(લૉકડાઉન વખતે અસંખ્ય શ્રમિકોએ પોતાને વતન પગપાળા જવું પડ્યું. તે પ્રસંગ પરથી લખાયેલાં કાવ્યગુચ્છમાંનાં કેટલાંક.)
થાલી-પીઠ
ઘોડબંદરરોડના પ્રકાશતા પહાડો વચ્ચેથી પસાર થતું ટોળું ચોંકી ઊઠે છે ધણધણાટીથી.
સૌની આંખો મંડાય છે સાત્ત્વિક બાલ્કનીઓ ભણી, જ્યાંથી સંભળાય છે વેલણોનું સ્ટીલના વાસણો પર પિટાવું, ચમચાઓનું થાળીઓ પર અફળાવું.
ગામમાં આ જ તો છે પદ્ધતિ, તીડ અને લંગૂરને લચ્યા મોલ પરથી હાંકી કાઢવાની. ચેતવણી સમજાતાંવેંત ટોળું ગતિ વધારે છે.
પાર્લે-જી
આ વળી શું?
છોકરી લે છે એક પડીકું. માસ્ક-મેગાફોનવાળી મહિલા તેનાં ભાઈ-બેનને પણ અકેકું આપે છે, પછી માસ્ક પાછળથી સૂચનાઓ ભસે છે. આજીવન ઉઝરડાયેલી સ્ત્રીને જમણેથી ડાબે ધકેલાય છે, જેથી તેની બાંધણી ભરબપોરે ચમક-ચમક થાય. મરદને આજ્ઞા કરાય છે, માથે પૈડાંવાળી બૅગ મૂક, તેની ઉપર છોકરી મૂક. બાળકો ગલોટિયાં ખાય છે ધૂળમાં. માસ્ક સંતોષપૂર્વક જાય છે સલામત અંતરે, ’રેકર્ડ’ની ચાંપ દાબે છે અને પૂછે છે :
કેવું લાગે છે?
ઘર કબ આઓગે?
તમારા છેલ્લા વૉટ્સએપને ચૌદ દિવસ થયા. આપણાં લગ્ન થયાં ત્યારે હું ચૌદની હતી. હવે તમે પહેરેલે કપડે છો. તો શું થયું? કપડાં છે ય શું, સિવાય કે ઓતપ્રોત થવામાં વિઘ્ન?
હું ઉંબરે ઊભી છું, મલમ લઈને, તમારા ઉઝરડાયેલાં તળિયાં સારુ. સાબદા રહેજો, ઘર ભણી આવતા રસ્તા પર લોકો લાઠી લઈને ઊભા છે. છાપરાં ઠેકતાં આવજો. વહાલા, જેમ તમે આવતા હતા, હું તેરની હતી ત્યારે.
મુંબઈની ભીખેસ લાવલા
(સ્મરણ : અરુણ કોલટકર)
મુંબઈએ મને ભિખારી કર્યો.
મેં સર્વસ્વ વેચી માર્યું, બિસ્લેરીની બોટલ માટે.
નામ વગરના નગરમાં બિનસરકારી સંસ્થાઓએ
મને ભાખરી-ગોળ આપ્યાં.
મેં ટ્રકડ્રાઇવરને આપવીતી સુણાવી,
તો વેદ-પુરાણનો હવાલો આપી એણે ચાલતી પકડી.
રોડ પર મળ્યું બીડીનું ઠૂંઠું, નાખ્યું ખિચ્ચે.
આગ્રારોડ આવતાં ચપ્પલના બે ટુકડા.
વિચારતાં મને લાગ્યું, હવે
કદીયે પાછા નથી આવવું.
વૉટસએપ, બીજી મે
હાઈવે છોડ, શહેરમાં જા.
જયમાતાદી ગૅરેજ જોયું? જોયું ન જોયું કર.
(રાતે ૧૦.૧૩)
બજાર સોંસરો જા. ખાલી હશે. સૂંઘીને
જયશ્રીરામ ટીહાઉસ શોધી કાઢ.
(રાતે ૧૦.૧૩)
અહીં અબુલ મતીનનું ચાલે છે. સરખી વાત કરશે
તો આપશે નાનખટાઈ,
એકબે, આદુવાળી ચામાં બોળવા માટે.
(રાતે ૧૦.૧૩)
મન ફાવે તેટલું રહેજે.
મધરાત પહેલાં નીકળી જવું સારું. અને હા,
સાઇરન સંભળાય તો સંતાઈ જજે.
પોલીસવાળો દેખાય તો ભાગજે.
(સવારે ૧૨.૦૧)
અંગ્રેજી પરથી અનુવાદ : ઉદયન ઠક્કર
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 04