કરવું હોય ત્યારે આ સ્ટોર તો હોય બંધ! 

દી.મ. : અને ફ્લોરા ફાઉન્ટનની આસપાસના વિસ્તારમાં ફરતાં ફરતાં તમે કોઈક કવિતા ગણગણ્યા કરતા એમ પન્નાબહેન કહેતાં હતાં. એ કયું પ્રેમ કાવ્ય હતું?

પન્નાબહેન : અરે દીપકભાઈ! એ વખતે તો અમે એક બીજાંને જોયાં ય નહોતાં. એટલે એ પ્રેમ કાવ્ય …

નટવરભાઈ : એ કાવ્યો હતાં મુંબઈ પ્રેમનાં, નિરંજન ભગતનાં પ્રવાલદ્વીપ કાવ્યો. ત્યાં ફુવારા પર આરૂઢ ગ્રીક ગોડેસ ફ્લોરા માટે કવિએ ‘વિશ્વ માલણી’ જેવો સુંદર શબ્દ વાપર્યો છે, તો એના હાથમાં રહેલાં ફૂલોને ‘શલ્ય ફૂલ’ કહ્યાં છે. ‘હોર્નબી રોડ’ કાવ્યના પ્રવાહી લય અને એના કાવ્ય વસ્તુનું મને હંમેશ આકર્ષણ રહ્યું છે. 

દી.મ. : નિરંજન ભગતના એ કાવ્યની થોડી પંક્તિઓ સંભળાવોને, નટવરભાઈ!

નટવરભાઈ : 

અનેક ફાંકડા 

બધા જ માર્ગ જેમને કદી ન સાંકડા,

છતાંય વ્હાઈટ વેઝ કાચપાર કાષ્ઠસુંદરી અપૂર્વ આભારણ,

તહીં અવશ્ય ઠોકરાય ચક્ષુ ને ચરણ;

અનેક રાંકડા

કુટુંબખર્ચના રટે જમાઉધાર આંકડા,

સદાય વેસ્ટ એન્ડ વોચ પાસ આવતા જતા 

સમય મિલાવતા, 

રખે જ કાળ થાય બેપતા;

અનેક ટાઈપિસ્ટ ગર્લ્સ, કારકૂન, 

એકસૂર જિંદગી સહ્યે જતાં જ સૂનમૂન,

લંચને સમે ઇવાન્સ ફ્રેઝરે લિયે લટાર,

જોઈ લે નવીન સ્લેકસ, ટાઈઝ, 

બે ઘડી ઊભાં રહી ટટાર. 

આસ્ફાલ્ટ રોડ, 

સ્નિગ્ધ, સૌમ્ય ને સપાટ, કૈં ન ખોડ.

દી.મ. : આ કાવ્ય લખાયું તેને દાયકાઓ વીતી ગયા, ઘણું બદલાયું છે, પણ આ કાવ્યમાં મુંબઈ શહેરનો અને તેમાં વસનારાનો જે સ્પિરિટ પ્રગટ થયો છે તે તો તેવો ને તેવો જ આજે પણ રહ્યો છે. 

નટવરભાઈ : હોર્નબી રોડ પર બોરી બંદરની સામે ડાબી બાજુએ જરાક અંદર એક્સેલસિયર થિયેટર હતું. ઓપેરા થિયેટરની જેમ બેસવા માટે અનેક લેયર. ત્યાં સૌથી ઉપરના માળે બેસીને માથું એકદમ નીચું કરીને Bridge on River Kwai નામની હોલીવૂડની ફિલ્મ જોઈ હતી તે હજી યાદ છે.

દી.મ. : આ થિયેટરનો ઇતિહાસ પણ મજેદાર છે હોં.

પન્નાબહેન : થોડી વાત કરો ને એ વિષે.

સર ફ્રેંક સાઉટર

દી.મ. : મુંબઈનાં ઘણાં જૂનાં થિયેટરોમાંનું આ એક. શરૂ થયું ત્યારે એનું નામ હતું ‘નોવેલ્ટી.’ અને એ બંધાયેલું નાટકો ભજવવા માટે. વિક્ટોરિયા નાટક મંડળીના માલિકો ખરશેદજી બાલીવાલા અને ડોસાભાઈ મગોલે એ બંધાવ્યું. તેનું સ્ટેજ ૯૦X૬૫ ફૂટનું હતું. અને તેમાં ૧,૪૦૦ બેઠકો હતી. ૧૮૮૭ના મે મહિનાની ૨૧મી તારીખે તે વખતના પોલીસ કમિશનર સર ફ્રેંક સાઉટરે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. મુંબઈ શહેરના તેઓ પહેલ વહેલા પોલીસ કમિશનર. જન્મ ૧૮૩૧ના જૂનની ૩૦મી તારીખે, અવસાન ૧૮૮૮ના જૂનની પાંચમી તારીખે. ૧૮૬૪માં તેમની નિમણૂંક મુંબઈના પોલીસ કમિશનર તરીકે થઇ હતી. એ વખતની મુંબઈની વસતીના પ્રમાણમાં પણ પોલીસોની સંખ્યા ઘણી ઓછી હતી અને તેમના પગાર પણ બહુ ટૂંકા હતા. એ વખતે દર ૫૦૬ નાગરિકે એક પોલીસ હતો. અને સૌથી નીચી પાયરીના પોલીસનો પગાર હતો મહિને દસ રૂપિયા! અને મોટા ભાગના પોલીસ વાંચી-લખી શકતા નહોતા! ૧૮૮૪માં એક સાથે દસ હજાર લોકો હજ કરવા માટે મુંબઈથી રવાના થવાના હતા. ત્યારે સાઉટરે પહેલી વાર પાસપોર્ટની પદ્ધતિ દાખલ કરી હતી. ૧૮૮૮ના એપ્રિલની ૩૦મી તારીખે તેઓ નિવૃત્ત થઈને નીલગિરી રહેવા ગયા હતા. એ જ વરસના જૂનની પાંચમી તારીખે તેમનું ત્યાં જ અવસાન થયું. 

એક્સેલસિયર થિયેટર 

નટવરભાઈ : એ નોવેલ્ટીના માલિક બદલાયા. તેમણે એ તોડી ત્યાં નવું થિયેટર બાંધ્યું, એક્સેલસિયર. વખત જતાં એ પણ તૂટ્યું, એની જગાએ ઊભું થયું ન્યૂ એક્સલસિયર. અને ધોબી તળાવ પરનું મેટ્રો સિનેમા. ત્યાં અનેક મેટીની શો જોયેલા. દર રવિવારે લાઇનમાં ઊભા રહી જવાનું. એ હોલીવૂડની મૂવીઓ બે કલાક માટે મને અમેરિકા પહોંચાડી દેતી. આજ એમ થાય છે કે મૂવીઓના બે કલાકના એ અંધારામાં હું મારી જાતને પામતો!

મને થતું કે મારે ખરેખર ન્યૂ યૉર્ક સાન ફ્રાનસિસ્કો, બર્લિન જેવાં શહેરોમાં રહેવું જોઈએ. પણ બે કલાક પછી જેવા બહાર નીકળો તો મુંબઈ દેખાય! ઘણી વાર તો ત્યાંથી ભાગી જવાનું મન થાય. પણ જવું ક્યાં?

પન્નાબહેન : પણ પછી ગાંધીના જીવનમાં ‘ખુલ જા સીમ સીમ’ જેવું થયું. મુંબઈમાં સાથે ભણતા મિત્ર જારેચાએ અમેરિકામાં ભણવા માટે તેમને બોલાવી લીધા. 

નટવરભાઈ : મુશ્કેલીઓ તો ઘણી આવી, ડગલે ને પગલે. પણ છેવટે ૧૯૬૫ના ઓક્ટોબરની ૧૦મી તારીખે મોડી રાતે હું એર ઇન્ડિયાના પ્લેનમાં અમેરિકા જવા બેઠો! પ્લેનમાં જવાની સીડીનાં પગથિયાં ચડતાં હું ખલીલ જીબ્રાનની પંક્તિઓ ગણગણતો હતો :

Then we left that sea to seek the Greater Sea. 

દી.મ. : પન્નાબહેન, નટવરભાઈ. તમારી આંખે મુંબઈને જાણવા અને માણવાની મજા આવી. હવે  મુંબઈ આવો ત્યારે જરૂર મળશું. આવજો. 

e.mail deepakbmeha@gmail.com

XXX XXX XXX

 (પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 18 નવેમ્બર 2023)

Loading

18 November 2023 Vipool Kalyani
← नीतीश कुमार का अपराध : नीतीश कुमार की माफी 
સર્વોચ્ચ અદાલતનો ચુકાદો લોકતંત્રને બચાવશે ખરો ? શાષકોની બદમિજાજ રીતોને રોકશે ખરો ?  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved