Opinion Magazine
Number of visits: 9448831
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચલ મન મુંબઈ નગરી—126

દીપક મહેતા|Opinion - Opinion|1 January 2022

દેશનું પહેલવહેલું રેડિયો સ્ટેશન મુંબઈમાં

જનાબ બુખારીની રગેરગમાં લોહીની સાથે બ્રોડકાસ્ટિંગ વહેતું

ઝવેરચંદ મેઘાણી અને બુખારીનો મેળાપ

‘ઓલ ઇન્ડિયા રેડિયોનું આ મુંબઈ કેન્દ્ર છે …’ હા, એક જમાનો હતો જ્યારે મુંબઈનાં ઘરોમાં રોજેરોજ આ અવાજ ગુંજી રહેતો. ‘લોકોના મનોરંજન માટે તેમ જ શિક્ષણ માટે રેડિયો સામે અપાર શક્યતાઓ રહેલી છે. આ શક્યતાઓ વિષે આજે આપણને કદાચ પૂરેપૂરો ખ્યાલ નથી. આજે હિન્દુસ્તાનમાં બ્રોડકાસ્ટિંગ પા પા પગલી ભરી રહ્યું છે, પણ મને ખાતરી છે કે થોડાં જ વરસોમાં તેના શ્રોતાઓની સંખ્યા અનેકગણી વધી જશે. એટલું જ નહિ, વિજ્ઞાનની આ નવી શોધના ચાહકો આખા દેશમાં પથરાયેલા જોવા મળશે.’ આ શબ્દો છે હિન્દુસ્તાનના વાઈસરોય લોર્ડ ઇર્વિનના. ૧૯૨૬થી ૧૯૩૧ સુધી તેઓ આ પદે રહ્યા હતા. અને આ શબ્દો બોલાયા હતા ૧૯૨૭ના જુલાઈની ૨૩મી તારીખે, મુંબઈમાં આપણા દેશના પહેલવહેલા રેડિયો સ્ટેશનનું ઉદ્ઘાટન કરતી વખતે. અને એ દિવસથી દેશમાં વ્યવસ્થિત રીતે બ્રોડકાસ્ટિંગની શરૂઆત થઈ. એ વખતે આ રેડિયો સ્ટેશન સરકારી નહિ, પણ ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપનીની ખાનગી માલિકીનું હતું.  તેની પહેલાં જુલાઈની ૧૫મી તારીખે રેડિયોના મુખપત્ર ‘ધ ઇન્ડિયન રેડિયો ટાઈમ્સ’નો પહેલો અંક પ્રગટ થયો હતો જેમાં ૨૩મીથી શરૂ થનારા દેશના પહેલવહેલા રેડિયો સ્ટેશન અંગેની વિગતો આપવામાં આવી હતી. પછીથી તેનું નામ બદલીને ‘ઇન્ડિયન લિસનર’ કરવામાં આવ્યું અને તેનું પ્રકાશન મુંબઈથી દિલ્હી ખસેડાયું.

૧૯૩૦ની આસપાસનો રેડિયો સેટ

શરૂઆતથી જ રેડિયો સેટ રાખવા માટે ફી ભરીને સરકાર પાસેથી લાઈસન્સ મેળવવું પડતું, જે દર વરસે રિન્યુ કરાવવું પડતું. ૧૯૨૭ના અંતે આખા દેશમાં બધું મળીને ૩,૫૯૪ રેડિયો લાઈસન્સ આપવામાં આવ્યાં હતાં. ૧૯૩૦ના માર્ચની પહેલી તારીખે ઇન્ડિયન બ્રોડકાસ્ટિંગ કંપની ફડચામાં ગઈ, અને એક મહિના પછી, પહેલી એપ્રિલે બ્રોડકાસ્ટિંગ સેવાને સરકારે પોતાને હસ્તક લઈ લીધી. ત્યારે તેને ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લેબર નીચે ‘ઇન્ડિયન સ્ટેટ બ્રોડકાસ્ટિંગ સર્વિસ’ એવું નામ અપાયું હતું. ૧૯૩૬ના જૂનની આઠમી તારીખથી તેનું નામ બદલીને ઓલ ઇન્ડિયા રેડિયો રાખવામાં આવ્યું. એ વરસના ડિસેમ્બરની ૩૧મી સુધીમાં રેડિયો લાઈસન્સની સંખ્યા વધીને ૩૭,૭૯૭ સુધી પહોચી હતી. શરૂઆતમાં રેડિયો પરથી સમાચાર માત્ર અંગ્રેજીમાં અપાતા. પછી હિન્દુસ્તાની અને બંગાળીમાં પણ અપાયા. ૧૯૩૯ના ઓક્ટોબરની પહેલી તારીખથી તમિળ, તેલુગુ, ગુજરાતી, મરાઠી અને પુશ્તો ભાષાઓમાં પણ સમાચાર આપવાનું શરૂ થયું.

કેવા હતા એ વખતના રેડિયો સેટ? સાચું કહીએ તો લાકડાનાં ખોખાં જેવા. આગલા ભાગમાં કાચનું ડાયલ, જેનો કાંટો ફેરવીને જુદાં જુદાં સ્ટેશન ‘પકડી’ શકાય. નાનું લાઉડ સ્પીકર, સારા, રંગીન કાપડથી મઢેલું. મોટે ભાગે ચાર ચકરડાં (નોબ). રેડિયો સિગ્નલ ‘પકડવા’ માટે એરિયલ લગાડવાનું અનિવાર્ય. ખોખામાં બીજી યંત્ર સામગ્રી ઉપરાંત પાંચ કે સાત ટ્યૂબ કે ‘વાલ.’ સળંગ લાંબો સમય રેડિયો ચાલે તો ઘણી વાર આ ટ્યૂબ ગરમ થઈ જાય અને રેડિયો ઠપ. બરાબર યાદ છે : અમારા એક પડોશી ક્રિકેટ મેચની કોમેન્ટ્રીના જબરા રસિયા. મેચના પાંચ દિવસ એમના ઘરમાં ૧૪૪મી કલમ લાગી જાય. પણ પાંચ-છ કલાક રેડિયો ચાલે તો પેલી ટ્યૂબ ગરમ થઈ જવાની બીક, એટલે રેડિયોને થોડો આગળ ખસેડે, પાછળનું કવર કાઢી નાખે, અને રેડિયોની પાછળ નાનો ટેબલ ફેન ગોઠવી દે! મગદૂર છે રેડિયોની કે રિસાઈને મૂંગો થઈ જાય!

જનાબ ઝુલ્ફીકાર અલી બુખારી

ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ સ્ટેશનની વાત આવે ત્યારે કેટલાંક નામ અચૂક યાદ આવે. તેમાંનું પહેલું નામ જનાબ ઝુલ્ફીકાર અલી બુખારી. એમની રગેરગમાં લોહીની સાથોસાથ બ્રોડકાસ્ટિંગ વહે. ૧૯૦૪ના જુલાઈની છઠ્ઠી તારીખે પેશાવારમાં જન્મ. એ વખતે પેશાવર બ્રિટિશ ઇન્ડિયામાં. અંગ્રેજી, ઉર્દૂ, ફારસી, અરબી, પુશ્તો અને પંજાબી ભાષા જાણે. એટલે અંગ્રેજ અફસરોને ‘દેશી’ ભાષાઓ શીખવવા માટેની શિમલાની સંસ્થામાં પહેલી નોકરી. પછી ઓલ ઇન્ડિયા રેડિયોનું દિલ્હી કેન્દ્ર શરૂ થયું ત્યારે પ્રોગ્રામ ડિરેક્ટર. ૧૯૩૯માં બોમ્બે સ્ટેશનના ડિરેક્ટર બન્યા. પણ દેશના ભાગલા વખતે તેમણે પાકિસ્તાન જવાનું પસંદ કર્યું અને ત્યાં જઈને રેડિયો પાકિસ્તાનના પહેલા ડિરેક્ટર જનરલ બન્યા. ૧૯૫૯માં નિવૃત્ત. ૧૯૭૫ના જુલાઈની ૧૨મી તારીખે કરાચીમાં જન્નતનશીન થયા. 

બુખારીસાહેબ સાથે વર્ષો સુધી કામ કરનાર આપણા ચંદ્રવદન મહેતાએ લખ્યું છે : ‘ઝુલ્ફીકાર અવાજના બાદશાહ. સચોટ, સ્પષ્ટ, મુલાયમ, નજાકતથી ભરેલો ગંભીર તેમ જ હળવા ભાવોને યથાર્થ પ્રગટ કરનારો અવાજ રજૂ કરનાર, તેમ જ ક્યાંક ક્યાંક રમૂજ, કંઇક ટીખળ, ક્યાંક કટાક્ષ પણ કરી શકે એવી આવડત ધરાવનાર એક વ્યક્તિ. વળી પોતે સંગીતના જાણકાર. સવારના જેવા સ્ટુડિયોમાં દાખલ થાય એટલે એનો મનવો ગણગણવા લાગે. એમાં મુંબઈ મથકેથી શરૂઆતમાં સવારના આઠ વાગ્યાથી એ રેકર્ડ વગાડતા બેસે ત્યારે સૌથી વધારે સાંભળનારા પોતપોતાના ઘરમાં રેડિયો ચાલુ કરે. રેકર્ડ તો ગમે તેની હોય, પણ એ ઉપરનું નામ, એમાંનો રાગ, એ ગીત માટે કોઈ છોટી સી કહાની, એ બધાની તારીફ એટલા રસથી કરે કે ગીત ઉપરાંત એની પોતીકી વિવેચના જ શ્રોતાઓનાં દિલ જીતી લે. કોઈ લખાણ નહિ, કોઈ રેડ ટેપનો હાઉ કે ભય નહિ, ફક્ત એક જ નેમ કે શ્રોતાઓનું મન જીતી લેવું.’

બુખારી સાહેબ જેટલા કલાપ્રેમી તેટલા જ ચતુર વ્યવહારદક્ષ. સીધી આંગળીએ ઘી ન નીકળે તો સરકારી તુમારશાહી સાથે કેવી રીતે વર્તવું એ બરાબર જાણે. મુંબઈ સ્ટેશન પાસે એક જ મોટર, એ પણ જૂના ખટારા જેવી. નવી મોટરની માગણી અંગે દિલ્હીના સાહેબો આંખ આડા કાન કરે. એવામાં એક વાર બ્રોડકાસ્ટિંગ સેક્રેટરી પી.સી. ચૌધરી મુંબઈ સ્ટેશનની મુલાકાતે આવ્યા. બીજે દિવસે સવારની ફ્લાઈટથી પાછા જવાના હતા. બુખારી સાહેબે ડ્રાઈવરને બોલાવ્યો. સ્ટેશન પર કામ કરતા ચંદ્રવદન મહેતાને પણ સાથે બોલાવ્યા. ચંદ્રવદનભાઈને કહે કે તમે સાહેબને એરપોર્ટ મૂકવા જજો. બીજી કેટલીક સૂચના બંનેને આપી. બીજે દિવસે ચૌધરીસાહેબનો વરઘોડો દાદર પહોંચ્યો ત્યાં ડ્રાઈવર કહે કે ગાડી ખોટકાઈ છે. રિપેર કરાવતાં બે-ત્રણ કલાક સહેજે થઈ જશે. ચૌધરીસાહેબ ચંદ્રવદનભાઈને કહે કે તમે ગમે ત્યાંથી તાબડતોબ ટેક્સી લઈ આવો. અડધા પોણા કલાકે ટેક્સી આવી. સંઘ એરપોર્ટ પહોંચ્યો ત્યારે ફ્લાઈટ તો ઉપડી ગઈ હતી. આવું કરવાનો આખો ત્રાગડો રચેલો બુખારીસાહેબે પોતે. પરિણામે આઠ-દસ દિવસમાં જ મુંબઈ સ્ટેશનને નવી નક્કોર મોટર મળી ગઈ, એક નહિ બે!

ઓલ ઇન્ડિયા રેડિયો, મુંબઈના સ્ટુડિયોઝનું પ્રવેશદ્વાર

જનાબ બુખારી સાથે ઘણાં વરસ કામ કરનાર ગિજુભાઈ વ્યાસે એક પ્રસંગ આ લખનારને કહ્યો હતો. ઝવેરચંદ મેઘાણી રેડિયો પર કાર્યક્રમ આપવા જતા નહિ તેમ જ પોતાનાં ગીતો રેડિયો પર ગાવાની પરવાનગી આપતા નહિ. એટલે બુખારીએ પહેલાં તો તેમને લાંબો પત્ર લખ્યો. પછી સમજાવવા ચંદ્રવદન મહેતાને બોટાદ મોકલ્યા. પણ મેઘાણી માન્યા નહિ. પછી એક વાર મુંબઈ આવેલા ત્યારે મેઘાણી બુખારીને મળવા રેડિયો સ્ટેશન પર ગયા. બુખારીની ઓફિસમાં બેઠા. રેડિયોનો સ્ટાફ બહાર ઊભો રહેલો. થોડી વારે અંદરથી ગાવાનો અવાજ આવ્યો. પહેલાં મેઘાણીભાઈએ ગીતો ગાયાં. પછી બુખારીએ પુશ્તુ ગીતો ગાયાં. લગભગ કલાક પછી બંને બહાર નીકળ્યા. બુખારી લિફ્ટ સુધી વળાવીને પાછા આવ્યા ત્યારે ચંદ્રવદનભાઈએ પૂછ્યું : સાહેબ, ‘મેઘાણીભાઈ માની ગયા?’ જવાબ : ‘અમે બંને ગાવામાં એટલા મગ્ન થઈ ગયા કે એ વિષે તો વાત જ ન કરી. પણ સી.સી., એટલું લખી રાખજો કે આ માણસ ઓલ ઇન્ડિયા રેડિયોનાં પગથિયાં ક્યારે ય નહિ ચડે.’ વાત છેડ્યા વગર જ બુખારીએ મેઘાણીભાઈને પારખી લીધા હતા. 

એનાઉન્સર બૂથમાંથી દેખાતો મ્યુઝિક સ્ટુડીઓ

હિન્દુસ્તાનની નોકરીનો છેલ્લો દિવસ. રાત્રે કુટુંબ સાથે ફ્રન્ટિયર મેલમાં લાહોર જવાનું હતું. એ વખતે ફ્રન્ટિયર મેલ બોમ્બે સેન્ટ્રલથી છેક પેશાવર સુધી જતો. રેડિયો સ્ટેશનનો મોટા ભાગનો સ્ટાફ તેમને વિદાય આપવા સ્ટેશને પહોંચી ગયેલો. સ્ટેશનમાં માંડ પાંચ-છ જણ હાજર. તેમાંના એક ગિજુભાઈ. સાંજે બુખારી આવ્યા. કહે, ચાલો સ્ટુડિયોમાં જઈએ. સ્ટેશનના એકેએક સ્ટુડિયો પાસે જઈને બારણાનાં હેન્ડલને પંપાળતા જાય અને વચમાં વચમાં બોલતા જાય : ‘આ બધું હવે તમારે સૌએ સંભાળવાનું છે.' એ વખતે સુંદરાબાઈ નામનાં એક સ્ટાફ આર્ટિસ્ટ ગાયિકા હાજર. એમને એવી ટેવ કે જે કોઈ આવે તેને ચોકલેટ આપે. બધા સ્ટુડિયોમાં ફર્યા પછી બુખારી એમની પાસે ગયા. સુંદરાબાઈએ બુખારીના હાથમાં ચોકલેટ મૂકી. બુખારીએ સુંદરાબાઈની બંને હથેળી પકડી લીધી અને ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.

ઉત્તમ બ્રોડકાસ્ટર ઉપરાંત બુખારી અચ્છા લેખક પણ હતા. ‘જો કુછ મૈને કહા’ તેમનો કાવ્યસંગ્રહ. તો ‘રાગ દરિયા’માં તેમણે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના શાસ્ત્રીય સંગીત વિષે વિસ્તારથી લખ્યું છે. તેમણે પોતાની આત્મકથા પણ ઉર્દૂમાં લખી છે. બુખારીના નિકટના મિત્ર અને પાકિસ્તાન રેડિયો પરના સાથી સૈયદ ગુલામ હુસેન જાફરીએ લગભગ બે વરસ સુધી બુખારી સાથે કરેલી વાતોને આધારે તેમનું જીવનચરિત્ર લખ્યું છે.

આજે હવે લાકડાના ખોખા જેવા રેડિયો નથી રહ્યા. ઓલ ઇન્ડિયા રેડિયોનું નામ આઝાદી પછી ‘આકાશવાણી’ થઈ ગયું છે. ક્વિન્સ રોડ પર આવેલા એ સ્ટુડિયો, એ જમાનાનાં મોટાં માઈક્રોફોન, સ્પૂલવાળાં મસ મોટાં રેકોર્ડર નથી રહ્યાં. અને સૌથી વધુ તો, એક જમાનામાં ઓલ ઇન્ડિયા રેડિયોનો, તેના કાર્યક્રમોનો, તેમાં કામ કરનારાઓનો જે દબદબો હતો તે નથી રહ્યો. છતાં કેટલા ય વયસ્કોના મનમાં તેના એ સોનેરી દિવસોનાં ભીનાં ભીનાં સ્મરણો રહ્યાં છે. ઓલ ઇન્ડિયા રેડિયોના બોમ્બે સ્ટેશન સાથે સંકળાયેલી બીજી કેટલીક વ્યક્તિઓ વિશેની થોડી સાંભરણો  હવે પછી.

e.mail deepakbmehta@gmail.com

xxx xxx xxx

પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 01 જાન્યુઆરી 2022

Loading

1 January 2022 admin
← વસતિ સમસ્યાનો અંત
જે જોડો વિરોધીને ડંખતો હોય તો એમાંથી તેને પગ કાઢવા ન દેવો એ ખરું રાજકારણ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved