હૈયાને દરબાર
ગઝલનો ઉઘાડ હિન્દી-ઉર્દૂ અંદાજમાં અને બીજી જ પંક્તિ ગુજરાતી ગઝલના રુઆબમાં ચાલે એવો પ્રયોગ માત્ર ગુજરાતી ભાષામાં જ થયો હોવાની સંભાવના છે. પછી તો આ ગઝલ રાગેશ્રી-બાગેશ્રીનો હાથ ઝાલીને રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે
ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી
આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
હર તરફ બરસાત હી બરસાત હૈ, પર તૂ નહીં
મૌસમ-એ-બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી
હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી
બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી
• કવિ : ભગવતીકુમાર શર્મા • સંગીતકાર : રથિન મહેતા • ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક
ચૈત્રી બપોરની દાહકતામાં લીલુંછમ ડિપ્રેશન પજવી રહ્યું હોય, અથવા નિ:સ્તબ્ધ ચાંદની રાતે સ્મરણોએ મન પર કબજો લઇ લીધો હોય ત્યારે ગઝલ યાદ આવે છે. ગઝલ સાંભળવી એ મારે માટે જાતને મળવાનો અવસર છે. આંસુની સાથે બધાં દુ:ખો વહાવી દઈને સાવ હળવા અને નિર્ભાર થઈ જવાનો પ્રયાસ એટલે ગઝલ. યોગાનુયોગે આજે પૂનમ છે. તપ્ત તન-મન પર ચાંદની સુંવાળો લેપ કરશે, પરંતુ વિરહી નાયિકાનું મન તો યાદોમાં ખોવાયેલું છે. એના વ્યાકુળ હૃદયમાંથી શબ્દો સરી પડે છે …
ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી …
વાહ, ક્યા બાત હૈ! કેવો સરસ શેર, એ પણ બાયલિન્ગ્યુઅલ એટલે કે દ્વિભાષી! આવો પ્રયોગ અન્ય ભાષામાં થયો હોય એવું મારા ધ્યાનમાં નથી. ગઝલ એ બહુ નાજુક કાવ્યપ્રકાર છે. એની વ્યાખ્યા ભલે પરમેશ્વર અથવા તો પ્રિયતમા સાથેની વાતચીત હોય, પરંતુ ખરેખર તો જાત સાથેનો જ સંવાદ હોય છે. ગઝલ સાંભળતી વખતે આપણે જ આપણી જાતને એમાં ઓગાળી દેતાં હોઈએ છીએ. તાજેતરમાં ગુજરાતી ભાષાની પ્રથમ હરોળની ગાયિકા હિમાલી વ્યાસ-નાયકના કંઠે ભગવતીકુમાર શર્મા લિખિત આ અદ્દભુત ગઝલ સાંભળી ત્યારથી મન પર હાવી થઈ ગઈ છે.
ગીત, ગઝલ, ભજન, સોનેટ અને ગદ્યકાવ્ય જેવાં વિવિધ સ્વરૂપોને ખેડનારા કવિ ભગવતીકુમાર શર્મા આ ગઝલમાં એમના વ્યક્તિત્વમાં જોવા મળે એવી કોમળતા અને ઋજુતા લઈને આવ્યા છે. ભગવતીભાઇએ ગઝલમાં અવનવા પ્રયોગો કર્યા છે. એમણે ક્યારેક આખે આખો શેર અંગ્રેજીમાં આપ્યો છે જેમ કે આઈ ફીડ માય વર્ડ્ઝ ટુ કમ્પ્યુટરાઈઝ્ડ વર્લ્ડ. હિન્દી-વ્રજ અને ઉર્દૂનો પ્રયોગ કરીને એમણે લખ્યું છે:
જબ સે ગયે હૈ છોડ કે સાજન બિદેસવા, કજરી સૂની સૂની, સુમસામ નેજવાં …!
દ્વિરુક્તિની એમની આ અર્થસભર ગઝલ વાંચો;
અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો બબ્દો
પરપોટે બરપોટે ક્યાંથી દરિયો બરિયો?
કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ્ બગડમ્
અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો બોબો
ભગવતીભાઈની ગઝલો પરંપરા, સમકાલીનતા અને આધુનિકતાના ત્રિભેટે ઊભેલી છે.
ગઝલના શેરોમાં પ્રેમ, પ્રેમમાં એકરાર-ઇનકાર, પ્રણય મુગ્ધતા, નિષ્ફળતા, પ્રિય પાત્ર દ્વારા ઉપેક્ષા, વેદના, અસહાયતા, પીડા, અધ્યાત્મ, ચિંતન જેવા અનેક વિષયો વણાયેલા હોય છે જે મનુષ્યની જિંદગી સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે. એટલે જ કદાચ સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ આટલી બધી લોકપ્રિયતાને વર્યું છે. ગઝલ કંઈ એમ જ નથી લખાઈ જતી. એમાં લાઘવ, ઊંડી દાર્શનિકતા જોઈએ, મૌલિક અભિવ્યક્તિ અને સુંવાળું હૃદય પણ જોઈએ. ગઝલ એ વસંતઋતુનો ગુલઝાર છે તો પાનખરનો પર્ણપાતી મિજાજ. હિમ પ્રદેશનો હૂંફાળો તડકો છે તો રૂપા મઢેલ રાત્રીની રંગીનિયત. ભગવતીકુમાર શર્માની ગઝલો પાસે જઈએ તો એમાં કલાઈડોસ્કોપિક રંગછટાઓ જોવા મળે.
આ ગઝલ મને સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકન. ખૂબ જ મીઠી અને હૃદયસ્પર્શી આ ગઝલ સાંભળી ત્યારે ખબર નહોતી કે આ સ્વરાંકન અમેરિકાસ્થિત રથિન મહેતાનું છે. અમેરિકામાં ‘ચલો ગુજરાત’ દ્વારા આખું ગુજરાત ખડું કરનાર સ્થાપકોમાંના એક વ્યક્તિ તથા સંગીતચાહક તરીકે એમનું નામ બેશક સાંભળ્યું હતું, પરંતુ એ ગુજરાતી ગીતો સ્વરબદ્ધ કરે છે એ ખબર બહુ મોડી પડી. વ્યવસાયે બાયોટેક કલ્સટન્ટ રથિન મહેતા માત્ર સંગીતના ચાહક, ઉપાસક જ નહીં, પ્રસારક પણ છે. અમેરિકામાં રહીને ગરબા, સુગમ તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને યથોચિત ઉજાગર કરે છે. સંગીતની વિધિવત તાલીમ ન હોવા છતાં ઉત્તમ સ્વરાંકન કરે છે જેનો તાદૃશ નમૂનો છે આ ગઝલ. ઉસ્તાદ ગુલામ અલી સાહેબની ગાયકીની યાદ અપાવે એવી આ ગઝલનો ઉપાડ જ ઉર્દૂ અંદાજમાં છે. પછી તો રાગ બાગેશ્રી-રાગેશ્રીનો હાથ ઝાલીને આ ગઝલ રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે. પરાકાષ્ઠાએ આહિર ભૈરવના સૂર મનમાં એવા જડબેસલાક બેસી જાય કે વારંવાર આ ગઝલ સાંભળ્યાં કરવાની ઈચ્છા થાય.
"આ સ્વરાંકન નિપજ્યું કેવી રીતે?” રથિનભાઈ ઉત્સાહપૂર્વક વાતની માંડણી કરે છે.
"મા-બાપે થિયેટર, મ્યુઝિક અને લિટરેચરનું સંપૂર્ણ વાતાવરણ ઘરમાં જ પૂરું પાડ્યું હતું. હું વ્યાવસાયિક કે તાલીમ પામેલો સંગીતકાર નથી, પરંતુ જરૂર કહી શકું કે મારી ‘સેલ્ફ લર્ન્ડ મ્યુઝિશિયન’ બનવાની પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક ચાલુ છે. ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ કલાકારો રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇ મારાં મામા-મામી થાય એટલે નાનપણથી જ ઘરમાં સુગમ સંગીતનો માહોલ હતો. આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઇ, પરેશ ભટ્ટ, શ્યામલ-સૌમિલ મુનશી, નયનેશ જાની અને મારા ગુરુ નયન પંચોલીની ઉત્કૃષ્ટ રચનાઓ સાંભળીને જ મોટો થયો છું. મારા પિતા કશ્યપ મહેતાનો નાટ્ય કલાકારો સાથે ઘરોબો રહ્યો હોવાથી આઇ.એન.ટી.ના લગભગ બધાં નાટકો મેં જોયાં છે અને એ થિયેટર પ્રેમનો મારી સંગીતસર્જન પ્રક્રિયા પર ઊંડો પ્રભાવ છે. કવિતા હું એવી પસંદ કરું જેમાં દ્રશ્ય હોય, તેથી મારી સર્જનપ્રક્રિયા આસાન થઈ જાય. સાચું પૂછો તો જેમાં આખું ચિત્ર ખડું થતું હોય એવી કવિતા સામેથી જ મારી પાસે આવે અને સ્વરાંકન પોતે જ એના રંગ, મૂડ, તાલ પોતાની રીતે શોધી લે છે. હું અને કવિતા અમે બંને હાર્મોનિયમના હાઇવે ઉપર સાથે ચાલીએ અને કવિતા મને સૂરના સરનામે પહોંચાડે. ચાંદ સે લિપટી … ગઝલ સ્વરબદ્ધ કરવાનો અનુભવ એ રીતે અનોખો હતો કે એની એક લાઈન હિન્દીમાં અને બીજી ગુજરાતીમાં. મારે માટે ચેલેન્જ એ હતી કે હિન્દી લાઈન મારે હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રુઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરવી હતી. ગઝલ પોતે જ એટલી મુખર અથવા તો સમજાઈ જાય એવી સરળ હતી કે સહજતાથી હું એમાં સંગીતના રંગો પૂરી શક્યો. આ ગઝલ સૌ પ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી. ત્યાર બાદ ઓસમાન મીરે એને વધુ લોકપ્રિય બનાવી અને હવે તો યુવા કલાકારો હિમાલી વ્યાસ, આલાપ દેસાઈ, પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે. સુગમ સંગીતની નવી પેઢીમાં આલાપ દેસાઈના સર્જનથી હું ખૂબ પ્રભાવિત છું. ખાસ કરીને એમનાં સ્વરાંકનો અને અરેન્જિંગમાંથી મને ઘણી પ્રેરણા મળે છે.
હિમાલી વ્યાસ-નાયક ગુજરાતી સહિત અનેક સંગીતપ્રકારો સહજતાથી ગાનાર કલાકાર છે તથા દરેક સ્વરાંકનના મૂળને વળગીને પોતાની અમેઝિંગ ગાયન શૈલી દ્વારા ગીતને બહેલાવી શકે છે.
ચાર વર્ષની વયથી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યુઝિક શીખનાર હિમાલીએ લંડનની ટ્રિનિટી કોલેજમાંથી પાશ્ચાત્ય સંગીતની તાલીમ લીધી છે તથા છેલ્લાં 15 વર્ષથી દેશવિદેશમાં વૈવિધ્યપૂર્ણ સંગીત કાર્યક્રમો આપે છે. 12થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કંઠ આપનાર હિમાલીએ અત્યારે ચાલી રહેલી ફિલ્મ ‘કાચિંડો’માં દિવિજ નાયક સાથે ઊડી ઊડી … નામનું સરસ ડ્યુએટ ગાયું છે. આ ગઝલ વિશે હિમાલી કહે છે, "2015માં ‘ગ્લોરિયસ ગુજરાત’માં હું અમેરિકા ગઈ હતી ત્યારે રથિનભાઈ પાસે હું આ ગઝલ શીખી હતી. શીખ્યા બાદ તરત જ બીજે મહિને અમદાવાદમાં પૂજ્ય મોરારિબાપુના ‘ગઝલ સપ્તાહ’ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પહેલી વાર મેં રજૂ કરી અને ખૂબ ચાહના પામી હતી. રથિન મહેતા ગિફ્ટેડ કમ્પોઝર છે. વિરહના ભાવની આ ગઝલનો છેલ્લો શેર, હૈ ઝમીં બંજર … એમણે અરેબિક અને ઈન્ડિયન ક્લાસિકલનો અદ્ભુત સ્પર્શ આપીને સ્વરબદ્ધ કર્યો છે જે મારો સૌથી પ્રિય શેર છે. દરેક શેર અલગ અને મુક્ત રીતે ખૂલે છે. કવિએ શેરની શરૂઆત ક્યાંક હિન્દીમાં કરી છે તો ક્યાંક ગુજરાતીમાં. ઓસમાન મીરે ગાયાં પછી ગુજરાતના યુથ ફેસ્ટિવલમાં પણ હવે આ ગઝલ ખૂબ ગવાય છે. વાહ, આફરીન આફરીન!
આ ગઝલના રચયિતા ભગવતીકુમાર શર્માએ સાત મહિના પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. પરંતુ એમની કવયિત્રી દીકરી રીના મહેતા ભગવતીભાઈની સર્જન પ્રક્રિયા અને મૃદુ સ્વભાવ વિશે ‘મુંબઈ સમાચાર’ના વાચકો સાથે સરસ વાતો શેર કરે છે. "લેખનની શરૂઆત કરી ત્યારથી જ મારા પિતાજીનો ગઝલ પ્રેમ વ્યક્ત થઈ ગયો હતો. એમના આરંભિક સંઘર્ષકાળમાં તથા અંતિમ સમયે ગઝલે જ એમને જીવતા રાખ્યા હતા. 11 કાવ્યસંગ્રહો તથા પુરસ્કૃત નવલકથાઓ વચ્ચે શેર-શાયરી તો એમના મનમાંથી સાવ સહજ પણે ફૂટી નીકળતા. આજની ગઝલ લગભગ સિત્તેરના દાયકાની છે, એ વખતે હું ખૂબ નાની હતી, પરંતુ એમના પાછલાં વર્ષોમાં હું એમની સર્જન પ્રક્રિયાની સાક્ષી રહી છું. આંખની જન્મજાત તકલીફ હોવા છતાં એમણે સતત શબ્દ સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું. એમનું મગજ એટલું બધું સતર્ક રહેતું કે જીવનના આખરી તબક્કામાં દ્રષ્ટિ લગભગ ગુમાવી ચૂક્યા હોવા છતાં ટેબલ ઉપર કાગળ અને પેન તો હોય જ અને જ્યારે જે શેર કે કવિતા મગજમાં આવે એ એમાં ટપકાવી લે, બેશક, એમને દેખાતું તો ન જ હોય એટલે એક શેરની ઉપર બીજો શેર લખાઈ જાય. ક્યારેક બોલપેનની શાહી સુકાઈ ગઈ હોય ત્યારે એમને તો ખ્યાલ જ ના આવે કે પાના ઉપર શબ્દો લખાઈ રહ્યા નથી. એટલે કોરા ને કોરા પાનાં ઘણી વાર પ્રેસમાં જાય. ત્યારપછી ફરીથી લખવાની તથા બધું રિ-રાઈટ કરવાની મહેનત હું કરું. બીજાને આ બધી તકલીફ ઉઠાવવી પડે એનો એમને ઘણો જ રંજ રહેતો, પરંતુ એ હંમેશાં કહેતા કે શબ્દ વિના મારું અસ્તિત્વ છે જ નહીં. લખું નહીં તો સાવ નકામો થઈ જાઉં!
આવા પ્રતિબદ્ધ સાહિત્યકાર, રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા, પુરસ્કૃત નવલકથાઓ ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ના રચયિતા ભગવતીકુમાર શર્મા સાહિત્યના આકાશમાં આજીવન સૂરજની જેમ ઝળહળતા રહ્યા. ગઝલ ક્ષેત્રે એમનું માતબર પ્રદાન છે. આજની ગઝલ જો કે ભગવતીભાઈની અન્ય ગઝલોની તુલનાએ પ્રમાણમાં સરળ છે, પરંતુ સુંદર સ્વરાંકન તથા મિશ્ર ગઝલ હોવાને લીધે એની સાહિત્યિક મહત્તા વધી જાય છે. એમની આ ગઝલનો શેર સાંભળો :
અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે
તળેટીથીયે શિખરે પહોંચવું છે
કોઈ રીતે સમીપે પહોંચવું છે
હું’-’તું’-તે’ ના અભેદે પહોંચવું છે…!
તેમની આ પઝલગઝલ, અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! તો એટલી લોકપ્રિય છે કે ચોમાસું બેસતાં જ સોશિયલ મીડિયા ઉપર ફરવા માંડે છે.
આમ, એ રીતે વિચારીએ તો આપણી ભાષામાં શું સમૃદ્ધ ગીત-ગઝલ રચાયાં છે અને ગવાયાં છે! આ પ્રકારના પ્રયોગો ખરેખર નવી પેઢીને ગુજરાતી સંગીત તરફ આકર્ષી શકે છે. બસ, એમણે આપણું જ ગુજરાતી-ગર્વીલું સંગીત સાંભળવાની તત્પરતા બતાવવાની જરૂર છે.
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 18 ઍપ્રિલ 2019
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=494639