Opinion Magazine
Number of visits: 9448980
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—143

દીપક મહેતા|Opinion - Opinion|30 April 2022

 દેશી નાટક સમાજ : એક નામની બે કંપની?

નાટકની તવારીખ માટે ભરોસાપાત્ર સાધન ઓપેરા બુક્સ

૧૮૮૫ સુધીમાં ભજવાયેલાં ૨૩ નાટકમાં હતાં ૧,૧૦૦ ગાયન   

કોઈનું ઘડતર, કોઈનું ચણતર, કોઈ પાડે પરસેવા,
જાગે તેનું નસીબ જાગતું, જાગ જાગ મરજીવા.

જૂની ગુજરાતી રંગભૂમિના ઘડતર અને ચણતર અંગેની એક-બે ગૂંચની વાત આજે કરવી છે. અમદાવાદમાં ગુજરાતી રંગભૂમિના શ્રીગણેશ કેશવલાલ શિવરામના સંગીત નાટક ‘સંગીત-લીલાવતી’થી થયા એની વાત તો આપણે અગાઉ કરેલી. પણ ગદ્યપદ્યાત્મક નહિ, કેવળ પદ્યાત્મક સંગીત નાટક રચવાની પ્રેરણા તેમને મળી ક્યાંથી? કારણ એ વખતે મુંબઈની બિન-પારસી રંગભૂમિ પર તો સંગીત નાટકનું ચલણ નહોતું. નાટકમાં ગીતો આવતાં, ઢગલાબંધ આવતાં, પણ સંગીત નાટક મુંબઈની ગુજરાતી રંગભૂમિ પર ત્યારે નહોતું.

અણ્ણાસાહેબ કિર્લોસ્કર

પણ હા, મરાઠી રંગભૂમિ પર સંગીત નાટકની બોલબાલા શરૂ થઈ ગઈ હતી. મુંબઈની પારસી નાટક મંડળી ‘ઇન્દ્રસભા’ નામનો ઓપેરા ભજવતી હતી. પૂનામાં તેનો એક ખેલ અન્નાસાહેબ કિર્લોસ્કરે પૂર્ણાનંદ નામના થિયેટરમાં જોયો. એટલા પ્રભાવિત થયા કે તેમણે લખી નાખ્યું મરાઠીનું પહેલું સંગીત નાટક ‘સંગીત શાકુન્તલ’. ૧૮૮૦ના ઓક્ટોબરની ૩૧મી તારીખે પહેલી વાર પૂનામાં ભજવાયું. બુધવાર પેઠમાં આવેલું ત્રણ માળનું આનંદોદ્ભવ થિયેટર ચિક્કાર. ૧૮૮૧માં આ નાટક પુસ્તક રૂપે પ્રગટ થયું. મહારાષ્ટ્રનાં જૂદાં જૂદાં શહેરોમાં તો એ ભજવાયું જ, પણ મહારાજા સયાજીરાવના આમંત્રણથી કિર્લોસ્કર નાટક મંડળી વડોદરા પણ ગયેલી, અને ત્યાં સંગીત શાકુન્તલ ભજવેલું જે મહારાજાને તેમ જ લોકોને ખૂબ પસંદ પડ્યું હતું એમ નોંધાયું છે. એટલે એક વિચાર આવે છે કે શું કેશવલાલ શિવરામે વડોદરામાં ‘સંગીત શાકુન્તલ’ નાટક જોયું હશે? અને સંગીત લીલાવતી નાટક લખવાની પ્રેરણા એ નાટકમાંથી મળી હશે?

કિર્લોસ્કરના સંગીત શાકુંતલના પહેલા પ્રયોગમાં

‘સંગીત લીલાવતીને અંતે કેશવલાલ પોતાનો પરિચય આ પ્રમાણે આપે છે :

‘અણહિલપુર પાટણનો વતની, રાજનગર રહું હાલ,
જૈન શાળામાં જૈન અધ્યાપક, શિવસુત કેશવલાલ.’

ખેડા જિલ્લાના રાજનગરના વતનીએ વડોદરામાં મરાઠી સંગીત શાકુન્તલ જોયું હોય એમ બની શકે. મોટે ભાગે મરાઠીમાંથી પ્રેરણા લઈને ગુજરાતીમાં પણ ‘અભિજ્ઞાન શકુંતલા ગાયન રૂપી નાટક’ અમદાવાદથી ૧૮૯૦માં પ્રગટ થયું છે. ગુજરાતી રંગભૂમિના ચાલ પ્રમાણે લેખકનું નામ છાપ્યું નથી, પણ ‘પ્રગટકર્તા’ તરીકે માસ્ટર નાનાલાલ વિ. મગનલાલનું નામ છાપ્યું છે. આ પહેલી આવૃત્તિની ૧,૦૦૦ નકલ છપાયેલી, કિંમત બે આના. છેલ્લે છાપેલી ‘જાહેર ખબર’ પ્રમાણે નાનાલાલ વિ. મગનલાલની દુકાન અમદાવાદમાં ગુસાપારેખની પોળમાં આવી હતી અને ૧૮૯૦ સુધીમાં તેણે કુલ ૧૪ નાટકની ઓપેરા બુક છાપી હતી.

 

કન્યાવિદાયનું દૃષ્ય

અમદાવાદમાં સંગીત લીલાવતીથી રંગભૂમિની શરૂઆત થઈ અને પછી કેશવલાલ અને ડાહ્યાભાઈએ દેશી નાટક સમાજની સ્થાપના કરી એ તો બરાબર. એ મંડળીએ સંગીત લીલાવતી ભજવેલું. પણ કેશવલાલ અને ડાહ્યાભાઈ જૂદા પડ્યા, દેશી નાટક સમાજ કંપની ડાહ્યાભાઈની સુવાંગ માલિકીની બની તે પછી શું સંગીત લીલાવતી અને તેના લેખક ભૂલાઈ ગયાં? ના, આ લખનારને આ નાટકની ૧૮૯૬થી ૧૯૧૮ સુધીમાં છપાયેલી ૧૧ આવૃત્તિની નકલો જોવા મળી છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ ૨૦૦૩માં આ નાટક ફરી છાપ્યું તેમાં સંપાદકે જણાવ્યું છે કે આ નાટકની પહેલી આવૃત્તિ ૧૯૧૨માં પ્રગટ થયેલી. પણ આ લખનાર પાસે તેના કરતાં પહેલાંની નવ આવૃત્તિની નકલ મોજૂદ છે. બે-બે આને વેચાતી આવી ઓપેરા બુક કાંઈ ચોપડીઓની દુકાનમાં વેચાતી નહિ. નાટકના ખેલ વખતે થિયેટરની બહાર વેચાતી. એનો અર્થ એ થાય કે કેશવલાલ દેશી નાટક સમાજમાંથી છૂટા પડ્યા તે પછી પણ આ નાટક કંઈ નહિ તો ૧૯૧૮ સુધી તો લગભગ સતત ભજવાતું રહેલું. ૧૮૯૫, ૧૮૯૬, ૧૯૦૨, ૧૯૦૪, ૧૯૧૮, ૧૯૧૯ અને ૧૯૨૮ની આવૃત્તિના પહેલા પાના પર આવું લખાણ છપાયેલું જોવા મળે છે : “શ્રીમંત ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજાશ્રિત શ્રી દેશી નાટક સમાજને ભજવવા માટે રચી પ્રગટ કરનાર અધ્યાપક કેશવલાલ શિવરામ.”

આનો અર્થ એ થયો કે શ્રી દેશી નાટક સમાજ નામની બીજી સંસ્થા ગુજરાતમાં (વડોદરા રાજ્યમાં?) હતી અને તેને સયાજીરાવનો આર્થિક ટેકો હતો. પણ એક જ નામની બે સંસ્થા હોઈ શકે? કદાચ હા. એનું એક કારણ એ કે ડાહ્યાભાઈ ધોળશાજીવાળી કંપની બ્રિટિશ હકૂમત નીચેના મુંબઈમાં હતી. જ્યારે બીજી, કેશવલાલવાળી કદાચ વડોદરાના દેશી રાજ્યમાં હતી. પણ ફક્ત સંગીત લીલાવતી નાટક પર એક કંપની આટલાં બધાં વરસ ચાલે નહિ. એટલે તેણે બીજાં નાટકો પણ ભજવ્યાં જ હોય – કેશવલાલનાં લખેલાં તેમ જ બીજાનાં લખેલાં પણ. પ્રાયોગિક રંગભૂમિના દિગ્દર્શક પી.એસ. ચારી એક લેખમાં લખે છે : “દેશી નાટક સમાજ કંપની જ્યારે પણ નવાં નાટક લાવતી ત્યારે તેના બોર્ડ પર ઘાટ્ટા મોટા અક્ષરે એક વાક્ય ચોક્કસ વંચાતું – શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા આ નાટકને આર્થિક સહાય મળેલી છે.”

૧૯૫૫માં પ્રગટ થયેલી આત્મકથા ‘સ્મરણ-મંજરી’માં રઘુનાથ બ્રહ્મભટ્ટ લખે છે : “મુંબઈની અગ્રગણ્ય સંસ્થાઓનાં નાટકો મેં મુંબઈ આવ્યા પહેલાં જોયાં નહોતાં. એટલે નડિયાદ, અમદાવાદ, અને વડોદરામાં નાટકો ભજવતી નાની મોટી વાંકાનેર, દેશી નાટક લિમિટેડ, વિદ્યા વિનોદ નાટક સમાજ, નરહરિ પ્રાસાદિક નાટક મંડળી, અને ગુલનારબાનુની નાટક કંપનીના પ્રયોગોમાંથી મને પ્રેરણા મળેલી.” અહીં જેનો ઉલ્લેખ ‘દેશી નાટક લિમિટેડ’ તરીકે થયો છે તે જ કેશવલાલ શિવરામવાળી બીજી દેશી નાટક સમાજ નામની કંપની હોવી જોઈએ.

આ કેશવલાલ શિવરામ તે પ્રખ્યાત નટ જયશંકર સુંદરીના ફૂવા થાય. જયશંકરભાઈએ તેમનું સંગીત લીલાવતી નાટક નાનપણમાં જોયેલું. આત્મકથા ‘થોડાં આંસુ, થોડાં ફૂલ’માં જયશંકરભાઈ લખે છે કે ‘નંદ બત્રીસી’ નાટકનાં ગીતો લખવા માટે ૧૯૦૬માં કેશવલાલને એક નાટક મંડળીએ ખાસ મુંબઈ બોલાવેલા. એનો અર્થ એ કે મુંબઈની નાટક મંડળી નાટકનાં ગીતો લખવા માટે બહાર ગામથી કેશવલાલને બોલાવે એવી તેમની પ્રતિષ્ઠા હતી.

દેશી નાટક સમાજ નામની બે કંપની – એક મુંબઈની અને બીજી ગુજરાતની – વચ્ચે સંબંધ હતો? કેવો હતો? હરીફાઈનો? વૈમનસ્યનો? સહકારનો? ૧૮૯૫માં ‘મ્યુનિસિપલ ઈલેક્શન નાટકનાં ગાયનો’ નામની એક આનાની ઓપેરા બુક બહાર પડેલી. લેખક હતા ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરી. અને પુસ્તિકાના નામની નીચે છાપ્યું છે : ‘શ્રીમંત ગાયકવાડ સયાજીરાવ મહારાજાશ્રિત શ્રી દેશી નાટક સમાજને માટે રચી પ્રસિદ્ધ કરનાર ઝવેરી ડાહ્યાભાઈ ધોળશાજી.’ એટલે કે કેશવલાલ શિવરામ અને ડાહ્યાભાઈ વ્યવસાયિક રીતે છૂટા પડ્યા તે પછી પણ એ બંને વચ્ચેના સંબંધ એખલાસભર્યા રહ્યા હતા.

આપણી સૌથી મોટી મુશ્કેલી એ છે કે મુંબઈની અને ગુજરાતની ગુજરાતી રંગભૂમિનો પ્રમાણભૂત, વિસ્તૃત, દસ્તાવેજી ઇતિહાસ જ આપણી પાસે નથી. એટલે સૌથી વધુ ભરોસાપાત્ર આધાર છે નાટકની ઓપેરા બુક્સ. પણ આપણે એ પણ વ્યવસ્થિત રીતે ક્યાં સાચવી છે? આ લખનારે વર્ષોની મહેનત પછી લગભગ એક સો ઓપેરા બુક ભેગી કરી છે. આ ઉપરાંત બે પુસ્તકો : પહેલું, ૧૮૮૩માં પ્રગટ થયેલું ‘ગુજરાતી નાટક ગાયન સંગ્રહ’. સંપાદકનું નામ છાપ્યું નથી. છપાવી પ્રસિદ્ધ કરનાર છે ‘મેહેતા જમનાદાસ ભગવાનદાસની કંપની’. કિંમત બાર આના. પુસ્તકના બીજા પાના પર ‘ચેતવણી’ છાપી છે : ‘આ ચોપડી પ્રસિદ્ધ કર્તાઓની સહી વગર કોઈએ પણ લેવી નહિ.’ અને નીચે પ્રકાશકે અંગ્રેજીમાં સહી કરી છે. પુસ્તકની પાઈરસી રોકવા માટે આમ કરવું પડ્યું હશે. તેમાં ૧૩ નાટકનાં ૬૦૦ જેટલાં ગીતો સંગ્રહાયાં છે. બીજું પુસ્તક છે ‘સંગીત નાટક સંગ્રહ’. મુંબઈના સુબોધપ્રકાશ છાપખાનામાં છપાઈને આ પુસ્તક ૧૮૮૫માં પ્રગટ થયું હતું. તેમાં જુદાં જુદાં દસ નાટકોનાં પાંચસો ગીતો એકઠાં કરાયાં છે. સંપાદક છે દામોદર રતનસી સોમાણી. આનો અર્થ એ થયો કે ૧૮૮૫ સુધીમાં માત્ર ૨૩ નાટકમાં ઓછામાં ઓછાં ૧,૧૦૦ ગાયન સમાવાયાં હતાં.

ગુજરાતી નાટક અને રંગભૂમિનો સૂર્યોદય થયો મુંબઈમાં. ૧૮૫૩થી પારસી નાટક મંડળીઓ અને પછીથી બિન-પારસી નાટક મંડળીઓ પણ મુંબઈમાં ગુજરાતી નાટકો ભજવતી, પાકાં, બાંધેલાં થિયેટરોમાં. ઘણીખરી નાટક કંપની સારી કમાણી થયા પછી પોતીકું થિયેટર બંધાવતી અથવા કોઈ થિયેટર લાંબા લીઝ પર લેતી. નાટક અને તેનાં ગીતો લખવા માટે, દિગ્દર્શન, સંગીત નિયોજન માટે, અભિનય માટે તેમની પાસે પગારદાર નોકરો હતા. એટલે નાટકની બાબતમાં મુંબઈની કંપનીઓ લગભગ ‘આત્મનિર્ભર’ હતી. મુંબઈ ઉપરાંત વખતોવખત બહાર ગામ અને પરદેશ જઈને પણ નાટકો ભજવતી. આની સામે ગુજરાતમાં નાટક મંડળીઓની સંખ્યા મુંબઈ કરતાં વધુ, પણ એ મંડળીઓ આત્મનિર્ભર ભાગ્યે જ. અમદાવાદ, સુરત, ભાવનગર, મોરબી, વાંકાનેર, બાલા સિનોર, અને બીજાં ગામોમાં નાટક મંડળીઓ હતી. પોતાનું તો જવા દો, એ વખતે એ ગામોમાં નાટક ભજવી શકાય એવાં થિયેટર કેટલાં? મોટે ભાગે કામ ચલાઉ થિયેટરમાં કે માંડવો બાંધીને નાટકો ભજવાતાં. એટલે સેટ, પડદા, લાઈટ વગેરે બધાંની મર્યાદિત સગવડ. આસપાસનાં ગામોમાં આ મંડળીઓ જાય ત્યારે તો આના કરતાં પણ વધુ અગવડોનો સામનો કરે. પરિણામે ગુજરાતની નાટક મંડળીઓ વધારે તો અગાઉની ભવાઈ મંડળીઓના નવાવતાર જેવી હતી. જ્યારે મુંબઈની ગુજરાતી, મરાઠી, હિન્દુસ્તાની રંગભૂમિ પાસે ઘણી વધારે સગવડો હતી એટલું જ નહિ, ગ્રેટ બ્રિટનથી અવારનવાર આવતી નાટક કંપનીઓ અંગ્રેજી નાટકો ભજવતી તેના નમૂના પણ તેની સામે હતા. પારસી નાટક અને રંગભૂમિએ તો અંગ્રેજીમાંથી કેટલીક બાબતો સીધી અપનાવી હતી. ભભકાદાર વેશભૂષા, સેટ, પડદા, વગેરે પ્રેક્ષકોને આકર્ષવા માટે જરૂરી ગણાતાં. હજી કોરોનાની કળ પૂરેપૂરી વળી નથી તો ય ગયા રવિવારે મુંબઈમાં સાત ગુજરાતી નાટક ભજવાયાં. ગુજરાતમાં? નાટક ભજવવાની બાબતમાં જેમ મુંબઈ અગ્રેસર, તેમ ગુજરાતી નાટક અને રંગભૂમિ વિશેનાં સામયિકો પ્રગટ કરવાની બાબતમાં પણ મુંબઈએ જ પહેલ કરી. પણ એની વાત હવે પછી.

e.mail : deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 30 એપ્રિલ 2022

Loading

30 April 2022 admin
← ગુજરાત ડ્રગ્સનું ગેટ-વે બન્યું છે …
અરાજકતા અને વિકાસનું સહઅસ્તિત્વ શક્ય જ નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved