Opinion Magazine
Number of visits: 9503087
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—180

દીપક મહેતા|Opinion - Opinion|21 January 2023

મુંબઈ યુનિવર્સિટી કરતાં એલ્ફિન્સ્ટન કોલેજ વધુ જૂની

મૌખિક પરીક્ષા પહેલાં સૂઈ ગયેલા ગોવર્ધનરામ ત્રિપાઠીને કોણે જગાડ્યા? 

જસ્ટિસ સુજાતા મનોહર, અભિનેત્રી સ્મિતા પાટિલ, લેખિકા ધીરુબહેન પટેલ, અભિનેત્રી સ્વરૂપ સંપટ, નાગરિક હકોનાં હિમાયતી તિસ્તા સેતલવડ, કળામર્મજ્ઞ સરયુ દોશી – જુદાં જુદાં ક્ષેત્રોમાં કામ કરતી આ મહિલાઓ વચ્ચે એક બાબત સમાન છે. તે કઈ?

બાળગંગાધર ટિળક, પ્રેમચંદ રાયચંદ, કવિ નર્મદ, દાદાભાઈ નવરોજી, મહાદેવભાઈ દેસાઈ, જમશેદજી તાતા, અભિનેતા સલમાન ખાન, ક્રિકેટર અજિત વાડેકર, પાકિસ્તાનના પહેલા પ્રમુખ ઇસ્કન્દર મિર્ઝા, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા, લેખક સુરેશ જોશી, ગાયક કુણાલ ગાંજાવાલા – આ બધા જુદા જુદા ક્ષેત્રમાં કામ કરનારાઓ એક યા બીજે વખતે એક જ સંસ્થા સાથે સંકળાયેલા હતા. એ સંસ્થા તે કઈ?

જવાબ: આજના લેખને અંતે.

*

આપણે ત્યાં એક એવો ખ્યાલ પ્રવર્તે છે કે ૧૮૫૭માં મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ તે પછી જ બોમ્બે પ્રેસિડન્સીમાં ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ. પણ હકીકતમાં આ યુનિવર્સિટીની સ્થાપના પહેલાં અસ્તિત્ત્વમાં આવેલી એલ્ફિન્સ્ટન કોલેજ દ્વારા ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ ચૂકી હતી. ૧૮૨૭ના નવેમ્બરની પહેલી તારીખે બોમ્બે પ્રેસિડેન્સીના ગવર્નરને પદેથી માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટન નિવૃત્ત થયા. તેમની અત્યંત વિશિષ્ટ કામગીરીની યાદ કાયમ રાખવા માટે શું કરવું જોઈએ એ અંગે વિચારણા કરવા નાગરિકોની એક જાહેર સભા ૧૮૨૭ના ઓગસ્ટની ૨૮મી તારીખે મુંબઈમાં નેટિવ એજ્યુકેશન સોસાયટીની લાઈબ્રેરીમાં મળી. સભાપતિનું સ્થાન માધવદાસ રણછોડદાસે સંભાળ્યું હતું. એલ્ફિન્સ્ટનના નિકટના સાથી કેપ્ટન જર્વિસે કહ્યું કે ગવર્નર એલ્ફિન્સ્ટન પણ રાજી થાય એવું કામ આપણે કરવું જોઈએ. અને શિક્ષણના ક્ષેત્ર કરતાં વધુ સારું બીજું કયું ક્ષેત્ર આ માટે હોઈ શકે? એટલે ‘એલ્ફિન્સ્ટન પ્રોફેસરશીપ’ શરૂ કરવી એ ઉત્તમ રસ્તો છે એવું ઠરાવવામાં આવ્યું. તથા તે અંગે મુંબઈની સરકાર અને ગ્રેટ બ્રિટનમાંની ઇસ્ટ ઇન્ડિયા કંપનીને વિનંતી કરવી એમ પણ નક્કી થયું. આ કામ પાર પાડવા માટે એક સમિતિ રચવામાં આવી જેમાં આટલાનો સમાવેશ થતો હતો : જમશેદજી જીજીભાઈ, ફરામજી કાવસજી બનાજી, બહમનજી હોરમજજી વાડિયા, ધાકજી દાદાજી, દેવીદાસ હરજીવનદાસ, જગન્નાથ શંકરશેઠ, અને મહંમદઅલી રોગે.

માઉન્ટ સ્ટુઅર્ટ એલ્ફિન્સ્ટનનું બાવલું – ભાઉ દાજી લાડ  મ્યુઝિયમ

આ અંગે ‘દેશીઓ’ પાસેથી ફાળો ઉઘરાવવાનું પણ નક્કી થયું. કુલ રૂ. ૨,૨૬,૧૭૨નો ફાળો ભેગો થયો. (૧૮૨૭ના સવા બે લાખ એટલે આજના કંઈ નહિ તો પચીસ કરોડ.) અંગ્રેજી ભાષા-સાહિત્ય ઉપરાંત યરપનાં કળા, સાહિત્ય, વિજ્ઞાન વગેરે વિષયો શીખવી શકે એવા એક કે વધુ પ્રોફેસરોની પસંદગી એલ્ફિન્સ્ટન પોતે કરે એવી વિનંતી પણ સરકારને કરવામાં આવી. અલબત્ત, સરકાર સાથેની લખાપટ્ટીમાં ઘણો વખત ગયો. છેવટે ૧૮૩૫માં એલ્ફિન્સ્ટન કોલેજની સ્થાપના થઈ શકી. પહેલા બે પ્રોફેસરો આર્થર બેડફર્ડ ઓર્લેબાર અને જોન હાર્કનેસ મુંબઈ આવ્યા પછી ૧૮૩૬માં પહેલવહેલા વર્ગો શરૂ થયા. અલબત્ત, બીજી કોઈ જગ્યાની સગવડ થઈ ન હોવાથી એલ્ફિન્સ્ટન કોલેજની શરૂઆત મુંબઈના ટાઉન હોલના મકાનમાં થઈ હતી. યુનિવર્સિટીની ઓફિસ તો એ મકાનમાં હતી જ, પણ વર્ગો પણ ત્યાં જ લેવાતા અને વાર્ષિક પરીક્ષાઓ પણ ત્યાં જ લેવાતી. શરૂઆતમાં આ કોલેજ અગાઉની એલ્ફિન્સ્ટન સ્કૂલ સાથે જોડાયેલી હતી. ૧૮૪૫માં કોલેજ અલગ થઈ તે પછી જોન હાર્કનેસ તેના પહેલા પ્રિન્સિપાલ બન્યા. આજે જેનું સત્તાવાર નામ જમનાદાસ મહેતા રોડ છે તે રસ્તાનું અસલ નામ હાર્કનેસ રોડ હતું કારણ એ રોડ પરના એક બંગલામાં તેઓ રહેતા હતા.

એલ્ફિન્સ્ટન કોલેજનું જૂનું મકાન, ભાયખળા

૧૮૪૫માં ઉચ્ચ શિક્ષણની દિશામાં બોમ્બે પ્રેસિડન્સીએ બીજું એક મહત્ત્વનું પગલું ભર્યું. એ વર્ષે આ ઈલાકાની પહેલવહેલી મેડિકલ કોલેજ, ગ્રાન્ટ મેડિકલ કોલેજની શરૂઆત મુંબઈમાં થઈ. તેની સાથે જોડાયેલી સર. જે.જે. હોસ્પિટલ પણ સાથોસાથ શરૂ થઈ. શરૂઆતમાં એલ્ફિન્સ્ટન કોલેજ અને ગ્રાન્ટ મેડિકલ કોલેજ, બંને પોતે જ વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી. ૧૮૬૦માં એ બંને કોલેજ યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ ગઈ અને ત્યારથી ડિગ્રી આપવાનું કામ યુનિવર્સિટી કરતી થઈ.

૧૮૫૭માં દેશમાં પહેલી ત્રણ યુનિવર્સિટીઓ સ્થપાઈ તેમાંની એક યુનિવર્સિટી ઓફ બોમ્બે ૧૮૫૭ના જુલાઈની ૧૮મી તારીખે અસ્તિત્ત્વમાં આવી. તે વખતે તેમાં માત્ર બે જ વિદ્યા શાખા હતી – આર્ટસ અને મેડસિન. પણ શરૂઆતમાં શિક્ષણ માટેની કોઈ વ્યવસ્થા ન હોવાથી આર્ટ્સના વિદ્યાર્થીઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં અને મેડસિનના વિદ્યાર્થીઓ ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા. ૧૮૫૯માં યુનિવર્સિટીએ પહેલી વાર મેટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હોલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ તેમાંથી માત્ર ૨૨ પાસ થયા હતા. તેમાંના બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. એ વખતે મેટ્રિકની પરીક્ષામાં ગુજરાતી-મરાઠી વગેરે ભાષાઓના ત્રણ-ત્રણ પેપર રહેતા : એક વ્યાકરણનો, બીજો અંગ્રેજીમાંથી અનુવાદનો, અને ત્રીજો ગુજરાતી-મરાઠી વગેરેમાંથી અંગ્રેજી અનુવાદનો.

શરૂઆતનાં ઘણાં વરસ દરેક વિષયમાં લેખિત ઉપરાંત મૌખિક પરીક્ષા પણ લેવાતી. એ વખતના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધનો ખ્યાલ આપતો એક કિસ્સો : ૧૮૭૧માં ગોવર્ધનરામ ત્રિપાઠીએ મેટ્રિકની પરીક્ષા આપી ત્યારે સંસ્કૃતના પરીક્ષક હતા પ્રકાંડ પંડિત રામકૃષ્ણ ગોપાળ ભાંડારકર. મૌખિક પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તેમની અટકના alphabetical orderમાં બોલાવતા. એટલે ગોવર્ધનરામનો વારો લગભગ છેલ્લો. આગલે દિવસે આખી રાત તૈયારી કરવા જાગેલા. એટલે વારો આવે તેની રાહ જોતાં જોતાં બાંકડા પર જ સૂઈ ગયા. ભાંડારકરે બે વખત ‘ત્રિપાઠી’ના નામની બૂમ પાડી, પણ કોઈ આવ્યું નહિ. એટલે પોતાની કેબિનમાંથી બહાર જઈ જોયું તો એક વિદ્યાર્થી સૂતો હતો. ઢંઢોળીને પૂછ્યું : ‘તમે જ મિસ્ટર ત્રિપાઠી?’ ‘હા જી સાહેબ.’ ‘ચાલો મૌખિક પરીક્ષા માટે.’

મેટ્રિકની પહેલી પરીક્ષામાં ફક્ત બે ગુજરાતી છોકરા પાસ

યુનિવર્સિટી ઓફ બોમ્બેએ ૧૮૬૨માં પહેલી વાર બી.એ.ની પરીક્ષા લીધી તેમાં તો માત્ર ચાર છોકરા જ પાસ થયા હતા, જેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. લાઈસેનસિયેટ ઇન મેડસિનની ડિગ્રી મેળવનારાઓમાં ત્રણ પારસી હતા અને એક હતા મરાઠીભાષી. ૧૮૬૩ની બી.એ.ની બીજી પરીક્ષામાં માત્ર ત્રણ છોકરા ગ્રેજ્યુએટ થયા હતા, અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના કર્તા. બી.એ. પછી એલએલ.બી. થઈ વ્યવસાયે વકીલ બન્યા, પણ વૃત્તિએ સમાજ સુધારાના પુરસ્કર્તા રહ્યા.

ગ્રાન્ટ મેડિકલ કોલેજનું જૂનું મકાન

પરીક્ષા શરૂ થાય તે પહેલાં પેપર ફૂટી ન જાય તે માટે આજે યુનિવર્સિટીઓ જાતજાતની તરકીબ અજમાવે છે, અને છતાં ઘણી વાર પેપર ફૂટી જાય છે. જ્યારે એ જમાનામાં દરેક પ્રશ્નપત્રને મથાળે જ તેના પેપર સેટર્સનાં નામ છાપવામાં આવતાં! લેખિત પરીક્ષા પછીની મૌખિક પરીક્ષા પણ એ જ પેપર સેટર્સ લેતા, છતાં તેમનાં નામ આ રીતે જાહેર કરવામાં વાંધો જણાતો નહોતો. તેવી જ રીતે ઉત્તરપત્રમાં દરેક પાનાને મથાળે વિદ્યાર્થીએ પોતાનું નામ અને નંબર લખવાનાં રહેતાં. એટલે કે એ વખતે યુનિવર્સિટીને પરીક્ષકો તેમ જ વિદ્યાર્થીઓ પર પણ પૂરેપૂરો વિશ્વાસ હતો.

એલ્ફિન્સ્ટન કોલેજને તેનું પોતાનું મકાન મળ્યું તે તો છેક ૧૮૭૧માં, સર કાવસજી જહાંગીરની સખાવતથી. એ મકાન તે આજનું કોટ વિસ્તારમાં આવેલું મકાન નહિ. અસલ મકાન ભાયખળામાં વિક્ટોરિયા ગાર્ડનની સામે હતું. આજે એ મકાનમાં ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકર રેલવે હોસ્પિટલ છે. ત્યાર બાદ કોલેજને હાલના કાળા ઘોડા સામેના નવા મકાનમાં ખસેડાઈ હતી. આ મકાન ૧૮૮૮માં બંધાયું હતું. આજે તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ બિલ્ડિંગનો દરજ્જો ધરાવે છે. આપણા પ્રખ્યાત ભાષાશાસ્ત્રી, કવિ, વિવેચક નરસિંહરાવ દિવેટિયા આ કોલેજમાં વર્ષો સુધી ગુજરાતીના અધ્યાપક રહ્યા હતા.

૧૮૬૧ના ડિસેમ્બરની ૧૪મી તારીખે બીજી એક કોલેજ – વિલ્સન કોલેજ – યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ. છેક ૧૮૩૨માં સ્કોટિશ પાદરી જોન વિલ્સને ગિરગામમાં આમ્બ્રોલી ઇંગ્લિશ સ્કૂલ શરૂ કરી હતી. પછીથી તેનું નામ વિલ્સન સ્કૂલ રાખવામાં આવ્યું. ૧૮૩૬માં તેમાં ‘કોલેજ સેક્શન’ ઉમેરવામાં આવ્યું. સ્કૂલથી અલગ થયા પછી તે વિલ્સન કોલેજ તરીકે ઓળખાયું. તે પછી ૧૮૬૯ના જાન્યુઆરીની બીજી તારીખે શરૂ થયેલી સેન્ટ ઝેવિયર્સ કોલેજ યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે જોડાઈ. પહેલે વરસે તેમાં ફક્ત બે જ વિદ્યાર્થીઓ ભણવા માટે દાખલ થયા હતા.

માત્ર મુંબઈ શહેર માટે જ નહીં, આખા બોમ્બે પ્રેસિડન્સી માટે યુનિવર્સિટી અને તેની કોલેજો – ખાસ કરીને એલ્ફિન્સ્ટન કોલેજ – ઉચ્ચ કેળવણીનું કેન્દ્ર બની રહી. નવું જ્ઞાન, નવા વિચારો, નવા આદર્શો, ફેલાવવામાં તેણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. ગુજરાતી સાહિત્યમાં જે સમયગાળાને પંડિત યુગ તરીકે ઓળખવાનો ચાલ છે તે સમયના ઘણાખરા લેખકો, પત્રકારો, સમાજ સુધારાના અગ્રણીઓ, યુનિવર્સિટી ઓફ બોમ્બેના, અને એલ્ફિન્સ્ટન કોલેજના જ વિદ્યાર્થીઓ હતા. આજના ગુજરાત રાજ્યના વિસ્તારમાંની પહેલવહેલી કોલેજ છેક ૧૮૭૯માં અમદાવાદમાં શરૂ થઈ, ગુજરાત કોલેજ. ત્યાં સુધી તો આખા ગુજરાતમાંથી ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ મુંબઈ જ આવતા. એટલે આજના ગુજરાત રાજ્યના શૈક્ષણિક, સાંસ્કૃતિક, સાહિત્યિક વિકાસમાં મુંબઈનો ફાળો અનન્ય છે. આજના ગુજરાતના શિક્ષણ, સંસ્કૃતિ, સાહિત્યની અગ્રણી સંસ્થાઓ કે વ્યક્તિઓ આ વાત સ્વીકારે કે ન સ્વીકારે, તેથી કાંઈ હકીકત બદલાઈ જતી નથી.

યુનિવર્સિટી ઓફ બોમ્બે અને તેની સાથે સંકળાયેલી કોલેજોએ બીજું એક મહત્ત્વનું કામ કર્યું તે સામાજિક સીડીનાં પગથિયાં ચડવા માટે એક ભરોસાપાત્ર સાધનની સગવડ ઊભી કરી આપી. અને પહેલાં ગ્રેટ બ્રિટનનાં અને પછી આખી દુનિયાનાં જ્ઞાન-વિજ્ઞાન, સાહિત્ય-સંસ્કૃતિ, શોધન-સંશોધન સાથે ઘરોબો બાંધી આપ્યો. આ નવી આબોહવામાં શ્વાસ લેનાર કવિ નર્મદે કદાચ એટલે જ ગાયું : ‘દીપે અરુણું પરભાત.’

*

આ લેખની શરૂઆતમાં પૂછેલા સવાલનો જવાબ : જુદાં જુદાં ક્ષેત્રની આ બધી જ અગ્રણી વ્યક્તિઓ વચ્ચે એક સમાન બાબત એ હતી કે એક યા બીજે વખતે તે એલ્ફિન્સ્ટન કોલેજમાં ભણી હતી, અને એટલે યુનિવર્સિટી ઓફ બોમ્બેની સંતાન હતી. 

e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 21 જાન્યુઆરી 2023

Loading

21 January 2023 Vipool Kalyani
← … શોધું છું
બંધારણનાં મૂળભૂત માળખામાં ફેરફાર કરવાનો સંસદને અધિકાર નથી →

Search by

Opinion

  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન
  • એકસો પચાસમે સરદાર પૂછે છેઃ ખરેખર ઓળખો છો ખરા મને?
  • RSS સેવાના કાર્યો કરે છે તો તે ખતરનાક સંગઠન કઈ રીતે કહેવાય? 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved